એકસ્ટ્રા અફેર

કાશ્મીરમાં મસરતની પાર્ટી પર પ્રતિબંધ કેમ જરૂરી?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરમાં ફરી રાજકીય પ્રક્રિયા શરૂ કરવા માગે છે ત્યારે કેટલાંક પરિબળો કાશ્મીરને ફરી ભડકે બાળવાની ફિરાકમાં છે. આ સંગઠનોમાં મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રૂપ) મુખ્ય છે કે જે કાશ્મીરમાં ભારત વિરોધી પરિબળોને ભડ઼કાવીને તોફાનો કરાવવા ફાંફાં મારી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશ વિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ જોર પકડે એ પહેલાં સાવચેતી વાપરીને મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રૂપ) પર પ્રતિબંધ મૂકી દીધો છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરેલી જાહેરાત પ્રમાણે, મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રૂપ) રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી આ સંગઠન પર અનલોફુલ એક્ટિવિટીઝ પ્રીવેન્શન એક્ટ (ઞઅઙઅ) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શાહના કહેવા પ્રમાણે, મસરત આલમ ગ્રૂપના સભ્યો આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા સિવાય લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરવાની પ્રવૃત્તિમાં પણ સામેલ છે તેથી પ્રતિબંધ મૂકી દેવાયો છે.

જમ્મુ અને કાશ્મીરમાં કોઈ સંગઠન દેશવિરોધી પ્રવૃત્તિ કે બીજા ધંધામાં સામેલ હોય એ નવી વાત નથી. તેમના પર પ્રતિબંધ મૂકાય એ પણ નવી વાત નથી પણ મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રૂપ) પર પ્રતિબંધ મોટી વાત છે કેમ કે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા બે દાયકામાં ભારતને પરેશાન કરનારા જે નેતા આવ્યા તેમાં મસરત આલમ સૌથી ખતરનાક છે કેમ કે કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થાપવામાં જે લોકો મુખ્ય અવરોધરૂપ છે તેમાં મસરત આલમ મુખ્ય છે. મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર સંગઠનની રચના આ મસરત આલમ ભાટે કરેલી છે.

મસરત આલમ ૫૦ વર્ષનો છે અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ)એ તેની સામે આતંકવાદી ફંડિંગ કેસમાં કેસ કર્યો હોવાથી મસરત ૨૦૧૯થી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે પણ તેનું નેટવર્ક સક્રિય છે. કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો છે એ ખતરનાક છે. પાકિસ્તાનના ઈશારે ભારતમાં આતંકવાદ ફેલાવતાં સંગઠનો લોકોને મારે છે, અશાંતિ ફેલાવે છે તેથી તેમને ખતરનાક ગણવાં જ પડે પણ મસરત આલમ તેમના કરતાં પણ ખતરનાક છે કેમ કે મસરત કાશ્મીરનાં લોકોને ભારતની વિરુદ્ધ કરે છે, કાશ્મીરના યુવાનોને ભારત સામે ઊભા કરે છે.

આ કારણે કાશ્મીરનાં મુસલમાનોનો એક મોટો વર્ગ આતંકવાદીઓ તરફ સહાનુભૂતિ ધરાવે છે, આતંકવાદીઓને મદદ કરે છે. કાશ્મીરમાં ભારત તરફ લોકો પર માત્ર આતંકવાદીઓ જ હુમલા કરે છે એવું નથી પણ એક ચોક્કસ વર્ગ શાંતિપૂર્ણ દેખાવોના નામે સતત ઉધામા કર્યા કરે છે, લશ્કર પર પથ્થરમારો કર્યા કરે છે ને બીજા પણ ધંધા કર્યા કરે છે. તેના કારણે કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થપાતી જ નથી.

મસરત આલમની ઉંમર ૫૦ વરસની છે ને છેલ્લાં ૩૨ વરસથી એ કાશ્મીરના રાજકારણમાં સક્રિય છે. આ ૩૨ વરસમાંથી મોટા ભાગનો સમય તેણે જેલમાં કાઢ્યો છે. કાશ્મીરીઓ પોતે તેને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો પોસ્ટર બોય ગણાવે છે તેથી કાશ્મીરમાં જે પણ સરકાર આવે, પહેલું કામ આલમને અંદર કરવાનું કરે છે.

કાશ્મીર ખીણમાં ભારત વિરોધી ઝેર લોકોના માનસમાં ભર્યા કરતી હુર્રિયત કોન્ફરન્સના નેતા હઝરત શાહ ગિલાનીના પટ્ટશિષ્ય એવા મસરત આલમનો પક્ષ પાકિસ્તાનની સહાયથી જોરશોરથી ચાલે છે. ગિલાની જે રીતે ભારતનું ખાઈને આખી જીંદગી ભારતનું ખોદતા રહ્યા એ રીતે મસરત આલમ પણ ભારતમાં પડ્યોપાથર્યો રહીને ભારતની મેથી મારે છે. તેના કારણે એક સમયે તેને હુર્રિયત કોન્ફરન્સનો ભાવિ ચેરમેન માનવામાં આવતો હતો.

મસરત આલમ ૧૯૮૦ના દાયકાથી સક્રિય હોવાથી જેલની આવનજાવન ચાલુ થઈ ગયેલી. ૧૯૯૯માં તેને જેલમાં ધકેલાયો પછી દસ વરસ જેલમાં રહેલો. ૨૦૦૯માં નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા કૉંગ્રેસના ટેકાથી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે મતબૅન્કની લાલચમાં મસરત આલમને છોડી મૂકેલો. કૉંગ્રેસે મસરતને છોડવા સામે કકળાટ કરી મૂકેલો પણ કાશ્મીર ખીણમાં પોતાનો પગદંડો જમાવવાની લ્હાયમાં ઓમર કૉંગ્રેસને ઘોળીને પી ગયા ને મસરતને છોડી મૂક્યો.

મસરતે જેલમાંથી છૂટતાં જ જાત બતાવીને કાશ્મીર ખીણમાં ભડકો કરાવી દીધો. મસરતે બેફામ ભારત વિરોધી નિવેદનો ફટકારવા માંડ્યાં. તેણે ભારત વિરોધી લોકોને રસ્તા પર ઉતારીને પોલીસ ને લશ્કર પર પથ્થરમારો કરાવીને તેમને ભગાડવાની વ્યૂહરચના અમલમાં મૂકેલી. તેના કારણે કાશ્મીરમાં મોટા પાયે તોફાન ભડક્યાં ને ૧૨૦ નિર્દોષ લોકોએ જીવ ખોયા હતા. કાશ્મીરમાં જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. આટલી ખુવારી પછી ઓમરને ભાન થયું કે મસરતને છોડીને ભૂલ કરી છે તેથી મસરતને અંદર કરી દીધો. મસરત અંદર જતાં જ બધું ધીરે ધીરે થાળે પડી ગયું.

૨૦૧૫માં મુફતી મોહમ્મદ સઈદે એ જ ભૂલ કરી. માર્ચ ૨૦૧૫માં ભાજપના ટેકાથી મહેબૂબા મુફતીના પિતા મુફતી મોહમ્મદ સઈદ કાશ્મીરના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ગાદી પર બેઠાના પહેલા જ મહિને ભાજપને સાવ કોડીનો કરી મૂકીને મસરત આલમને જેલમાંથી છોડી મૂકેલો. મુફતીના આ નિર્ણયથી બઘવાઈ ગયેલા ભાજપ ને કૉંગ્રેસ બંનેએ મસરત આલમને છોડવા સામે કાગારોળ મચાવી દીધેલી પણ મુફતીએ તેમની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખેલી. ભાજપ સાથી પક્ષ હતો છતાં મસરત આલમને છોડતાં પહેલાં તેને પૂછવાનું સૌજન્ય બતાવવાની પણ તેમણે પરવા નહોતી કરી. મસરત છૂટ્યો પછી ભાજપે કકળાટ કર્યો પણ મુફતી તેમની વાત સાંભળવા સુદ્ધાં તૈયાર નહોતા.

મસરતે બહાર આવીને ફરી પથ્થરમારો શરૂ કરાવી દીધો. કાશ્મીર ભારતનો નહીં પણ પાકિસ્તાનનો પ્રદેશ હોય એવો માહોલ કાશ્મીર ખીણમાં પેદા કરી દીધો હતો. મસરત જેલમાંથી છૂટીને બહાર આવ્યો ત્યારે શ્રીનગરમાં ભવ્ય સરઘસ નીકળ્યું તેમાં ખુલ્લેઆમ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, પાકિસ્તાનના ઝંડા ફરકાવાયા. એ પછી ભારતીય લશ્કર ને પોલીસને પથ્થરો મારી મારીને ભગાડી મૂકવાનો ખેલ ફરી શરૂ થઈ ગયો. છેવટે ભાજપે લાલ આંખ કરતાં મુફતીએ મસરતને અંદર કરી દીધો પણ એ પહેલાં તેણે કાશ્મીરનો માહોલ એકદમ ખરાબ કરી દીધેલો.

ભાજપ શાણપણ વાપરીને મહેબૂબાની ચુંગાલમાંથી છૂટ્યો પછી મસરતને જેલમાં ધકેલી દીધો પણ તેના પોઠિયા હજુ બહાર ફરે છે. કાશ્મીરમાં ચૂંટણી કરાવવાની સરકારની યોજના છે ત્યારે એ બધા તોફાન કરીને માહોલ ના બગાડે એટલે તેમને અંકુશમાં લેવા જરૂરી હતા. મોદી સરકારે મસરતની પાર્ટી પર પ્રતિબંધ મૂકીને એ જ કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત