સંજયસિંહ પર ઈડી અચાનક મહેરબાન કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર એક્સાઈઝ નીતિમાં થયેલા કહેવાતા કૌભાંડના કેસમાં તિહાર જેલમાં તળિયાં તપાલી રહ્યા છે ત્યારે આ જ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા. સંજયસિંહે પણ છ મહિના સુધી જેલમાં તળિયાં તપાવવાં પ઼ડ્યાં અને ધરપકડ થયાના છ મહિના પછી તેમને જામીન મળ્યા છે. સંજયસિંહ સામે બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો. આ આરોપસર સંજયસિંહની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં ૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી એ જોતાં બરાબર છ મહિનાનો જેલવાસ ભોગવ્યા પછી એ બહાર આવ્યા છે.
સંજયસિંહના જામીનમાં બે આશ્ર્ચર્યજનક વાત જોવા મળી. પહેલી આશ્ર્ચર્યજનક વાત એ કે સંજયસિંહની ધરપકડ કરનારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સુપ્રીમ કોર્ટમાં સંજયસિંહની જામીન અરજીનો કોઈ વિરોધ ના કર્યો. બલકે એમ કહ્યું કે, સંજયસિંહની મુક્તિ સામે કોઈ વાંધો નથી. સુપ્રીમ કોર્ટે ઇડીને સવાલ કરેલો કે, દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કથિત કૌભાંડમાં સંજયસિંહને વધુ સમય માટે કસ્ટડીમાં રાખવાની જરૂર છે? જવાબમાં ઈડીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, સંજયસિંહને દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં જામીન મળતા હોય તો ઈડીને તેની સામે કોઈ વાંધો નથી. આમ આદમી પાર્ટીના નેતાઓને શોધી શોધીને જેલમાં નાંખી રહેલી ઈડી અચાનક જ સંજયસિંહ પર આટલી મહેરબાન કેમ થઈ ગઈ એ સવાલ થવો સ્વાભાવિક છે, પણ તેની વાત કરતાં પહેલાં સંજયસિંહની જામીન સાથે સંકળાયેલી બીજી આશ્ર્ચર્યજનક વાતની વાત કરી લઈએ.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે સંજયસિંહને જામીન આપતી વખતે એવી ટીપ્પણી કરી કે, સંજયસિંહને જામીન આપવામાં અપાયેલી રાહતને પ્રીસીડન્ટ એટલે કે જેને અનુસરી શકાય એવું ઉદાહરણ ના ગણવું જોઈએ. મતલબ કે, સંજયસિંહને જામીન મળ્યા છે તેના આધાર પર આમ આદમી પાર્ટીના લિકર સ્કેમના બીજા આરોપીઓને પણ જામીન મળી જશે એવું ના માનતા.
સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણીએ સવાલ પેદા કર્યો છે કે, સુપ્રીમ કોર્ટ સંજયસિંહ પર મહેરબાની બતાવી રહી છે કે કાયદા પ્રમાણે વર્તી રહી છે? સંજયસિંહને મેરીટ પર જામીન મળ્યા છે કે પછી કોઈની મહેરબાનીથી જામીન મળ્યા છે? સંજયસિંહના વકીલ અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરી હતી કે, સંજયસિંહ દ્વારા મની લોન્ડ્રીંગ કરાયું હોય તેના કોઈ પુરાવા મળ્યા નથી. સંજયસિંહે કોઈની પાસેથી નાણાં લીધાં એ સાબિત થયું નથી ને એ નાણાં ક્યાં ગયાં એ ઈડી શોધી શકી નથી. અંગ્રેજીમાં જેના માટે મની ટ્રેઇલ એટલે કે નાણાંનું પગેરું કહેવાય છે એ પણ શોધી શકાયું નથી. આમ છતાં સંજયસિંહ ૬ મહિનાથી જેલમાં છે. આ સંજોગોમાં તેમને જામીન મળવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આ દલીલને માન્ય રાખીને જામીન આપ્યા છે કે પછી બીજાં કોઈ કારણસર જામીન આપ્યા છે?
સુપ્રીમ કોર્ટનો સંજયસિંહને જામીનનો નિર્ણય પ્રીસીડન્ટ ના બનવો જોઈએ એ ટીપ્પણી પણ ખટકે એવી છે. સુપ્રીમ કોર્ટ આ દેશમાં ન્યાયતંત્રમાં સર્વોપરિ છે. સુપ્રીમ કોર્ટ દેશના કોઈ પણ કાયદા કે બંધારણીય જોગવાઈનું અર્થઘટન કરવા માટે સર્વોપરિ અદાલત છે. કાયદા કે બંધારણીય જોગવાઈ અંગે જ નહીં પણ કોઈ પણ કેસમાં સુપ્રીમ કોર્ટ એજન્સીઓની કામગીરી કે બીજા કોઈ પણ મુદ્દા અંગે જે પણ નિર્ણય લે તેને નીચલી અદાલતો અનુસરતી હોય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા ટાંકવામાં આવતા હોય છે ને તેના આધારે નિર્ણયો લેવાતા હોય છે.
આ સ્થાપિત પરંપરા છે ત્યારે લિકર કેસમાં સુપ્રીમ કોર્ટે પોતે જે વાત સંજયસિંહના કેસમાં સ્વીકારી છે એ વાત આ કેસના બીજા આરોપીઓને લાગુ ના પડે એ કેવું? સુપ્રીમ કોર્ટે પોતે સંજયસિંહને મની ટ્રેઇલ નથી મળી એ આધાર પર જામીન આપ્યા હોય તો બીજા આરોપીઓને પણ એ આધાર પર જામીન મળવા જોઈએ. ન્યાયતંત્ર માટે તો બધા સરખું છે એ જોતાં સંજયસિંહના કિસ્સામાં એક નિયમ લાગુ પડે ને બીજા આરોપીઓના કિસ્સામાં બીજો નિયમ લાગુ પડે એ યોગ્ય નથી. સંજયસિંહની જેમ મનિષ સિસોદિયા કે અરવિંદ કેજરીવાલના કેસમાં પણ મની ટ્રેઇલ ના મળે તો તેમને પણ જામીન મળવા જ જોઈએ ને? સુપ્રીમ કોર્ટ પોતે જ પોતે આપેલા ચુકાદાને નહીં અનુસરવાની વાત કરી રહી છે એ સમજાય એવું નથી.
સંજયસિંહના જામીનને કારણે લિકર સ્કેમમાં લિકર કેસ સાથે સંકળાયેલો સૌથી મહત્વનો સવાલ પાછો આવીને ઊભો રહી ગયો છે. ઈડી લિકર સ્કેમમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો, ૧૦૦ કરોડ રૂપિયા કેજરીવાલને આપ્યા ને આટલા કરોડ આને આપ્યા એવી વાતો કરે છે પણ ઈડી બીજી કોઈ પણ એજન્સી લિકર સ્કેમમાં લાંચ પેટે અપાયેલા અબજો રૂપિયા ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા તેનું પગેરું કેમ શોધી શકતી નથી? આ કેસમાં નાણાંની લેવડદેવડ થઈ તેના કોર્ટમાં સંતોષકારક પુરાવા કેમ રજૂ કરી શકતી નથી? સુપ્રીમ કોર્ટે મનિષ સિસોદિયાની જામીન અરજી વખતે આ સવાલ કરેલો પણ પછી ગમે તે કારણોસર સુપ્રીમ કોર્ટ ચૂપ થઈ ગઈ. સંજયસિંહના જામીનમાં પણ સંજયસિંહે લીધેલા કહેવાતા બે કરોડ રૂપિયા કોણે આપ્યા ને એ રૂપિયા ક્યાં ગયા તેના તો કોઈ પુરાવા જ નથી.
હવે મહત્ત્વની વાત.
ઈડી સંજયસિંહ પર અચાનક મહેરબાન કેમ થઈ ગઈ? આ સવાલનો જવાબ અત્યારે નહીં આપી શકાય. ભવિષ્યમાં કદાચ આ સવાલનો જવાબ મળશે પણ શક્યતાઓ ઘણી છે. સંજયસિંહ સામે ખરેખર પુરાવા નહીં શોધી શકતી ઈડી હાંફી ગઈ હોય એ પણ શક્ય છે ને પોતે રાજકીય કિન્નાખોરીથી વર્તતી નથી એ સાબિત કરવા સંજયસિંહના રૂપમાં ઉદાહરણ રજૂ કરવા માગતી હોય એ પણ શક્ય છે. સંજયસિંહને ભાજપના વોશિંગ મશીનમાં ધોઈને પવિત્ર કરવાનો તખ્તો તૈયાર કરી દેવાયો હોય એવું પણ બને કે પછી સંજય કેજરીવાલ સહિતના નેતાઓ સામે પુરાવા આપવા તૈયાર થઈ ગયા હોય એવું પણ બને.
સમય બધા સવાલોના જવાબ આપશે.