ટ્રમ્પ પાસેથી ભારતને કઈ બે મોટી આશા છે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવીને ઈતિહાસ રચી દીધો. ચાર વર્ષ સુધી અમેરિકાના પ્રમુખ ને પછી ૨૦૨૦માં જો બાઇડેન સામે હારના કારણે કારમી પછડાટ મળતા પ્રમુખપદેથી હટેલા ટ્રમ્પની કારકિર્દી પતી ગઈ એવું મનાતું હતું, પણ ટ્રમ્પે અકલ્પનિય લડાયકતા બતાવીને ફરી પ્રમુખપદ મેળવી બતાવ્યું છે. જો બાઇડેન પ્રમુખપદની ચૂંટણી લડવાના હતા ત્યારે ટ્રમ્પની જીત પાકી મનાતી હતી કેમ કે વારેઘડીએ ભૂલી જતા બાઇડેનને કોઈ ગંભીરતાથી નહોતું લેતું.
ડેમોક્રેટિક પાર્ટીએ બાઇડેનને કોરાણે મૂકીને કમલા હેરિસને પસંદ કર્યાં એ સાથે જ ચિત્ર બદલાઈ ગયું હતું. કમલા હેરિસને ટ્રમ્પ સામે દમદાર હરીફ માનવામાં આવતાં હતાં અને તેમની જીત થશે એવું લાગતું હતું, પણ ટ્રમ્પે આક્રમક પ્રચાર દ્વારા બાજી પલટી નાખી. અકલ્પનિય જીત સાથે ટ્રમ્પ અમેરિકાના આગામી પ્રમુખ બનશે એ નક્કી થઈ ગયું છે.
ટ્રમ્પ ફરી પ્રમુખ બનતાં અમેરિકા માટે શું કરશે તેની ચોતરફ ચર્ચા ચાલી રહી છે. પ્રમુખ તરીકે ટ્રમ્પ વૈશ્ર્વિક સ્તરે કેવી ભૂમિકા ભજવે છે એ પણ અત્યારે ચર્ચાનો વિષય છે. ભારત માટે મહત્ત્વનું ટ્રમ્પ બીજા દેશો સાથે કેવી રીતે વર્તે છે એ નથી પણ ભારત સાથે કેવો વ્યવહાર કરે છે એ છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત બદલ અભિનંદન આપ્યા તેમાં ટ્રમ્પને પોતાના બેસ્ટ ફ્રેન્ડ’ ગણાવ્યા છે. મોદીના સમર્થકો મોદીના બેસ્ટ ફ્રેન્ડ ભારતને ફાયદો કરાવશે એવી આશા રાખી રહ્યા છે પણ ટ્રમ્પનો ભૂતકાળ જોતાં આ આશા કેટલી સફળ થશે એ સવાલ છે પણ એ પહેલાં ભારતની આશાઓ શું છે એ જાણવું જરૂરી છે.
ટ્રમ્પ પાસેથી ભારતને બે મોટી આશા છે. પહેલી અને સૌથી મોટી આશા આર્થિક મોરચે રાહતોની છે જ્યારે બીજી આશા ભારતીયો માટેના વિઝાને લગતા નિયમોમાં છૂટછાટની છે. ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર આકરા કરવેરા લાદવાની ચીમકી આપી છે. સાથે સાથે ભારતીયો સહિતના વિદેશીઓ માટે અમેરિકામાં પ્રવેશના નિયમો આકરા કરવાની તેમજ ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને ઘરભેગા અથવા જેલભેગા કરવાની ચીમકી પણ આપી છે. આ બંને બાબતો ભારતમાં હિતોને નુકસાન કરનારી છે તેથી ભારત ટ્રમ્પ પાસેથી આ બે મોરચે હકારાત્મક વલણ ઈચ્છે છે.
અમેરિકા જવા માગતા ભારતીયો માટે સૌથી મહત્વના એચ-૧બી વિઝા છે કેમ કે એચ-૧બી વિઝાના કારણે ભારતને બેવડો ફાયદો થાય છે. એક તો ભારતીય કંપનીઓ સધ્ધર બને છે અને બીજું ભારતીયો પણ સધ્ધર બને છે. ટ્રમ્પના આગમાન પહેલાં ભારતે એચ-૧બી વિઝાનો ભરપૂર લાભ લીધો હતો અને આ કારણે જ આજે પણ કામ કરવા માટે અમેરિકા જતા ભારતીયોમાં સૌથી વધુ લોકપ્રિય વિઝા એચ-૧બી છે. એચ-૧બી વિઝા દ્વારા અમેરિકાની મોટી કંપનીઓને વિદેશી કામદારોની ભરતી કરવાની છૂટ છે. એચ-૧બી વિઝા વિદેશી કામદારોને ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ફાઇનાન્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં રોજગાર માટે આપવામાં આવે છે. આ વિઝા વ્યક્તિગત રીતે નથી અપાતા પણ કંપનીઓને અપાય છે. કંપનીઓ પોતાના કર્મચારીઓમાંથી કોને એચ-૧બી વિઝા આપવા એ નક્કી કરે છે અને તેમને અમેરિકા મોકલે છે. ભારતમાંથી આઈટી સેક્ટરમાંથી મોટા પ્રમાણમાં પ્રોફેશનલ્સ એચ-૧બી વિઝા દ્વારા અમેરિકા ગયેલા છે. એક સમય હતો કે જ્યારે અમેરિકા દર વરસે લગભગ ૧.૫૦ લાખ લોકોને એચ-૧બી વિઝા આપતું પણ હવે દર વર્ષે માત્ર ૬૫ હજાર એચ-૧બી વિઝા આપવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એચ-૧બી વિઝાની સંખ્યા વધારે તો ભારતને ફાયદો થાય કેમ કે ભારત જેટલા આઈટી પ્રોફેશનલ્સ બીજા કોઈ દેશ પાસે નથી. કમનસીબે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન એચ-૧બી વિઝાને લઈને ઘણાં એવાં પગલા લીધાં કે જેના કારણે ભારતીય કંપનીઓને ઘણી નકારાત્મક અસર થઈ છે. ટ્રમ્પના અગાઉના કાર્યકાળ દરમિયાન એચ-૧બી વિઝા માટેની અરજીઓ નકારવાના દરમાં વધારો થયો હતો અને લાયકાતના માપદંડ કડક કરવામાં આવ્યા હતા. કંપનીઓએ આપવો પડતો લઘુતમ પગાર પણ વધારી દેવાયેલો તેથી ભારતીય કંપનીઓને ફટકો પડ્યો. ટ્રમ્પ આકરા નિયમોના બદલે પહેલાં જેવી સ્થિતિ સર્જે એવી ભારતની આશા છે કેમ કે તેના કારણે ભારતની આઈટી કંપનીઓ સધ્ધર બનશે, ભારતને મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ મળશે ને ભારતીયોને રોજગાર પણ મળશે.
ટ્રમ્પ ભારતીય ઉત્પાદનો પરનો ટેક્સ ઘટાડે એ પણ જરૂરી છે. અત્યારે અમેરિકા ડેરી પ્રોડક્ટ્સ પર ૧૮૮ ટકા, ફળ-શાકભાજી પર ૧૩૨ ટકા, કોફી, ચા, કોકો, મસાલા પર ૫૩ ટકા, કઠોળ અને ફૂડ પ્રીપેરેશન્સ પર ૧૯૩ ટકા, તેલીબિયાં, ફેટ અને તેલ પર ૧૬૪ ટકા, બેવરેજીસ અને ટોબેકો પર ૧૫૦ ટકા, ફિશ અને ફિશ પ્રોડક્ટ્સ પર ૩૫ ટકા, મિનરલ્સ અને મેટલ્સ પર ૧૮૭ ટકા, કેમિકલ્સ પર ૫૬ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવે છે. આ આંકડા ડબલ્યુટીઓ દ્વારા સત્તાવાર અપાયેલા આંકડા છે. આટલા ઊંચા ટેક્સના કારણે ભારતીય ઉત્પાદનો અમેરિકામાં મોકલી જ ના શકાય એવી હાલત છે. ટ્રમ્પે ભારતનું નાક દબાવવા ટેક્સના દર વધાર્યા છે ને તેમાં રાહત આપે તો ભારતની નિકાસ વધે, ભારતને ફાયદો થાય. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને વધુ પ્રાથમિકતા આપે અને ભારતને ચીન કરતાં વધુ વિશ્વાસપાત્ર માનીને આર્થિક સંબંધો મજબૂત બનાવે તો બંનેના ફાયદામાં રહેશે.
ટ્રમ્પ પાસેથી ભારતને બીજી પણ નાની નાની અપેક્ષાઓ છે. કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત સામે આક્ષેપો પર આક્ષેપો કરી રહ્યા છે ને તેના કારણ બંને દેશોના સંબધો વણસી ગયા છે. ખાલિસ્તાની તત્વો કેનેડામાં ફરીથી માથું ઊંચકી રહ્યા છે અને કેનેડાની ધરતી પરથી ભારત વિરુદ્ધ ષડયંત્રો રચવામાં આવી રહ્યાં છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જસ્ટિન ટ્રુડોને મર્યાદામાં રહેવાની સલાહ આપે એવી અપેક્ષા છે.
ટ્રમ્પ પાકિસ્તાન અને ચીન સામે ભારતને સમર્થન આપે એવી પણ અપેક્ષા છે. ભારત લાંબા સમયથી આતંકવાદની સમસ્યાથી પીડાઈ રહ્યું છે, પાકિસ્તાનના આતંકવાદીઓ કાશ્મીરમાં સતત આતંક મચાવી રહ્યા છે ત્યારે ભારતની અપેક્ષા છે કે, ટ્રમ્પનું અમેરિકા પાકિસ્તાનને પણ પાઠ ભણાવે. એ જ રીતે ચીન પણ ભારતને પરેશાન કરી જ રહ્યું છે. ચીન સાથે ભારતના સંબંધો ગમે તેટલા સુધરે પણ તેના પર વિશ્ર્વાસ કરી શકાય તેમ નથી. આ સંજોગોમાં ટ્રમ્પ ચીનની વધતી દાદાગીરી સામે ભારતને પડખે રહે એવી અપેક્ષા છે.