ટ્રમ્પની કમલા વિશે ગંદી કોમેન્ટ, કાગડા બધે કાળા
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
આપણે ભારતમાં રાજકારણીઓનું સ્તર સાવ તળિયે ગયું છે અને સત્તા માટે નેતાઓ ગમે તે હદે જઈ શકે છે એવો કકળાટ કરીએ છીએ પણ કાગડા બધે કાળા છે. દુનિયામાં રાજકારણીઓ બધે સરખા છે અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખે ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ વિશે કરેલી કોમેન્ટ તેનો પુરાવો છે.
કમલા હેરિસે રાજકારણમાં આગળ આવવા માટે સાન ફ્રાન્સિસ્કોના ભૂતપૂર્વ મેયર વિલી બ્રાઉન સાથે શરીર સંબંધ બાધેલા એવા આક્ષેપ લાંબા સમયથી થાય છે. ટ્રમ્પે આ આક્ષેપને ટેકો આપીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કમલા હેરિસ વિશે કરાયેલી વાંધાજનક પોસ્ટને રીટ્રુથ કરી છે. મતલબ કે પોતાના એકાઉન્ટમાં મૂકી છે.
આ પોસ્ટમાં કમલા હેરિસ અને હિલેરી ક્લિન્ટનનો ફોટો છે. ફોટાની નીચે અહીં લખી ના શકાય એ પ્રકારની ગંદી કોમેન્ટ લખાયેલી છે. ટ્રમ્પે આ પોસ્ટ શેર કરીને હિલેરી ક્લિન્ટન પર પણ ગંદી કોમેન્ટ કરી છે. હિલેરીના પતિ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન ૧૯૯૫માં વ્હાઇટ હાઉસની ઇન્ટર્ન મોનિકા લેવિન્સ્કી સાથે સેક્સ સંબંધોના વિવાદમાં ફસાયા હતા.
ક્લિન્ટનના મોનિકા લેવિન્સ્કી સાથેના શરીર સંબંધ ૧૮ મહિના સુધી ચાલ્યા હતા. મોનિકાએ પોતાની એક ફ્રેન્ડ સામે પ્રેસિડેન્ટ સાથેના સંબંધો વિશે વટાણા વેરી દેતાં આ વાત બહાર આવી જતાં ક્લિન્ટનના માથે માછલાં ધોવાયાં હતાં. આ આક્ષેપોથી બચવા બિલ ક્લિન્ટને ૨૬ જાન્યુઆરી, ૧૯૯૮ ના રોજ રાષ્ટ્રજોગ ટેલિવિઝન સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં ક્લિન્ટને જૂઠાણું ચલાવેલું કે, મોનિકા લેવિન્સ્કી સાથે તેમને કોઈ અફેર નથી.
મોનિકાએ ક્લિન્ટન સાથેના સંબંધોના પુરાવા રજૂ કરતાં ક્લિન્ટન જૂઠા સાબિત થયા હતા. વિવાદને કારણે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ક્લિન્ટન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો. ક્લિન્ટન તેમાંથી બચી ગયા હતા પણ ૨૦૦૦ની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અલ ગોરે આ વિવાદને કારણે જ્યોર્જ બુશ સામે હારી ગયા હતા. હિલેરી ક્લિન્ટનના પતિ બિલ ક્લિન્ટન આ વિવાદમાં કેન્દ્રસ્થાને હતા પણ હિલેરીને સીધી કોઈ લેવાદેવા નહોતી છતાં ટ્રમ્પ સમર્થકે હિલેરીને પણ લપેટી લીધાં છે અને ટ્રમ્પે એ વાતને સમર્થન પણ આપી દીધું છે. કમલા હેરિસ અને વિલિ બ્રાઉનના સંબંધો વિશે ટ્રમ્પ પહેલાં પણ કોમેન્ટ કરી હતી. ૧૮ ઓગસ્ટે ટ્રમ્પે હેરિસ અને વિલી બ્રાઉનના સંબંધોને અંગે એક પોસ્ટ મૂકી હતી.
વાસ્તવમાં ટ્રમ્પ કેમ્પ કમલા હેરિસ સામે લાંબા સમયથી એકદમ હલકી કક્ષાનું કેમ્પેઈન ચલાવે છે. કમલા હેરિસ માટે રેસિયલ, એન્ટિ ડેમોક્રેસી, ‘કોલ ગર્લ’ જેવા ગંદા શબ્દો વપરાઈ રહ્યા છે. કમલા હેરિસ સેક્સ સંબંધો બાંધીને આગળ આવ્યાં છે એ પ્રકારના ગંદા આક્ષેપો થઈ રહ્યા છે. આ આક્ષેપોમાં કેન્દ્રસ્થાને કમલા હેરિસનું ૨૫ વર્ષ જૂનું વિલી બ્રાઉન સાથેનું અફેર છે. કમલા હેરિસ ૨૯ વર્ષનાં હતાં ત્યારે ૩૧ વર્ષ મોટા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથે સંબધો હતા. ૬૦ વર્ષના બ્રાઉન પરિણીત હોવા છતાં કમલા-વિલી પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં. સાન ફ્રાન્સિસ્કોના આફ્રિકન અમેરિકન રાજકારણી વિલિ બ્રાઉને ૧૯૯૬માં સાન ફ્રાન્સિસ્કોના પહેલા બ્લેક મેયર બનીને ઈતિહાસ રચ્યો હતો.
વિલી બ્રાઉન કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના સ્પીકર તરીકે ૧૯૮૦થી ૧૯૯૫ એમ ૧૫ વર્ષ લગી રહ્યા હતા. કમલા અને બ્રાઉન વચ્ચે સંબંધો હતા ત્યારે બ્રાઉન પોતાની પત્નીથી અલગ થઈ ગયા હોવાનો દાવો કરાતો હતો પણ બ્રાઉન મેયરપદની ચૂંટણી જીત્યા પછી સન્માન સમારોહમાં તેમની પત્ની બ્લાન્સ મંચ પર સાથે દેખાઈ હતી તેથી કમલાને ‘હોમ બ્રોકર’ પણ કહેવાતાં આવતાં. ગોરાઓથી વિલીનો વટ સહન થતો નહીં તેથી કમલાના બહાને વિલિને ટાર્ગેટ કરાતા હતા. મીડિયામાં કમલાનો ઉલ્લેખ બ્રાઉનની ૨૯ વર્ષની રખાત ‘કમલા’ તરીકે કરાતો હતો. વિલી બ્રાઉન કેલિફોર્નિયા એસેમ્બલીના સ્પીકર હતા ત્યારે કમલા હેરિસને કેલિફોર્નિયાની બે મહત્ત્વની કમિટીમાં વકીલ તરીકે નિમણૂક આપી હતી. તેના કારણે કોમેન્ટ્સ પણ થતી કે, કમલા સાથે સેક્સની ફી વિલી કેલિફોર્નિયાની તિજોરીમાંથી ચૂકવી રહ્યા છે. કમલા હેરિસે વિલીના આ પ્રભાવનો ઉપયોગ કરીને રાજકીય કારકિર્દી બનાવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિલીની મદદથી કમલા ૨૦૦૪માં કેલિફોર્નિયામાં ડિસ્ટ્રિક્ટ એટર્ની બન્યાં અને ૨૦૧૧માં કેલિફોર્નિયા સ્ટેટનાં એટર્ની જનરલ બન્યાં.
કમલા ૨૦૧૭માં સેનેટર બન્યાં એ પણ બ્રાઉનની મહેરબાનીથી બનેલાં એવું કહેવાય છે. કમલા સામે ડેમોક્રેટિક પાર્ટીમાંથી લોસ એન્જેલસના મેયર એન્ટોનિયો રેમોન વિલારાયગોસા સ્પર્ધામાં હતા. લેટિન અમેરિકનોના સૌથી મોટા નેતા એન્ટોનિયોને વિલીએ સમજાવીને બેસાડી દીધેલા એવો દાવો થાય છે. વિલીના કહેવાથી જો બાઇડને અમેરિકાના પ્રમુખપદની ૨૦૨૦ની ચૂંટણી વખતે કમલાને પોતાનાં રનિંગ મેટ બનાવેલાં એવું પણ કહેવાય છે.
આ પહેલાં ટ્રમ્પે કમલા હેરિસની વંશીય ઓળખ અંગે પણ કટાક્ષ કર્યા હતા. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે, કમલા હેરિસ ભારતીય છે કે બ્લેક ? ટ્રમ્પે કટાક્ષ કરેલો કે, કમલા હેરિસ હંમેશાં પોતાને ભારતીય ગણાવતાં હતાં અને ભારતીય વારસાનું ગર્વ લેતાં પણ થોડાં વર્ષો પહેલા અચાનક કમલા બ્લેક થઈ ગયાં છે. ટ્રમ્પે ટોણો મારેલો કે, કમલા બ્લેક છે એવી તેમને ખબર જ નહોતી અને પોતે તો કમલાને ભારતીય મૂળનાં જ માનતા હતા પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી કમલા પોતાને બ્લેક તરીકે ઓળખાવે છે એ જોઈને લાગે છે કે, કમલા જરૂર પડે ત્યારે બ્લેક બની જાય છે અને જરૂર લાગે ત્યારે ભારતીય બની જાય છે.
ટ્રમ્પની વાતો આઘાતજનક છે પણ તેમાં તેમની હતાશા પ્રતિબિંબિત થાય છે. જો બાઈડન સામે લડવાનું હતું ત્યારે ટ્રમ્પ એકદમ આત્મવિશ્ર્વાસમાં હતા કેમ કે બાઈડન નબળા હરીફ હતા. વારંવાર બધું ભૂલી જતા બાઈડન સામે ટ્રમ્પની જીત પાકી લાગતી હતી પણ જેવા બાઈડન ખસ્યા ને કમલા મેદાનમાં આવ્યાં કે તરત ચિત્ર બદલાઈ ગયું. હવે કમલા હેરિસની જીતની શક્યતાઓ વધારે લાગી રહી છે અને આ કારણે ટ્રમ્પ ડરી ગયા લાગે છે. આ ડરના કારણે એ છેલ્લી પાયરીએ ઊતરીને કમલાની સેક્સ લાઈફ ને વંશીય ઓળખને મુદ્દા બનાવી રહ્યા છે.
અમેરિકાની જનતા દુનિયામાં સૌથી બોલ્ડ અને ખુલ્લા મનની મનાય છે. ટ્રમ્પના આક્ષેપો પછી અમેરિકન મતદારોની કસોટી છે. અમેરિકાના મતદારો ટ્રમ્પના સંકુચિત વિચારોને સમર્થન આપે છે કે કમલા જેવાં છે એવાં તેમને સ્વીકારે છે એ જોવાનું રહે છે.