એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: વિદેશમાં બનેલી ફિલ્મો પર ટેરિફ, નુકસાન હોલિવૂડને થશે…

-ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરી દુનિયાનો મહાનતમ દેશ બનાવવાની વાતો કરે છે પણ એ જે પ્રકારનાં પગલાં ભરી રહ્યાં છે એ જોતાં અમેરિકા બુંદ બેસાડી દેશે એવું લાગે છે. ટ્રમ્પ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના મનફાવે એવા તુક્કા અમલી બનાવી રહ્યા છે અને તાજો તુક્કો વિદેશમાં બનેલી ફિલ્મોને નિશાન બનાવીને કરાયેલી ટેરિફની જાહેરાત છે. ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકામાં રિલીઝ થતી વિદેશમાં બનેલી દરેક ફિલ્મ પર 100 ટકા ટેરિફ લાગશે. ટ્રમ્પે રવિવારે રાત્રે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ મૂકીને એલાન કર્યું કે, પોતે અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટને આ અંગે આદેશ પણ આપી દીધો છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની લાંબીલચ્ચક પોસ્ટમાં લખ્યું છે કે, અમેરિકન ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી લુપ્ત થઈ રહ્યો છે કારણ કે અન્ય દેશો ફિલ્મો બનાવવા માટે અનેક પ્રકારની છૂટછાટો અને ઓફરો આપી રહ્યા છે તેથી અમેરિકાના બદલે વિદેશમાં શૂટિંગ થવા માંડ્યાં છે. તેના કારણે હોલિવૂડ અને અમેરિકન સ્ટુડિયો ખતમ થઈ રહ્યા છે તેથી વિદેશમાં નિર્મિત કોઈ પણ અને તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવા આદેશ આપ્યો છે. ટ્રમ્પે વિદેશમાં બનેલી ફિલ્મોને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને કહ્યું છે કે, વિદેશમાં બનેલી ફિલ્મો અમેરિકામાં કુપ્રચાર ફેલાવી શકે છે.

ટ્રમ્પની આ પોસ્ટ ખરેખર બુધ્ધા દેવાળા જેવી છે કેમ કે ટ્રમ્પ વિદેશી ફિલ્મોને ટાર્ગેટ નથી કરી રહ્યા પણ વિદેશમાં બનેલી ફિલ્મોને ટાર્ગેટ કરી રહ્યા છે. ટ્રમ્પે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકાની બહાર ફિલ્મો બની રહી છે અને કોઈ નિર્માતા અમેરિકામાં ફિલ્મ બનાવવા માગતો ના હોય તો તેના પર ટેક્સ લાગવો જોઈએ. એ વખતે કોઈને ખબર નહોતી કે, ટ્રમ્પ આ રીતે વિદેશમાં બનનારી ફિલ્મોને ટાર્ગેટ કરીને તેમના પર ટેરિફ લાદી દેશે.

ટ્રમ્પની જાહેરાતને કારણે ઘણાં લોકો એવું સમજ્યાં છે કે, ટ્રમ્પ વિદેશી ફિલ્મો પર ટેરિફ લાદી રહ્યા છે પણ વાસ્તવમાં આ ફિલ્મો વિદેશની તો છે જ પણ હોલિવૂડની પણ છે. હોલિવૂડની જે ફિલ્મોનું નિર્માણ હોલિવૂડના સ્ટુડિયોમાં કે અમેરિકાનાં લોકેશન પર નથી થતું અની ફિલ્મોની ટ્રમ્પ વાત કરી રહ્યા છે. હોલિવૂડના સ્ટુડિયોમાં કે અમેરિકાનાં લોકેશન પર ફિલ્મોનું નિર્માણ નથી થતું તેનું કારણ એ છે કે, હોલિવૂડના સ્ટુડિયોમાં કે અમેરિકાનાં લોકેશન કરતાં વિદેશમાં શૂટિંગ કરવું સસ્તું પડે છે તેથી સૌથી મોટું કારણ તો અમેરિકામાં થતો ફિલ્મ નિર્માણનો તોતિંગ ખર્ચ જ છે.

અમેરિકામાં લોસ એન્જલસ સૌથી મોંઘું શહેર છે તેથી ત્યાં બધું જ મોંઘું પડે છે. લોસ એન્જલસમાં આવેલા હોલિવૂડના સ્ટુડિયોથી માંડીને એકસ્ટ્રા સુધીનાં બધાંને બાંધેલા ભાવે ડૉલરમાં ચુકવણી કરવી પડે છે. બીજા દેશમાં જાઓ એટલે આમ બધું જ સસ્તું પડે. ઉદાહરણ તરીકે ભારતમાં ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા હોય તો બહુ વધારે કહેવાય. આપણે ત્યાં સો કરોડમાં તો એક્ટર્સની ફી સહિત બધું આવી ગયું.

હવે 100 કરોડ રૂપિયાને ડૉલરમાં ફેરવો તો સવા કરોડ ડૉલર પણ ના થાય. અમેરિકામાં સવા કરોડ ડૉલરમાં કંઈ ના થાય. અમેરિકામાં સ્ટાર્સ ફિલ્મના નફામાં શેરિંગના આધાર પર કામ કરતા હોય છે તેથી તેમને નફો થાય તો તોતિંગ રકમ મળે પણ એ સિવાયની ફી સામાન્ય હોય છે. અલબત્ત સેટ્ ઊભો કરવાથી માંડીને બીજા ખર્ચા તોતિંગ હોય છે. આ કારણે હોલિવૂડની મોટાભાગની ફિલ્મોનું શૂટિંગ વિશ્વના અલગ અલગ દેશોમાં થાય છે. ભારત. યુએઈ સહિતના દેશોમાં અમેરિકા કરતાં દસમા ભાગના ખર્ચમાં શૂટિંગ પતી જતું હોય છે તેથી હોલિવૂડના નિર્માતા બહારનાં લોકેશન પસંદ કરે છે.

આ સિવાય બીજું કારણ કેટલાક દેશો દ્વારા અપાતી કરમુક્તિ પણ છે. બ્રિટન અને કેનેડા જેવા દેશોમાં ફિલ્મોના નિર્માણ પર કરમુક્તિનો લાભ મળે છે. આ દેશોમાં માહોલ અમેરિકા જેવો જ હોય છે તેથી શૂટિંગ કરાય તો અમેરિકામાં જ શૂટિંગ કરાતું હોય એવું લાગે. કોઈ પણ સેટ ઊભો કર્યા વિના જાહેરમાં શૂટિંગ કરી શકાય છે તેથી બહુ સસ્તું પડે છે. આ કારણે પણ અમેરિકાને બદલે આ દેશોમાં ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે. ઘણા કિસ્સામાં ફિલ્મની સ્ક્રિપ્ટની જ માગ વિદેશમાં શૂટિંગ માટેની હોય છે. આ કારણે પણ ફિલ્મોનું શૂટિંગ વિદેશમાં કરાય છે.

ટ્રમ્પનો ઈરાદો આ બધું રોકીને અમેરિકામાં ફિલ્મોનાં શૂટિંગ કરાવવાનો છે પણ એ શક્ય નથી. બલ્કે આ પ્રકારના ફતવાના કારણે અમેરિકામાં ફિલ્મ નિર્માણને મોટો ફટકો પડશે કેમ કે નાના નાના નિર્માતા તો ફિલ્મો બનાવવાનું જ માંડી વાળશે. આમ પણ અમેરિકામાં ફિલ્મોનું નિર્માણ સતત ઘટી રહ્યું છે. એક અહેવાલ મુજબ, અમેરિકામાં ફિલ્મ નિર્માણમાં દર વર્ષે પાંચ-સાત ટકાનો ઘટાડો થાય છે. કોરોના આવ્યો એ પછી તો આ ઘટાડો તીવ્ર બન્યો છે કેમ કે 2021ની સરખામણીમાં 2023માં 26 ટકા ઘટાડો નોંધાયો છે. હવે ફરજિયાત અમેરિકામાં નિર્માણના ફતવાના કારણે નિર્માણ હજુ ઘટશે.

બીજું એ કે, ટ્રમ્પે પોતે પણ જાહેરાત તો કરી નાખી પણ ટેરિફ કેવી રીતે લાગુ કરવામાં આવશે તેની કોઈ ચોખવટ નથી. માત્ર ફિલ્મોનાં શૂટિંગ વિદેશમાં થયાં હોય એવી ફિલ્મો પર ટેરિફ લાદશે કે પછી પોસ્ટ પ્રોડક્શન થયું હોય એવી ફિલ્મો પર પણ લાદશે તેની કઈ સ્પષ્ટતા નથી. પોસ્ટ પ્રોડક્શન વિદેશમાં થયું હોય એવી ફિલ્મો પર પણ સો ટકા ટેરિફ લદાય તો હોલિવુડની કોઈ ફિલ્મ ટેરિફ વિનાની ના રહે કેમ કે હવે પોસ્ટ પ્રોડક્શન વિદેશમાં જ થાય છે કેમ કે હોલિવૂડના સ્ટુડિયો નિર્માતાઓને પરવડતા જ નથી.

ટ્રમ્પે આ બધાં ગતકડાં કરવાના બદલે હોલિવૂડને પોતાની રીતે મજબૂત થવા દેવો જોઈએ કેમ કે આ પ્રકારનાં પગલાંનાં રીએક્શન્સ પણ આવશે જ. ટ્રમ્પ વિદેશી ફિલ્મો પર ટેરિફ લાદશે તેથી બીજે અમેરિકાની ફિલ્મો પર ટેરિફ લદાશે ને તેના કારણે હોલિવૂડને ફટકો પડશે જ. અમેરિકામાં દર વર્ષે સેંકડો ફિલ્મો બને છે અને તેમનું બજાર ફક્ત અમેરિકા પૂરતું મર્યાદિત નથી. વિશ્વના લગભગ તમામ દેશમાં હોલિવૂડની ફિલ્મો રિલીઝ થાય છે. 2023માં અમેરિકન ફિલ્મોએ વિદેશોમાં 22.6 અબજ ડૉલરની કમાણી કરી હતી. ટેરિફ લદાશે તેથી આ કમાણી પર અસર થશે જ.

આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : ઓટો સેક્ટર પર ટેરિફ, ટ્રમ્પ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button