બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ને હિંદુવાદી સરકાર કેમ ચૂપ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
શેખ હસીનાને હટાવવા માટે સળગાવાયેલી આગમાં બાંગ્લાદેશ લપેટાઈ ગયું છે. હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે અને અરાજકતા અને અંધાધૂંધી વ્યાપી ગયાં છે. બાંગ્લાદેશમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય ત્યારે હિંદુઓ સોફ્ટ ટાર્ગેટ હોય છે અને આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે. અનામત વિરોધની હિંસા અને આગચંપી વચ્ચે કટ્ટરવાદી મુસ્લિમોએ લઘુમતી હિન્દુઓને નિશાન બનાવીને હુમલા કરવાનું શરૂ કરી દીધું છે.
આ હિંસામાં ૧૦૦થી વધુ હિંદુઓની હત્યા કરી દેવાઈ હોવાનું કહેવાય છે. રંગપુર સીટી કોર્પોરેશનના કાઉન્સિલર હર્ષવર્ધન રોય તેમજ કાજલ રોય એમ બે હિંદુ કાઉન્સિલરોની પણ હત્યા કરાઈ છે. કટ્ટરવાદી મુસ્લિમોનાં ટોળાં શોધી શોધી હિંદુઓને નિશાન બનાવી રહ્યાં છે. હિંદુઓનાં ઘરોને આગ લગાડવામાં આવી રહી છે અને દુકાનો લૂંટાઈ રહી છે.
બાંગ્લાદેશી મીડિયા ડેલી સ્ટારે જ માહિતી આપી છે કે, બાંગ્લાદેશના ૨૭ જિલ્લામાં હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવીને હુમલા કરાયા છે અને કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી છે. મંદિરો પર પણ હુમલા થયા છે અને ચાર મંદિરો સળગાવી દેવાયાં હોવાના
અહેવાલ છે. મહેરપુર ઈસ્કોન મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દેવાઈ હતી તેના તો વીડિયો વાઇરલ થયો છે.
ઓક્યા પરિષદના મહાસચિવ મોનિન્દ્ર કુમાર નાથના દાવા પ્રમાણે તો, બાંગ્લાદેશમાં એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બાકી નથી જ્યાં હિંદુઓ પર હુમલો ન થયો હોય. સતત અલગ-અલગ વિસ્તારોમાંથી હુમલાની માહિતી મળી રહી છે અને હિંદુઓને તેમના ઘરની બહાર ફેંકી દેવામાં આવી રહ્યા છે, માર મારવામાં આવે છે. સંખ્યાબંધ ઘટનાઓની વિગતો પણ મીડિયામાં અપાઈ છે. ગૂગલ પર સર્ચ મારશો તો વિગતો મળી આવશે તેથી બહુ ઊંડાણમાં નથી ઊતરતા પણ હુમલાઓને કારણે હિન્દુઓ ભયના ઓછાયામાં જીવી રહ્યા છે એ કહેવાની જરૂર નથી.
હિંદુઓ પોતાનાં ઘર છોડીને ભાગી રહ્યા છે એવા પણ રિપોર્ટ છે. ભાજપના જ નેતા અને પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ તો દાવો કર્યો છે કે, બાંગ્લાદેશમાંથી એક કરોડ હિંદુ ભાગીને ભારતમાં આવવાના છે તેથી તેમને આશ્રય આપવા માટેની માનસિક તૈયારી રાખવી પડશે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાએ સમગ્ર દુનિયાના હિંદુઓને હચમચાવી દીધા છે ત્યારે આપણા દેશની કહેવાતી હિંદુવાદી સરકાર શું કરી રહી છે એ પણ જાણી લઈએ. બાંગ્લાદેશના હિંદુઓ પર હુમલાના મુદ્દે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિલકુલ ચૂપ છે, ગૃહ મંત્રી અમિત શાહ પણ ચૂપ છે અને ભાજપના બહુમતી નેતા પણ ચૂપ છે. આ ચૂપકીદી વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં બાંગ્લાદેશની સ્થિતિ વિશે નિવેદન આપ્યું. આ નિવેદનમાં ક્યાંય બાંગ્લાદેશના હિંદુઓની હત્યાઓ રોકવા કહેવાતી હિંદુવાદી સરકાર શું કરી રહી છે તેનો ઉલ્લેખ નથી.
વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદન પ્રમાણે, વિરોધ કરી રહેલા આંદોલનકારીઓનો એક જ એજન્ડા હતો કે શેખ હસીના રાજીનામું આપે. શેખ હસીનાએ આર્મીના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો અને તરત જ ભારત આવવાનો નિર્ણય કર્યો હતો. શેખ હસીનાએ વિનંતી કરી હતી કે પોતે થોડો સમય ભારતમાં રહેવા માંગે છે તેથી તેમને ભારતમાં આવવા દેવાયાં છે.
હિંદુવાદી સરકારના વિદેશ મંત્રીએ બાંગ્લાદેશના હિંદુઓનો ઉલ્લેખ પણ કર્યો છે. જયશંકરના કહેવા પ્રમાણે ભારત સતત બાંગ્લાદેશના લશ્કરી અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને બાંગ્લાદેશના હિંદુઓની સુરક્ષાની વ્યવસ્થા કરવા કહેવાયું છે. અત્યારે જે સ્થિતિ છે તેમાં બાંગ્લાદેશની એજન્સીઓ હિંદુઓની રક્ષા નથી કરી રહી એ સ્પષ્ટ છે. ભારત તેની સામે શું કરશે? જયશંકર સર પાસે તેનો કોઈ જવાબ નહોતો.
આ એકદમ સરકારી રાહે અપાયેલો જવાબ છે ને તેમાં હિંદુઓની સુરક્ષા માટે ભારત સરકાર બાંગ્લાદેશ પર દબાણ લાવશે કે બીજું કંઈ કરશે તેનો કોઈ ઉલ્લેખ નથી. બાંગ્લાદેશથી ભાગી રહેલા હિંદુઓને ભારતમાં આશ્રય અપાશે કે નહીં તેની પણ કોઈ વાત નથી. નામ માત્રના ઉલ્લેખ સિવાય બાંગ્લાદેશની કટોકટીમાં હિંદુઓ ક્યાંય ચિત્રમાં જ ના હોય એવું નિવેદન જયશંકરે ફટકારી દીધું છે.
મોદી સરકારનું આ વલણ આઘાતજનક છે. બાંગ્લાદેશ સહિતના ભારતના પાડોશી દેશોના હિંદુઓને ભારતમાં નાગરિકતા આપવા માટે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) બનાવાયો ત્યારે ભાજપના નેતા ફૂંફાડા મારતા હતા કે, ભારતના પાડોશી દેશોમાં હિંદુઓ પર અત્યાચાર થાય ને ભારતની સરકાર ચૂપચાપ તમાશો જોયા કરે એ શક્ય નથી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતે સંસદમાં આ ડાયલોગ ફટકારેલો.
હવે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતા ને મંત્રીઓ બધા બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી ગયા છે. હિંદુઓને બચાવવા માટે કશું કરવાની વાત તો છોડો પણ તેમના માટે સહાનુભૂતિના બે શબ્દો બોલવાની પણ તેમની તૈયારી નથી. હિંદુઓ પરના અત્યાચાર સામે ચૂપ નહીં રહીએ એવું કહેનારાંના મોંમાંથી હવા પણ નીકળતી નથી.
સીએએ વખતે ભાજપ સરકારનાં ઓવારણાં લેતાં જે ભક્તો થાકતા નહોતા એ બધા પણ ચૂપ છે. હરામ બરાબર કોઈ એવું કહેવા પણ તૈયાર હોય તો કે, મોદી સરકારે બાંગ્લાદેશના હિંદુઓને બચાવવા માટે પોતાનું લશ્કર મોકલવું જોઈએ. આપણા માનનિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી વખતે હિંદુઓને બિવડાવતા હતા કે, મુસ્લિમો હિંદુઓનાં ઘરોમાં ઘૂસીને બહેન-દીકરીઓનાં મંગળસૂત્ર સુધ્ધાં છિનવી લેશે. હવે બાંગ્લાદેશમાં એ જ થઈ રહ્યું છે ત્યારે તેમની બોલતી બંધ છે. કટ્ટરવાદી મુસ્લિમો હિંદુઓનાં ઘરોમાં ઘૂસીને તેમને મારી રહ્યા છે, તેમનાં ઘરો સળગાવી રહ્યા છે ને આપણી કહેવાતી હિંદુવાદી સરકાર સાવ ચૂપ છે.
બાંગ્લાદેશની ઘટનાએ આ કહેવાતી હિંદુવાદી સરકારનો અસલી ચહેરો ફરી લોકો સામે છતો કર્યો છે. ભાજપને હિંદુત્વના નામે લોકોને ભરમાવીને મત માગવા સિવાય કશામાં રસ નથી તેનો આ વધુ એક પુરાવો છે. હિંદુઓએ આ વાત સમજવાની જરૂર છે. જે લોકો બીજા દેશમાંથી ભાગીને અહીં આવી ગયા તેમને નાગરિકતાનું કાગળિયું પકડાવી દેવાથી હિંદુત્વના ઠેકેદાર ના બનાય, હિંદુઓની રક્ષા પણ કરવી પડે ને તેના માટે જરૂર પડે તો હથિયાર પણ ઉઠાવવાં પડે.