એકસ્ટ્રા અફેર

નીટ પછી યુજીસી-નેટ, પરીક્ષામાં ગેરરીતિનું ગુજરાત મોડલ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET) ના પરિણામ અંગેનો વિવાદ પત્યો નથી ત્યાં યુજીસી-નેટ રદ કરવાની જાહેરાત કરવી પડી છે. દેશભરની કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સીસમાં અલગ અલગ વિષયો ભણાવવા માટેની લાયકાત તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-નેશનલ એલિજિબિલિટી (UGC-NET) લેવાય છે. આ પરીક્ષા પાસ કરનારને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નોકરી મળે છે.

૧૮ જૂન, ૨૦૨૪થી યુજીસી-નેટ પરક્ષા શરૂ થયેલી. એક દિવસ પરીક્ષા લેવાઈ ને બીજા દિવસે એટલે કે, ૧૯ જૂન ને બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાબા હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ આ પરીક્ષામાં ગરબડ થઈ રહી હોવાની માહિતી આપતાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પરીક્ષા જ રદ કરી દીધી. સત્તાવાર રીતે એવું કહેવાયું છે કે, નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિસિસ યુનિટ તરફથી પરીક્ષા માટે કેટલાક ઈનપુટ મળ્યા હતા તેથી શિક્ષણ મંત્રાલયે UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.

શિક્ષણ મંત્રાલયે જાહેર કર્યું છે કે, પરીક્ષામાં ગરબડ કરવામાં આવી હોય એવું પ્રાથમિક રીતે લાગે છે. કેવી ગરબડની શક્યતા છે કે પછી ક્રાઈમ થ્રેટ એનાલિસિસ તરફથી કેવા ઈનપુટ મળ્યા હતા તેનો ફોડ પડાયો નથી તેથી પેપર લીક થવાથી માંડીને પરીક્ષા કેન્દ્રોમાં ચોરી સહિતની ગમે તે ગરબડ થઈ હોઈ શકે છે. કેન્દ્ર સરકારે પરીક્ષાની ગેરરીતિની તપાસ સીબીઆઈને સોંપી છે તેનો અર્થ એ થાય કે, ગેરરીતિ ગંભીર છે. બીજી તરફ શિક્ષણ મંત્રાલયે આ પરીક્ષા નવેસરથી લેવામાં આવશે એવું જાહેર કરી દીધું છે તેથી પરીક્ષા આપનારા છ લાખ જેટલા વિદ્યાર્થી રઝળી પડ્યા છે. યુજીસી-નેટ પરીક્ષા બહુ આકરી ગણાય છે અને વિદ્યાર્થીઓ મહિનાઓ પહેલાં તેની તૈયારીમાં લાગેલા હોય છે તેથી તેમની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

યુજીસી-નેટ પરીક્ષા પણ નેશનલ ટેસ્ટ એજન્સી એટલે કે એનટીએ લે છે કે જે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયની એજન્સી છે. જે પરીક્ષામાં ગરબડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET) પણ એનટીએએ જ લે છે. મહિનાના ટૂંકા ગાળામાં બે બહુ મોટી પરીક્ષામાં ગરબડ થઈ તેના કારણે એનટીએની આબરૂના ધજાગરા ઊડી ગયા છે.

કમનસીબી એ છે કે, કેન્દ્ર સરકારને કોઈ ફરક પડતો નથી. વાસ્તવમાં તો નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET)ની ગરબડની વાત બહાર આવી ત્યારે જ એનટીએના કારભારીઓને ઘરભેગા કરી દેવાની જરૂર હતી પણ સરકારે તેમને કશું ના કર્યું. હવે યુજીસી-નેટમાં પણ એ જ ભવાડો થયો છે છતાં સરકાર તપાસનાં નાટકો કરવા સિવાય બીજું કશું કરી નથી રહી.

નીટ અને પછી યુજીસી-નેટમાં ગેરરીતિએ કેન્દ્ર સરકારની આબરૂ અને ક્ષમતા સામે પણ સવાલ ખડા કર્યા છે કેમ કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી પરીક્ષાઓની વિશ્ર્વસનિયતા સાવ તળિયે જતી રહી છે. સીબીએસઈનાં પેપર ફૂટવાથી માંડીને નીટ જેવી દેશના સૌથી હોંશિયાર વિદ્યાર્થીઓની કારકિર્દી દાવ પર હોય એવી પરીક્ષાનાં પેપર ફૂટવા સુધીની ઘટનાઓ આ સરકારના શાસનમાં બની છે ને છતાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ઓલ ઈઝ વેલની ઘંટડી વગાડ્યા કરે છે.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના શાસનમાં પેપર ફૂટવાનો સિલસિલો બહુ પહેલાં શરૂ થઈ ગયેલો પણ સૌથી શરમજનક ઘટના ૨૦૧૮ના માર્ચમાં સીબીએસઈનું ધોરણ ૧૦નું ગણિત ને ધોરણ ૧૨નું અર્થસાસ્ત્રનું પેપર ફૂટી ગયું એ હતી. ધોરણ ૧૦ની પરીક્ષામાં સાડા સોળ લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠેલા ને ધોરણ ૧૨ના બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા સાડા ત્રણ લાખની આસપાસ હતી તેથી આ પેપરો ફૂટતાં વીસ લાખ વિદ્યાર્થીઓને અસર થઈ હતી. તેમની દિવસોની મહેનત પાણીમાં ગઈ હતી. સીબીએસઈનું પેપર ફૂટ્યું તેના કારણે આખા દેશમાં આક્રોશ વ્યાપી ગયો હતો. ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયાં હતાં અને હજારો વિદ્યાર્થીઓએ દિલ્હીમાં ઉતરી પડીને સીબીએસઈના હેડ ક્વાર્ટર સામે દેખાવો કર્યા હતા.

વિદ્યાર્થીઓનો આક્રોશ જોઈને ફફડેલી મોદી સરકારે વિદ્યાર્થીઓને રોકવા દિલ્હીમાં લશ્કરી જવાનોને ખડકવા પડ્યા હતા. એ વખતે મોદી સરકારમાં માનવ સંસાધન પ્રધાન તરીકે પ્રકાશ જાવડેકર હતા. તેમના ઘરની આસપાસના વિસ્તારોમાં કલમ ૧૪૪ લગાવીને ચારથી વધારે લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયેલો.

રાહુલ ગાંધીએ મોદી પર કટાક્ષ કરેલો કે, પેપર લીક, ચોકીદાર વીક. મોદીએ પરીક્ષા વખતે વિદ્યાર્થીઓને તણાવમાં નહીં આવવાની સલાહો આપતું પુસ્તક એક્ઝામ વોરીયર્સ લખેલું. રાહુલે ટોણો માર્યો હતો કે, મોદી એક્ઝામ વોરીયર્સનો બીજો ભાગ લખશે તેમાં પેપર લીક થવાથી વિદ્યાર્થીઓની જીંદગી તબાહ થઈ જાય પછી વિદ્યાર્થીઓ તથા વાલીઓએ તણાવમાંથી કેવી રીતે રાહત મેળવવી તેની સલાહોનો મારો હશે.

પેપરો ફૂટવાનો ને પરીક્ષાઓમાં ગરબડો થવાનો એ સિલસિલો હજુ ચાલુ જ છે ને હજુય સરકાર ઘોરે જ છે એ જોઈને આઘાત લાગે છે. સોશિયલ મીડિયા પર તો કટાક્ષ પણ થઈ રહ્યા છે કે, આ પરીક્ષાનું ગુજરાત મોડલ છે અને ગુજરાતના વિકાસ મોડલનો કેન્દ્રીય સ્તરે અમલ કરાયો પછી હવે એક્ઝામ મોડલનો અમલ કરાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં જ ૨૦ જેટલી પરીક્ષાનાં પેપરો ફૂટ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫ તો સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર ફૂટ્યાં છે ને હજારો નહીં પણ લાખો વિદ્યાર્થીઓને અસર થઈ છે. આ સિવાય કોલેજોથી માંડીને સ્કૂલની પરીક્ષા સુધીનાં પેપર ફૂટ્યા જ કરે છે. કોઈ વાર કોલેજનાં પેપર ફૂટે તો કોઈ વાર સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર ફૂટે. સ્પર્ધાત્મક પરીક્ષા ના હોય ને કોલેજમાં પણ એક્ઝામ ના હોય તો સ્કૂલની પરીક્ષાનાં પેપર ફૂટી જાય પણ પરીક્ષાની કોઈ મોસમ એવી જતી નથી કે પેપર ના ફૂટ્યાં હોય.

ગુજરાતમાં ગુજરાતની પરીક્ષાનાં પેપર તો ફૂટે જ છે પણ ઉત્તર પ્રદેશની પોલીસ ભરતી પરીક્ષાનું પેપર પણ ગુજરાતમાંથી ફૂટી ગયેલું. લગભગ ૪૮ લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપી રહ્યા હતા ને પેપર ગુજરાતમાં છપાયું હતું પણ પરીક્ષા શરૂ થતાં પહેલાં ફૂટી ગયું.

ગુજરાતનો આ રેકોર્ડ શરમજનક છે ને તેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ દરેક પરીક્ષા વખતે તણાવમાં રહે છે. પેપર ફૂટી જાય ને બધી મહેનત નકામી જશે એવા સ્ટ્રેસમાં જીવ્યા કરે છે. ગુજરાતનું આ એક્ઝામ મોડલ રાષ્ટ્રીય સ્તરે અમલી બની જાય એ પહેલાં કંઈક થાય તો સારું, બાકી આખા દેશના વિદ્યાર્થીઓ આ તણાવમાં જીવતા થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button