એકસ્ટ્રા અફેર

સરકારી યોજનાઓનો અધિકારીઓ પ્રચાર કરે તેમાં ખોટું શું?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે જ કૉંગ્રેસે કેન્દ્ર સરકારની યોજનાઓના પ્રચાર માટે સરકારી અધિકારીઓ તથા ભારતીય લશ્કરનો ઉપયોગ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. સામે ભાજપે રાજીવ ગાંધીના સમયમાં ઈન્ડિયન નેવીના વોરશિપ આઈએનએસ વિરાટનો ઉપયોગ ગાંધી-ખાનદાનનાં લોકો અને મિત્રોના ઉપયોગ માટે થતો હતો એવો ટોણો મારતાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે જામી ગઈ છે.

કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચાર પાનાંનો લાંબોલચ્ચક પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકાર ભારતીય સૈનિકો અને અધિકારીઓનો સરકારી યોજનાઓમાં પ્રચાર માટે દુરુપયોગ કરી રહી છે. ખડગેએ મોદીને સલાહ આપી છે કે, સિવિલ સર્વન્ટ્સ એટલે કે સનદી અધિકારીઓ અને સૈનિકોને રાજકારણથી દૂર રાખવા જોઈએ.

મોદી સરકારે છેલ્લાં નવ વર્ષના શાસનમાં કરેલાં કામો અને મેળવેલી સિદ્ધિઓના પ્રચાર માટે યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રાને સફળ બનાવવાની જવાબદારી અધિકારીઓ અને સૈનિકોને સોંપાઈ હોવાના અહેવાલો સામે ખડગેએ વાંધો લીધો છે. ખડગેના મતે, આ સરકારી મશીનરીનો સંપૂર્ણ દુરુપયોગ છે.

સંરક્ષણ મંત્રાલયે અગાઉ ભારતીય સેનાની ત્રણેય પાંખને પત્ર મોકલીને રજા પર જતા સૈનિકો સરકારી યોજનાનો પ્રચાર કરે એવો આદેશ આપેલો. ખડગેએ પોતાના પત્રમાં તેનો પણ ઉલ્લેખ કર્યો છે. ખડગેનું કહેવું છે કે, ચૂંટણી નજીક છે ત્યારે સરકારી તંત્રને રાજકારણથી દૂર રાખવું જોઈએ. ભાજપે વળતો પ્રહાર કરીને રાજીવ ગાંધી આઈએનએસ વિરાટનો ઉપયોગ પર્સનલ વેકેશન માટે કરતા હતા એવો ટોણો મારતાં સામસામી આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે.

ભાજપે જેનો ઉલ્લેખ કર્યો છે એ આઈએનએસ વિરાટનો મુદ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી વખતે ઉઠાવેલો. બલ્કે મોદીએ આઈએનએસ વિરાટનું નામ વિવાદમાં ઢસડવાનો પ્રયત્ન થયેલો. મોદીએ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન કહીને કોમેન્ટ કરેલી કે, રાજીવ ગાંધીને પહેલાં તેમના દરબારીએ મિસ્ટર ક્લિન ગણાવતા પણ રાજીવ ગાંધી ભ્રષ્ટાચારી નંબર વન તરીકે ગુજરી ગયેલા.

મોદીએ રાજીવ ગાંધી પર બીજો પ્રહાર કરતાં રામલીલા મેદાનમાં કહેલું કે, રાજીવ ગાંધી પોતાના મિત્રો અને સાસરિયાંનું આખું ટોળું લઈને નૌકાદળના યુદ્ધજહાજ આઈએનએસ વિરાટ પર વેકેશન માણવા ગયેલા. રાજીવે ભારતના ગૌરવ સમાન વોરશિપ આઈએનએસ વિરાટનો ઉપયોગ દરિયામાં મોજ કરવા કરેલો ને આપણા યુદ્ધજહાજને ટૅક્સી બનાવી દીધેલું એવો આક્ષેપ મોદીએ કરેલો.
મોદીના આ આક્ષેપને નૌકાદળના અધિકારીઓએ સાવ ખોટી ગણાવેલી. મોદીએ ઉલ્લેખ કર્યો એ સમયગાળામાં એડમિરલ રામદાસ નૌકાદળના વડા હતા. એડમિરલ રામદાસ અને આઈએનએસ વિરાટના કમાન્ડિંગ ઓફિસર વાઈસ એડમિરલ વિનોદ પસરિચાએ પત્રકાર પરિષદ કરીને આ વાતને બકવાસ ગણાવી હતી.

નૌકાદળના એ વખતના બીજા ટોચના અધિકારીઓ પણ પત્રકાર પરિષદમાં હાજર હતા. તેમણે પણ એડમિરલ રામદાસની વાતને ટેકો આપીને કહેલું કે, રાજીવ ગાંધી ને સોનિયા એમ બે જ જણ આઈએનએસ વિરાટ પર આવેલાં. બંનેની વોરશિપની મુલાકાત સત્તાવાર મુલાકાત હતી. નૌકાદળે રાજીવ-સોનિયાને ડિનર કરાવેલું. આ સિવાય બીજી કોઈ સરભરા નહોતી કરાવી કે બંનેએ કોઈ મોજમજા નહોતી કરી.
નૌકાદળના અધિકારીઓની સ્પષ્ટતા પછી એ વખતે એ વાત પર પડદો પડી ગયો હતો. હવે પાંચ વર્ષ પછી ભાજપવાળા ફરી એ વાત માંડીને બેસી ગયા છે કેમ કે ભાજપ ચારિત્ર્યહનન કરીને રાજકીય લાભ લેવામાં
પાવરધો છે.

કોઈ પણ પ્રકારના પુરાવા વિના આક્ષેપો કરી નાંખવા અને લોકોના મનમાં જે તે વ્યક્તિ વિશે ખરાબ લાગણી પેદા કરી દેવી એ ભાજપનો સિદ્ધાંત છે. ભાજપ અત્યારે એ જ રીતે વર્તી રહ્યો છે કેમ કે ભાજપને આ દેશમાં બહુમતી લોકોની માનસિકતાની ખબર છે. આ દેશનાં બહુમતી લોકો નકારાત્મક વાતોને બહુ જલદી સાચી માની લે છે. આ વાતમાં તથ્ય છે કે નહીં, કોઈ પુરાવા છે કે નહીં તેની કોઈને પડી નથી હોતી.

કમનસીબી એ છે કે, આ દેશમાં લોકો રાજકારણીઓ પર વધારે ભરોસો કરે છે કે જેમની કોઈ વિશ્ર્વસનિયતા નથી ને જે લોકોએ દેશની સેવામાં જાત ઘસી નાંખી તેમની વાત સાચી માનતા નથી. નૌકાદળના અધિકારીઓની સ્પષ્ટતા પછી ભાજપે ખરેખર આ વાતને પડતી મૂકી દેવાની હોય પણ ભાજપે વાત પડતી ના મૂકી કેમ કે તેને ખબર છે કે લોકોને આપણી વાતોમાં વધારે રસ પડશે. નેવીના અધિકારીઓ દેશની સેવા કરે છે. ભાજપ કે કૉંગ્રેસીઓની જેમ કોઈ વિચારધારાની કંઠી પહેરીને ફરતા નથી છતાં લોકોને તેમની વાત પર ભરોસો નહીં બેસે.

ભાજપ જેવી જ માનસિકતા કૉંગ્રેસની પણ છે. કૉંગ્રેસ પણ પાણીમાંથી પોરા કાઢવામાં હોંશિયાર છે ને એટલે જ આ મુદ્દો ઉઠાવ્યો છે. સરકારના પ્રચાર માટે દેશના લશ્કર કે સશસ્ત્ર દળોનો ઉપયોગ ન થવો જોઈએ એવી કૉંગ્રેસની વાત સાચી છે પણ સરકારી અધિકારીઓ સરકારની યોજનાઓનો પ્રચાર કરે તેની સામે કૉંગ્રેસનો વાંધો હાસ્યાસ્પદ છે.

કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, બંને સ્તરે જે પણ યોજનાઓ બનાવાય તેના અમલની જવાબદારી સરકારી અધિકારીઓ, કર્મચારીઓ વગેરેના બનેલા સરકારી તંત્રની છે. આ અમલ યોગ્ય રીતે થાય અને મહત્તમ લોકોને યોજનાઓનો લાભ મળે એ માટે પ્રચાર કરવો જરૂરી છે. પ્રચાર વિના લોકોને કઈ રીત યોજનાઓ વિશે ખબર પડે ને લોકો કઈ રીતે તેનો ફાયદો લઈ શકે? ના જ લઈ શકે એ જોતાં પ્રચાર જરૂરી છે. આ પ્રચાર સરકારી તંત્ર જ કરે ને કે તેના માટે પણ અલગ તંત્ર ઊભું કરીને પ્રજાના પરસેવાની કમાણીથી ભરાતી સરકારી તિજોરીનાં નાણાંનો ધુમાડો કરવાનો હોય? વાસ્તવમાં સરકારી તંત્રની ફરજ જ છે કે, મહત્તમ લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે એ માટે તેનો જોરશોરથી પ્રચાર કરે. સરકારી તંત્રને એ કામે લગાડાય તેને સરકારી તંત્રનો દુરુપયોગ ના કહેવાય.

કૉંગ્રેસે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. નાની નાની વાતોને મોટી કરવાના બદલે જ્યાં જરૂર હોય ત્યાં તર્કબદ્ધ રીતે વિરોધ કરાય તો તેની લોકો પર પણ અસર પડે, બાકી આવા હાસ્યાસ્પદ વાંધાને કોઈ ના ગણકારે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત