વિપક્ષી મોરચાની વ્યૂહરચના બરાબર પણ અમલનું શું?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણીમાં ભાજપને પછાડવા માટે બનાવાયેલા વિપક્ષી મોરચા ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ)ની શરૂઆતની બેઠકો મળી ત્યારે લાગતું હતું કે, આ સંઘ કાશીએ નહીં પહોંચે ને લોકસભાની ચૂંટણી પહેલાં જ બધું વેરવિખેર થઈ જશે. આશ્ર્ચર્યજનક રીતે આ મોરચો ધાર્યા કરતાં વધારે સારી રીતે આગળ વધી રહ્યો છે ને માત્ર એક થઈને રહ્યો જ નથી પણ ભાજપને હરાવવા માટે જે પ્રકારની વ્યૂહરચનાઓ ઘડી રહ્યો છે એ જોતાં લાગે કે, ઈન્ડિયા મોરચાના નેતાઓને કમ સે કમ વાસ્તવિકતાનું ભાન તો થયું જ છે.
ચૂંટણીમાં જનમત જેની તરફેણમાં જાય એ જીતે છે તેથી ઇન્ડિયા મોરચો ભાજપને હરાવવા સક્ષમ છે કે નહીં એવી વાત કરવાનો મતલબ નથી. લોકસભાની ચૂંટણીને હજુ સાત-આઠ મહિના વાર છે. એ દરમિયાનમાં ઘણું બધું બદલાઈ ગયું હશે પણ અત્યે વ્યૂહરચનાની રીતે સાચી દિશામાં આગળ વધી રહ્યો છે એ સ્પષ્ટ છે. નવી દિલ્હીમાં ગુરુવારે ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ)ની કો-ઓર્ડિનેશન કમિટીની પહેલી બેઠક શરદ પવારના ઘરે મળી પછી કોઈ મોટી જાહેરાત કરાઈ નથી પણ ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ)એ અત્યારથી એ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંડ્યું છે કે જ્યાં ભાજપ અત્યંત મજબૂત છે.
ભાજપને હરાવવો હોય તો વિપક્ષોએ ૨૦૧૯માં ભાજપે સૌથી જોરદાર દેખાવ કરેલો એ રાજ્યોમાં ભાજપને નાથવો પડે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને દિલ્હી એવાં રાજ્યો છે કે જ્યાં ભાજપે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો જીતી હતી. ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ) મોરચાએ પહેલા તબક્કામાં આ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભાજપને કઈ રીતે હરાવી શકાય તેની વ્યૂહરચના ઘડવા માંડી છે.
આ માટે રાજ્યોને બે ભાગમાં વહેંચી દેવાયાં છે. પહેલા ભાગમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, અને કર્ણાટક એ પાંચ રાજ્ય છે. બીજા ભાગમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડ, છત્તીસગઢ છે. દેશનાં કેટલાંક રાજ્યોમાં ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ) મોરચાના સભ્ય એવા ભાજપ વિરોધી પક્ષો સામસામે છે. આ રાજ્યોમાં બેઠકોની વહેંચણીના કારણે અત્યારથી ડખા ના થાય એ માટે આ રાજ્યોને અત્યારે અડકવું જ નહીં એવી વ્યૂહરચના પણ શાણપણભરી છે. આ કારણે દિલ્હીને હમણાં બાજુ પર મૂકી દેવાયું છે કે જેથી આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ના થાય.
ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ)એ પહેલા ભાગમાં રાખેલાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ મળીને લોકસભાની ૨૧૨ બેઠકો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેમાંથી ૧૮૦થી વધારે બેઠકો ભાજપે જીતી હતી. પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દે એક લહેર ઊભી થઈ હતી ને તેના કારણે ભાજપે સપાટો બોલાવીને મોટા ભાગની બેઠકો જીતી હતી.
વિપક્ષોનું માનવું છે કે, ૨૦૧૯ પછી આ રાજ્યોની રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તેથી હવે ૨૦૧૯ જેવાં પરિણામો નહીં આવે. ઉદાહરણ તરીકે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને માત્ર ૪૭ બેઠકો મળી હતી પણ ૨૦૨૨માં તેની બેઠકો વધીને ૧૧૧ થઈ ગઈ જ્યારે ભાજપ ૩૧૩ બેઠકો પરથી ઉતરીને ૨૫૫ બેઠકો પર આવી ગયો છે.
વિપક્ષો હમણાં યોજાયેલી ઘોસી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનાં પરિણામોથી પણ ઉત્સાહમાં છે કે જ્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટીની સીધી ટક્કરમાં સપાના ઉમેદવારે ૪૨ હજારથી વધુ મતે જીત મેળવી છે. વિપક્ષો આ દેખાવનું પુનરાવર્તન કરીને યુપીમાંથી લોકસભાની ૮૦માંથી ૩૦ જેટલી બેઠકો જીતવાની આશા રાખે છે. યુપીમાં યોગી આદિત્યનાથના કારણે ભાજપ મજબૂત છે પણ વિપક્ષોનો ૩૦ બેઠકો જીતવાનો આશાવાદ સાવ અવાસ્તવિક પણ નથી. કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ ભેગાં થાય તો ૩૦ બેઠકો જીતી શકે તેમ છે.
બિહારમાં ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ અને નીતિશ કુમારની જેડીયુ સાથે હતાં. હવે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની આરજેડી તથા કૉંગ્રેસ સાથે છે. જેડીયુએ ભાજપથી દૂર થઈને આરજેડી સાથે મળીને સરકાર બનાવી પછી મુસ્લિમ અને ઓબીસી મતબૅન્કનું વિભાજન રોકાશે એવી આશા છે. તેના કારણે બિહારની ૪૦ લોકસભા બેઠકોમાંથી વિપક્ષોને પચ્ચીસેક બેઠકો જીતવાની આશા છે. ઝારખંડમાં પણ વિપક્ષની સરકાર છે તેથી લોકસભાની ૧૪ બેઠકોમાંથી ૧૦ બેઠકો જીતવાની આશા છે. ૨૦૧૯માં ભાજપે ૧૪માંથી ૧૨ બેઠકો જીતી હતી ને મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પાર્ટી જેએમએમને બે બેઠકો જ મળી હતી.
મહારાષ્ટ્રમાં સરકાર એનડીએની છે પણ હજુ પણ શરદ પવાર-ઉદ્ધવ ઠાકરેની જોડી કૉંગ્રેસની સાથે મળીને ટક્કર આપી શકે છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો છે ને તેમાંથી ૨૪ ભાજપ પાસે છે. મહાવિકાસ અઘાડી ભાજપને ઓછામાં ઓછો ૧૦ બેઠકોનો ફટકો મારવા માગે છે. કૉંગ્રેસ લોકસભા ચૂંટણીમાં કર્ણાટકની જીતનું પુનરાવર્તન કરવા માગે છે. કર્ણાટકમાં પણ લોકસભાની ૨૮ બેઠકોમાંથી ૨૫ ભાજપે જીતેલી તેથી દસેક બેઠકોનો ફટકો પડે તો ભાજપની હાલત બગડે.
ઈન્ડિયા મોરચાએ બીજા ભાગમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ જેવાં રાજ્યો છે, જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢમાં કુલ મળીને લોકસભાની ૧૦૦ બેઠકો છે. ૨૦૧૯માં ભાજપ છત્તીસગઢમાં એક અને મધ્ય પ્રદેશમાં એક એમ બે બેઠકો જ આ રાજ્યોમાં હાર્યો હતો.
રાજસ્થાનમાં હનુમાન બેનીવાલ ભાજપની સાથે હતા પણ હવે અલગ થયા છે તેથી આ ૧૦૦ બેઠકોમાંથી માત્ર ત્રણ બેઠકો ભાજપ પાસે નથી, ૯૭ બેઠકો ભાજપ પાસે છે. આ પૈકી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તો નવેમ્બર-ડિસેમ્બરમાં જ ચૂંટણી છે તેથી વિપક્ષો પરિણામોની રાહ જોઈ રહ્યા છે. કૉંગ્રેસ શું ઉકાળે છે તેના આધારે વ્યૂહરચના ઘડાશે.
વિપક્ષોએ ભાજપને સ્પષ્ટ બહુમતી એટલે કે ૨૭૫ જેટલી બેઠકો જીતાડનારાં રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને લોકસભાની ચૂંટણીમાં જંગ માટે સજજ હોવાનો સંકેત આપ્યો છે પણ ચૂંટણીએ કાગળ પર વ્યૂહરચનાથી જીતાતી નથી. ભાજપ ચૂંટણીના રણમેદાનમાં વધારે પાવરધો છે તેથી માત્ર કાગળ પર વ્યૂહરચનાઓ બનાવવાથી ના ચાલે, વિપક્ષો પોતાની બનાવેલી વ્યૂહરચનાનો કેટલી અસરકારકતાથી અમલ કરી શકે છે તેના પર પરિણામોનો આધાર હશે.
when we know that alliance government in center always poor and depended to other alliance group and nation facing from every where then why you like these kind of ‘group’ form the government in center?