ભાજપ આસામના બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતો?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ હમણાં પાછો આસામમાં વધી રહેલી મુસ્લિમ વસ્તીનો મુદ્દો છેડી દીધો છે. સરમાના કહેવા પ્રમાણે, આસામમાં મુસ્લિમ વસ્તી દર ૧૦ વર્ષે ૩૦ ટકા વધી રહી છે એ જોતાં આસામ ૨૦૪૧ સુધીમાં મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય બની જશે. આ વાસ્તવિકતા છે અને તેને કોઈ રોકી શકે તેમ નથી. અલબત્ત રાહુલ ગાંધી વસ્તી નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર બને તો તેના પર અંકુશ આવી શકે છે કેમ કે મુસ્લિમ સમુદાય માત્ર તેમની વાતો સાંભળે છે.
સરમાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વસ્તીને લગતા આંકડા પ્રમાણે, આસામની કુલ વસ્તીમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ વધીને ૪૦ ટકા થઈ ગયું છે અને જે રીતે વસ્તી વધી રહી છે એ જોતાં ૫૦ ટકા થતાં વાર નહીં લાગે. સરમાએ અફસોસ પણ વ્યક્ત કર્યો કે, આસામમાં હિંદુ સમુદાયની વસ્તી દર ૧૦ વર્ષે માત્ર ૧૬ ટકા વધી છે તેથી આસામમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે એ નક્કી છે.
ભારતમાં ૨૦૧૧ પછી વસ્તી ગણતરી થઈ નથી ને ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે, આસામની કુલ વસ્તીમાં ૬૧.૪૭ ટકા હિંદુ જ્યારે ૩૪.૨૨ ટકા મુસલમાનો હતા. આ સંજોગોમાં સરમા પાસે નવા આંકડા ક્યાંથી આવ્યા તેની તેમને જ ખબર પણ આ આંકડા ચિંતાજનક કહેવાય જ. કોઈ પણ રાજ્યમાં ડેમોગ્રાફિક એટલે કે અલગ અલગ આધાર પર વસ્તીનાં સમીકરણ બદલાઈ જાય તેની રાજકીય અસરો તો પડતી જ હોય છે પણ સામાજિક અસરો પણ પડતી હોય છે અને કાયદો તથા વ્યવસ્થા પર પણ અસર પડતી હોય છે.
આસામમાં પણ એ અસરો પડશે જ. સરમાના આંકડાને સાચા માનીએ તો પણ હજુ હિંદુઓનું પ્રમાણ વધારે છે તેથી શાંતિ છે પણ જેમ જેમ બંને વચ્ચેનો ગેપ ઘટતો જશે તેમ તેમ સમસ્યાઓ ઊભી થશે અને ઘર્ષણ પણ ઊભાં થશે. હિંદુઓ કરતાં મુસ્લિમો વધતા જાય ત્યારે તો મોટા સંઘર્ષ થશે જ પણ એ સંઘર્ષની શરૂઆત બહુ પહેલાં જ થઈ ગઈ હશે. ભારતમાં અત્યારે એક માત્ર જમ્મુ અને કાશ્મીર એવું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ છે કે જ્યાં હિંદુઓ કરતાં મુસ્લિમો વધારે છે. આ કારણે કાશ્મીરનું શું હાલત છે એ આપણે જોઈએ જ છીએ એ જોતાં ભવિષ્યમાં આસામ પણ બીજું જમ્મુ અને કાશ્મીર બની જાય એવો ખતરો મોટો છે.
આ ખતરાને કઈ રીતે રોકી શકાય એ વિશે હિંદુઓએ વિચારવું જોઈએ કેમ કે હિંદુત્વના નામે ચરી ખાનારી ભાજપની સરકાર એ અંગે વિચારે એવી આશા રાખવા જેવી નથી. ભાજપે તો આ ખતરો ઊભો થયો છે એ મૂળ મુદ્દાને ચગાવીને બરાબર રાજકીય લાભ લઈ લીધા પછી એ મુદ્દાને જ ભૂલાવી દીધો છે તેથી તેની પાસેથી ઝાઝી અપેક્ષા રાખવા જેવી નથી. અત્યારે પણ ભાજપ તો એ જ કરી રહ્યો છે. મુસ્લિમોની વસ્તી હિંદુઓ કરતાં વધી જશે એ મુદ્દાની પાછળ ભાજપની રાજકીય ગણતરીઓ છે જ.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી પછી ભાજપ પાછો હિંદુત્વની આહલેક જગાવવા નીકળ્યો છે. તેના ભાગરૂપે સરમા આ જ્ઞાન પિરસી રહ્યા છે. બાકી તેમને ખરેખર હિંદુઓની ભલાઈમાં રસ હોત તો તેમણે આ સમસ્યાના મૂળમાં શું છે ને એ મુદ્દે ભાજપે આસામની પ્રજા સાથે કેવી ગદ્દારી કરી છે તેની વાત પણ કરી હોત.
આ મૂળ મુદ્દો બાંગ્લાદેશી ઘૂસણખોરોનો છે પણ ભાજપ તેમની વાત કરતો જ નથી. બાકી આ જ ભાજપ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં ખોંખારા ખાઈ ખાઈને કહેતો હતો કે, આસામમાં અમારી સરકાર આવશે તો અમે શોધી શોધીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને તેમના દેશમાં પાર્સલ કરી દઈશું.
ભાજપ આમ તો વરસોથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો ચગાવે છે અને આ ઘૂસણખોરોને લાત મારીને તગેડી મૂકવા જોઈએ એવું ભાજપ કરાંજ કરાંજીને કહે છે પણ લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં તો ભાજપે જોરશોરથી આ મુદ્દો ચગાવેલો. એ વખતે નરેન્દ્ર મોદી પોતે આ મુદ્દે મચી પડેલા. ભાજપે આસામમાં એક કરોડથી વધારે બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાનો દાવો કરીને જાહેરમાં કસમો ખાધેલી કે, સત્તામાં આવીશું તો એક પણ બાંગ્લાદેશીને આસામમાં રહેવા નહીં દઈએ.
ભાજપ આસામ જ નહીં પણ કેન્દ્રમાં પણ સત્તામાં આવી ગયો પણ કશું કર્યું નથી. આસામમાં ભાજપ બાજી મારી ગયો તેનું કારણ આ મુદ્દો હતો. ભાજપે આસામ વિધાનસભાની ચૂંટણી વખતે પણ જોરશોરથી ઘૂસણખોરોની પારાયણ માંડી દીધેલી ને તેના કારણે ઓળઘોળ થયેલા લોકોએ તેમને સત્તા પણ આપી દીધી. બીજી વાર પણ સત્તા આપી પણ સરમાની સરકારે હરામ બરાબર એક પણ બાંગ્લાદેશીને અહીંથી કાઢ્યો હોય તો. ભાજપે પચીસ-પચાસ લાખ બાંગ્લાદેશીઓને તગેડ્યા હોત તો પણ હિંદુઓનો હાથ ઉપર ગયો હોત પણ ભાજપે એ પણ કર્યું નથી.
ભાજપના નેતાઓને માત્ર ને માત્ર થૂંક ઉડાડતાં આવડે છે. બીજું કંઈ નહીં. બાકી કેન્દ્રમાં ભાજપની દસ વરસથી સરકાર છે ને આ દસ વરસમાં ભાજપે બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢવા કશું કર્યું નથી. આસામમાં પણ ૮ વરસથી ભાજપની જ સરકાર છે ને આ ૮ વરસમાં આસામમાં ભાજપની સરકારે કશું કર્યું ખરું ? સરમાએ પહેલાં તો તેનો હિસાબ આપવો જોઈએ ને પછી બીજી બધી વાતો કરવી જોઈએ.
ભાજપ કેન્દ્રમાં સત્તા પર નહોતો ત્યારે કૂદી કૂદીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને લાત મારીને તગેડવાની વાતો કરતો હતો. હવે તગેડવાની વાત તો છોડો પણ હજુ સુધી આ દેશમાં કેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે એ શોધવાનું કામ પણ ભાજપે કર્યું નથી. ભાજપે માત્ર ઘૂસણખોરોનો સર્વે કરાવ્યો હોત તો પણ એવું લાગત કે, ભાજપને આ મુદ્દો ઉકેલવામાં રસ છે પણ એટલુંય કર્યું નથી. ભાજપ એક સમયે આખા દેશમાં ૩ કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાની વાતો કરતો પણ ૧૦ વરસમાં બાંગ્લાદેશીઓની ઓળખ સુધ્ધાં કરાઈ નથી.
સરમાની વાતો એ વાતનો પુરાવો છે કે, ભાજપને ખરેખર બાંગ્લાદેશી ઘૂસણખોરોને તગેડવામાં રસ જ નથી ને તેમનામાં એ તાકાત પણ નથી. બાંગ્લાદેશી ઘૂસણખોરોને તગેડવા છપ્પનની છાતી જોઈએ ને આ દસ વરસમાં ભાજપના નેતાઓની છાતી કેટલા ઈંચની છે એ મપાઈ ગયું છે. ભાજપને ભીડ પડે કે ચૂંટણી આવે ત્યારે જ બાંગ્લાદેશી ઘૂસણખોરો યાદ આવે છે, બાકી પછી કામ રામ.