આઝમની સજાને મુસ્લિમ હોવા સાથે શું લેવાદેવા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વાતને કોમવાદનો રંગ આપી દેતાં ખચકાતા નથી ને તેનો તાજો નમૂનો અખિલેશ યાદવે પૂરો પાડ્યો છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન અને પત્નિ તંજીન ફાતિમાને ઉત્તર પ્રદેશના રામપુરની એમપી-એમએલએ કોર્ટે નકલી બનાવટી સર્ટિફિકેટના કેસમાં સાત વર્ષની સજા ફટકારી છે. આ સજા કોર્ટે ફટકારી છે છતાં અખિલેશ યાદવે કહી દીધું છે કે, આઝમખાન મુસ્લિમ છે તેની તેમને સજા મળી રહી છે.
આઝમખાને બહુ ફિલોસોફિકલ અંદાજમાં કહ્યું છે કે, ન્યાય અને ચુકાદામાં ફર્ક છે ને અત્યારે ચુકાદો આવ્યો છે પણ ન્યાય થયો નથી. અખિલેશ યાદવે તો સીધું જ મુસ્લિમ કાર્ડ ખેલીને કહી દીધું કે, આઝમખાન મુસલમાન હોવાથી તેમણે સજાનો સામનો કરવો પડી રહ્યો છે. માનનિય આઝમખાન અને તેમના પરિવારને નિશાન બનાવીને એક સમાજને ડરાવવાનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે. જનતા આ બધું જોઈ પણ રહી છે અને સમજી પણ રહી છે. કેટલાક સ્વાર્થી લોકો નથી ઈચ્છતા કે શિક્ષણ અને તાલીમ આપનારા લોકો સમાજમાં સક્રિય રહે. જુલમ કરનારા યાદ રાખે કે, અન્યાય સામે એક અદાલત જનતાની પણ હોય છે.
અખિલેશે જે વાત કરી છે એ હાસ્યાસ્પદ છે અને આઘાતજનક પણ છે પણ તેની વાત કરતાં પહેલાં આઝમખાન સામેનો કેસ શું છે તેની વાત કરી લઈએ. આઝમખાનના આખા ખાનદાનને સાત-સાત વર્ષની સજા થઈ એ કેસ તેમના પુત્ર અબ્દુલ્લાને લગતો છે. આઝમખાનનો પુત્ર અબ્દુલ્લા આઝમ નિયમ પ્રમાણે ૨૫ વર્ષનો થયો નહોતો છતાં ૨૦૧૭માં સ્વાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યો હતો.
આ મામલે ભાજપના નેતાઓએ પોલીસ ફરિયાદ કરેલી. તેના આધારે તપાસ કરાઈ તેમાં ખબર પડી કે, અબ્દુલ્લાની ઉંમર ૨૫ વર્ષથી ઓછી હોવા છતાં તેણે નકલી સર્ટિફિકેટ દ્વારા પોતે ૨૫ વર્ષનો થઈ ગયો હોવાનું બતાવ્યું હતું. આ કેસમાં અબ્દુલ્લાનું ધારાસભ્યપદ તો રદ થયું જ છે પણ તેની સામે કેસ પણ થયો હતો. આ કેસમાં તપાસ કરનારા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે પણ અબ્દુલ્લાએ બનાવટી બર્થ સર્ટિફિકેટ આપ્યું હોવાનો રિપોર્ટ આપ્યો હતો.
અબ્દુલ્લાના નામનાં બે બર્થ સર્ટિફિકેટ હતાં ને બંનેમાં જન્મની તારીખ જ નહીં પણ જન્મનાં સ્થળ પણ અલગ અલગ લખેલાં હતાં. રામપુર નગરપાલિકાએ ૨૮ જૂન, ૨૦૧૨ના રોજ આપેલા જન્મના પ્રમાણપત્રમાં જન્મસ્થાન રામપુર દર્શાવ્યું હતું જ્યારે ૨૦૧૫ના જાન્યુઆરીમાં અપાયેલા પ્રમાણપત્રમાં જન્મસ્થાન લખનઊ હોવાનું દર્શાવાયું હતું. પોલીસે કરેલી તપાસમાં આ વિસંગતતા બહાર આવ્યા પછી પંચે અબ્દુલ્લાને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યો હતો.
અબ્દુલ્લા તો ટ્રાફિકને અવરોધવાના ૧૫ વર્ષ જૂના કેસમાં પણ દોષિત ઠરેલો છે. ખેર, મૂળ મુદ્દો નકલી સર્ટિફિકેટના કેસનો હતો ને તેમાં આઝમખાન, તેમનાં પત્નિ અને પુત્ર ત્રણેય સામેલ હોવાથી કોર્ટે તેમને સાત વર્ષની સજા ફટકારી દીધી. અબ્દુલ્લાએ આ જ ખોટા સર્ટિફિકેટના આધારે પોતાનો પાસપોર્ટ કઢાવ્યો અને વિદેશ યાત્રા પણ કરી આવ્યો છે.
આ કેસ બહુ સીધો ને સરળ છે ને તેમાં હિંદુ કે મુસ્લિમ હોવાની વાત ક્યાં આવી? આ પ્રકારનો ગુનો તો કોઈએ પણ કર્યો હોય તો તેને સજા થાય જ ને? હિંદુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે બીજા ધર્મની વ્યક્તિ હોય, કાયદો બધાં માટે સરખો છે. તેમાં હિંદુ-મુસ્લિમની વાત ક્યાં આવી એ જ ખબર પડતી નથી. તમે ખોટું સર્ટિફિકેટ આપીને ધારાસભ્ય બની જાઓ, ધારાસભ્ય તરીકે મળતાં પગાર અને ભથ્થાં ખાઓ એ વખતે હિંદુ કે મુસ્લિમનો પ્રશ્ર્ન નહોતો. એ વખતે તો ભારતીય તરીકે મળતા અધિકારનો ઉપયોગ કરીને તમે બધું કરેલું ને હવે જ્યારે ભારતીય કાયદા પ્રમાણે ભારતનું ન્યાયતંત્ર સજા કરે ત્યારે તમને મુસ્લિમ હોવાનું યાદ આવે એ આઘાતજનક કહેવાય.
અખિલેશ સહિતના નેતા આ બધી વાતો પોતાના રાજકીય ફાયદા માટે કરે છે. એ લોકો મુસ્લિમોના માનસમાં ઠસાવવા માગે છે કે, ભાજપના શાસનમાં મુસ્લિમોને આ રીતે ડરાવીને શરણે આવવાની ફરજ પડાય છે. તમારા માનસમાં ડર પેદા કરીને ભાજપને મત આપવાની ફરજ પડાય છે. તમારે આ રીતે ડરી ડરીને ના જીવવું હોય તો અમારા શરણમાં આવો.
આ એકદમ હલકી કક્ષાનું રાજકારણ કહેવાય પણ અખિલેશ અને આઝમખાન બંને માટે આ પ્રકારનું રાજકારણ નવું નથી. અખિલેશ અને તેમના પિતાશ્રી મુલાયમસિંહ યાદવ તો આ પ્રકારના રાજકારણના ચેમ્પિયન રહ્યા છે ને તેમની રાજકીય દુકાન તેના જોરે જ ચાલે છે. આઝમખાન તો આ રાજકારણની જ પેદાશ છે ને ભૂતકાળમાં લશ્કરને કોમવાદનો રંગ આપવાની કોશિશ કરી ચૂક્યા છે.
આઝમખાને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ગાઝિયાબાદમાં લવારો કરેલો કે, ૧૯૯૯નું કારગિલ યુધ્ધ ભારત હિન્દુઓના કારણે નહીં પણ મુસ્લિમ સૈનિકોના કારણે જીત્યું હતું. આ લવારાના કારણે બબાલ થઈ પછી આઝમે પોતાની વાતને સાચી સાબિત કરવા સીડી બહાર પાડી હતી. આ સીડીમાં એક કર્નલની રેન્કનો ઓફિસર પત્રકારો સાથે વાત કરતી વખતે પોતાની બટાલિયન ૨૨ ગ્રેનેડીયરના મુસ્લિમ સૈનિકોએ કઈ રીતે પાકિસ્તાનના સૈનિકોને ઢાળી દીધા હતા તેની વાત કરતો બતાવાયેલો. બેકગ્રાઉન્ડમાં કારગિલનું રણમેદાન દેખાતું હતું.
સીડીમાં આ ઓફિસર એવો દાવો કરતો સંભળાતો હતો કે, ભારતીય લશ્કરના મુસ્લિમ સૈનિકો પાસે દારુગોળો ખૂટી ગયો ત્યારે તેમણે નારે-એ-તકબીર અલ્લાહ ઓ અકબરના નારા લગાવ્યા હતા. આ સાંભળીને પાકિસ્તાની સૈનિકો બહાર આવ્યા ને ભારતીય મુસ્લિમ સૈનિકોએ તેમને ઢાળી દીધા.
આઝમખાન આઝમવાદી યુવા યુવા મંચના કાર્યકરોએ ઉત્તર પ્રદેશમાં ઘેર ઘેર ફરીને આ સીડી વહેંચી હતી. આઝમખાને જોરશોરથી પ્રચાર કરેલો કે, આ દેશમાં મુસ્લિમ સૈનિકો દ્વારા બતાવાતી દેશભક્તિની પ્રસંશા કરવા કોઈ તૈયાર નથી.
ભારતના લશ્કરમાં મુસ્લિમોના યોગદાન વિશે કોઈ શંકા નથી. આ દેશની રક્ષા કરવામાં મુસ્લિમોનું મોટું યોગદાન છે જ તેથી તેની પ્રસંશા કરાય તેમાં કશું ખોટું નથી પણ એ લોકો મુસલમાન તરીકે નહીં પણ ભારતીય તરીકે લડે છે એ વાતને વધારે મહત્ત્વ આપવું જોઈએ.
હવે જે આઝમખાન લશ્કરને કોમવાદનો રંગ આપી શકે એ પોતાને સજા અંગે આવી વાત કરે તેમાં શું નવાઈ?