એકસ્ટ્રા અફેર

અનામત વધતી રહે તો મેરિટનો મતલબ શું?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં અનામતની ટકાવારી વધારીને ૬૫ ટકા કરવાની કેન્દ્ર પાસે મંજૂરી માગતો ઠરાવ મૂક્યો એ સાથે જ અનામતની ચર્ચા ફરી શરૂ થઈ છે. હાલમાં બિહારમાં અનામતનું પ્રમાણ ૫૦ ટકા છે. નીતીશ કુમાર અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માટે અનામતનું પ્રમાણ વધારવા માગે છે. એ માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગવાનો ઠરાવ તેમણે વિધાનસભામાં મૂક્યો છે.

નીતીશ અનામતનું પ્રમાણ વધારવા માગે છે તેના મૂળમાં બિહારનો જ્ઞાતિ આધારિત વસતી ગણતરી રિપોર્ટ છે. નીતીશ સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના રિપોર્ટની મુખ્ય વિગતો પહેલાં જાહેર કરેલી પણ મંગળવારે બિહાર વિધાનસભામાં દેશનો પહેલો જ્ઞાતિ આધારિત વસતી ગણતરી પર આધારિત આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો. આ સર્વે પ્રમાણે બિહારમાં અન્ય પછાત વર્ગોમાં ૩૩.૧૬ ટકા પરિવારો ગરીબ છે જ્યારે સામાન્ય વર્ગમાં ૨૫.૦૯ ટકા પરિવારો ગરીબ છે. અનુસૂચિત જાતિ એટલે કે દલિતોમાં ૪૨.૯૩ ટકા પરિવારો ગરીબ છે જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓમાં ૪૨.૭ ટકા પરિવારો ગરીબ છે.

આ રિપોર્ટ પ્રમાણે ઓબીસીમાં સૌથી ગરીબ યાદવો અને સામાન્ય વર્ગમાં સૌથી ગરીબ ભૂમિહાર છે જ્યારે રાજ્યમાં સૌથી સમૃદ્ધ કાયસ્થ પરિવારો છે. ભૂમિહાર પરિવારોમાંથી ૨૭.૫૮ ટકા પરિવારો ગરીબ છે. જનરલ કેટેગરીમાં બીજા ક્રમે મુસ્લિમ ધર્મની શેખ જ્ઞાતિના પરિવારો છે. શેખ જ્ઞાતિના ૨૫.૮૪ ટકા પરિવારો ગરીબ છે જ્યારે બ્રાહ્મણોમાં છે ૨૫.૩૨ ટકા પરિવારો ગરીબ છે. અન્ય પછાત વર્ગોમાં યાદવો સૌથી ગરીબ છે. યાદવોમાં ૩૫.૮૭ ટકા પરિવારો જ્યારે છે કુશવાહા (કોરી)માં ૩૪.૩૨ ટકા પરિવારો
ગરીબ છે.

આપણે ત્યાં રાજકારણીઓને લોકોની ગરીબી દૂર કરવા માટે અનામત સિવાય બીજો કઈ ઉપાય સૂઝતો નથી તેથી નીતીશને પણ એ જ રસ્તો સૂઝ્યો છે. નીતીશે પણ અન્ય પછાત વર્ગના યાદવો અને કુશવાહા તથા જનરલ કેટેગરીના બ્રાહ્મણ, ભૂમિહાર અને શેખોની ગરીબી દૂર કરવા માટે અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માટે અનામતનું પ્રમાણ વધારવા માગે છે. આ બંને કેટેગરીમાં બધી મળીને ૨૫ ટકા અનામત વધારી દેવાશે તેથી અનામતનું પ્રમાણ વધીને સીધું ૬૫ ટકા થઈ જશે.

નીતીશનું માનવું છે કે, ઓબીસી અને ઈબીસી અનામત અપાશે તો બિહારમાં શિક્ષણનું પ્રમાણ વધશે અને તેના કારણે પણ ગરીબી દૂર થશે. અત્યારે બિહારમાં જે સ્થિતિ છે તેમાં ૭ ટકા જ લોકો ગ્રેજ્યુયેટ કે તેનાથી આગળ ભણેલા છે જ્યારે કુલ વસતિના ૨૨.૬૭ ટકા લોકો તો માત્ર પાંચમા ધોરણ સુધી જ ભણેલા છે. અનામતનું પ્રમાણ વધારવાથી ઓબીસી અને ઈબીસીમાં શિક્ષણનું પ્રમાણ વધશે એવું નીતીશને લાગે છે.

નીતીશે ગરીબોની ગરીબી દૂર કરવાના બીજા ઉપાયો પણ વિચાર્યા છે ને એ ઉપાય પ્રજાના પરસેવે ભરાતી સરકારી તિજોરીમાંથી છૂટા હાથે લહાણી કરવાનો છે. નીતીશે એલાન કર્યું છે કે, રાજ્યના દરેક ગરીબ પરિવારને રાજ્ય સરકાર તરફથી બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય કોઈ ચોક્કસ જ્ઞાતિના પરિવારોને નહીં પણ તમામ જ્ઞાતિના ગરીબોને આપવામાં આવશે. આ સિવાય દરેક ગરીબ પરિવારને જમીન ખરીદવા માટે રૂપિયા એક લાખ આપવામાં આવશે.

નીતીશે જ આપેલા આંકડા પ્રમાણે, રાજ્યમાં ૯૪ લાખ ગરીબ પરિવારો છે. દરેક પરિવારને ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે એટલે રાજ્ય સરકારને લગભગ ૨.૭૫ લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. નીતીશનો દાવો છે કે, પાંચ વર્ષમાં તો બિહારના દરેક ગરીબ પરિવારને બે લાખ રોકડા અને જમીન ખરીદવા માટે એક લાખ રૂપિયા આપવાનો આ ટાર્ગેટ પૂરો કરી દેવામાં આવશે. નીતિશ વરસોથી બિહારને વિશેષ દરજ્જો આપવાની માગ કરે છે ને જ્ઞાતિ આધારિત સર્વેના બહાને તેમણે આ માગ પણ બુલંદ કરી જ દીધી છે. નીતીશે એલાન કર્યું છે કે, બિહારને વિશેષ દરજ્જો મળશે તો અમે આ ટાર્ગેટ બે વર્ષમાં પૂરો કરી દઈશું.

નીતીશને બિહારમાંથી ગરીબી દૂર કરવાનો ઉમળકો અચાનક કેમ જાગ્યો એ કહેવાની જરૂર નથી. ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી છે અને નીતીશ કુમાર પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારી રહ્યા છે. નીતીશ બિહારમાં ૨૦૦૫થી રાજ કરે છે. મતલબ કે ૧૮ વર્ષથી તેમનું શાસન છે. આ ૧૮ વર્ષમાં નીતીશ અલગ અલગ પ્રકારમાં જ્ઞાતિવાદી તિકડમ કરી કરીને ટકી ગયા છે. શરૂઆત ઓબીસીના રાજકારણથી કરેલી ને પછી દલિતોમાં ભાગલા પાડીને મહાદલિત ઊભા કર્યા ને એવાં બીજાં પણ ઘણાં નાટકો કરી કરીને નીતીશ બિહારમાં પોતાનું શાસન ટકાવી ગયા છે.

નીતીશે ભાજપ અને લાલુ પ્રસાદ યાદવનો પણ પોતાના ફાયદા માટે ભરપૂર ઉપયોગ કર્યો છે પણ હવે તેમના આંટા આવી ગયા છે. બિહાર વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં જેડીયુને સાવ ૪૩ બેઠકો મળી પછી નીતીશને લાગેલું જ કે, હવે નવી કોઈ કારીગરી કરવી પડશે એટલે તેમણે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો ઉપાડો લીધેલો. ભાજપ તેમાં સાથ આપવા તૈયાર નહોતો એટલે ભાજપને તડકે મૂકીને લાલુ-તેજસ્વી યાદવને પકડ્યા ને ધરાર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવી. તેના આધારે હવે તેમણે ઓબીસી અને સવર્ણોમાં ભાગલા પાડવાનો નવો ખેલ માંડ્યો છે કે જેથી લોકસભા અને એ પછી ૨૦૨૫માં આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તરી જવાય.

નીતીશનો આ દાવ કેવો ચાલશે એ ખબર નથી પણ નીતીશની ચાલના કારણે આ દેશના સામાન્ય વર્ગ અને ઓબીસીમાં પણ મધ્યમ વર્ગીય પરિવારોએ વિચારવું જોઈએ. આ રીતે અનામતનું પ્રમાણ વધતું જ રહેશે તો આ દેશના સામાન્ય વર્ગ અને ઓબીસીમાં ક્રીમી લેયરમાં આવતા મધ્યમ વર્ગીય પરિવારોનાં સંતાનોને નોકરીઓ કે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ જ નહીં મળે. ૭૫ ટકા અનામત થઈ જાય પછી સામાન્ય વર્ગ અને ઓબીસીમાં ક્રીમી લેયરમાં આવતા મધ્યમ વર્ગીય પરિવારોનાં સંતાનો માટે શું બચે?

નેતાઓ તો સ્વાર્થમાં આંધળા છે તેથી વિચારતા નથી પણ દેશમાં મેરીટની કોઈ કિંમત જ ના રહે. ને જે દેશમાં મેરિટની કિંમત ના હોય એ દેશ કેવો બનીને રહી જાય?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button