મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરાયો તેમાં ખોટું શું ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉત્તરાખંડ વિધાનસભાએ યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું ત્યારે એવી શક્યતા વ્યક્ત થયેલી જ કે, ધીરે ધીરે દેશનાં બધાં ભાજપ શાસિત રાજ્યોમાં આજે નહીં તો કાલે યુનિફોર્મ સિવિલ કોડ પસાર થશે. આસામની ભાજપ સરકારે એ દિશામાં પહેલું કદમ ઉઠાવીને રાજ્યમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કર્યો છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કરવાનો અને રાજ્યમાં તમામ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ કરવાનો નિર્ણય લેવાઈ ગયો. મતલબ કે, હવે પછી આસામમાં માત્ર ને માત્ર સ્પેશિયલ મેરેજે એક્ટ હેઠળ જ લગ્ન થઈ શકશે. સ્પશિયલ મેરેજ એક્ટ હેઠળ કોઈ પણ લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવું જ પડે તેથી હવે પછી આસામમાં બધાં જે પણ લગ્ન થશે એ બધાં કોર્ટ મેરેજ જ હશે.
હવે મુસ્લિમ સહિતનાં તમામ ધર્મનાં લોકોનાં લગ્ન અને તલાકની નોંધણી જિલ્લા કમિશનર અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. આસામની સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કરવાના નિર્ણયને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની દિશામાં એક મોટું પગલું ગણાવીને દાવો કર્યો છે કે, મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કરવાથી રાજ્યમાં થતા બાળલગ્નો અટકશે.
આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમાએ બરાબર એક વર્ષ પહેલાં કહેલું કે, આસામમાં બાળલગ્નો બંધ થવાં જોઈએ તેથી અમે બાળલગ્ન સામે નવો કાયદો લાવવા અંગે વિચારી રહ્યા છીએ. ૨૦૨૬ સુધીમાં અમે બાળલગ્ન વિરુદ્ધ નવો કાયદો લાવવાનું વિચારી રહ્યા છીએ કે જેમાં જેલની સજા બે વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવામાં આવશે. મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કરીને એક રીતે બાળલગ્ન વિરોધી કાયદો જ લાવી દેવાયો છે.
મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કરીને આસામ સરકારે યુસીસી અંગે કાયદો લાવવાની તૈયારી કરી રહી હોવાનો સંકેત આપી દીધો છે. સરમાએ પહેલાં એલાન કરેલું કે, રાજ્ય સરકાર બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવવાની હતી પણ ઉત્તરાખંડમાં યુસીસી પસાર થયા પછી અમે હવે યુસીસી પસાર કરીને તેમાં જ આ જોગવાઈ કરીશું. લોકસભાની ચૂંટણી નજીક છે એ જોતાં સરમા સરકાર બહુ જલદી યુસીસી ખરડો લાવશે એ કહેવાની જરૂર નથી.
ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એઆઇયુડીએફના વડા મૌલાના બદરુદ્દીન અજમલે સરમા સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવીને દાવો કર્યો છે કે, બહુપત્નીત્વ માત્ર મુસ્લિમોમાં જ નથી પણ અન્ય સમુદાયોમાં પણ છે. માત્ર મુસ્લિમોને નિશાન બનાવીને સરકાર ક્ધિનાખોરી દાખવી રહી છે. કોંગ્રેસે પણ તેમાં સૂર પુરાવ્યો છે. કૉંગ્રેસ સહિતના નેતાઓની માનસિકતા મુસ્લિમ તુષ્ટિકરણની છે તેનો આ પુરાવો છે. બીજા સમુદાયોમાં ખરાબ પ્રથા હોય તો તેને પણ દૂર કરવાની વાત કરવાની હોય, તેના બદલે આ લોકો બીજાની જેમ મુસ્લિમોમાં પણ ખરાબ પ્રથા ચાલુ રહેવી જોઈએ એવી તરફેણ કરે છે.
કૉંગ્રેસ સહિતના પક્ષો આ દેશમાં હિંદુઓને મુસ્લિમો જેટલા જ અધિકાર છે એવી વાતો જોરશોરથી કરે છે. વાત સાચી છે કેમ કે દેશનું બંધારણ બધાંન સમાન જ ગણે છે તો પછી આ મુદ્દે સમાનતાની વાત કેમ નથી કરાતી ? બહુપત્નીત્વની વાત આવે ત્યારે મુસ્લિમોએ હિંદુઓને અનુસરવું જોઈએ એવું કેમ કોઈ કહેતું નથી ? મુસ્લિમોમાં ઘણાં સામાજિક દૂષણ છે કે જેમને મહિલાઓએ કમને સ્વીકારવાં પડે છે. આ દૂષણો દૂર કરીને હિંદુ સમાજ જેવા કાયદા અમલી બનાવવાની વાત આવે ત્યારે મુસ્લિમોને પોતાનો ધર્મ યાદ આવી જાય છે.
કૉંગ્રેસ અને અજમલ જેવા લોકો મતબૅન્કના રાજકારણને વાસ્તે આ બધા ઉધામા કરે છે પણ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કરવો જરૂરી હતો કેમ કે આ એક્ટ ભારતના બંધારણની મજાક સમાન હતો. ભારતમાં છોકરી માટે લગ્નની ઉંમર ૧૮ વર્ષ છે જ્યારે છોકરા માટે લગ્નની ઉંમર ૨૧ વર્ષ છે. મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ હેઠળ છોકરી કે છોકરા માટે લગ્નની કોઈ ઉંમર નક્કી કરાયેલી નહોતી તેથી ગમે તે ઉંમરે તેમને પરણાવી દેવાતાં હતાં. મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ હેઠળ લગ્નની નોંધણી માટે રાજ્યમાં અલગથી ૯૪ રજિસ્ટ્રાર હતા તેથી મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ હેઠળ મુસ્લિમો તેમની પાસે સત્તાવાર રીતે બાળલગ્નની નોંધણી કરાવતા હતા. આસામ સરકારે ઉચ્ચક બે-બે લાખ રૂપિયા આપીને આ રજિસ્ટ્રારને પણ છૂટા કરીને આખી સિસ્ટમ જ નાબૂદ કરી દીધી છે.
વાસ્તવમાં મુસ્લિમ પર્સનલ લો કે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ જેવા ચોક્કસ રાજ્યોમાં અમલી કાયદા દેશના બંધારણે આપેલા સમાનતાના અધિકારના ભંગ સમાન છે. મુસ્લિમ પર્સનલ લોમાં કોઈ પણ મુસ્લિમને એક સાથે ચાર પત્નીઓ રાખવાનો હક અપાયો છે પણ સામે સ્ત્રીને એ હક નથી. મુસ્લિમ ધર્મ સિવાયના બીજા કોઈ ધર્મના પુરુષને પણ આ અધિકાર નથી એ જોતાં આ પ્રકારની જોગવાઈઓ સમાનતાના અધિકારનો સીધો ભંગ છે.
આપણા બંધારણમાં કલમ ૧૪ હેઠળ સમાનતાનો સિદ્ધાંત સ્વીકારાયો છે. ભારતના બંધારણમાં સમાનતાનો અધિકાર મૂળભૂત અધિકાર છે.
બંધારણની કલમ ૪૪ દેશના તમામ નાગરિકોને એક સમાન અધિકારોની ખાતરી આપે છે. તેના આધારે કલમ ૪૪ હેઠળ સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડના
અમલની તરફેણ કરાઈ છે. ૧૯૫૬માં સંસદે ઠરાવ કરીને સ્વીકાર કર્યો હતો કે, દેશના તમામ નાગરિકો માટે લગ્ન સહિતની અંગત બાબતોને લગતા કાયદા એકસરખા હોવા જોઈએ.
દેશના બંધારણમાં પણ એ સૂચનનો સમાવેશ કરાયો કે, દેશના તમામ નાગરિકો માટે એકસરખા પર્સનલ લો હોવા જોઈએ. આ બંધારણનો માર્ગદર્શક સિદ્ધાંત છે પણ તેનો અમલ કદી ના થયો તેનું કારણ અલગ અલગ પર્સનલ લો તથા મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ જેવા કાયદા છે. પર્સનલ લોમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ, દત્તક અને ભરણપોષણ એ પાંચ બાબતોને આવરી લેવાય છે. દરેક ધર્મમાં આ પાંચેય બાબતો માટેના અલગ અલગ નિયમો હોવાથી મતબૅન્કના રાજકારણને અનુસરીને પર્સનલ લો બનાવાયા તેના કારણે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કદી ના થયો. હવે ભાજપ એ કરીને બંધારણની મૂળભૂત જોગવાઈનું પાલન કરી રહ્યો છે ત્યારે તેનો વિરોધ નહીં પણ વખાણ કરવાં જોઈએ.