એકસ્ટ્રા અફેર

કૉંગ્રેસ સરકાર બચાવવા વિરભદ્રના પરિવારને મનાવવો પડે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

સમય બદલાય છે પણ કૉંગ્રેસમાં કશું બદલાતું નથી એવું કહેવાય છે. હિમાચલ પ્રદેશમાં શરૂ થયેલી કૉંગ્રેસની નવી ભવાઈના કારણે આ વાત સાચી પડી રહી છે. હજુ માંડ ૧૪ મહિના પહેલા હિમાચલ પ્રદેશમાં ભાજપને હરાવીને કૉંગ્રેસે સરકાર રચી હતી. એ વખતે પણ ડખા તો હતા જ પણ બધું અંદરખાને ચાલતું હતું. રાજ્યસભાની ચૂંટણી આવી તેમાં કૉંગ્રેસના ડખા બહાર આવી ગયા.

રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના છ વિધાનસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગના કારણે નહેરુ-ગાંધી ખાનદાનના માનીતા અભિષેક મનુ સિંઘવી ચૂંટણી તો હારી જ ગયા પણ સુખવિંદર સિંહ સુખુની કૉંગ્રેસ સરકાર પણ ખતરામાં આવી ગઈ છે. કૉંગ્રેસે સવા વરસ પહેલાં વિરભદ્રસિંહના પરિવારને કોરાણે મૂકીને સુખવિંદર સિંહ સુખુને મુખ્ય પ્રધાન બનાવ્યા તેના કારણે નારાજ વિરભદ્રસિંહનો પરિવાર હિસાબ ચૂકતે કરવા મેદાનમાં આવી ગયો છે.

સ્વ. વીરભદ્રસિંહનાં પત્નિ પ્રતિભા સિંહ પ્રદેશ પ્રમુખ હતાં તેથી મુખ્ય પ્રધાન પદ માટે પ્રબળ દાવેદાર હતાં પણ પ્રતિભા સિંહની દાવેદારીને અવગણીને કૉંગ્રેસે સુખવિંદરસિંહને ગાદીએ બેસાડ્યા તેનાથી ખફા વિરભદ્રસિંહનો પરિવાર બદલો લેવા પૂરી તૈયારી કરીને કૂદી પડ્યો છે. સ્વ. વિરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહ સુખવિંદર સિંહ સુખુની સરકારમાં પ્રધાન હતા. રાજ્યસભાની ચૂંટણીમાં સિંઘવીની હારના પગલે ચાલી રહેલા દોષારોપણ વચ્ચે વિક્રમાદિત્યસિંહે પ્રધાનપદ છોડી દીધું છે. સિંઘવીની હારના કારણે હિમાચલ કૉંગ્રેસમાં ઓલ ઈઝ નોટ વેલ એવું તો સાબિત થઈ જ ગયેલું પણ વિક્રમાદિત્યસિંહના રાજીનામાના કારણે સુખવિંદર સિંહ સુખુ સરકાર ખતરામાં છે ગમે કંઈ પણ નવાજૂની થઈ શકે છે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. કૉંગ્રેસે ભાજપ હાલ કોઈ ડખો ના કરે એટલે વિધાનસભાના સ્પીકર મારફતે ભાજપના ૧૫ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાવી દીધા છે. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર હુડા અને કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારને ફાયર બ્રિગેડની જવાબદારી સોંપીને હિમાચલ પ્રદેશમાં સરકાર બચાવવાની જવાબદારી સોંપીને રવાના કરાયા છે પણ વિરભદ્રસિંહ કેમ્પ જે રીતે આક્રમક મૂડમાં છે એ જોતાં કૉંગ્રેસ તેમને સમજાવી શકશે કે કેમ તેમાં શંકા છે.

વિરભદ્રસિંહ કેમ્પે સિંઘવીને હરાવીને પોતાના તાકાતનો પરચો આપી દીધો છે. હવે સુખુ સરકારને ગબડાવીને મોટો આંચકો આપી શકે છે. ભાજપ તો આ સ્થિતિનો લાભ લેવા માટે તૈયાર જ બેઠો છે. હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કૉંગ્રેસ પાસે પાપડ પાતળી બહુમતી છે તેથી વિક્રમાદિત્ય સિંહની મદદથી ભાજપ માટે કૉંગ્રેસના વિધાનસભ્યોને તોડીને સુખુ સરકારને ઘરભેગી કરવી બહુ મુશ્કેલ નથી.
હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કુલ ૬૮ સભ્યો છે. કૉંગ્રેસ પાસે ૪૦ જ્યારે ભાજપ પાસે ૨૫ વિધાનસભ્યો છે અને ત્રણ અપક્ષ છે. આ ત્રણેય અપક્ષ ભાજપ સાથે છે તેથી ભાજપ પાસે ૨૮ વિધાનસભ્યો થાય. રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના છ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં અત્યારે કૉંગ્રેસ પાસે ૩૪ વિધાનસભ્યો છે. ભાજપ વિક્રમાદિત્યસિંહની મદદથી બીજા સાત-આઠ વિધાનસભ્યોને તોડીને ક્રોસ વોટિંગ કરનારા ૬ વિધાનસભ્યો અને બીજા ૭ વિધાનસભ્યો પાસે રાજીનામાં અપાવડાવી દે તો કૉંગ્રેસ પાસે ૨૬-૨૭ વિધાનસભ્યો રહી જાય જ્યારે ભાજપ પાસે ૨૮ વિધાનસભ્યો છે. આ સંજોગોમાં સુખવિંદરસિંહ સરકાર ઘરભેગી થઈ જાય. ભાજપ પાસે મની પાવર છે એ જોતાં તેના માટે બીજા સાત વિધાનસભ્યોને ખેંચવા જરાય અઘરા નથી તેથી કૉંગ્રેસ સરકાર પર પૂરો ખતરો છે. જો કે કૉંગ્રેસ પાસે પણ હજુ પોતાની સરકાર બચાવવાની તક છે જ કેમ કે મૂળ ડખો મુખ્ય પ્રધાનપદનો છે. કૉંગ્રેસ સુખવિંદરસિંહ સુખુને સમજાવીને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું અપાવડાવે અને સ્વ. વિરભદ્રસિંહના પરિવારને મુખ્ય પ્રધાનપદ આપે કે પછી કોઈ પ્રતિભા સિંહ કહે એવી કોઈ ત્રીજી વ્યક્તિને મુખ્ય પ્રધાનપદે બેસાડવા તૈયાર થાય તો આ સરકાર બચી શકે તેમ છે.

હિમાચલ પ્રદેશમાં વરસો સુધી કૉંગ્રેસ પર વિરભદ્રસિંહનું એકચક્રી શાસન હતું તેથી બીજા કોઈ નેતા વિશે વિચાર જ નહોતો કરાતો. છ વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા વીરભદ્ર સિંહે કૉંગ્રેસને મજબૂત પણ બનાવેલી. આ કારણે જ વીરભદ્ર સિંહના અવસાન પછી તેમનાં પત્નિ પ્રતિભા સિંહને કૉંગ્રેસે આગળ કરવાં પડેલાં. પ્રતિભા સિંહે પોતાની તાકાત પણ સાબિત કરેલી અને ભાજપના મંડી લોકસભા બેઠકના સાંસદ રામસ્વરૂપ શર્માના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર જીતેલાં. શર્મા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ચાર લાખથી વધારે મતે જીતેલા પણ પ્રતિભા ૨૦૨૧માં એ બેઠક ભાજપ પાસેથી ખૂંચવી લાવેલાં. વિધાનસભાની ચૂંટણી વખતે પણ પ્રતિભા સિંહ પ્રદેશ પ્રમુખ હતાં ને તેમણે કૉંગ્રેસને જીત અપાવેલીય. આ સંજોગોમાં સરકાર બનાવવાની વાત આવી ત્યારે મુખ્યમંત્રી પદ માટે પ્રતિભા સિંહ સૌથી મજબૂત દાવેદાર હતાં. પ્રતિભા સિંહના ગૃહ જિલ્લા શિમલામાં કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યો હતો. શિમલા જિલ્લાની આઠમાંથી સાત વિધાનસભા બેઠકો કૉંગ્રેસે જીતી હતી. વિરભદ્ર સિંહની નજીકના મોટાભાગના નેતાઓ મુખ્ય પ્રધાનપદ માટે પ્રતિભા સિંહને ટેકો આપતા હતા. પ્રતિભાએ પણ મુખ્ય પ્રધાનપદે બેસવાની સ્પષ્ટ ઈચ્છા વ્યક્ત કરતાં ચૂંટણી પછી કહ્યું હતું કે વીરભદ્ર સિંહ અને તેમના પરિવારના વારસાને અવગણી શકાય નહીં.

કૉંગ્રેસે આ બધી વાતોને આવગણી અને ૨૦૧૩થી ૨૦૧૯ સુધી હિમાચલ પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ રહેલા ૫૯ વર્ષીય સુખવિંદર સિંહ સુખુને મુખ્ય પ્રધાન બનાવી દીધા. પરિવારવાદના આક્ષેપોના કારણે કૉંગ્રેસે પ્રતિભા સિંહને મુખ્ય પ્રધાન ના બનાવ્યા એવી વાતો એ વખતે ચાલેલી. કૉંગ્રેસે ક્યાં કારણોસર એ કર્યું તેની કૉંગ્રેસને જ ખબર પણ પ્રતિભા સિંહને મુખ્ય પ્રધાન ના બનાવાતાં વિરભદ્રસિંહના પરિવાર અને કૉંગ્રેસ હાઈકમાન્ડના સંબંધમાં કડવાશ આવી ગઇ. કૉંગ્રેસે વિક્રમાદિત્યને પ્રધાન બનાવીને વિરભદ્ર સિંહના પરિવારને મનાવવા પ્રયત્ન કરેલો પણ આ કડવાશ દૂર ના થઈ.

વિક્રમાદિત્ય સિંહ કૉંગ્રેસની વિરુધ્ધ બોલવા લાગ્યા અને અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ વખતે તો તો ખુલ્લેઆમ કૉંગ્રેસથી વિરુદ્ધ વલણ લઈ લીધું હતું. કૉંગ્રેસના નેતાઓએ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર નહીં રહેવાનો નિર્ણય લીધેલો ત્યારે વિક્રમાદિત્ય સિંહે ખુલ્લેઆમ કહ્યું હતું કે પોતે એક કટ્ટર હિંદુ છે અને હિંદુ તરીકે તેમની જવાબદારી છે કે તેઓ ભગવાન રામની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ના સાક્ષી બને. વિક્રમાદિત્ય સિંહ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતા. કૉંગ્રેસ માટે એ સ્પષ્ટ સંકેત હતો કે, વિરભદ્રના પરિવારને મનાવે પણ કૉંગ્રેસ સાનમાં ના સમજી. હવે તેની આકરી કિંમત ચૂકવવી પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…