મેજર આર્યની વાત સાચી, દેશભક્તિનો ઠેકો સૈનિકોનો જ નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોનો વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને આ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાવાની છે. આ મેચ પહેલાં ક્રિકેટ ફીવર ચરમસીમા પર છે ને ક્રિકેટ રસિયા આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે મેજર ગૌરવ આર્યનો એક વીડિયો અને ભારત-પાકિસ્તાન સંબંધો અંગેનો એક પત્ર વાયરલ થયો છે.
ઈન્ડિયન આર્મીમાં કામ કરી ચૂકેલા મેજર આર્યે વીડિયોમાં અને પોતાના પત્રમાં આ દેશની સરકાર, આ દેશની બહુમતી પ્રજાના કહેવાતા દેશપ્રેમ પર આકરા કટાક્ષ કર્યા છે અને સાથે સાથે આ દેશનાં લોકોને વિચારતા કરી મૂકે એવા કેટલાક સવાલ પણ કર્યા છે. મેજર ગૌરવ આર્યે દેશભક્તિના બેવડાં ધોરણોનાં છોતરાં ફાડી નાંખીને લોકોને વિચારતા કરી દીધા છે.
આ વીડિયોમાં ગૌરવ આર્ય કટાક્ષ કરે છે કે, બોલિવૂડ કહે છે કે, અમને પાકિસ્તાનના કલાકારો જોઈએ છે, પાકિસ્તાનના સંગીતકારો જોઈએ છે, પાકિસ્તાનીઓ સાથે ભાઈચારાની વાતો કરવામાં આવે છે. બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) કહે છે અમારે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું છે. આપણે ભલે પાકિસ્તાનમાં જઈને નથી રમતા પણ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામે મેચ રમવાનો શોર્ટ કટ શોધી લીધો છે. આપણે શ્રીલંકા, યુએઈ, દુબઈમાં કે બીજે ક્યાંય અમે પાકિસ્તાન સામે ક્રિકેટ રમી લઈએ છીએ.
મેજર આર્ય સવાલ કરે છે કે, પાકિસ્તાન સામે દુશ્મની કોની છે? બોલિવૂડની નથી, ક્રિકેટવાળાની નથી, લોકો ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવા માંગે છે તો પાકિસ્તાન સામે દુશ્મની માત્ર ભારતીય સૈનિકોની જ છે? બીજાં બધાં લોકો શું પાર્ટી કરવા માંગે છે? ઈન્ડિયન આર્મીના જવાનને સરહદ પર જેનો જીવ લેવાનો આદેશ અપાય છે એ પાકિસ્તાનના સૈનિકને ભારતનો જવાન તો ઓળખતો પણ નથી. એમનો કોઈ સૈનિક ભારતના સૈનિકને પણ નથી ઓળખતો છતાં ભારતીય સૈનિકો દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપે છે.
મેજર ગૌરવ આર્યે બહુ મોટો સવાલ કર્યો છે કે, શું રાષ્ટ્રીય સુરક્ષાનો ઠેકો માત્ર ઈન્ડિયન આર્મીએ લીધો છે? પાકિસ્તાન સાથે ક્રિકેટવાળા ક્રિકેટ રમે, ફિલ્મોવાળા મોજ મજા કરે, પાકિસ્તાનીઓને લઈને પિક્ચરો બનાવે, ગીતો બનાવે, અને દેશના જવાનોને શહીદી વહોરવા માટે સરહદે મૂકી દો. અમે તો પાકિસ્તાન સાથે મોજ મસ્તી કરતા રહીશું. સૈનિકોને બોર્ડર પર શહીદ થવા દો. દોસ્તો, આ બિલકુલ અયોગ્ય વાત છે.
મેજર આર્યનો જે પત્ર વાયરલ થયો છે તેમાં પણ તેમણે બહુ મહત્ત્વના મુદ્દા ને સવાલ ઉઠાવ્યા છે. ભારત એશિયા કપની મેચમાં પાકિસ્તના સામે જીત્યું પછી લખાયેલા લાગતા પત્રમાં મેજર આર્યે લખ્યું છે કે, ભારત ગઈ કાલે પાકિસ્તાન સામે જીતી ગયું તેનાથી આશ્ર્ચર્ય થયું હોય તો રહેવા દો. વ્યાપક સંદર્ભમાં પાકિસ્તાન સરકારને તેમની ટીમ જીતે કે હારે તેનાથી કોઈ ફરક પડતો નથી. પાકિસ્તાન માટે મહત્ત્વની વાત ભારત સાથે સતત સંબધો રાખવા છે. પાકિસ્તાન ભારત સામે રમે ત્યારે પાકિસ્તાન એક સામાન્ય દેશ લાગે છે. પાકિસ્નાન કલાકારો ભારતીયો ફિલ્મોમાં કામ કરે કે તેમના ગાયકો આપણી ફિલ્મોમાં ગાય ત્યારે આદર્શ રીતે ના હોવો જોઈએ એવો સંબંધ હોવાનું સ્થાપિત થાય છે. ભારત સાથે રમવા માટે પાકિસ્તાન એ હદે ઉત્સુક હોય છે કે ક્રિકેટ મેચને લોહી વિનાના યુદ્ધ તરીકે જોવાય છે અને બંને દેશોનાં લોકો તેની મજા માણે છે.
મેજર આર્ય લખે છે કે, દુનિયામાં કોઈ પાકિસ્તાન જવા માગતું નથી, વૈશ્ર્વિક સ્તરે કોઈ પાકિસ્તાનની વાત કરતું નથી. કોઈ દેશ તેમને આવકારતો નથી, પાકિસ્તાન માત્ર આર્થિક રીતે જ નહીં પણ રાજદ્વારી, સલામતી અને સ્થિરતા તથા પ્રતિષ્ઠાની રીતે પણ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. વૈશ્ર્વિક રીતે અટૂલા પડી ગયેલા પાકિસ્તાનનું સ્થાન ભારતની બાજુમાં નહીં પણ ઉત્તર કોરીયાની બાજુમાં હોવું જોઈએ. પણ જ્યારે ભારત પાકિસ્તાન સામે રમે છે અને ૫૦ કરોડ લોકો મેચ જુએ છે ત્યારે પાકિસ્તાન સામાન્ય દેશ બની જાય છે. આપણે તેની સાથે જેટલા વધારે સંબંધ રાખીએ છીએ એટલું પાકિસ્તાન વધારે સામાન્ય લાગે છે. પાકિસ્તાનને મુખ્ય પ્રવાહમાં રાખવા માટે આપણે જવાબદાર છીએ. પાકિસ્તાન આપણી પ્રતિષ્ઠા પર જીવી રહ્યું છે, ભલે ક્ષણિક હોય પણ પ્રતિષ્ઠાના પડછાયામાં જીવે છે. આ આપણો સૌથી મોટો અને અક્ષમ્ય અપરાધ છે. આ જ કારણે આપણે ભલે ટેકનિકલી જીત્યા પણ વાસ્તવિક રીતે હારી ગયા.
મેજર આર્યની વાતો ઘણાંને નહીં ગમે પણ આ કડવી વાસ્તવિકતા છે. પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે તેથી તેની ધરતી પર જઈને ક્રિકેટ નહીં રમીએ એવું ક્રિકેટ બોર્ડ કહે છે અને ભારત સરકાર પણ કહે છે પણ આપણે તેની સાથે ક્રિકેટ રમીએ છીએ એ વાસ્તવિકતા છે. શાના માટે ક્રિકેટ રમીએ છીએ? પૈસાને ખાતર. આપણા માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત કહેવાય.
મેજર આર્યે ભારતીય સૈનિકો અંગે જે કંઈ કહ્યું એ પણ સો ટકા સત્ય છે. આ દેશમાં દેશપ્રેમનો ઠેકો માત્ર ભારતીય સૈનિકોનો નથી જ. એ લોકો પાકિસ્તાનના બદઈરાદા સફળ ના થાય એ માટે પોતાના જીવ આપી રહ્યા છે ત્યારે આપણે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોઈને ખુશ થઈએ છીએ એ અત્યંત શરમજનક કહેવાય.
આપણામાં દેશપ્રેમ હોય તો આપણે પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના સંબધો પર પૂર્ણવિરામ મૂકી જ દેવું જોઈએ. આપણું બોર્ડ કે સરકાર એ નથી કરી શકતાં તો તેની સામે લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ. સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ભિખારી થઈ ગયું છે એવી પોસ્ટ મૂકીને ખુશ થવું એ દેશભક્તિ નથી પણ જે દેશ આપણા સૈનિકોને મારી રહ્યો છે તેની સાથે કોઈ પણ પ્રકારના સંબધો નહીં રાખવા માટે અવાજ બુલંદ કરવો, આ દેશના જાંબાઝ સૈનિકોની પડખે ઊભા રહેવું એ દેશભક્તિ છે. દેશભક્તિનાં ડબલ સ્ટાન્ડર્ડ છોડીને સાચી દેશભક્તિ બતાવવાનો સમય આવી ગયો છે એવું નથી લાગતું?