વિનેશ ફોગાટનો ફિયાસ્કો, મેડિકલ ટીમ દોષિત
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
પેરિસ ઓલિમ્પિક્સમાં ૫૦ કિલો ફ્રીસ્ટાઈલ કુશ્તીની ફાઈનલમાં પહોંચેલી કુશ્તીબાજ વિનેશ ફોગટ માત્ર ૧૦૦ ગ્રામ વજન વધારે હોવાના કારણે ગેરલાયક ઠરી તેના કારણે આખો દેશ આઘાતમાં સ્તબ્ધ છે. વિનેશે શાનદાર રમત બતાવીને એક જ દિવસમાં ત્રણ મેચ જીતીને ભારતનો સિલ્વર મેડલ તો પાકો કરી જ લીધેલો પણ ફાઈનલમાં જીતીને ભારતને કુશ્તીમાં પહેલો ગોલ્ડ મેડલ જીતાડવાની આશા પણ ઊભી કરી દીધેલી.
બુધવારે રાત્રે વિનેશ ફોગાટની મેચ હતી ને એ પહેલાં બપોરે જ વિનેશ ગેરલાયક ઠરી હોવાના સમાચાર આવતાં આખો દેશ આઘાત પામી ગયેલો. ગોલ્ડ મેડલ જીતવાની વાત તો બાજુ પર રહી ગઈ પણ વિનેશે મેડલ લીધા વિના સાવ ખાલી હાથે પાછા ફરવું પડશે એવી કોઈને કલ્પના પણ નહોતી. વિનેશે સેમિ ફાઈનલમાં ક્યુબાની કુશ્તીબાજ છોકરીને રમતાં રમતાં હરાવી દીધેલી તેથી લોકો ગોલ્ડ મેડલના સપનાં જોતાં હતાં ત્યાં વિનેશ ગેરલાયક ઠરતાં એન્ટિ ક્લાઈમેક્સ જેવી સ્થિતિ આવી ગઈ.
વિનેશ ગેરલાયક ઠરી પછી જાત જાતની વાતો વહેતી થઈ છે. વિનેશ ફોગાટે ભારતીય કુશ્તી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ એવા ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુશ્તીબાજ છોકરીઓના જાતિય શોષણના મામલે બાંયો ચડાવી દીધી હતી તેથી વિનેશને ગોલ્ડ મેડલ ના જીતવા દેવાઈ એવી વાતો પણ ચાલી રહી છે. કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ સંસદમાં વિનેશ ગેરલાયક ઠરી તેનો મુદ્દો ઉઠાવ્યો અને હોહા કરી મૂકી. આ હુમલાથી બધવાયેલી નરેન્દ્ર મોદી સરકારે રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને બચાવ કરવા ઉતાર્યા પણ માંડવિયાએ વિનેશ ફોગાટ પર ૧૭ લાખ રુપિયા ખર્ચ કરાયા હોવાનો બફાટ કરીને વાતને વધારે બગાડી દીધી.
કૉંગ્રેસે સંસદની બહાર પણ આ મુદ્દો ચગાવ્યો છે. કૉંગ્રેસના મહામંત્રી રણદીપ સૂરજેવાલાએ કેન્દ્ર સરકાર સામે આકરા સવાલ કરીને પૂછ્યું છે કે, વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી એ મુદ્દે ભારત સરકાર ચૂપ કેમ છે? આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ સાથે વાત કરવી જોઇએ કેમ કે આ મેડલ માત્ર વિનેશ ફોગાટનો નહીં પરંતુ દેશનો છે.
સૂરજેવાલાના કહેવા પ્રમાણે, વિનેશનું વજન ૫૦ કિલો કરતાં ઓછું હોવાથી જ તે આગળની મેચો રમી શકી હતી. ઓલિમ્પિક ગેમ્સનો નિયમ ૧૧ કહે છે કે, બીજા દિવસે વજન વધે તો તેને આગળના દિવસ માટે લાગુ ના કરી શકાય. સૂરજેવાલાના કહેવા પ્રમાણે આ મામલે ઓલિમ્પિક સંઘે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉગ્ર રજૂઆત કરવી જ જોઇએ પણ દેશની સરકાર મૌન ધારણ કરી કેમ બેઠી છે. વિનેશ ગોલ્ડ મેડલની હકદાર છે પણ ભારત સરકાર ઇચ્છે તો વિનેશને સિલ્વર મેડલ અપાવી શકે છે એવી માગ કરતાં તેમણે કહ્યું કે, વિનેશે મેચ રમી હોત તો ગોલ્ડ લાવી શકી હોત પણ હારી ગઈ હોત તો પણ સિલ્વર મેડલ તો આવવાનો જ હતો એ જોતાં વિનેશ સિલ્વર મેડલ માટે પૂરેપૂરી હકદાર છે તેથી સરકારે અપીલ કરી મેડલ અપાવવો જ જોઈએ. સૂરજેવાલાએ કટાક્ષ પણ કર્યો કે, મોદી રશિયા-યુક્રેન યુદ્ધ રોકાવી શકતા હોય તો વિનેશને મેડલ કેમ ના અપાવી શકે ?
સૂરજેવાલાની વાતો ગધેડાને તાવ આવી જાય એવી છે. વિનેશ ગેરલાયક ઠરી તેના માટે તેનું વધેલું વજન જવાબદાર છે એવું ખુદ ભારતીય ટીમના ચીફ મેડિકલ ઓફિસર ડો. દિનશા પારડીવાલાએ કહ્યું છે. પેરિસ ઓલિમ્પિક્સમાં જ વિનેશ પહેલાં બે ખેલાડી આ રીતે વજન વધારે હોવાના કારણે ગેરલાયક ઠરી ચૂક્યા છે તેથી વિનેશ પહેલી એવી ખેલાડી નથી. વિનેશનું નિયમ પ્રમાણે મેચ પહેલાં વજન કરાયું તેમાં વજન વધારે નીકળ્યું પછી તેને પણ એ જ નિયમ લાગુ પડે કે જે બીજા ખેલાડીઓને લાગુ પડે છે. ઓલિમ્પિકના આયોજકોએ એ જ કર્યું છે એ જોતાં આ મુદ્દે દલીલોને કોઈ અવકાશ રહેતો નથી.
વિનેશ ફોગાટનો મેડલ છિનવાયો તેની પાછળ રાજકારણ કે કાવતરું હોવાની વાતો થાય છે પણ એવી શક્યતા ઓછી છે. અલબત્ત ઓલિમ્પિક ટીમ સાથે પેરિસ ગયેલી મેડિકલ ટીમની જવાબદારી પૂરેપૂરી છે અને તેમની સામે પગલાં લેવાવાં જોઈએ. ભાજપના નેતા અને ભૂતપૂર્વ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર વિજેન્દરસિંહે અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પણ વિનેશ ફોગાટના ડિસક્વોલિફિકેશનને કાવતરું ગણાવ્યું છે. અલબત્ત તેમણે ફોડ પાડીને કોણ કાવતરું કર્યું ને કઈ રીતે કર્યું તેની વિગતો આપી નથી. એ લોકોએ અદ્ધરતાલ વાતો કરવાના બદલે નક્કર વિગતો આપવી જોઈએ પણ કદાચ તેમની પાસે કોઈ વિગતો જ નથી.
અલબત્ત ૨૦૦૮માં બીજિંગ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનારા વિજેન્દરસિંહે મુદ્દા ઉઠાવ્યા છે એ વ્યાજબી છે. વિજેન્દરના દાવા પ્રમાણે, વેઈટ લિફ્ટર્સ, બોક્સર અને કુશ્તીબાજો એક જ રાતમાં ૫-૬ કિલોગ્રામ વજન ઘટાડી દેતાં હોય છે પણ વિનેશ ફોગટ એક કિલો વજન ના ઉતારી શકી એ આશ્ચર્યની વાત છે. વિનેશનું વજન ૯૦૦ ગ્રામ ઘટી ગયું અને ૧૦૦ ગ્રામ માટે વિનેશ ડિસક્વોલિફાય થઈ ગઈ.
પહેલાં વિનેશનું વજન એક કિલોગ્રામ વધી ગયું હોવાની વાત આવેલી ને તેના આધારે વિજેન્દરે આ વાત કરેલી પણ વાસ્તવમાં વિનેશનું વજન ૨.૭ કિલો વધારે થઈ ગયું હતું. જો કે તેનાથી કોઈ ફરક પડતો નથી કેમ કે એક રાતમાં ૫-૬ કિલો વજન ઉતારી શકાતું હોય તો ૨.૭ કિલો પણ ઉતારી જ શકાય. મેડિકલ ટીમ તથા કોચિંગ સ્ટાફે કરેલી મહેનતના કારણે ૨.૬ કિલો વજન ઉતર્યું ને ૧૦૦ ગ્રામ વજન ના ઉતારી શકાયું એ જોતાં સોયના નાકામાંથી આખો હાથી નીકળી ગયો ને પૂંછડું ભરાઈ ગયું જેવી વાત થઈ.
વિજેન્દરના કહેવા પ્રમાણે, કુસ્તીબાજો અને બોક્સરોને ભૂખ્યા-તરસ્યા રહીને કઈ રીતે વજન ઓછું કરવું તેની ખબર હોય છે. ભૂખ અને તરસ પર કંઈ રીતે કાબૂ મેળવવો તેની ટ્રેઈનિંગ અપાઈ હોય છે ને તેના આધારે રાતોરાત ૫-૬ કિલો વજન ઘટાડી દેવાય છે. આ રસ્તા ખબર જ હોવા છતાં એ કેમ વજન ના ઉતારી શકી એ પણ સવાલ છે. આ મેડિકલ ટીમની ઘોર નિષ્ફળતા કહેવાય ને એ માટે તેની સામે પગલાં લેવાવાં જોઈએ.
બીજું એ પણ છે કે, વિનેશની સેમિ ફાઈનલ મેચ પછી ૧.૫ કિલો વજન વધશે એવી ગણતરી મેડિકલ ટીમે મૂકી હતી. તેના બદલે ૨.૭ કિલો વજન વધી ગયું. મતલબ કે, ગણતરી કરનારાંને કંઈ ખબર જ નહોતી. આવા લોકો ટીમ સાથે કઈ રીતે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં પહોંચી ગયા તેની પણ તપાસ થવી જોઈએ.