નાગાલેન્ડમાં યુસીસી વિરોધી ઠરાવ સામે ભાજપ કેમ ચૂપ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભાજપ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાવવાની વાતો કરી રહ્યો છે અને તેનો વિરોધ કરી રહેલાંની ઝાટકણી કાઢી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સક્રિય ભક્તોની ફૌજ તો યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો વિરોધ કરનારાંને મુસલમાનોના દલાલ અને દેશવિરોધી પણ ગણાવી રહ્યા છે ત્યારે હમણાં એક રસપ્રદ ઘટના બની.
નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)ની સરકાર છે અને મુખ્યમંત્રી પદે નેફ્યૂ રિયો છે. એનડીપીપી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો હિસ્સો છે અને ભાજપ મુખ્યમંત્રી નેફ્યૂ રિયોની સરકારમાં ભાગીદાર પણ છે. નાગાલેન્ડ વિધાનસભાએ હમણાં સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો કે, કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો નાગાલેન્ડમાં અમલ ના કરાય. વિધાનસભાએ બીજો પણ એક ઠરાવ પસાર કર્યો છે કે, ફોરેસ્ટ ક્ધઝર્વેશન (એમેડમેન્ટ) એક્ટનો પણ નાગાલેન્ડમાં અમલ ના કરાય.
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો આ સીધો વિરોધ છે ને આ વિરોધમાં ભાજપ પણ ભાગીદાર છે કેમ કે, વિધાનસભામાં સર્વસંમતિથી થયેલા ઠરાવમાં ભાજપના ધારાસભ્યોએ પણ સૂર પુરાવ્યો હતો, આ ઠરાવની તરફેણમાં મત આપ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અમલ પોતાના રાજ્યમાં નહીં કરવાના ઠરાવને ટેકો આપ્યો એ બદલ ભાજપે કોઈ પગલાં તો લીધાં નથી જ પણ એક હરફ પણ ઉચ્ચાર્યો નથી.
સોશિયલ મીડિયા પર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) મુદ્દે હાકલા પડકારા કર્યા કરતી નવરી જમાત પણ ચૂપ છે. એ લોકોને તો નાગાલેન્ડ વિધાનસભામાં આવો ઠરાવ પસાર થયો હશે તેની પણ ખબર નહીં હોય કેમ કે એ લોકો તો ભાજપની નેતાગીરી જે ચૂરણ ચટાડે એ ચાટીને ઓકવાનું કામ કરે છે. ભાજપના નેતા આ મુદ્દે બોલતા નથી તેથી સોશિયલ મીડિયાના કૂવામાંના એ દેડકાઓને બહાર શું બન્યું તેની ખબર જ નહીં હોય.
ખેર, એ કૂપમંડુકોની વાત કરીને સમય બગાડવા જેવો નથી કેમ કે મૂળ મુદ્દો ભાજપનાં બેવડાં ધોરણોનો છે. ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાવવાની જોરશોરથી વાતો કરે ને તેમની જ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) વિરોધી ઠરાવ પસાર કરે તેને શું કહેવાય ? અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું.
બીજા કોઈ કૉંગ્રેસ કે ભાજપ વિરોધી પક્ષનું શાસન હોય એવા રાજ્યમાં આવો ઠરાવ પસાર થયો હોત તો અત્યાર લગી તો ભાજપની નેતાગીરીઓએ આભ તૂટી પડ્યું હોય એવો દેકારો મચાવી દીધો હોત પણ અત્યારે ભાજપની બોલતી બંધ છે. કારણ? અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું.
આ વલણ એ વાતનો પણ પુરાવો છે કે, ભાજપ માટે સિદ્ધાંતો નહીં પણ સત્તા મહત્ત્વની છે. સત્તાને ખાતર ભાજપ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરનારાંનો તળવાં પણ ચાટી શકે છે તેનો આ પુરાવો છે. ભાજપને સિદ્ધાંત વહાલા હોય તો તેણે સ્પષ્ટ રીતે મેસેજ આપવો જોઈએ કે, યુસીસી મુદ્દે ભાજપ કોઈ બાંધછોડ નહીં કરે, ભલે અમારા ધારાસભ્યો કેમ ના હોય. ભાજપે એવો મેસેજ આપવાના બદલે ચૂપકીદી સાધી છે.
ભાજપે હિંદુ આદિવાસીઓને ખાતર નાગાલેન્ડમાં યુસીસીનો અમલ નહીં કરવાનું વલણ અપનાવ્યું હોત તો પણ એમ માનીને મન મનાવીએ કે, હિંદુત્વના ખાતર ભાજપ આ બાંધછોડ કરી રહ્યો છે પણ એવું જરાય નથી. નાગાલેન્ડમાં ૮૮ ટકા પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે તેથી યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ના થાય તેનો ફાયદો હિંદુ આદિવાસીઓને નહીં પણ ખ્રિસ્તીઓને થવાનો છે. મતલબ કે સત્તાને ખાતર ખ્રિસ્તીઓને પંપાળીને પણ ભાજપ યુસીસીમાં બાંધછોડ મુદ્દે તૈયાર છે.
ફોરેસ્ટ ક્ધઝર્વેશન (એમેડમેન્ટ) એક્ટ વિવાદાસ્પદ છે ને તેના કારણે જંગલોનો નાશ થશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ સંજોગોમાં નાગાલેન્ડ વિધાનસભાએ ફોરેસ્ટ ક્ધઝર્વેશન (એમેડમેન્ટ) એક્ટનો અમલ નહીં કરવાનો ઠરાવ કર્યો ને ભાજપના ધારાસભ્યોએ તેને ટેકો આપ્યો એ સમજી શકાય કેમ કે વાત રાજ્યનાં હિતની છે. યુસીસીનો વિરોધ તો આદિવાસી પરંપરાના નામે ચોખ્ખેચોખ્ખું ખ્રિસ્તીઓનું તુષ્ટિકરણ છે ને દેશના હિતમાં પણ નથી એ જોતાં ભાજપ તેના વિરોધને સાંખી લે છે એ આઘાતજનક કહેવાય.
નાગાલેન્ડમાં યુસીસીનો અમલ કરવા સામેનો વિરોધ પાછો નવો નથી કે જેથી રાતોરાત આ ઠરાવ લાવી દેવાયો હોય ને ભાજપની નેતાગીરી ઉંઘતી ઝડપાઈ હોય. વાસ્તવમાં ત્રણેક મહિના પહેલાં જ મુખ્યમંત્રી નેફ્યૂ રિયોના નેતૃત્વમાં ૧૨ સભ્યોનું નાગાલેન્ડ સરકારનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળેલું.
આ બેઠકનું કારણ નાગાલેન્ડ ટ્રાન્સપરન્સી પબ્લિક રાઈટ્સ એડવોકેસી એન્ડ ડાયરેક્ટ-એક્શન ઓર્ગેનાઈઝેશન (ગઝઙછઅઉઅઘ)ની ધમકી હતી. આ સંગઠને ધમકી આપેલી કે, નાગાલેન્ડ વિધાનસભા બહારના એટલે કે કેન્દ્રની ભાજપ સરકારના દબાણને વશ થઈને યુસીસીની તરફેણમાં બિલ પસાર કરશે તો તમામ ૬૦ ધારાસભ્યનાં સત્તાવાર નિવાસોને આગ લગાવી દેવામાં આવશે. આ ધમકીથી ફફડી ગયેલા નેતાઓ શાહની શરણમાં દિલ્હી દોડી ગયેલા.
આ બેઠક પછી રીયોએ જાહેરાત કરેલી કે, શાહે તેમને આશ્ર્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડના દાયરામાંથી ખ્રિસ્તીઓ અને આદિવાસી ક્ષેત્રોના અમુક હિસ્સાને છૂટ આપવા અંગે વિચારી રહી છે. રાજ્ય સરકારે સત્તાવાર રીતે આ જાહેરાત કરી ને એ વખતે પણ કેન્દ્ર સરકારે કે ગૃહ મંત્રાલયે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
નાગાલેન્ડ વિધાનસભાના ઠરાવ પ્રમાણે, નાગાલેન્ડ એક ખ્રિસ્તી રાજ્ય છે અને બંધારણની કલમ ૩૭૧(અ) પ્રમાણે રાજ્યનાં લોકોની ધર્મની બાબતમાં કેન્દ્ર કોઈ દખલ નહીં કરી શકે. આ દલીલ તો મુસલમાનોને પણ લાગુ પડે ને બીજાં ધર્મનાં લોકોને પણ લાગુ પડે કેમ કે બંધારણમાં તો બધાં માટે પર્સનલ લો છે.
યુસીસીનો અમલ કરવાનો આવે ત્યારે એ બધું નાબૂદ થવાનું જ છે તેથી નાગાલેન્ડને લગતી કલમ પણ નાબૂદ કરી જ શકાય પણ નાગાલેન્ડના રાજકારણીઓ એવું નથી ઈચ્છતા ને ભાજપ તેમાં સૂર પુરાવી રહ્યો છે. રિયો ભાજપના નથી તેથી ભાજપ તેમને કશું ના કરી શકે પણ પોતાના ધારાસભ્યો સામે તો પગલાં લઈ શકે પણ ભાજપ એ કરવા પણ તૈયાર નથી તેનો મતલબ શો?