એકસ્ટ્રા અફેર

ગુજરાતમાં કેમ આટલું બધું ડ્રગ્સ પકડાય છે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામેલો છે તેથી એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ અરબી સમુદ્રમાંથી ૬૦૦ કરોડ રૂપિયાનું ૮૬ કિલો ડ્રગ્સ અને ૧૪ પાકિસ્તાનીને પણ ઝડપ્યાં તેની બહુ ચર્ચા થઈ નથી પણ ચૂંટણી જેટલો જ આ મુદ્દો મહત્ત્વનો છે. તેનું કારણ એ કે, ગુજરાતમાંથી છેલ્લાં કેટલાંક વરસોમાં સતત જંગી પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયા કરે છે. સાથે સાથે ગુજરાતમાં ડ્રગ્સ પ્રોસેસ કરવાનું નેટવર્ક સ્થપાયેલું હોવાના પુરાવા આપતા કેસ પણ બન્યા કરે છે.

હજુ બે દિવસ પહેલાં જ એટીએસ અને એનસીબીના જોઈન્ટ ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવવાની ચાર ફેક્ટરી ઝડપાઈ હતી. તેના કારણે ગુજરાતને નવું ડ્રગ્સ હબ બનાવવાનો કારસો તો થઈ નથી રહ્યો ને એ સવાલ ઉઠી રહ્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાનોના પાપે પંજાબ ડ્રગ્સનો અડ્ડો બની ગયું છે. ગુજરાતમાં પણ એ જ ખેલ કરવા માટે પાકિસ્તાન અને તાલિબાન સક્રિય તો નથી થયાં ને એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં કેટલું ડ્રગ્સ ઝડપાયું તેના આંકડા બહુ ચોંકાવનારા છે. ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ૨૦૨૪માં વિધાનસભાના બજેટ સત્રમાં માહિતી આપેલી કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૫,૯૫૬ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સિવાય ગુજરાતમાં ૪,૪૭૮ કરોડ રૂપિયાનું ૮૫૮ કિલો ડ્રગ્સ દરિયામાંથી ઝડપાયું છે. તેમાં ૩૮ પાકિસ્તાની, પાંચ ઈરાની, ત્રણ અફઘાન અને બે નાઈજીરિયનની ધરપકડ કરાઈ છે. આ આંકડા ગંભીર છે પણ ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક કેવું ફેલાયલું છે તેનો અંદાજ આ આંકડા પરથી નહીં આવે.

ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દર વર્ષે એકાદ વાર એવું બને છે કે, એક સાથે અબજોના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોય. આ સિલસિલો છેક ૨૦૧૬થી ચાલે છે. ૨૦ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી નીકળેલા જહાજમાંથી શ્રીલંકામાં ૮૦૦ કિલો કોકેઈન પકડાયું હતું અને આ કોકેઈનની કિંમત ૧,૨૦૦ કરોડ હતી. ગાંધીધામની ટિમ્બર પેઢીના નામનું આ ક્ધસાઈનમેન્ટ સાઉદી અરેબિયાથી ભારત આવ્યું હતું. ૨૦૧૭ના જુલાઈમાં બ્લુચિસ્તાનથી ગુજરાત આવવા નીકળેલા જહાજને આંતરીને કોસ્ટગાર્ડે તપાસ કરતાં જહાજમાંથી ૧,૫૦૦ કિલો હેરોઈન કોસ્ટગાર્ડના જવાનોને મળી આવ્યું હતું. ૨૦૧૮માં આઠ ડિસેમ્બરે ગુજરાત એટીએસની ટીમે સલાયા નજીક બોટને આંતરીને પાંચ શખસને પકડ્યા ત્યારે તેમની પાસેથી ૧૫ કરોડની કિંમતનું આઠ કિલો હેરોઈન જપ્ત કરાયું હતું. ૨૭ માર્ચ ૨૦૧૯ના દિવસે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે પોરબંદર પાસે બોટ આંતરીને ૫૦૦ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપેલું. ૧૦૦ કિલો હેરોઈન અને ૨૫ કરોડના એમડી ડ્રગ્સ સાથે ૧૧ આરોપી પકડાયા હતા. ૨૦૧૯ના મે મહિનામાં જખૌના દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી ૨૮૦ કિલો ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા. ૨૦૨૦માં સુરત પાસેના હજીરા પોર્ટ પરથી ૧૨૦ કરોડની ડ્રગ્સ ટેબ્લેટ પકડાઈ હતી.

૨૦૨૧માં તો ડ્રગ્સ પકડાવાની એટલી બધી ઘટનાઓ બની કે સૌ હચમચી ગયેલા ને ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે કે શું એવો સવાલ થયેલો. છઠ્ઠી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ જખૌ પાસેથી ૧૭૫ કરોડની કિંમતના ૩૫ કિલો હેરોઈન સાથે છ આરોપી ઝડપાયેલા. એ પછી ૨૦૨૧ના એપ્રિલમાં મુન્દ્રા પોર્ટ નજીકથી આઠ પાકિસ્તાની ૩,૦૦૦ કરોડના હેરોઈન સાથે પકડાયા હતા. આ સાંભળીને જ ઘણા ગુજરાતીઓનાં હૃદય બેસી ગયેલાં ત્યાં સપ્ટેમ્બરમાં ૨૧ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ કચ્છના મુંદ્રા બંદરેથી હેરોઈનનાં બે તોતિંગ ક્ધટેનરમાં લગભગ ત્રણ હજાર કિલો ડ્રગ્સની હતું. મુંદ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનના કંદહારથી આ ડ્રગ્સ લવાયેલું. અફઘાનિસ્તાનની હસન હુસેન લિમિટેડ દ્વારા ભારતમાં મોકલાવાયેલું આ ડ્રગ્સ આંધ્ર પ્રદેશના વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીએ મંગાવેલું. ટેલ્કમ સ્ટોનની આયાતના નામે આ ડ્રગ્સ ભારતમાં ઘૂસાડાયેલું.

આ ઘટનાના બે મહિના પછી નવ નવેમ્બરે દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી રૂપિયા ૩૫૦ કરોડની કિંમતનું ૬૩ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ ૬૬ કિલો ડ્રગ્સ વાડીનાર અને સલાયા એમ બે સ્થળેથી ઝડપાયું હતું. આ દાવાના ચાર મહિના પછી જ ૨૦૨૨ના એપ્રિલમાં પાછું ૧,૫૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયેલું. આ ડ્રગ્સ ઇરાનથી આવ્યું હતું પણ કંડલાથી કોને મોકલવાનું હતું એ કદી ખબર જ ન પડી. છેલ્લે ૨૦૨૪ના ફેબ્રુઆરીમાં જ ૨,૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયેલું.

ગુજરાતમાં ડ્રગ્સ પ્રોસેસ થાય છે તેના પુરાવા પણ મળેલા છે. કૉંગ્રેસ ને ભાજપ બંનેમાં રહી ચૂકેલા ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો દીકરો ભાવેશ ભરુચ પાસેની ફેક્ટરીમાં ડ્રગ્સ પ્રોસેસ કરતાં ઝડપાયેલો. અત્યારે જે ફેક્ટરીઓ ડ્રગ્સ પ્રોસેસ કરતાં ઝડપાઈ છે એ પણ એ જ ટાઈપની ફેક્ટરીઓ છે.

ગુજરાતમાંથી આટલા જંગી પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે એ જોતાં ડ્રગ્સનો કારોબાર બહુ મોટો છે એ કહેવાની જરૂર નથી પણ કમનસીબે ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને નાથવા કશું કરાતું નથી એવું લાગે છે.

ગુજરાતમાં હજારો કરોડોનું ડ્રગ્સ શું કરવા લવાય તેનો જવાબ હજુ લગી મળ્યો નથી. સ્વાભાવિક રીતે જ મીઠાઈ બનાવવા તો ડ્રગ્સ નહીં જ લવાયું હોય. ભારતમાં વેચવા માટે કે પ્રોસેસ કરીને બીજું કંઈ કરવા માટે જ ડ્રગ્સ લવાયું હોય એ કહેવાની જરૂર નથી. આ બધું કરવા માટે બીજા માણસો હશે, એક નેટવર્ક હશે પણ એ નેટવર્કનો કદી પર્દાફાશ થતો નથી કે ફોલો-અપમાં કોઈ પકડાતું નથી. ડ્રગ્સનાં તોતિંગ ક્ધસાઈનમેન્ટ આવ્યા જ કરે છે ને ત્યારે ચર્ચા થાય છે પણ પછી આખી વાત ભૂલાઈ જાય છે.

આ સ્થિતિ બદલાવી જોઈએ કેમ કે ગુજરાત તો જમીન અને સમુદ્ર બંને સરહદે પાકિસ્તાન સાથે જોડાયેલું છે તેથી ગુજરાત પર બહુ મોટો ખતર છે. ગુજરાત પાસે દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો છે અને આ દરિયાકિનારાનો ઉપયોગ ડ્રગ્સ લાવવા થઈ રહ્યો છે એ સ્પષ્ટ છે. હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા છે અને તાલિબાન વિશ્ર્વમાં ડ્રગ્સના સૌથી મોટા વેપારી છે. ભારત બહુ મોટો દેશ છે તેથી તાલિબન ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા મથે છે અને ગુજરાતમાં વાયા પાકિસ્તાન એ ડ્રગ્સ આવી જ રહ્યું છે.

ગુજરાતને કે ભારતને પણ ડ્રગ્સનું માર્કેટ ના બનવા દેવાય એ જોતાં ગુજરાતે જાગવું પડે, ડ્રગ્સના નેટવર્કને રફેદફે કરવા તેના પર તૂટી પડવું પડે. પંજાબની જેમ ઉડતા ગુજરાત ના બનવા દેવાય. ઉ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button