ટ્રમ્પનો ડોળો કેનેડા પર, આ લોકશાહી દેશનાં લક્ષણ નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ એકદમ આક્રમક મૂડમાં છે અને 20 જાન્યુઆરીએ પ્રમુખપદના શપથ લેતાં જ ધડાધડી કરવાની તૈયારી કરીને બેઠા હોય એવું લાગે છે. ટ્રમ્પ અમેરિકામાં આવતા માલ સામાન પર લગાવાતા ટેરિફથી માંડીને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ સહિતના મુદ્દે સપાટો બોલાવવાના મૂડમાં છે પણ સૌથી વધારે ચર્ચા કેનેડા મુદ્દે ટ્રમ્પે લીધેલા વલણની છે. ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના સોગંદ ખાધા હોય એમ એક પછી એક નિવેદન ફટકાર્યા કરે છે ને તેના ભાગરૂપે તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે નકશા પોસ્ટ કર્યા છે. આ પૈકી એક નકશામાં ટ્રમ્પે કેનેડાને અમેરિકા તરીકે દર્શાવ્યું છે, જ્યારે બીજા નકશામાં તેમણે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય દર્શાવ્યું છે. તેના કારણે કેનેડાના નેતા પણ બગડ્યા છે અને ટ્રમ્પને બેફામ જવાબો આપીને ગાળાગાળી શરૂ કરી દીધી છે.
જસ્ટિન ટ્રુડો વડા પ્રધાન હતા ત્યારે કેનેડા વિશે સતત નિવેદનો આપી રહેલા ટ્રમ્પને સહન કર્યા કરતા હતા પણ રાજીનામા પછી તેમની પણ હિંમત ખૂલી ગઈ છે. ટ્રુડોએ કહ્યું છે કે ટ્રમ્પ ભલે ગમે તે સપનાં જોયા કરે પણ કેનેડા અમેરિકાનો હિસ્સો બને એવી કોઈ શક્યતા નથી. ટ્રુડો સરકારમાં વિદેશ મંત્રી મેલાની જોલીએ પણ ટ્વીટ કરી છે કે, રાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા ટ્રમ્પની ટિપ્પણીઓ દર્શાવે છે કે, કેનેડાનાં લોકો કેનેડાને મજબૂત દેશ બનાવવા શું શું કર્યું છે તેની ટ્રમ્પને સમજ નથી. અમારું અર્થતંત્ર મજબૂત છે. અમારા લોકો મજબૂત છે અને અમે ધમકીઓ સામે ક્યારેય પીછેહઠ કરીશું નહીં કે ઝૂકીશું પણ નહીં. કેનેડાના વિપક્ષી નેતા પિયર પોલિવેરે પણ સાફ શબ્દોમાં કહ્યું છે કે, કેનેડા એક મહાન અને સ્વતંત્ર દેશ છે અને અમે અમેરિકાના શ્રેષ્ઠ મિત્રો છીએ પણ ટ્રમ્પ બધું ભૂલી ગયા છે. અમે અમેરિકનોને અલ-કાયદાએ કરેલા નાઈન ઈલેવનના હુમલાનો જવાબ આપવામાં મદદ કરવા માટે અબજો ડૉલર ખર્ચ્યા હતા અને અમારા સેંકડો સૈનિકો અમેરિકા માટે લડતાં શહીદ થયા છે. અમે અમેરિકાને બજાર કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે અબજો ડૉલરની ઉચ્ચ ગુણવત્તાની અને સંપૂર્ણપણે ભરોસાપાત્ર ઊર્જા પૂરી પાડીએ છીએ પણ અમેરિકાને આ બધું યાદ નથી.
કેનેડાના ખાલિસ્તાનવાદી નેતા અને નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમીતસિંહ તો સૌથી આક્રમક મૂડમાં છે. ટ્રમ્પને બકવાસ બંધ કરવાની સલાહ આપતાં જગમીતે કહ્યું છે કે, કોઈ કેનેડિયન અમેરિકા સાથે જોડાવા તૈયાર નથી કેમ કે અમને કેનેડિયન હોવાનો ગર્વ છે. જગમીતે તો ચીમકી પણ આપી છે કે, કેનેડાના માલ પર ટેરિફ લાદવાની ધમકીથી કેનેડા નહીં ડરે ને તેનો અમલ કરશો તો તમે પણ ડૂબશો ને અમેરિકનોએ પણ કિંમત ચૂકવવી પડશે.
કેનેડાના નેતાઓનો ગુસ્સો સમજી શકાય એવો છે કેમ કે ટ્રમ્પ સતત કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કર્યા કરે છે ને કોઈ પણ સાર્વભૌમત્વ ધરાવતો દેશ પોતાનું અસ્તિત્વ ખતમ કરીને કોઈ દેશનું સ્ટેટ બનવા તૈયાર ના થાય. ટ્રમ્પ દુનિયાના સૌથી મોટા દેશના પ્રમુખ બનવા જઈ રહ્યા છે ત્યારે નમ્રતાથી વર્તવાના બદલે સાવ છકી ગયેલા નેતાની જેમ વર્તી રહ્યા છે. જસ્ટિન ટ્રુડો નવેમ્બર 2024માં ટ્રમ્પની જીત પછી ફ્લોરિડામાં ટ્રમ્પ સાથે મળ્યા ત્યારે ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કરી હતી. એ વખતે ટ્રમ્પે આ વાત મજાકમાં કહી હોવાનું સૌને લાગ્યું હતું પણ પછી તરત જ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ જ વાત લખી ત્યારે સૌને અહેસાસ થયો કે, ટ્રમ્પ મજાક નહોતા કરતા પણ બદતમીઝી કરી રહ્યા હતા. કોઈ પણ દેશના વડા બીજા દેશના વડાને મળે ત્યારે બંનેનું સ્ટેટસ એકસરખું જ હોય પણ ટ્રમ્પ આ વાત ભૂલીને જસ્ટિન ટ્રુડોની મજાક પર ઊતરી આવ્યા હતા. ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોનો કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર તરીકે ઉલ્લેખ કરવાના બદલે કેનેડાના ગવર્નર કહીને અપમાનિત કરી દીધા હતા. ટ્રુડો આ અપમાનનો ઘૂંટડો ગળીને ચૂપ બેસી રહ્યા કેમ કે કેનેડા અને અમેરિકાના ગાઢ અને વરસો જૂના સંબંધો છે. ટ્રુડોની સૌજન્યને ટ્રમ્પે કદાચ નબળાઈ કે કાયરતા સમજી લીધી એટલે પછી વારંવાર આ જ રેકર્ડ વગાડ્યા કરે છે.
રવિવારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાના કલાકો પછી સોશિયલ મીડિયા પર ફરી લખેલું કે, કેનેડાએ અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ. ટ્રમ્પે લખેલું કે, અમેરિકા હવે કેનેડા સાથે વધુ વેપાર ખાધ સહન કરી શકશે નહીં અને વધુ સબસિડી પણ આપી શકશે નહીં. કેનેડાને તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની સખત જરૂર છે અને ટ્રુડો આ જાણતા હતા, તેથી તેમણે રાજીનામું આપ્યું. ટ્રમ્પે વધારામાં લખેલું કે, કેનેડા યુ.એસ.માં જોડાય છે તો અમેરિકા આવતા તેના માલસામાન પર કોઈ ટેરિફ નહીં લાગે, કર મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવશે અને કેનેડા રશિયન અને ચીનના જહાજોના ખતરાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. કેનેડાના નેતાઓ ટ્રમ્પની આ ગુસ્તાકી સામે સમસમીને બેસી રહ્યા એટલે ટ્રમ્પે નકશા જાહેર કરવાની અવળચંડાઈ કરી તેમાં કેનેડાના નેતા બગડ્યા છે. ટ્રમ્પનો ઈરાદો શું છે ને કેનેડાને અમેરિકામાં ભેળવવામાં તેમને શા માટે રસ છે એ સેક્ધડરી મુદ્દો છે પણ મૂળ મુદ્દો તેમની માનસિકતાનો છે. અમેરિકાનો ઈતિહાસ બીજા દેશો પર કબજો કરીને સત્તા જમાવવાનો નથી પણ ટ્રમ્પ તેનાથી અલગ રીતે વર્તી રહ્યા છે. અમેરિકા પોતાને લોકશાહી દેશ ગણાવે છે પણ આ બધી વાતો લોકશાહીને અનુરૂપ નથી. ટ્રમ્પે પહેલાં પનામા કેનાલ અને ફિનલેન્ડ પર કબજો કરવાની વાત પણ કરી હતી. ટ્રમ્પની આ માનસિકતા ખતરનાક છે ને દુનિયાના બીજા દેશોએ પણ તેનાથી ચેતવાની જરૂર છે.
કેનેડા તો ટ્રમ્પનું પાડોશી છે એટલે ટ્રમ્પ તેના પર કબજો કરવાની વાતો કરી રહ્યા છે પણ બીજા દેશો તરફ પણ તેમનું વલણ બહુ વખાણવા જેવું નથી જ. ટ્રમ્પે બ્રિક્સ દેશોને યુએસ ડૉલર સિવાયની કરન્સીમાં ટ્રેડિંગ કરશો તો 100 ટકા ટેરિફ લાદવાની પણ ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, અમને બ્રિક્સ દેશો પાસેથી એવી ગેરંટી જોઈએ છે કે તેઓ વેપાર માટે અમેરિકી ડૉલરની જગ્યાએ કોઈ નવું ચલણ નહીં બનાવે અને ન તો અન્ય કોઈ દેશના ચલણમાં વેપાર કરશે. આ લુખ્ખી દાદાગીરી છે ને ટ્રમ્પની માનસિકતા જોતાં એ પોતાનો સ્વભાવ બદલી શકે તેમ નથી. આ સંજોગોમાં ટ્રમ્પ પ્રમુખ બને પછી દુનિયામાં ઘમાસાણ મચશે તેમાં શંકા નથી.ઉ