એકસ્ટ્રા અફેર

મોદીની નિવૃત્તિ અંગે ભાગવત શું કરવા જવાબ આપે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

લિકર કેસમાં લગભગ છ મહિનાનો જેલવાસ ભોગવીને બહાર આવેલા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકીય રીતે પાછા સક્રિય થઈ ગયા છે. કેજરીવાલ એક તરફ હરિયાણામાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તેમણે ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વડા મોહન ભાગવતને પત્ર લખીને પાંચ સવાલ પૂછ્યા છે. કેજરીવાલે ઈડી અને સીબીઆઈ સહિતની કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગથી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃત્તિ સુધીના પાંચ મુદ્દા પર ભાગવતને સવાલો પૂછ્યા છે. કેજરીવાલે ૨૨ સપ્ટેમ્બરે દિલ્હીના જંતર-મંતર પર એક જનસભા દરમિયાન ભાગવતને આ પાંચ સવાલો પૂછ્યા હતા. હવે તેમણે ભાગવતને પત્ર લખીને આ સવાલો દોહરાવ્યા છે.

કેજરીવાલે લખ્યું છે કે, આ પત્ર તેમણે એક રાજકીય પક્ષના નેતા તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે લખ્યો છે કેમ કે દેશના કરોડો સામાન્ય લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યા છે. ભાગવતે દેશના સામાન્ય લોકોને ખાતર આ સવાલોના જવાબ આપવા જોઈએ. કેજરીવાલે એમ પણ લખ્યું છે કે, પોતે ભાજપ સરકારની નીતિઓને દેશ માટે નુકસાનકારક માને છે. ભાજપની નુકસાનકારક નીતિઓના કારણે દેશની હાલની સ્થિતિ અંગે ખૂબ જ ચિંતિત છે અને આ સ્થિતિ ચાલુ રહેશે તો દેશની લોકશાહી જોખમમાં આવી શકે છે.

કેજરીવાલે આશા વ્યક્ત કરી કે મોહન ભાગવત આ સવાલોના જવાબ આપશે અને દેશને આ મુદ્દાઓ પર તેમનો અભિપ્રાય જાણવાનો મોકો મળશે. મોહન ભાગવત કેજરીવાલના સવાલોના જવાબ આપશે કે નહી એ સવાલ સૌને થઈ રહ્યો છે. તેની વાત કરીએ એ પહેલાં કેજરીવાલે મોહન ભાગવતને કરેલા પાંચ સવાલની વાત કરી લઈએ.

કેજરીવાલનો પહેલો સવાલ ભાજપના નેતા બીજા પક્ષોના નેતાઓને તોડીને લઈ આવે છે એ અંગે છે. કેજરીવાલનું કહેવું છે કે, મોદી સરકાર દેશભરમાં ઈડી અને સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓની ધમકી આપીને કે લાલચ આપીને બીજા પક્ષોના નેતાઓને તોડી લાવે છે અને સરકારો તોડી નાખવામાં આવી રહી છે. કેજરીવાલે સવાલ કર્યો છે કે, આ રીતે ચૂંટાયેલી સરકારોને પછાડવી યોગ્ય છે અને સંઘ આ નીતિને સ્વીકારે છે?

કેજરીવાલનો બીજો સવાલ ભ્રષ્ટ નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે તે અંગે છે. કેજરીવાલને કહેવા પ્રમાણે જે કેટલાક નેતાઓને ખુદ વડા પ્રધાન મોદી અને અમિત શાહે ભ્રષ્ટ કહ્યા હતા એ જ નેતાઓને થોડા દિવસ પછી ભાજપમાં લઈ અવાય છે અને પછી એ બધા સ્વચ્છ થઈ જાય છે. સંઘે આવી ભાજપની કલ્પના કરી હતી? આ બધું જોઈને તમને દુ:ખ નથી થતું? કેજરીવાલે સવાલ કર્યો છે કે, ભાજપ ખોટા રસ્તે જાય તો તેને સાચા રસ્તે લાવવાની જવાબદારી સંઘની છે તો તમે ક્યારેય પીએમ મોદીને ખોટા કામો કરતા રોકવાનો પ્રયાસ કર્યો છે ખરો?

કેજરીવાલે આરએસએસ અને ભાજપના સંબંધો અંગે પણ સવાલ કર્યો છે. ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે, હવે ભાજપને આરએસએસની જરૂર નથી. આ નિવેદનથી આરએસએસના કાર્યકરોને દુ:ખ થયું છે ત્યારે તમે આ વિશે શું વિચારો છો?

કેજરીવાલે સૌથી વિવાદાસ્પદ સવાલ મોદીની નિવૃત્તિ અંગે કર્યો છે. કેજરીવાલના કહેવા પ્રમાણે, ભાજપમાં ૭૫ વર્ષની વય પછી નેતાઓને નિવૃત્ત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. આ નિયમ હેઠળ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ નેતાઓને નિવૃત્ત કરવામાં આવ્યા હતા. કેજરીવાલે સવાલ કર્યો છે કે, આ નિયમનું ભાજપમાં હજુ પાલન થઈ રહ્યું છે અને મોદીને પણ આ નિયમ લાગુ પડવો જોઈએ કે નહીં ?

કેજરીવાલના સવાલો રસપ્રદ છે પણ ત્રણ સવાલ એવા છે કે જે ભાગવતને લાગુ પડતા નથી. આ પૈકી સૌથી એક સવાલ મોદીની નિવૃત્તિને લગતો છે. ભાજપમાં ૭૫ વર્ષની વય પછી નેતાઓને નિવૃત્ત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો કે નહીં એ વિશે ભાગવત કઈ રીતે જવાબ આપી શકે ? આ ભાજપની આંતરિક બાબત છે ને તેનો જવાબ ભાજપ પાસે માગવો જોઈએ. સંઘ ભાજપનું પિતૃ સંગઠન મનાય છે ખરું પણ ભાજપ કંઈ દરેક વાત સંઘને પૂછીને કરે એ જરૂરી નથી. ભાજપમાં ૭૫ વર્ષની વય પછી નેતાઓને નિવૃત્ત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો એ અંગે ભૂતકાળમાં બહુ ચર્ચા થઈ છે પણ ભાજપના નેતા કહે છે કે, એવો કઈ નિયમ નથી.

અડવાણી કે જોશી સહિતના નેતાઓને આ નિયમ હેઠળ નિવૃત્ત કરી દેવાયા એવું બધાં કહે છે પણ ખરેખર એવો નિયમ છે ખરો એ જ મોટો સવાલ છે. અત્યાર સુધી મોંઢામોંઢ આવી વાતો સંભળાયા કરે છે પણ ખરેખર કાગળ પર કોઈ નિયમ છે એવું હજુ સુધી બહાર આવ્યું નથી. આ સંજોગોમાં મોદીને ભાજપમાં ૭૫ વર્ષની વય પછી નેતાઓને નિવૃત્ત કરવાનો નિયમ લાગુ પડશે કે નહીં એ મુદ્દો જ અપ્રસ્તુત છે. કેજરીવાલ ચાલાક રાજકારણી છે તેથી આ મુદ્દ ઉઠાવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી પછી મોદીના પ્રભાવ ઘટ્યો એ વાસ્તવિકતા છે ને તેનો લાભ લઈને કેજરીવાલ પણ મોદી પર હાથ સાફ કરી રહ્યા છે.

કેજરીવાલે ભાજપને આરએસએસની જરૂર નથી એવા નડ્ડાના નિવેદનથી સ્વયંસેવકો દુ:ખી થયા છે એ મુદ્દો પણ ઉઠાવ્યો છે. નડ્ડાએ બતાવેલા અહંકાર સામે સંઘે જાહેરમાં કોઈ પ્રતિક્રિયા નથી આપી પણ સંઘના સ્વયંસેવકો દુ:ખી છે એ વાસ્તવિકતા છે. આ લાગણી તેમણે ભાગવત સુધી પહોંચાડી જ છે અને ભાગવતે તેમને કંઈક કહ્યું જ હશે પણ તેની ચર્ચા ભાગવત જાહેરમાં કરે એ જરૂરી નથી. આ સંજોગોમાં કેજરીવાલના સવાલનો જવાબ આપવો જરૂરી નથી. ભાગવતે મોદીને ખોટા કામો કરતા રોકવાનો પ્રયાસ કર્યો છે ખરો એ સવાલ પણ સંઘ અને મોદીના આતરિક સંબંધો અંગેનો છે. તેનો જાહેરમાં જવાબ આપવો જરૂરી નથી.

કેજરીવાલે ઉઠાવેલા બાકીના બે સવાલો જાહેર જીવનમાં શુદ્ધતાને લગતા છે તેથી ભાગવતે તેના જવાબ આપવા જોઈએ. ભ્રષ્ટ નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે અન ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈને ક્લીન થઈ જાય છે એ મુદ્દો મહત્ત્વનો છે. મોદી સરકાર દેશભરમાં ઈડી અને સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરે છે એ વાસ્તવિકતા છે. ભાગવતે આ સવાલના જવાબ આપવા જોઈએ પણ સંઘની નીતિ મહત્ત્વના મુદ્દે મૌન રહેવાની છે એ જોતાં આ મુદ્દે એ જવાબ આપે એવી આશા રાખવા જેવી નથી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…