રાહુલ માટે રાયબરેલીમાં જીતવું કેમ જરૂરી ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
રાહુલ ગાંધી ફરી અમેઠી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે કે નહીં અને સોનિયા ગાંધીએ ખાલી કરેલી રાયબરેલી લોકસભા બેઠક પરથી કોને ઉતારાશે એ બંને સવાલનો જવાબ કૉંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલીમાંથી ટિકિટ આપીને આપી દીધો. પ્રિયંકા ગાંધી રાયબરેલી લોકસભા બેઠક પરથી લડીને ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને રોબર્ટ વાડરા અમેઠીમાંથી ઉભા રહી શકે એવી અટકળો પણ ચાલતી હતી. કૉંગ્રેસે આ અટકળો પર પણ પૂર્ણવિરામ મૂકી દીધું છે. હાલ પૂરતાં પ્રિયંકા ગાંધીને ક્યાંયથી ટિકિટ અપાઈ નથી જ્યારે અમેઠીમાંથી લડવા થનગનતા કૉંગ્રેસ નહેરુ-ગાંધી ખાનદાનના જમાઈરાજ રોબર્ટ વાડરાના ઉત્સાહ પર પણ પાણી ફેરવી દેવાયું છે.
કૉંગ્રેસે અમેઠી પર કૉંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે નહેરુ-ગાંધી ખાનદાનના ના હોય એવા પણ આમ પાછા ખાનદાનના ખાસ એવા કિશોરીલાલ શર્માને ટિકિટ આપી છે. કે.એલ. શર્મા તરીકે જાણીતા કિશોરી લાલ શર્મા સોનિયા ગાંધીના નજીકના નેતા છે અને નહેરુ-ગાંધી ખાનદાનના વફાદાર ગણાય છે. મૂળ પંજાબના લુધિયાણાના કે.એલ. શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં રહે છે અને અત્યારે પણ રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે પણ રાહુલ અમેઠીના સાંસદ હતા ત્યારે અમેઠીમાં પણ તેમણે કામ કરેલું. આ કારણે તેમને અમેઠી સાથે સીધી કંઈ લેવાદેવા નથી એવું લાગે પણ અમેઠીમાં તેમના વ્યાપક સંપર્કો છે જ. રાયબરેલી અને અમેઠી વચ્ચે ૬૦ કિલોમીટરનું જ અંતર છે. શર્માના રાયબરેલીમાં પણ વ્યાપક સંપર્કો છે તેથી રાયબરેલીમાંથી કાર્યકરોનાં ધાડાં ઉતારીને એ પૂરી તાકૉંતથી લડી શકે છે અને કૉંગ્રેસને એ ફરી અમેઠી બેઠક પાછી અપાવી શકે છે.
અમેઠી બેઠક પર શર્માને ઉતારવાનો નિર્ણય કૉંગ્રેસ માટે લાગ્યું તો તીર નહીં તો તુક્કો જેવો છે. અમેઠીની બેઠકને પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવવાના બદલે ખાનદાને શર્માને ઉતારીને સેફ ગેઈમ રમવાનું પસંદ કરીને શાણપણ વાપર્યું છે. શર્મા જીતી જાય તો સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને નહેરુ-ગાંધી ખાનદાનનું નાક વાઢી લીધું તેનો બદલો લેવાઈ જશે ને શર્મા હારી જાય તો કૉંગ્રેસે કશું ગુમાવવાનું નથી.
અલબત્ત રાયબરેલીને એ સિધ્ધાંત લાગુ પડી શકે તેમ નથી કેમ કે રાયબરેલી કૉંગ્રેસ અને નહેરુ-ગાંધી ખાનદાનનો ઉત્તર પ્રદેશમાં છેલ્લો ગઢ છે. નરેન્દ્ર મોદીની આંધીમાં યુપીમાં કૉંગ્રેસ સાવ પતી ગઈ પણ રાયબરેલી સચવાયું છે. ઉત્તર પ્રદેશની લોકસભા અને વિધાનસભાની છેલ્લી બંને ચૂંટણીમાં કૉંગ્રેસ સાવ ધોવાઈ ગઈ છે અને ઈજજતનો કચરો થઈ જાય એવો દેખાવ કર્યો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૭૩ બેઠકો જીતીને સપાટો બોલાવેલો. એ વખતે કૉંગ્રેસને ગણીને બે બેઠકો મળેલી. અમેઠી અને રાયબરેલી એ બે કૉંગ્રેસના ગઢ સચવાયેલા, બાકીનું બધું મોદીની આંધીમાં જતું રહેલું.
૨૦૧૪માં મોદીના નામની લહેરના ત્રણ વરસ પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસના બુરા હાલ થયેલા. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ કૉંગ્રેસ સાથે જોડાણ કરેલું. વિધાનસભાની કુલ ૪૦૩ બેઠકોમાં અખિલેશ યાદવની પાર્ટીએ ૩૦૩ જ્યારે કૉંગ્રેસે ૧૦૦ બેઠકો પર ઝંપલાવેલું. કૉંગ્રેસના તેમાંથી ગણીને ૭ નમૂના ચૂંટાયા હતા. અખિલેશનો સાથ હતો છતાં કૉંગ્રેસને ગણીને ૭ બેઠકો મળી એ જોતાં કૉંગ્રેસ એકલા હાથે લડી હોત તો શું થાત તેની કલ્પના પણ કરી શકાય એમ નથી.
કૉંગ્રેસના ૨૦૧૯ અને ૨૦૨૨માં આ બંને ચૂંટણી કરતાં પણ ખરાબ હાલહવાલ થયેલા. કૉંગ્રેસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે એક માત્ર રાયબરેલીની બેઠક જીતી હતી જ્યારે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૨ બેઠકો જીતી હતી. આરાધના મિશ્રા અને વીરેન્દ્ર ચૌધરી એ બે કૉંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતા. આ બંને ઉમેદવાર પોતાની વ્યક્તિગત તાકાત પર ચૂંટાયા છે. આરાધના મિશ્રા મોના યુપીમાં બ્રાહ્મણોના સર્વમાન્યા નેતા પ્રમોદ તિવારીનાં દીકરી છે તેથી જીતે છે જ્યારે વીરેન્દ્ર ચૌધરી જાટ નેતા તરીકે જીતેલા તેથી કૉંગ્રેસનું તેમની જીતમાં કોઈ યોગદાન નથી.
રાયબરેલીમાં પહેલેથી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે અને આ કારણે જ સોનિયા રાજકારણમાં આવેલાં ત્યારે આ બેઠક પસંદ કરેલી. સોનિયાએ કૉંગ્રેસમાં એન્ટ્રી કરી પછી ૧૯૯૯માં પહેલી વાર અમેઠીમાંથી ચૂંટણી લડીને સરળતાથી જીતેલાં. ૨૦૦૪માં દીકરા રાહુલ માટે અમેઠી બેઠક ખાલી કરીને સોનિયા રાયબરેલી બેઠક પરથી લડ્યાં અને જીત્યાં પછી અત્યાર સુધી રાયબરેલીનાં સાંસદ રહ્યાં. સોનિયા રાયબરેલીમાંથી ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ એમ સળંગ ચાર વાર જીત્યાં છે. ભાજપની નરેન્દ્ર મોદીની આંધીમાં પણ સોનિયા હાર્યાં નહીં અને ૨૦૧૪ તથા ૨૦૧૯માં બંને વાર દોઢ લાખથી વધારે મતે જીત્યાં હતાં.
આ કારણે રાહુલ માટે રાયબરેલીનો ગઢ જાળવવો જરૂરી છે પણ એ સરળ નથી. રાયબરેલી લોકસભા બેઠક માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના કેબિનેટ મંત્રી દિનેશ પ્રતાપ સિંહ રાયબરેલીમાં ભાજપના ઉમેદવાર છે તેથી રાહુલ વર્સીસ દિનેશની ટક્કર છે. દિનેશ પ્રતાપ સિંહ હાલમાં વિધાન પરિષદના સભ્ય છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે સોનિયા ગાંધી સામે દિનેશ પ્રતાપ સિંહને ઉતાર્યાં હતા પણ સોનિયા ગાંધી સામે સિંહ જોરદાર ટક્કર આપીને હારી ગયા હતા.
દિનેશ પ્રતાપ સિંહ એક સમયે કૉંગ્રેસી જ હતા ને સોનિયા ગાંધીની નજીક પણ હતા. ૬ વર્ષ પહેલાં સુધી દિનેશ પ્રતાપ સિંહ ગાંધી પરિવારના ખાસ માણસોમાં ગણાતા હતા. ૨૦૧૮માં તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપે તેમને સોનિયા સામે ઉમેદવાર બનાવ્યા હતા. દિનેશ પ્રતાપ સિંહ સ્થાનિક નેતા છે અને રાયબરેલીના રાજકારણ અને જ્ઞાતિનાં સમીકરણોને સારી રીતે સમજે છે.
દિનેશ પ્રતાપ સિંહને પાંચ ભાઈઓ છે, જેમાંથી ત્રણ રાજકારણમાં સક્રિય છે. દિનેશ પ્રતાપ સિંહના એક ભાઈ રાકેશ સિંહ કૉંગ્રેસની ટિકિટ પર ૨૦૧૭માં હરચંદપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બીજા ભાઈ અવધેશ સિંહ રાયબરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. આ રીતે તેમના જીવંત સંપર્કો છે તેથી રાહુલ માટે રાયબરેલીમાં જીતવું સરળ નથી.
ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલી કૉંગ્રેસના ગઢ મનાતા હતા પણ રાહુલે અમેઠીનો ગઢ ગુમાવ્યો. હવે રાયબરેલીમાં પણ હારશે તો રાહુલ નેતા તરીકે ચાલે એમ જ નથી એ સાબિત થઈ જશે તેથી રાહુલે જીતવું
જરૂરી છે.