એકસ્ટ્રા અફેર

લિકર કેસમાં ઈડી-સીબીઆઈ કેમ પુરાવા ના શોધી શક્યાં?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવ્યા પછી મુખ્ય મંત્રીપદ છોડવાની જાહેરાત કરી તેની ચોતરફ ચર્ચા છે. કેજરીવાલે કોઈને કલ્પના ના આવે એવો રાજકીય દાવ રમી નાખ્યો તેથી આ ચર્ચા સ્વાભાવિક છે પણ તેના કારણે એક મહત્ત્વનો મુદ્દો બાજુ પર રહી ગયો છે. આ મુદ્દો લિકર કેસમાં કેજરીવાલને જામીન મળ્યા તેના સૂચિતાર્થ છે.

કેજરીવાલને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે લિકર કૌભાંડ રાજકીય રીતે ઊભું કરાયેલું તિકડમ છે એવું કહી દીધું છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને રાજકીય ઈશારે વર્તવાના બદલે ન્યાયી રીતે વર્તવાનું કહ્યું, પાંજરામાં પુરાયેલા પોપટ તરીકેની તેની ઈમેજ બદલવા કહ્યું તેના પરથી સ્પષ્ટ છે કે, સુપ્રીમ કોર્ટ પણ લિકર કેસમાં ચાલી રહેલા ચલકચલાણાથી કંટાળી છે ને તેને પણ ખબર પડી ગઈ છે કે, આ તલમાં
તેલ નથી.

આ સંજોગોમાં લિકર કેસનું બહુ જલદી પડીકું થઈ જાય એવી પૂરી શક્યતા છે. આ વાતનો અહેસાસ સુપ્રીમ કોર્ટને બહુ પહેલાં જ થઈ ગયેલો તેથી જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવીને આ કેસમાં મોટા ભાગના આરોપી જેલની બહાર આવી ગયા છે. દિલ્હી લિકર કેસમાં હવે એક માત્ર અમનદીપ ધલ જેલમાં છે પણ બાકીના બધા છૂટી જતાં તેનો પણ જલદી છુટકારો થવાની આશા છે. આ કેસમાં ઈડીએ અત્યાર સુધીમાં કુલ ૧૮ આરોપીઓની ધરપકડ કરી હતી ને તેમાંથી ૧૪ આરોપીને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ૧૧ આરોપીને રેગ્યુલર જામીન અને ૩ આરોપીને વચગાળાના જામીન મળ્યા છે જ્યારે ૩ આરોપી સરકારી સાક્ષી બની ગયા છે તેથી બહાર છે.

સીબીઆઈએ ૯ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમાંથી અમનદીપ સિવાયના બાકીના ૮ને જામીન મળી ગયા છે. ટૂંકમાં અમનદીપ સિવાયના બાકીના આરોપીઓ બહાર આવી ગયા છે. આ સંજોગોમાં માત્ર અમનદીપને જેલમાં રાખવાનો અર્થ નથી. સીબીઆઈ અને ઈડીએ કેજરીવાલ ઉપરાંત મનિષ સિસોદિયા, સંજયસિંહ અને કે. કવિતા એમ ચાર ટોચના નેતાઓની ધરપકડ કરી હતી. હવે આ ચારેય જેલની બહાર છે ને સીબીઆઈ કે ઈડી નવું કશું લાવી શક્યાં નથી એ જોતાં આ કેસ ડેડ એન્ડ પર આવીને ઊભો રહી ગયો છે.

આ સ્થિતિ એટલા માટે સર્જાઈ કે, ઈડી અને સીબીઆઈ બંનેએ પહેલા દિવસથી કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા વિના એવો કેસ ઊભો કરી દીધો કે જેનો ઉદ્દેશ ભાજપના રાજકીય ફાયદો કરાવવાનો હતો. ભાજપ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને સીધા જંગમાં પછાડી શકે તેમ નથી એટલે લેફ્ટનન્ટ ગવર્નર અને બીજા અધિકારીઓને હાથો બનાવીને કેજરીવાલ સરકારને પરેશાન કર્યા કરે છે. લિકર કેસના બહાને ભાજપ એક કદમ આગળ વધ્યો. મોદી સરકારે કેજરીવાલ સરકારે બનાવેલી એક નીતિને આધાર બનાવીને ભ્રષ્ટાચારનો કેસ તો કરી દીધો પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત ના કરી શક્યા.

સીબીઆઈ અને ઈડીનો કેસ એકદમ ખોખલો હતો. આખો કેસ ભાજપના નેતાઓના આક્ષેપોને આધારે ઊભો કરાયો અને તેના આધારે ધરપકડ કર્યા પછી ધરપકડ કરાયેલા ત્રણ આરોપીને સરકારી સાક્ષી બનાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કે. કવિતાને અંદર કરી દેવાયાં. ઓરોબિંદો ફાર્માના ડિરેક્ટર પી સરથચંદ્ર રેડ્ડી, ટીડીપીના લોકસભાના સભ્ય મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘવ મગુંતા અને બિઝનેસમેન દિનેશ અરોરા એ ત્રણ સરકરી સાક્ષી બની ગયેલા આરોપીઓનાં નિવેદનોને બાદ કરતાં સીબીઆઈ અને ઈડી પાસે કોઈ પુરાવા જ નથી. આ કેસમાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટ જોશો તો આ વાત સમજાશે.

ઈડીનો દાવો છે કે કે. કવિતા દારૂના વેપારીઓની ‘સાઉથ ગ્રુપ’ લોબી સાથે સંકળાયેલી હતી. કવિતાએ સાઉથના લિકરના વેપારીઓને ફાયદો કરાવવા મધ્યસ્થી કરેલી અને દારૂ કૌભાંડના આરોપી વિજય નાયરે કથિત રીતે ‘સાઉથ ગ્રુપ’ પાસેથી ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. આ લાંચ ક્યાંથી આવી અને ક્યાં ગઈ તેની વાતો કરાઈ પણ બે વર્ષમાં તેના કોઈ નક્કર પુરાવા નથી રજૂ કરાયા. સાઉથની લોબી પાસેથી મળેલી ૧૦૦ કરોડ રૂપિયાની લાંચમાંથી ૪૫ કરોડ રૂપિયા આપ દ્વારા ગોવાની ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હતા એવો ઈડીનો દાવો છે પણ તેના પુરાવા નથી. બાકીના ૫૫ કરોડ રૂપિયાનું શું થયું એ પણ તેમને ખબર નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જુલાઈમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં દારૂ કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી તેમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવી હતી અને અરવિંદ કેજરીવાલને આરોપી નંબર ૩૭ બનાવવામાં આવ્યા છે. ઈડીએ આમ આદમી પાર્ટીના આરોપી ચરણપ્રીતને હવાલા મારફતે નાણાં મળ્યા હોવાનો દાવો કર્યો છે. આ વાતના કોઈ પુરાવા નથી. ઈડીએ કેજરીવાલ અને વિનોદ ચૌહાણ વચ્ચેના મેસેજ અપરાધ સ્થાપિત કરવા માટે પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યા છે. આ ઉપરાંત ચાર્જશીટમાં બેંક નોટ, સિરિયલ નંબર અને વોટ્સએપ ચેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ તેનાથી કશું સાબિત ના થાય. નોટો પકડાઈ હોય તો એ પુરાવો ગણાય, બાકી ગમે તે નોટોનો નંબર આપી દો તેનાથી લાંચ અપાયાનું સાબિત થોડું થાય ?

આ કેસમાં અરવિંદ કેજરીવાલને એટલે આરોપી બનાવાયા કે, આમ આદમી પાર્ટીના સંરક્ષક હોવાથી અરવિંદ કેજરીવાલ પાર્ટી દ્વારા કરવામાં આવતા દરેક કાર્ય માટે જવાબદાર છે. આમ આદમી પાર્ટી આ કૌભાંડ અને અપરાધમાંથી મળેલી આવકની મુખ્ય લાભાર્થી છે એવો દાવો છે પણ પહેલાં આમ આદમી પાર્ટીએ કોઈ અપરાધ કર્યો છે એવું તો સાબિત કરવું પડે કે નહીં ? ચાર્જશીટમાં ઈડીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ વિશે સંપૂર્ણ જાણકારી હતી. કેજરીવાલ પોતે પણ અપરાધમાં સામેલ હતા. આ પૈસાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવામાં
આવ્યો હતો.

લિકર પોલિસીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વિજય નાયર અરવિંદ કેજરીવાલની ખૂબ નજીક છે અને કેજરીવાલના ઈશારે કામ કરતા હતા. સમીર મહેન્દ્રુએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે વિજય નાયરે તેને કહ્યું હતું કે એક્સાઇઝ પોલિસી પાછળનું ભેજું મગજ અરવિંદ કેજરીવાલનું છે. આ ઉપરાંત એક્સાઇઝ પોલિસી તૈયાર બનતી હતી ત્યારે ઘણા આરોપી કેજરીવાલના સંપર્કમાં હતા. બુચીબાબુ ગોરંતલા અને દિનેશ અરોરાએ કેજરીવાલ વિરુદ્ધ જુબાની આપી હતી. એ વખતે વાયએસઆર કૉંગ્રેસના સાંસદ અને અત્યારે ટીડીપીના સાંસદ મંગુતા શ્રીનિવાસુલુ રેડ્ડી અને કેજરીવાલ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. આ બધી વાતો અધ્ધરતાલ છે ને તેના આધારે કેજરીવાલને અંદર કરી દેવાયેલા.

ટૂંકમાં આખો કેસ ખાલી વાતો પર આધારિત છે એ જોતાં હવે કશું થાય એવી શક્યતા નથી.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…