કૉંગ્રેસે પેલેસ્ટાઈન અંગે ઠરાવ કરવાની શું જરૂર?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કૉંગ્રેસ ભૂતકાળની ભૂલોમાંથી કશું શીખતી નથી અને પોતે બનાવેલા એક સંકુચિત દાયરામાંથી બહાર આવતી નથી તેમાં તેનું નામું નંખાઈ ગયું છે. આ ભૂલોના કારણે કૉંગ્રેસ પર મુસ્લિમ પાર્ટીનો ઠપ્પો લાગી ગયો છે છતાં કૉંગ્રેસ સુધરતી નથી ને એ જ ભૂલો દોહરાવ્યા કરે છે. કોંગ્રેસની આ માનસિકતાનો તાજો નમૂનો કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પસાર કરાયેલો પેલેસ્ટાઈનના સમર્થનનો ઠરાવ છે.
આ ઠરાવમાં કૉંગ્રેસે પેલેસ્ટાઈનને ટેકો આપીને લખ્યું છે કે, કૉંગ્રેસ વર્કિંગ કમિટી પેલેસ્ટાઈનના લોકોના જમીન, સ્વશાસન, આત્મસન્માન અને જીવનના અધિકારો માટે પોતાના સમર્થનને દોહરાવે છે. કૉંગ્રેસે મધ્ય પૂર્વમાં છેડાયેલા યુદ્ધ અંગે નિરાશા અને દુ:ખ વ્યક્ત કરીને કહ્યું છે કે, છેલ્લા બે દિવસમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે ત્યારે કૉંગ્રેસ વર્કિંગ કમિટી પેલેસ્ટાઈનના લોકોના જમીન અધિકારો માટે સ્વશાસન અને ગરિમા તથા સન્માન સાથે જીવવાના અધિકારને લાંબા સમયથી અપાતા સમર્થનને દોહરાવે છે.
કૉંગ્રેસે તત્કાળ યુદ્ધવિરામ અને ઈઝરાયેલ તથા પેલેસ્ટાઈન વચ્ચે તમામ પેન્ડિંગ મુદ્દા અંગે વાતચીત શરૂ કરવાની પણ હાકલ કરી છે. કૉંગ્રેસ ઈઝરાયેલના લોકો પર ક્રૂર હુમલાની પણ ટીકા કરી છે પણ વધારે ભાર પેલેસ્ટાઈનનાં લોકોના અધિકારો પર મૂક્યો છે. કૉંગ્રેસ વતી મુખ્ય પ્રવક્તા જયરામ રમેશે સત્તાવાર નિવેદન આપીને કહ્યું છે કે, કૉંગ્રેસનું પહેલેથી માનવું છે કે પેલેસ્ટાઈનના લોકો આત્મ સન્માન, સમાનતા ને સન્માન સાથે જીવી શકે એ પેલેસ્ટાઈનના લોકોનો અધિકાર છે અને તેમની આ કાયદેસર આકાંક્ષાઓ ફક્ત વાતચીતથી પૂરી થવી જોઈએ. કોઈ પણ પ્રકારની હિંસા ક્યારેય સમાધાન આપતી નથી અને તેને રોકવી જોઈએ.
કૉંગ્રેસનો ઠરાવ સંપૂર્ણપણે પેલેસ્ટાઈનની તરફેણમાં નથી. આતંકવાદી સંગઠન હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલાની પણ કૉંગ્રેસે ટીકા કરી છે અને પેલેસ્ટાઇનને લગતી સમસ્યાનો ઉકેલ વાતચીતથી લાવવાની પણ તરફેણ કરી છે. કૉંગ્રેસે એ રીતે બંને પક્ષને સાચવી લીધા છે પણ મહત્ત્વની વાત એ છે કે, કૉંગ્રેસે આવો ઠરાવ કરવાની જરૂર શું? કૉંગ્રેસે આ ઠરાવ કરીને દેશની એકતા વિરુદ્ધ પગલું ભર્યું છે.
ઈઝરાયલ પર હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો એ આંતરરાષ્ટ્રીય ઘટના છે. હમાસ આતંકવાદી સંગઠન છે એવું આપણે કહીએ છીએ કેમ કે તેના રસ્તા આતંકવાદના છે પણ ભારતે તો તેને આતંકવાદી સંગઠન પણ જાહેર કર્યું નથી. અમેરિકા સહિતના દેશો તેને આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યા છે તેથી આખી દુનિયા તેમને આતંકવાદી સંગઠન કહે છે. એ મુદ્દો અલગ છે પણ હમાસ બીજા આતંકવાદી સંગઠનોથી અલગ છે.
હમાસ પેલેસ્ટાઈનની રાજકીય પ્રક્રિયામાં ભાગ લે છે અને પેલેસ્ટાઈનના એક હિસ્સા એવા ગાઝા સ્ટ્રીપ પર તેનો કબજો છે, તેની સરકાર પણ છે. આ કબજો ગેરકાયદેસર રીતે કરાયેલો છે એવું ઈઝરાયલ અને અમેરિકા સહિતના દેશો માને છે પણ ભારતને તેની સાથે કંઈ લેવાદેવા નથી. હમાસનો ગાઝા સ્ટ્રીપ પરનો કબજો કાયદેસર છે કે ગેરકાયદેસર એ પેલેસ્ટાઇનની આતંરિક બાબત છે પણ હમાસ ઈઝરાયલ પર આક્રમણ કરે ત્યારે એ આંતરરાષ્ટ્રીય ઘટના બની જાય છે.
કોઈ પણ આંતરરાષ્ટ્રીય ઘટના અંગે દેશની સરકાર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપે એ શિરસ્તો છે. આ પ્રોટોકલ જાળવીને આપણા વડા પ્રધાન પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી ચૂક્યા છે ને વિદેશ મંત્રાલય પણ નિવેદન આપી ચૂક્યું છે. હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલાને મુદ્દે ઈઝરાયેલની પડખે ઊભા રહેવાનો નિર્ધાર વ્યક્ત કરીને મોદીએ કહી જ દીધું છે કે, ભારતની સંવેદનાઓ અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. વિદેશ મંત્રાલયે પણ ઈઝરાયલને ટેકો આપીને હમાસનાં કૃત્યોની ઝાટકણી કાઢી જ છે.
ભારત સત્તાવાર રીતે આ ઘટના અંગે બોલી ચૂક્યું છે ત્યારે કૉંગ્રેસે અલગથી ઠરાવ કરવાની જરૂર શું? કૉંગ્રેસ આ દેશથી અલગ છે? કૉંગ્રેસની નેતાગીરી પોતાના વિચારોને આ દેશની સરકારે વ્યક્ત કરેલા સત્તાવાર વિચારોથી પણ મહત્ત્વના માને છે? દેશની સરકારે જે વલણ લીધું એ જ વલણ દેશનાં તમામ લોકોનું હોવું જોઈએ ને તેમાં કૉંગ્રેસ પણ આવી ગઈ એ જોતાં કૉંગ્રેસે અલગ પિપૂડું વગાડવાની જરૂર જ નથી. છતાં કૉંગ્રેસે અલગ ઠરાવ કર્યો કેમ કે મુદ્દો મુસ્લિમોને લગતો છે.
દુનિયાભરના મુસલમાનો ઈઝરાયલને નફરત કરે છે અને પેલેસ્ટાઈનને પ્રેમ કરે છે. તેમનું માનવું છે કે, યહૂદીઓએ ગેરકાયદેસર રીતે મુસલમાનોની જમીન પડાવી લઈને ઈઝરાયલ બનાવ્યું છે. પેલેસ્ટાઈનનું જેરૂસલેમ મુસ્લિમો માટે સૌથી મહત્ત્વનું છે. મુસલમાનોની યહૂદીઓ તરફની નફરતનું મોટું કારણ જેરૂસલેમ પર ઈઝરાયલનો કબજો છે.
મુસલમાનોને તો આખું ઈઝરાયલ જ જોઈએ છે પણ જેરૂસસલેમ સૌથી પહેલાં જોઈએ છે કેમ કે જેરૂસલેમની અલ અક્સા મસ્જિદ મુસ્લિમો માટે અત્યંત પવિત્ર છે. મક્કા અને મદીના પછી અલ અક્સા મસ્જિદ ઇસ્લામનું ત્રીજું સૌથી પવિત્ર સ્થળ મનાય છે. મુસ્લિમોની માન્યતા છે કે, મોહમ્મદ પયગંબર સાહેબે અહીંથી જન્નતની યાત્રા કરી હતી.
અલ અક્સા મસ્જિદની આસપાસના વિસ્તારો સાથે યહૂદી અને ખ્રિસ્તી ધર્મના લોકોની માન્યતાઓ પણ જોડાયેલી છે. ખ્રિસ્તીઓ તો હવે ચિત્રમાં નથી પણ યહૂદીઓ જેરૂસલેમ પર કબજો કરીને બેઠા છે તેથી મુસલમાનો ઈઝરાયલને નફરત કરે છે અને પેલેસ્ટાઇનની સંપૂર્ણ આઝાદીની વાતો કરે છે. કૉંગ્રેસે મુસલમાનોને રાજી કરવા પેલેસ્ટાઈનનાં લોકોની તરફેણમાં વાતો કરતો ઠરાવ કરી નાંખ્યો છે.
આ ઠરાવ દેશની એકતાના વિચારની વિરુદ્ધ તો છે જ પણ વાસ્તવિક પણ નથી. અત્યારે પેલેસ્ટાઈનનાં લોકો પર કોઈ ખતરો નથી ને તેમના પર હુમલો પણ થયો નથી. હુમલો ઈઝરાયલનાં લોકો પર થયો છે ને ઈઝરાયલ તેના જવાબમાં પેલેસ્ટાઈનનો કોઈ પ્રદેશ પર આક્રમણ કરે તો એ તેનો અધિકાર છે.
કૉંગ્રેસ ઈઝરાયલનાં લોકો તરફ સંવેદના બતાવવાના બદલે મુસ્લિમોને ખુશ કરવા પેલેસ્ટાઈનની પારાયણ માંડીને બેસી ગઈ છે પછી તેના પર મુસ્લિમ પાર્ટીનો ઠપ્પો ના લાગે તો બીજું શું થાય? કૉંગ્રેસને આ વાત કેમ સમજાતી નથી એ જ ખબર પડતી નથી.