એકસ્ટ્રા અફેર

સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયા સામે સરકારને શું વાંધો છે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

એક સમયે આખા દેશને હચમચાવી નાંખનારા રજી સ્પેક્ટ્રમનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ફેબ્રુઆરી, ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે મનમોહનસિંહ સરકારના સમયમાં અપાયેલાં બધાં રજી સ્પેક્ટ્રમ ટેલીકોમ લાયસંસ રદ કરી નાંખેલાં ને નવેસરથી હરાજી કરવા ફરમાન કરેલું. સુપ્રીમ કોર્ટનું તારણ હતું કે, સ્પેક્ટ્રમની ફાળવણીમાં ઘાલમેલ થઈ છે ને ચોરોએ ભેગા મળીને સરકારને નવડાવી નાંખી છે ત્યારે ફાળવણી ચાલુ ના રાખી શકાય. સુપ્રીમના ચુકાદામાં કોઈની સામે આંગળી નહોતી ચીંધવામાં આવી પણ ભ્રષ્ટાચાર થયો છે તેની કબૂલાત કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટે એ વખતે આદેશ પણ આપેલો કે, હવે પછી ફાળવણીની પ્રક્રિયા પારદર્શક રહે એ માટે સ્પેક્ટ્રમની ફાળવણી ખાનગીમાં કરીને કુલડીમાં ગોળ ભાંગવાના બદલે જાહેર હરાજી કરાય. હરાજી પહેલાં તેનો જોરશોરથી પ્રચાર કરાય ને અત્યંત પારદર્શક પ્રક્રિયા રખાય કે જેથી શકની કોઈ ગુંજાઈશ ના રહે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ આદેશમાં સુધારો કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. મોદી સરકારની રજૂઆત છે કે, સુપ્રીમ કોર્ટ હરાજી કરીને જ સ્પેક્ટ્રમની ફાળવણી કરવાના પોતાના આદેશમાં સુધારો કરીને વહીવટીતંત્રની પ્રક્રિયા દ્વારા હરાજી માટે મંજૂરી આપે. સરકારનું કહેવું છે કે, હરાજી દ્વારા જ સ્પેક્ટ્રમની ફાળવણી કરવાના આદેશના કારણે તકલીફ પડી રહી છે. તેના કારણે ટેલિકોમ્યુનિકેશનની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવામાં તકલીફ પડી રહી છે. કોમર્શિયલ ટેલિકોમ્યુનિકેશન ઉપરાંત ડીફેન્સ, ઈમર્જન્સી સહિતનાં જાહેર હિતનાં કામોમાં પણ સ્પેક્ટ્રમનો ઉપયોગ થતો હોવાથી તેની ફાળવણી ઝડપથી થાય એ માટે વહીવટી પ્રક્રિયા દ્વારા ફાળવણી કરવાની મંજૂરી આપવી જોઈએ.

કેન્દ્ર સરકારની વિનંતી આશ્ર્ચર્યજનક છે કેમ કે જાહેર હરાજીની પ્રક્રિયા વધારે પારદર્શક છે અને તેમાં ભ્રષ્ટાચારની કોઈ શક્યતા જ રહેતી નથી. સુપ્રીમ કોર્ટે ૧૨ વર્ષ પહેલાં જ્યારે સ્પેક્ટ્રમની ફાળવણી રદ કરી ત્યારે એ જ કહેલું કે, કેન્દ્રે ખાનગીમાં ફાળવણી કરીને કુલડીમાં ગોળ ભાંગીને ભ્રષ્ટાચાર કર્યો છે. આ કારણે હવે પછી જાહેર હરાજીથી જ સ્પેક્ટ્રમની ફાળવણી કરવી. હવે મોદી સરકારને સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ પ્રમાણે હરાજી કરવા સામે વાંધો છે અને એ માટે તેણે સાવ ગળે ના ઉતરે એવાં કારણ રજૂ કર્યાં છે.

સરકાર ધારે તો હરાજી દ્વારા પણ ફાળવણીની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે કેમ કે આખું તંત્ર તેના હસ્તક જ છે. સરકારને લાગે છે કે, સ્પેક્ટ્રમની ફાળવણી સાથે જાહેર હિતનો મુદ્દો સંકળાયેલો છે અને તેના કારણે લોકોનાં હિતને અસર થાય છે, કંપનીઓને અસર થાય છે તો તેણે પોતાન તંત્રને વધારે સજ્જ કરવું જોઈએ પણ તેના બદલે એ જે પ્રક્રિયા શંકાસ્પદ છે એ પ્રક્રિયા પર જવા માગે છે. આપણે ત્યાં એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસનો મતલબ શું થાય છે એ કહેવાની જરૂર નથી. એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં સરકારમાં બેઠેલા લોકો બધું નક્કી કરે ને બધા નિર્ણયો લેતા હોય છે એ જોતાં આ પ્રક્રિયા ભ્રષ્ટાચારનો ખુલ્લો પરવાનો છે. મોદી સરકારને એ પ્રક્રિયા જોઈએ છે એ આશ્ર્ચર્યજનક છે.

સુપ્રીમ કોર્ટ આ મામલે શું વલણ લે છે એ જોવાનું રહે છે પણ સુપ્રીમ કોર્ટે આ મામલે પહેલાં આપેલા પોતાના ચુકાદાને વળગી રહેવાની જરૂર છે કેમ કે સ્પેક્ટ્રમ મામલે ભાજપનું વલણ બહુ શંકાસ્પદ રહ્યું છે. ભાજપે એક સમયે આ મામલાને બહુ ચગાવેલો અને સ્પેક્ટ્રમ કૌભાંડને દેશનું સૌથી મોટું કૌભાંડ ગણાવીને કૉંગ્રેસ વિરોધી હવા ઊભી કરેલી પણ પોતે સત્તામાં આવ્યો પછી આખા મામલાને જ ભૂલાવી દીધો.

૨૦૧૧માં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) વિનોદ રાયે તેમના રિપોર્ટમાં સ્પેક્ટ્રમની ફાળવણીમાં થયેલી ઘાલમેલના આ કૌભાંડનો ભાંડો ફોડ્યો ત્યારે હાહાકાર મચી ગયેલો. કેગના કહેવા પ્રમાણે સરકારમાં બેઠેલા લોકોએ પોતાના મળતિયાઓ પાસેથી નૈવેદ્ય લઈ લઈને સ્પેક્ટ્રમની ફાળવણી કરીને દેશની તિજોરીને ૧.૭૬ લાખ કરોડનો ચૂનો લગાડી દીધો હતો. આ કૌભાંડ ૨૦૦૮માં થયેલું ત્યારે મનમોહનસિંહની સરકાર ડીએમકેની કાંખઘોડી પર ટકેલી હતી તેથી ડીએમકેના રાજકારણીઓ અને સરકારી અધિકારીઓએ મોટી કંપનીઓના કારભારીઓ સાથે મળીને આ ખેલ પાર પાડેલો.

ભાજપ એ વખતે વિપક્ષમાં હતો ને તેણે આ મુદ્દાને બહુ ગજવેલો તેથી છેવટે આખા મામલાની તપાસ સીબીઆઈને સોંપવી પડેલી. સીબીઆઈએ આરોપનામું મૂક્યું તેમાં સરકારને ૩૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આંકડો આપેલો. આ કૌભાંડમાં ખવાયેલી લાંચનો રેલો વિદેશ લગી પહોંચતો હતો એટલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પણ તપાસ શરૂ કરેલી. બંનેએ એજન્સીએ પૈકી સીબીઆઈએ બે ને ઈડીએ એક મળીને ૧૭ કૌભાંડી ને બે કંપનીઓ સામે કુલ ત્રણ કેસ નોંધેલા. આ કેસ ચલાવવા ખાસ કોર્ટ પણ રચાયેલી.

આ કારણે જ ભાજપે ૨૦૧૧ પછી આવેલી દરેક ચૂંટણીમાં કૉંગ્રેસ પર સ્પેક્ટ્રમ કૌભાંડના આક્ષેપો કરીને રાજકીય ફાયદો લીધો હતો. મોળા મનમોહનસિંહ હાથ પર હાથ મૂકીને બેસી રહ્યા ને ભ્રષ્ટાચારીઓને દેશની તિજોરીને લૂંટવા દીધી એવા આક્ષેપો કરતો હતો. સ્પેક્ટ્રમની ફાળવણી રદ કરી દેવાયેલી.

કમનસીબે ભાજપ સત્તામાં આવ્યો પછી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એન્ટિ-ક્લાઈમેક્સ આવી ગયેલો. દિલ્હીની ખાસ અદાલતે બીજી સ્પેક્ટ્રમ ભ્રષ્ટાચાર કેસમાં બધા ૧૯ આરોપીઓને દૂધે ધોયેલા જાહેર કરીને છોડી મૂક્યા હતા. કોર્ટે જેમને છોડી મૂક્યા તેમાં મનમોહનસિંહ સરકારમાં ટેલીકોમ પ્રધાન રહી ચૂકેલા એ. રાજા ને રાજ્યસભાનાં સભ્ય કનિમોઈ પણ હતાં.

ભાજપે પછી આ કૌભાંડને ભૂલાવી દીધું. ભાજપ સરકારના ઈશારે સીબીઆઈ ને ઈડી વિપક્ષના નેતાઓને સાણસામાં લીધા કરે છે પણ ૧.૭૬ લાખ કરોડ રૂપિયાના કહેવાતા કૌભાંડમાં તેમણે કશું નથી કર્યું. દેશનું સૌથી મોટું કૌબાંડ જેને ગણાવાતું હતું એ કૌભાંડની તપાસ જ ભાજપ શાસનમાં બંધ થઈ ગઈ. સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓ વરસોની તપાસ પછી આરોપીઓ સામે એક પુરાવો સુદ્ધાં ના શોધી શકી તેનો અર્થ એ થાય કે સીબીઆઈ ને ઈડી જેવી એજન્સીઓએ વરસો લગી તપાસનું નાટક કર્યું ને દેશની તિજોરીના કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો. આ ચુકાદાએ કેગની વિશ્ર્વસનયતા સામે પણ શંકા પેદા કરી દીધી હતી.

આ બધું જોતાં સ્પેક્ટ્રમ મામલે હવે કશું પણ શંકાસ્પદ ના થાય એ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button