એકસ્ટ્રા અફેર

ભાજપને અહંકારી ગણાવીને ઈન્દ્રેશે કેમ ગુલાંટ લગાવી?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી તેની ચોવટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોડું મોડું પણ ઝંપલાવ્યું ત્યારે લાગતું હતું કે, સંઘ આ વખતે કંઈક મર્દાનગી બતાવશે અને પોતાના સ્વમાનનો પરચો આપશે પણ આ આશા સાવ ઠગારી નિવડી છે.

સંઘના જૂના સ્વયંસેવક રતન શારદાએ ધ ઓર્ગેનાઈઝરમાં લખેલા લેખમાં ભાજપની હારની સમીક્ષામાં ભાજપના જૂના કાર્યકરોની અવગણનાથી માંડીને બિનજરૂરી રાજકીય કાવાદાવા સહિતનાં કારણો ભાજપની હાર માટે જવાબદાર હોવાનું કહેલું.

શારદાએ ભાજપના નેતાઓએ સામાન્ય લોકો સાથે સંપર્ક ખોઈ નાખ્યો છે અને મોદીની આભામાં ભાજપને બહુમતી મળી જશે એવા ભ્રમમાં હોવાનું પણ કહેલું. રતન શારદાની વાત સાચી હતી પણ શારદા એ વાત પર મક્કમ રહી શક્યા નથી. આ લેખ છપાયાના બે દિવસમાં તો રતન શારદા ટીવી ચેનલો અને વેબસાઈટ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતે ભાજપ પર કે નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો નથી એવી વાતો કરવા માંડ્યા છે.

ભાજપ અને સંઘ એક પરિવાર છે અને પોતે ભાજપના શુભેચ્છક તરીકે લેખ લખ્યો છે એવું કહેતા થઈ ગયા છે. નરેન્દ્ર મોદીના પણ વખાણ કરતા થઈ ગયા છે. શારદાએ બીજી પણ ઘણી વાતો કરી છે કે જેની પારાયણ અહીં માંડી શકાય તેમ નથી પણ ટૂંકમાં શારદા પાણીમાં બેસી ગયા છે.

સંઘના બીજા નેતા ઈન્દ્રેશ કુમારના કિસ્સામાં પણ તેનું પુનરાવર્તન થયું છે. ઈન્દ્રેશ કુમારે ગુરુવારે રાજસ્થાનમાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહમાં કહ્યું હતું કે, ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે અને વિશ્ર્વાસ ના આવતો હોય તો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર નાખો. જે લોકો રામની પૂજા કરતા હતા પણ ધીમે ધીમે અહંકારી બની ગયા હતા તેમને ભગવાને પાઠ ભણાવી દીધો. જે પક્ષમાં અહંકાર આવ્યો એ પક્ષને ભગવાન રામે ૨૪૧ પર રોકી દીધો.

આ પક્ષ લોકસભામાં સૌથી મોટો પક્ષ તો બન્યો પણ સંપૂર્ણ બહુમતી સાથે તેમને જે પૂરા અધિકારો અને સત્તા મળવા જોઈતા હતા એ ભગવાને અહંકારને કારણે રોકી દીધા.

ઈન્દ્રેશ કુમારે આ વાત ભાજપના સંદર્ભમાં કરી હતી એ કહેવાની જરૂર નથી કેમ કે ભગવાન રામના ભક્તો તો બીજો કોઈ પક્ષ લોકસભામાં ૨૪૧ બેઠકો જીત્યો
નથી. ઈન્દ્રેશ કુમારે કૉંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો છે કે, ભગવાને રામે પોતાનો વિરોધ કરનારાંને બિલકુલ સત્તા આપી નથી. જેમને રામમાં શ્રદ્ધા ન હતી અને અવિશ્ર્વાસ હતો એ બધા ભેગા મળીને પણ ૨૩૪ પર રોકાઈ ગયા. ભગવાનનો ન્યાય વિચિત્ર નથી પણ સાચો અને ખૂબ આનંદપ્રદ છે.

ઈન્દ્રેશ કુમાર આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક છે. સંઘમાં વરિષ્ઠ પ્રચારક રહી ચૂકેલા ઈન્દ્રેશે મુસ્લિમોને સંઘની વિચારધારા સાથે જોડવા માટે ૨૦૦૨માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરી હતી.

ઈન્દ્રેશ કુમારે ભૂતપૂર્વ સૈનિકો માટેની સંસ્થા હિમાલય પરિવારની સ્થાપના કરી છે અને જમ્મુ-કાશ્મીરમાં પ્રાંતિય પ્રચારક પણ રહી ચૂક્યા છે. ઇન્દ્રેશ કુમાર એ રીતે સંઘમાં મોટું માથું મનાય છે. તેમના નિવેદનના કારણ એવું લાગેલું કે, ભાજપ સંઘ સામે આકરા તેવર બતાવવાના મૂડમાં છે પણ એ માન્યતા સાવ ખોટી પડી છે.

ઈન્દ્રેશ કુમારે ભાજપને અહંકારી કહેલો તેમાં બેમત નથી પણ ઈન્દ્રેશ કુમાર પોતાની વાત પર ટકી ના શક્યા. ૨૪ કલાકમાં જ તેમણે ગુલાંટ લગાવી દીધી ને ભગવાન રામની ભક્તિ છોડીને મોદીભક્તિમાં લાગી ગયા. ઈન્દ્રેશ કુમારે થૂંકેલું ચાટીને જાહેર કરી દીધું કે, રામની પૂજા કરનારા સત્તામાં છે અને મોદીના નેતૃત્વમાં દેશ દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશે.

ભાજપને ઘમંડી ગણાવનારા ઈન્દ્રેશ કુમારે જાહેર કરી દીધું કે, અત્યારે દેશનું વાતાવરણ એકદમ સાફ છે. રામનો વિરોધ કરનારા સત્તાની બહાર છે અને જેમણે રામભક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેઓ આજે સત્તામાં છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની છે ત્યારે તેમના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરશે એવો વિશ્ર્વાસ લોકોમાં જાગ્યો છે ત્યારે અમે ઈચ્છીએ છીએ કે આ ભરોસો મજબૂત થાય.
ઈન્દ્રેશે મોદી ભક્તિમાં બીજી પણ વાતો કરી છે પણ એ વાતો માંડવાનો અર્થ નથી કેમ કે જે માણસ એક દિવસે આમ કહે ને બીજા દિવસે પોતાની જ વાતમાંથી ફરી જાય તેની વાત શું કરવાની ? આ સંજોગોમાં ઈન્દ્રેશે શું કહ્યું ને શું ના કહ્યું એ મહત્ત્વનું નથી પણ આ ગુલાંટબાજીની વાત જરૂરી છે કેમ કે સંઘ અત્યાર લગી આ રીતે જ વર્તતો રહ્યો છે. ઈન્દ્રેશ કુમારે ફરી સાબિત કર્યું છે કે, સંઘના નેતા તળિયા વિનાના લોટા જેવા છે અને સાચી વાતને વળગી રહેવાની પણ તેમનામાં તાકાત નથી.

સંઘ દેશનાં હિતની, રાષ્ટ્રવાદની ને એ બધી વાતો કરે છે પણ વાસ્તવમાં તેને દેશની કે દેશનાં લોકોની ચિંતા નથી પણ પોતાનાં હિતોની ચિંતા છે તેનો આ વધુ એક પુરાવો છે. સંઘના નેતાઓને પોતાની ચિંતા છે, ભાજપના નેતા નારાજ થઈ જશે તો શું થશે તેની ચિંતા છે. આ ચિંતા કે ડર એટલો મોટો છે કે, પોતાની વાતને વળગી રહેવાની સામાન્ય હિંમત પણ આ નેતા બતાવી શકતા નથી. સંઘે સાચું કહ્યું કે ખોટું કહ્યું તેની ચર્ચામાં આપણે નથી પડતા પણ જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ પોતાની વાતને વળગી રહે ને ગુલાંટો ના મારે એવી અપેક્ષા સહજ છે. સંઘના નેતા આ નાનકડી અપેક્ષા પણ સંતોષી શકતા નથી.

સંઘે કે સંઘના નેતાઓએ શું કરવું એ તેમનો વિષય છે પણ સંઘના નેતાઓના વર્તન પછી દેશના હિંદુઓએ વિચારવું જોઈએ કે, જેમનામાં પોતાની વાતને વળગી રહેવાની પણ હિંમત નથી એવા નેતાઓનું બનેલું સંગઠન હિંદુઓમાં હિંમત અને બહાદુરી પ્રેરી શકે ખરું ? સંઘ એક તરફ એવું કહ્યા કરે છે કે, અમને રાજકારણ સાથે લેવાદેવા નથી ને બીજી તરફ ભાજપના નેતાઓનાં રાજકીય હિતો સાચવવા માટે જ એ લોકો વર્ત્યા કરે છે. આ પણ ડબલ સ્ટાન્ડર્ડ જ કહેવાય કે બીજું કંઈ?

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker