એકસ્ટ્રા અફેર

ઈઝરાયલ યુદ્ધવિરામ ના સ્વીકારે તો શું થાય?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા લગભગ છ મહિનાથી જંગ ચાલી રહ્યો છે ત્યારે છેવટે આ જંગ બંધ થશે કે નહીં એ ખબર નથી પણ તેના કારણે દુનિયાના બીજા દેશો અને ઈઝરાયલ સામસામે આવી જશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. ઈઝરાયલે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના યુદ્ધવિરામના ઠરાવને ફગાવી દેતાં યુનાઈટેડ નેશન્સના મહત્ત્વ સામે પણ સવાલ ઊભો થઈ ગયો છે. ઈઝરાયલે યુનાઈટેડ નેશન્સને જ સીધો પડકાર ફેંકી દીધો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

મુસ્લિમો માટે પવિત્ર મનાતા રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને ગાઝામાં તાત્કાલિક સીઝફાયર કરવા માટે સોમવારે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં મૂકાયેલા ઠરાવના સમર્થનમાં ૧૫માંથી ૧૪ દેશોના મત પડ્યા જ્યારે અમેરિકા મતદાનથી દૂર રહેતાં આ ઠરાવ પસાર થઈ ગયો. આ ઠરાવમા હમાસ દ્વારા બાનમાં લેવામાં આવેલા તમામ લોકોને કોઈ શરત વિના તાત્કાલિક મુક્ત કરવા અને ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટેના તમામ અવરોધોને દૂર કરવા કહેવામાં આવ્યું છે.

યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ યુદ્ધવિરામનો ઠરાવ પસાર કરતાં છેવટે યુદ્ધ રોકાય એવા અણસાર લાગી રહ્યા હતા પણ ઈઝરાયલે તેનો અસલ મિજાજ બતાવીને તડ ને ફડ કરીને કહી દીધું છે કે, તમારાથી થાય એ તોડી લો પણ યુદ્ધ તો નહીં જ રોકાય. ઇઝરાયલના વિદેશ પ્રધાન કાત્ઝે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, અમે ગાઝામાં ફાયરિંગ બંધ નથી કરવાના. ઈઝરાયલ હમાસનો ખાતમો ના કરે અને જ્યાં સુધી બાનમા લેવામાં આવેલી દરેક વ્યક્તિને છોડવામાં નહીં આવે. આ લોકો સહીસલામત પોતપોતાનાં ઘરે પહોંચી ના જાય ત્યાં સુધી અમે યુદ્ધ ચાલુ રાખીશું. ઈઝરાયલ તો આ જંગ રોકવા રાજી જ નથી પણ યુનાઈટેડ નેશન્સના માધ્યમથી તેને યુદ્ધવિરામની ફરજ પાડવા મુસ્લિમ દેશો મથ્યા કરતા હતા તેમાં યુ.એન. ગયેલા પણ ઈઝરાયલે યુ.એન.ને જ એક, બે ને સાડા ત્રણ કરી નાંખ્યું છે.

ઈઝરાયલ હમાસનો ખાતમો કરવા પૂરી તાકાતથી મચી પડ્યું તેમાં ગાઝા ખંડિયેર બની ગયું છે અને હમાસની ફેં ફાટી ગઈ છે. હમાસમાં તો ઈઝરાયલને રોકવાની તાકાત નથી તેથી જંગને રોકવા માટે સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના દેશોના પગ પકડ્યા છે. તેના પગલે સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના દેશોએ ઈઝરાયલને હુમલો રોકવા વારંવાર વિનવણીઓ અને આજીજીએઓ કરી જોઈ પણ ઈઝરાયલ મચક જ નહોતું આપતું તેથી છેવટે સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના દેશોએ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં જવું પડેલું પણ ત્યાંય અમેરિકા ઈઝરાયલ સામે સુરક્ષા કવચ બનીને ઊભું રહી જતું તેથી યુદ્ધવિરામ થતો જ નહોતો.

યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં આ યુદ્ધને રોકવા માટે પહેલી વાર ઠરાવ માલ્ટાએ નવેમ્બર ૨૦૨૩માં રજૂ કરેલો જ્યારે બીજી વખત ડિસેમ્બર ૨૦૨૩માં યુએઈએ ઠરાવ મૂકેલો ત્રીજી વખત ફેબ્રુઆરી ૨૦૨૪માં ઉત્તર આફ્રિકન દેશ અલ્જેરિયાએ યુદ્ધવિરામનો ઠરાવ મૂકેલો પણ અમેરિકાએ તેને ત્રણેય વખત વીટો વાપરીને ઠરાવ પસાર નહોતો થવા દીધો. રમઝાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સીઝફાયર માટે સોમવારે મૂકાયેલા ઠરાવ પર મતદાનથી અમેરિકા દૂર રહ્યું તેમાં ઠરાવ પસાર થઈ ગયો.

યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવને આંતરરાષ્ટ્રીય સ્તરે કરાતું એક પ્રકારનું ફરમાન ગણવામાં આવે છે અને યુનાઈટેડ નેશન્સના સભ્ય દેશોએ તેનું પાલન કરવું જરૂરી છે. ઇઝરાયલ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું કાયમી સભ્ય નથી પણ. યુનાઈટેડ નેશન્સમાં સભ્ય છે તેથી એ પણ આ ઠરાવને માનવા બંધાયેલું છે પણ ઈઝરાયલે ધરાર ઈન્કાર કરી દીધો છે તેથી યુનાઈટેડ નેશન્સ સલવાઈ ગયું છે કેમ કે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવનો અમલ કરાવવાની તેની પાસે સત્તા નથી ને ઈઝરાયલ પ્રેમથી માને તેમ નથી તેથી બીજો કોઈ કોઈ રસ્તો નથી.

કોઈ દેશ આ ઠરાવ ના માને તો બહુ બહુ તો સભ્ય દેશોની સંમતિથી પ્રતિબંધો લાદી શકાય છે પણ ઈઝરાયલ પર પ્રતિબંધ માટેનો ઠરાવ લવાય તેને અમેરિકા પસાર ના થવા દે કેમ કે અમેરિકા પાસે તેને રોકવાનો વીટો છે. યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ પાંચ દેશો પાસે વીટો પાવર છે. સિક્યુરિટી કાઉન્સિલમાં કોઈ પણ ઠરાવ આ પાંચ દેશોની સંમતિ વિના પ્રસ્તાવ પસાર કરી શકાતો નથી કે લાગુ કરી શકતો નથી. આ પાંચ કાયમી સભ્યોમાંથી એક પણ દેશ વીટો વાપરે તો ઠરાવ પસાર થતો નથી. યુદ્ધવિરામના ઠરાવ પર મતદાનથી અમેરિકા દૂર રહ્યું પણ ઈઝરાયલ પર પ્રતિબંધોના ઠરાવ વખતે અમેરિકા ચૂપચાપ તમાશો જોયા કરે એ વાતમાં માલ નથી. અમેરિકા વીટો વાપરશે જ તેમાં શંકા નથી.

અમેરિકા યુદ્ધવિરામ પર મતદાન વખતે અળગું રહ્યું તેની સામે ઇઝરાયલે નારાજગી વ્યક્ત કરી છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલના પ્રતિનિધિમંડળની વોશિંગ્ટનની મુલાકાતને રદ કરી દીધી. તેના કારણે અમેરિકા અને ઈઝરાયલના સંબંધો તણાવપૂર્ણ બની ગયા હોવાની વાતો ચાલી છે પણ અમેરિકા અને ઇઝરાયલ એક જ છે તેથી અમેરિકા ઈઝરાયલને પડખે પાછું ઊભું જ રહેશે તેમાં બેમત નથી.

ઈઝરાયલે જે વલણ લીધું છે એ બિલકુલ યોગ્ય છે કેમ કે ઈઝરાયલે ગાઝા પર આક્રમણ નથી કર્યું પણ હમાસે ઈઝરાયલ પર આક્રમણ કરેલું. ઈઝરાયલે તો હુમલાનો બદલો લેવા ગાઝા પર હુમલો કર્યો છે. હમાસની ફેં ફાટી ગઈ તેમાં તેને હવે યુદ્ધવિરામ જોઈએ છે પણ યુદ્ધ હમાસે છેડ્યું તેથી તેને યુદ્ધવિરામનો અધિકાર જ નથી. હમાસે સાત ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ ઇઝરાયલ પરના હુમલો કરીને બે હજારથી વધારે લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. હમાસે ગાઝામાં લગભગ ૨૩૪ લોકોને બાનમાં પણ લીધા હતા.

ઈઝરાયલે ૨૪-૩૦ નવેમ્બર દરમિયાન એક વાર યુદ્ધ રોકેલું. સાત દિવસ સુધી ઈઝરાયલે ગાઝા પરના હુમલા રોકી દીધા ત્યારે હમાસ પાસે બાનમાં લીધેલા તમામ લોકોને છોડીને યુદ્ધ સમાપ્ત કરાવવાનો વિકલ્પ હતો પણ હમાસે ૧૦૭ બંધકોને મુક્ત કરતાં ઈઝરાયલે પાછા હુમલા શરૂ કરવા પડેલા. આ સંજોગોમાં ઈઝરાયલનો વાંક કઈ રીતે કાઢી શકાય? હમાસ અત્યારે પણ કોઈ પણ શરત વિના તમામ લોકોને મુક્ત કરી દે તો કદાચ યુદ્ધ રોકાઈ જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button