વસુંધરાને કાપવાની વિરોધીઓની ઈચ્છા કેમ ના ફળી ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
આવતા મહિને દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં પણ તેલંગાણા મહત્ત્વનું રાજ્ય હોવા છતાં ત્યાંની ચૂંટણીમાં ગુજરાતીઓને બહુ રસ નથી કેમ કે તેલંગાણાના રાજકારણ વિશે ગુજરાતીઓ બહુ જાણતા નથી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ગુજરાતનાં પાડોશી હોવાથી આ ત્રણ રાજ્યોમાં શું થાય છે તેમાં ગુજરાતીઓને રસ પણ છે અને તેની ભરપૂર ચોવટ પણ ચાલી રહી છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ભાજપ ને કૉંગ્રેસની સીધી ટક્કર છે. બંને એકબીજાને પછાડવા જે દાવપેચ કરી રહ્યા છે તેની ચોવટ તો થાય જ છે પણ કેટલાક નેતાઓમાં લોકોને વધારે રસ પડે છે ને તેમાં વસુંધરા રાજે મુખ્ય છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેમાં લોકોને રસ પડે છે તેનું કારણ એ છે કે, ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું એકચક્રી શાસન છે પણ વસુંધરા બંનેને ગાંઠતાં નથી. આ કારણે આ વખતે વસુંધરાને ઠેકાણે પાડી દેવાશે એવી હવા જામી ગયેલી.
ભાજપે રાજસ્થાનની ૨૦૦ વિધાનસભા બેઠકોમાંથી ૮૩ બેઠકો માટેની પહેલી યાદી જાહેર કરી ત્યારે વસુંધરા રાજેનું નામ તેમાં નહોતું. તેના બદલે ભાજપ જેમને વસુંધરાના વિકલ્પ તરીકે આગળ કરવા માગે છે એવાં જયપુરના રાજવી પરિવારમાં દિયા કુમારી અને રાજ્યવર્ધનસિંહ રાઠોડ જેવા સાંસદોને ટિકિટ અપાયેલી. તેના કારણે વસુંધરાના વિરોધીઓ ગેલમાં હતા ને આ વખતે વસુંધરા ઘરભેગાં થઈ જ જશે એવી વાતો કરતાં હતાં પણ તેમનો આશાવાદ ખોટો પડ્યો છે.
વસુંધરાનું નામ પહેલી યાદીમાં નહોતું તેથી ભડકેલાં વસુંધરાએ ભાજપના નેતાઓને આડે હાથ લીધેલા. વસુંધરા ગ્વાલિયરના સિંધિયા પરિવારનાં છે ને જનસંઘ વખતથી જ ભાજપને બેઠો કરવામાં સિંધિયા પરિવારનું મોટું યોગદાન રહ્યું છે. વસુંધરાએ આ યોગદાનની યાદ અપાવીને આડકતરી ચીમકી આપેલી કે, અમે ભાજપને બનાવી શકીએ છીએ તો પછાડી પણ શકીએ છીએ.
વસુંધરાના તેવર જોયા પછી ઢીલા પડી ગયેલા મોવડીઓએ વસુંધરાનું નામ બીજી યાદીમાં મૂકવું પડ્યું છે. એક રીતે કહી શકાય કે, વસુંધરાએ ફરી એક વાર પોતાની તાકાત બતાવી છે અને પોતાની પરંપરાગત ઝાલરાપાટણ વિધાનસભા બેઠક પરથી પોતાને ઉમેદવાર બનાવવાની ભાજપ હાઈકમાન્ડને ફરજ પાડી છે. એટલું જ નહીં પણ ભાજપે જેમને કોરાણે મૂકી જ દીધેલા એવા નરપતસિંહ રાજવીને પણ ટિકિટ આપવાની ફરજ
પાડી છે.
રાજસ્થાનમાં ભાજપનો પાયો નાખનારા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતના જમાઈ નરપતસિંહ પાંચ વાર ધારાસભ્યપદે ચૂંટાયેલા છે પણ ભાજપે તેમનું પત્તું કાપી નાખવાનું નક્કી કરી નાખેલું. વસુંધરાએ આ મુદ્દે પણ આકરા તેવર બતાવતાં ભાજપે રાજવીને પણ ટિકિટ આપવી પડી છે.
વસુંધરાને ટિકિટ આપવી પડી એ વાતનો પુરાવો છે કે, રાજસ્થાન ભાજપમાં વસુંધરાનું વર્ચસ્વ તોડવું બહુ અઘરું છે. રાજસ્થાન ભાજપ પર બે દાયકા કરતાં વધારે સમયથી વસુંધરાનું વર્ચસ્વ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આ વર્ચસ્વ તોડી નથી શક્યા. મોદી-શાહની જોડીથી ભાજપમાં બધા થથરે છે કેમ કે બંનેએ ભાજપને સત્તા અપાવીને પોતાની તાકાત સાબિત કરી છે.
મોદી-શાહે દેશનાં બધાં રાજ્યોમાં ભાજપ પર કબજો કરીને બેઠેલા જૂના જોગીઓને કાં રવાના કરી દીધા છે કાં નરમ ઘેંસ જેવા બનાવીને પોતાના પગમાં આળોટતા કરી દીધા છે પણ વસુંધરાને નમાવી શક્યા નથી. વસુંધરા તેમને ગણકારતાં જ નથી. વસુંધરા રાજસ્થાનમાં અડિંગો જમાવીને બેઠાં છે ને વર્ચસ્વ જવા દેવાની વાત છોડો પણ પોતાની સત્તા પર કાપ મૂકવાની કોશિશને પણ સફળ થવા દેતાં નથી.
વસુંધરાને કદ પ્રમાણે વેતરી નાખવા માટે અમિત શાહ વરસોથી ગજેન્દ્રસિંહ શેખાવતને આગળ કરવા મથ્યા કરે છે પણ વસુંધરા તેમને ફાવવા નથી દેતાં. અમિત શાહે તો ૨૦૧૮માં રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે શેખાવતને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવીને મોકલેલા. વસુંધરાએ શેખાવતને આવકારવાની વાત તો છોડો પણ રીતસરના હડધૂત કરી દીધેલા ને લીલા તોરણે પાછા કાઢેલા. વસુંધરાએ શેખાવતને ભાજપ હેડક્વાર્ટરમાં ઘૂસવા સુધ્ધાં નહોતા દીધા. શેખાવત ક્ષત્રિય છે ને ક્ષત્રિય મતબૅંક પર ભાજપનો કબજો જળવાય એટલે શાહ શેખાવતને આગળ કરવા માગે છે પણ વસુંધરા શાહને પણ ઘોળીને પી ગયાં હતાં કેમ કે એ પોતાની હુકૂમતમાં કોઈનો પડછાયો સુધ્ધાં ઈચ્છતાં નથી.
શાહે વસુંધરાને કાપવા માટે જયપુરના રાજવી પરિવારમાં દિયા કુમારીને પ્રદેશ ભાજપમાં મહામંત્રી બનાવીને મૂક્યાં હતાં પણ વસુંધરાએ તેમને પણ ના ફાવવા દીધાં. દિયા કુમારી રાજસમંદનાં સાંસદ છે ને મોદી-શાહ માને છે કે એ વસુંધરાનો વિકલ્પ બની શકે છે. જયપુરના રાજવી પરિવારનાં હોવાથી ક્ષત્રિય મતબૅંકમાં એ સરળતાથી સ્વીકૃત બનશે એવું માનીને શાહે તેમને આગળ કર્યાં તેમાં વસુંધરા બગડ્યાં હતાં. દિયાની સાથે સાથે શાહે વસુંધરાના વિરોધી ગણાતા અજયપાલસિંહને પણ સંગઠનમાં મૂક્યા હતા.
શેખાવતને તો વસુંધરાએ ના ઘૂસવા દીધાં તેથી શાહે સતિષ પુનિયાને પ્રદેશ પ્રમુખ બનાવેલા, પુનિયા શાહના જોરે બહુ કૂદાકૂદ કરતા હતા પણ વસુંધરાએ તેમને પણ ફાવવા ના દીધા ને ચૂંટણીના વરસમાં તેમના માનીતા સી.પી. જોશી પ્રદેશ પ્રમુખ છે. ટૂંકમાં વસુંધરાનો ઈતિહાસ દાદાગીરીનો છે ને ભાજપની નેતાગીરીને નમાવવાનો છે. અત્યારે તેમણે ફરી એ જ કરી બતાવ્યું છે.
ભાજપ વસુંધરાને નમાવી શકતો નથી કેમ કે રાજસ્થાનમાં ભાજપ પાસે બીજો કોઈ એવો નેતા નથી કે જે તમામ સમાજમાં સ્વીકૃત હોય. ભૈરોસિંહ શેખાવત પછી વસુંધરા જ એવાં બીજાં નેતા આવ્યાં છે કે જે તમામ સમાજમાં સ્વીકૃત હોય. વસુંધરાના પરિવારે વરસોથી રાજકારણ ખેડ્યું છે તેથી સામાન્ય લોકો સાથે તેમનો સીધો સંપર્ક છે એ તેમને ફળે છે. શેખાવત કે દિયા એ પ્રકારનાં નેતા નથી. એ લોકો ચાપલૂસી કરીને આગળ
આવ્યાં છે.
વસુંધરા અત્યંત મહત્વાકાંક્ષી છે ને બે વાર મુખ્યમંત્રી બની ચૂક્યાં છે. ભવિષ્યમાં ભાજપને બહુમતી મળે તો ફરી પોતે જ ગાદી પર બેસે એવી તેમની ઈચ્છા છે. શાહ કે મોદી એવું નથી ઈચ્છતા પણ વસુંધરાને તેનાથી કોઈ ફરક પડતો નથી. અત્યંત જિદ્દી વસુંધરા પોતાની જિદ સંતોષવા ગમે તે હદે જઈ શકે છે એ જોતાં ભાજપ જીતે ત્યારે પણ ભાજપ વસુંધરાને નહીં અવગણી શકે.