એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર:મસ્કને ટ્રમ્પના સેક્સ ક્રાઈમ અચાનક કેમ યાદ આવ્યા?

-ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક વચ્ચેના ઝગડાએ ધાર્યા કરતાં વધારે વરવું સ્વરૂપ ધારણ કરી લીધું છે. મસ્કે ટ્રમ્પનો સાથ છોડ્યો પછી ટ્રમ્પના વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટનો વિરોધ કરેલો તેથી લાગતું હતું કે, બંને વચ્ચે વૈચારિક મતભેદો છે પણ હવે બંને જાહેરમાં એકબીજા પર અંગત આક્ષેપો કરવા માંડ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, બંનેના સંબંધો સાવ બગડી ગયા છે અને બંને એકબીજાનું બોર્ડ પતાવી દેવા માટે આરપારની લડાઈના મૂડમાં છે.

મસ્કે ટ્રમ્પને અમેરિકાના પ્રમુખપદેથી હટાવીને વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સને પ્રમુખ બનાવવાની માગ કરી છે. મસ્કે એપસ્ટેઈન ફાઈલમાં ટ્રમ્પનું નામ હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ટ્રમ્પનું નામ સેક્સ અપરાધી સાથે જોડાયેલું છે તેથી ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવીને તેમને તગેડી મૂકવા જોઈએ. ટ્રમ્પનું નામ એપ્સટિનની ફાઇલોમાં છે. આ જ કારણ છે કે તેને જાહેર કરવામાં આવી નથી. સામે ટ્રમ્પનું કહેવું છે કે, પોતે મસ્કની કંપનીઓને અમેરિકાની સરકાર દ્વારા અપાતી સરકારી સબસિડી કરાર અને કરાર બંધ કરવાનું નક્કી કર્યું તેમાં મસ્ક સાવ પાગલ થઈ ગયો છે.

અમેરિકામાં જેફરી એપ્સટેઈન વિકૃતિનો પર્યાય મનાય છે. આ હાઇ-પ્રોફાઇલ ક્રિમિનલ કેસમાં અમેરિકાના ઘણા ધનિકો અને સેલિબ્રિટીઓનાં નામ બહાર આવ્યાં હતાં. અમેરિકન અબજોપતિ જેફરી એપ્સટિન સામે સગીર છોકરીઓનું જાતીય શોષણ અને ધનિકોની સેક્સ ભૂખ સંતોષવા તેમને સગીર છોકરા-છોકરીઓ સપ્લાય કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

એપ્સ્ટેઈનને વેશ્યાવૃત્તિ અને સગીરોને બળજબરીથી સેક્સની ફરજ પાડવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો પણ સરકાર સાથે સોદાબાજી કરી લેતાં ફક્ત 13 મહિનાની જેલ થઈ હતી. 2019માં ફ્લોરિડા અને ન્યૂ યોર્કમાં એપ્સ્ટેઈનની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. 10 ઓગસ્ટ, 2019ના રોજ એપસ્ટેઈને જેલમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

મસ્કે આ કેસની વાત કરીને ટ્રમ્પને ભીંસમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે પણ તેનાથી ટ્રમ્પને ઝાઝો ફરક નહીં પડે કેમ કે ટ્રમ્પનો ભૂતકાળ બધાંને ખબર છે. બલ્કે મસ્ક પોતે હાસ્યાસ્પદ ઠરી રહ્યો છે કેમ કે આ બધી વાતો જગજાહેર હોવા છતાં મસ્ક ટ્રમ્પની સાથે હતો.

ટ્રમ્પ સામેના બળાત્કારના કેસો, મહિલાએ સાથે બળજબરીથી સેક્સ સંબંધો બાંધવા, પોર્ન સ્ટાર્સ સાથે રંગરેલિયાં મનાવવા, મોડલો સાથે અય્યાશીઓ વગેરેની વાતો નવી નથી. ટ્રમ્પને એક લેખિકા પર મોલના ટ્રાયલ રૂમમાં બળાત્કાર કર્યા પછી તેના વિશે જૂઠાણા ફેલાવવા બદલ કરોડોનો દંડ પણ થયો છે. બીજા આ પ્રકારના કેસોમાં પણ ટ્રમ્પ દોષિત ઠરેલા છે.

મસ્ક જેની વાત કરે છે એ એપસ્ટેઈનનાં કુકર્મોમાં ટ્રમ્પ ભાગીદાર હતા એ વાત પણ નવી નથી. બલ્કે ડોનલ્ડ ટ્રમ્પ 2016માં પહેલી વાર પ્રમુખપદની ચૂંટણી લડ્યા ત્યારે પણ તેમની સામેના પ્રચારમાં આ મુખ્ય મુદ્દા હતા. 2024ની ચૂંટણીમાં મસ્ક જ્યારે ટ્રમ્પની સભાઓમાં નાચી નાચીને પ્રચાર કરતો હતો, વાંદરાની જેમ ઠેકડા લગાવતો હતો ત્યારે પણ આ બધા મુદ્દા હતા જ.

મસ્કને એ વખતે ટ્રમ્પ સામેના કેસો, ટ્રમ્પની નીચ હરકતો કે એપસ્ટેઈન કેસમં સંડોવણી સામે પણ વાંધો નહોતો. ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી મસ્ક તેમની સાથે રહેવા માટે વ્હાઈટ હાઉસમાં જતો રહેલો ને છેલ્લા અઠવાડિયાને બાદ કરતાં ચારેક મહિના લગી ટ્રમ્પની આગળપાછળ ફર્યા કરતો, ટ્રમ્પનો પટાવાળો હોય એમ ટ્રમ્પ ખુરશીમાં બેઠાં બેઠાં મીડિયાને જ્ઞાન પિરસતા ત્યારે અદબ વાળીને તેમને સાંભળતો. હવે અચાનક તેને ટ્રમ્પ સેક્સ અપરાધી લાગવા માંડ્યા છે અને ટ્રમ્પ પોતાના બચાવ માટે એપસ્ટેઈન ફાઈલો જાહેર કરતા નથી તેનું બ્રહ્મજ્ઞાન લાદ્યું છે તેના કારણે મસ્કને દ્રાક્ષ ખાટી લાગી હોવાની છાપ પડી રહી છે.

મસ્કને આ બ્રહ્મજ્ઞાન કેમ લાદ્યું તેનો આડકતરો ખુલાસો ડોનલ્ડ ટ્રમ્પે કરી જ દીધો છે. મસ્કે પોતાનું સામ્રાજ્ય ટેસ્લાના જોરે ઊભું કર્યું છે. ટેસ્લા અમેરિકામાં ટોચની ઓટોમોબાઈલ કંપની છે અને ઈલેક્ટ્રિક કાર બનાવે છે તેથી ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપે છે એ બહાને અમેરિકાની સરકાર દ્વારા ટેસ્લા કારની ખરીદી પર સબસિડી આપે છે તેથી ટેસ્લાનો ધંધો ધૂમ ચાલે છે. અમેરિકાની સરકાર મસ્કની કંપનીને બીજી પણ કરરાહતો આપે છે.

મસ્કની સ્પેસ ક્ષેત્રે કામ કરતી કંપની સ્પેસએક્સ સાથે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના કરાર છે. આ કરાર હેઠળ અમેરિકા દ્વારા હાથ ધરાતાં તમામ સ્પેસ મિશનમાં સ્પેસએક્સનાં જ સ્પેસક્રાફ્ટ વપરાય છે. મસ્કની કંપનીનું ડે્રગન સ્પેસક્રાફ્ટ સ્પેસ સ્ટેશનને સપ્લાય પૂં પાડે છે. મસ્ક આ કરારોમાંથી અમેરિકાની સરકાર પાસેથી અબજો ડૉલર મેળવે છે.

ડોનલ્ડ ટ્રમ્પ મસ્કની કંપનીઓ સાથેના સરકારી કરાર સમાપ્ત કરી દેવા માગે છે ને સબસિડી બંધ કરી દેવા માગે છે. મસ્કે ટ્રમ્પને સરકારી ખર્ચ ઓછો કરવા માટે સરકારી સબસિડી બંધ કરવી, કર્મચારીઓ ઘટાડવા વગેરે ગોળીઓ ગળાવી હતી. ટ્રમ્પે એ પ્રમાણે કર્યું પણ તેનાં ધાર્યાં પરિણામો મળ્યાં નહીં. મસ્કે વરસે 2 ટ્રિલિયન ડૉલરનો ખર્ચ ઘટાડવાની મોટી મોટી વાતો કરેલી પણ વાસ્તવિક રીતે બહુ ઓછો ખર્ચ ઘટ્યો છે અને સાથે સાથે ટ્રમ્પની લોકપ્રિયતા પણ ઘટી છે.

આ કારણે ધૂંધવાયેલા ટ્રમ્પે મસ્કને તેની જ દવાનો ડોઝ આપીને સરકારી ખર્ચ ઘટાડવા માટે મસ્કની કંપનીઓ સાથેના કોન્ટ્રાક્ટ રદ કરવા ને ટેસ્લાની સબસિડી પણ બંધ કરવાનું સૂચન કર્યું. પોતાના પગ તળે રેલો આવતાં ઊભા થયેલા મસ્કે વિરોધ કર્યો પણ ટ્રમ્પ કોઈનું સાંભળવા ટેવાયેલા નથી એટલે એ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું તેમાં ફારગતિ થઈ ગઈ. ટ્રમ્પ એ દિશામાં આગળ વધવાના જ છે કેમ કે ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું જ છે કે, આપણા બજેટમાં અબજો ડૉલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો ઈલોન મસ્કની કંપનીને મળતી સરકારી સબસિડી અને કોન્ટે્રક્ટ્સ બંધ કરવાનો છે. જોન બાઇડને આવું કેમ ન કર્યું તેનું મને આશ્ચર્ય છે.

ટ્રમ્પ મસ્કને મોટો ફટકો મારી દેશે તેમાં બેમત નથી કેમ કે ટ્રમ્પ પાસે સત્તા છે અને પોતાની સામે પડે તેને પતાવી દેવા માટે સત્તાનો દુરૂપયોગ કરવામાં પણ ટ્રમ્પને કોઈ છોછ નથી. સામે ટ્રમ્પને મસ્ક બહુ નુકસાન કરી શકે તેમ નથી. બહુ બહુ તો ટ્રમ્પનું બિગ બ્યૂટીફુલ બિલ યુએસ સેનેટમાં પસાર ના થવા દે એવું બને.

ટ્રમ્પનું `વન બિગ બ્યૂટીફુલ’ બિલ યુએસ સંસદના નીચલામાં માત્ર 1 મતની બહુમતી એટલે કે 215-214ના ના માર્જિનથી પસાર થયું હતું. ઉપલા ગૃહ એટલે કે સેનેટમાં 100 સભ્યો છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે સેનેટમાં 53 સાંસદ છે. મસ્ક નાણાંના જોરે ટ્રમ્પની પાર્ટીના 4 સાંસદોને બિલની વિરુદ્ધ મતદાન કરાવીને ટ્રમ્પની આબરૂનો ફજેતો કરી શકે પણ તેનાથી કશું વળશે નહીં. બલ્કે ધૂંધવાયેલા ટ્રમ્પ મસ્કને પતાવી દેવા પૂરી તાકાત લગાવી દેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button