એકસ્ટ્રા અફેર

કૉંગ્રેસ-સીપીએમ લવ જેહાદનો ઉકેલ કેમ નથી લાવતાં?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેરળમાં લોકસભાની ૨૦ બેઠકો માટે ૨૬ એપ્રિલે એક તબક્કામાં મતદાન થવાનું છે પણ એ પહેલાં ધ કેરલ સ્ટોરી’ ફિલ્મનો વિવાદ ચગ્યો છે. સરકારી ટીવી ચેનલ દૂરદર્શન પર ગયા અઠવાડિયે ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ બતાવાઈ તેની સામે કૉંગ્રેસ અને સીપીએમ વાંધો ઉઠાવીને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. દૂરદર્શને ધ કેરલ સ્ટોરી’ ફિલ્મનું પ્રસારણ પાંચમી એપ્રિલે રાત્રે આઠ વાગ્યે કર્યું હતું.

પિનારાયીએ ચાર એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકેલી કે, લોકસભાની ચૂંટણી પહેલાં ‘ધ કેરલ સ્ટોરી’ બતાવવાથી સાંપ્રદાયિક તણાવ વધશે. પિનારાયીએ દૂરદર્શનને ભાજપ અને સંઘનું પ્રચાર મશીન નહીં બનવા પણ કહ્યું હતું. ભાજપ દૂરદર્શનનો ઉપયોગ લોકોમાં ધિક્કાર ફેલાવવા કરી રહ્યો છે એવો આક્ષેપ કરીને કેરળના મુખ્ય પ્રધાન પિનારાયી વિજયને તો કોર્ટમાં જવાની ધમકી પણ આપેલી.

દૂરદર્શન કૉંગ્રેસ કે સીપીએમના બાપની જાગીર નથી તેથી ધરાર આ ફિલ્મ બતાવાઈ. તેના કારણે ઊભો થયેલો ડખો પત્યો નથી ત્યાં હવે કેરળમાં ભારે પ્રભાવ ધરાવતા સાયરો માલાબારે ચર્ચમાં ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ બતાવવાનું એલાન કરતાં નવો ટ્વિસ્ટ આવ્યો છે.

લોકસભાની ચૂંટણી માટે મતદાનના માત્ર ૧૬ દિવસ પહેલાં કેરળમાં સૌથી મોટા કેથોલિક સંગઠન મનાતા સાયરો માલાબાર સીરિયન કેથોલિક ચર્ચે આગામી બે અઠવાડિયા દરમિયાન ૧૪ થી ૧૯ વર્ષની વયના ખ્રિસ્તી કિશોરોને ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ બતાવવાની જાહેરાત કરી છે. હવે પછીના બે રવિવારે સન્ડે પ્રેયર એટલે કે રવિવારની પ્રાર્થના પછી ૫૦૦ ચર્ચમાં ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ બતાવવામાં આવશે.

સાયરો માલાબાર ચર્ચે ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ બે, ત્રણ અને ચાર એપ્રિલે લગભગ ૩૦ જેટલાં થિયેટરોમાં બતાવેલી. કેરળની સ્કૂલોમાં ભણતા ધોરણ ૧૦,૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને ફ્રી ટિકિટ આપીને થિયેટરમાં મોકલાયેલાં. સાયરો માલાબાર ચર્ચે બે થી ચાર એપ્રિલ દરમિયાન ઇડુક્કીમાં ૩૦ સ્થળે ફિલ્મ દર્શાવી ત્યારે પણ કૉંગ્રેસ અને સીપીએમ વિરોધમાં કૂદી પડેલાં.

હવે સાયરો માલાબાર ચર્ચ એક કદમ આગળ વધ્યો છે. રવિવારની પ્રાર્થના પછી ૫૦૦ ચર્ચમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવે એ પહેલાં ખ્રિસ્તી સમુદાયનાં ટીનેજર્સના ટ્રેનિંગ ક્લાસ લેવાશે. ટ્રેનિંગ ક્લાસમાં ફિલ્મના સ્ક્રીનિંગ પહેલા ટીનેજર્સને લવ જેહાદના ગેરફાયદા જણાવવામાં આવશે. લવ જેહાદ જેવા ષડયંત્રથી બચવાના ઉપાયો સમજાવતી પુસ્તિકા પણ આપવામાં આવશે કે જેથી બાળકો આ મુદ્દાને વધુ સારી રીતે સમજી શકે. સાયરો માલાબાર ચર્ચના મીડિયા ઇન્ચાર્જ ફાધર જીન્સ કરકકટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય લવ જેહાદને રોકવાનો છે અને એટલા માટે જ ‘ધ કેરલ સ્ટોરી’નું સ્ક્રીનિંગ ગોઠવવામાં આવ્યું છે.

સાયરો માલાબાર ચર્ચની જાહેરાતથી કૉંગ્રેસ અને સીપીએમ ફફડી ગયાં છે કેમ કે કેરળની ૨૦ લોકસભા બેઠરોમાંથી આઠ બેઠકો પર સાયરો ચર્ચનો પ્રભાવ છે. કૉંગ્રેસ અને સીપીએમને લાગે છે કે, આ આખો ખેલ ભાજપના લાભાર્થે કરવામાં આવી રહ્યો છે.

સાયરો માલાબાર ચર્ચનું મુખ્ય મથક કોચીમાં છે અને તે દેશની સૌથી મોટી અને સૌથી જૂની ખ્રિસ્તી સંસ્થા છે. તેના ૪૬ લાખથી વધુ સભ્યો છે. આ ચર્ચ ૪,૮૬૦ શૈક્ષણિક, ૨૬૨ ધાર્મિક અને ૨,૬૧૪ આરોગ્ય અને સખાવતી સંસ્થાઓ ચલાવે છે. કેરળમાં ૧૯ ટકા વસતી ખ્રિસ્તીઓની છે. તેમાંથી બહુમતી સાયરો માલાબાર ચર્ચ સાથે સંકળાયેલા છે.

કૉંગ્રેસ અને સીપીએમના ફફડાટના કારણ એ છે કે, ભાજપ છેલ્લા ત્રણ વર્ષથી સાયરો ચર્ચને પોતાની તરફેણમાં લાવવા મથી રહ્યો છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચના બિશપ સાથે અનેક વખત વાતચીત કરી હતી અને તેના કારણે ચર્ચ ભાજપ તરફ ઢળ્યો હતો. મણિપુર હિંસાને કારણે દેશભરનાં ચર્ચે ભાજપી પોતાને દૂર કરી લીધા ત્યારે સાયરો માલાબાર ચર્ચ પણ ભાજપથી દૂર થઈ ગયેલું. હવે લવ જેહાદનો વિરોધ કરવા માટે ભાજપે મદદ માહતાં ચર્ચ ભાજપ સાથે હાથ મિલાવી રહ્યો છે.

કૉંગ્રેસ અને સીપીએમ સહિતના પક્ષો કેવા દંભી છે તેનો આ પુરાવો છે. કેરળમાં લવ જિહાદનો મુદ્દો લાંબા સમયથી ગાજી રહ્યો છે અને હિંદુવાદી સંગઠનોની સાથે સાથે ખ્રિસ્તી સંગઠનો પણ આ મુદ્દાને ઉઠાવી રહ્યાં છે કેમ કે મુસ્લિમ કટ્ટરવાદીઓ હિંદુઓની છોકરીઓની સાથે સાથે ખ્રિસ્તી છોકરીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. ખ્રિસ્તી સંગઠનોએ આ મુદ્દે રજૂઆત કરી ત્યારે કૉંગ્રેસે સીપીએમની સરકાર કશું કરતી નથી એમ કહીને દોષનો ટોપલો તેમના પર ઢોળી દીધેલો અને સાયરો માલાબાર ચર્ચને કોઈ મદદ કરી નહોતી. હવે સાયરો માલાબાર ચર્ચ પોતાની રીતે રસ્તો શોધી રહ્યો છે તો તેમને તકલીફ પડી રહી છે.

સાયરો માલાબાર ચર્ચ અત્યાર લગી કૉંગ્રેસના પડખે રહેતું હતું. કૉંગ્રેસે વરસો સુધી તેનો રાજકીય ફાયદો લીધો પણ ખ્રિસ્તી વર્સીસ મુસ્લિમોના જંગમાં કૉંગ્રેસ મુસ્લિમોની તરફદાર બની ગઈ પછી સાયરો ચર્ચ ભાજપ તરફ ઢળે તેમાં કશું ખોટું નથી.

કૉંગ્રેસ અને સીપીએમને ડર છે કે, આ રીતે ભાજપ કેરળમાં ઘૂસી જશે. કેરળમાં ૧૯ ટકા વસતી ખ્રિસ્તીઓની છે જ્યારે ૨૫ ટકા મુસ્લિમો છે, બાકીના ૫૬ ટકા હિંદુ છે. હિંદુ અને ખ્રિસ્તી એક થઈ જાય તો કૉંગ્રેસ અને સીપીએમ બંનેની ખટિયા ખડી થઈ જાય તેથી બંને ઉધામા કરી રહ્યાં છે.

તકલીફ એ છે કે, બંને લવ જિહાદની સમસ્યાવા ઉકેલ માટે કશું કરવાના બદલે વાહિયાત વાતો કરી રહ્યાં છે. સીપીએમનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણીઓ નજીક હોવાથી ભાજપે વિવાદાસ્પદ ફિલ્મ દર્શાવીને તેના રાજકીય એજન્ડાને આગળ ધપાવવાનાં ફાંફાં મારી રહ્યાં છે. ભાજપ કેરળના સમાજમાં સ્વીકૃત બનવા અસમર્થ છે તેથી આ બધા દાવપેચ કરે છે. સવાલ એ છે કે, ભાજપ કેરળમાં ઘૂસી શકે તેમ જ નથી તો પછી એક ફિલ્મથી શું કરવા ડરી રહ્યા છો?

આ ફિલ્મ કેરળને બદનામ કરતી હોવાનો દાવો પણ કરાય છે. કેરળની ૩૨ હજાર મહિલાઓનું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનાવાઈ હોવાની વાત ખોટી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ દાવો ખોટો હોઈ શકે કેમ કે આ ફિલ્મ છે, ડોક્યુમેન્ટરી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button