મોદીની વાત સાચી, કૉંગ્રેસે ઓબીસી ક્વોટામાંથી મુસ્લિમોને અનામત આપેલી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણીમાં પહેલાં ભાજપ અનામત નાબૂદ કરી દેવા માગે છે એવો મુદ્દો ગાજેલો ને હવે કૉંગ્રેસ સહિતના ભાજપ વિરોધી પક્ષો ઓબીસી માટેની અનામત ઘટાડીને મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત આપવા માગે છે એવો મુદ્દો ગાજ્યો છે.
આરજેડી સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે મુસ્લિમ અનામત અંગે કરેલા નિવેદનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પકડી લીધું તેમાં આ મુદ્દો લોકસભાના ચૂંટણી પ્રચારમાં છવાઈ ગયો છે. લાલુ પ્રસાદ યાદવે કહેલું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવી જ જોઈએ. લાલુ હિંદીમાં એવું બોલ્યા કે, મુસલમાનોં કો પૂરા આરક્ષણ મિલના ચાહિયે.
લાલુએ પૂરા આરક્ષણ એટલે શું કેનો ફોડ ના પાડ્યો પણ નરેન્દ્ર મોદીએ આ વાત પકડી લીધી. મોદીએ ચૂંટણીપ્રચારમાં આ મુદ્દો ઉઠાવીને આક્ષેપ કર્યો છે કે, કૉંગ્રેસ ઓબીસી ક્વોટાને લૂંટીને મુસ્લિમોને અનામત આપવા માગે જ છે પણ તેના સાથી પક્ષો પણ કમ નથી. લાલુએ તો કૉંગ્રેસ કરતાં એક ડગલું આગળ વધીને કહી દીધું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવી જ જોઈએ ત્યારે મુસ્લિમોને સંપૂર્ણ અનામતનો અર્થ શું છે? એસસી, એસટી અને ઓબીસી માટેની અનામત મુસ્લિમોને આપી દેવી જોઈએ?
મોદીના પ્રહાર પછી લાલુ પ્રસાદ યાદવે ચોખવટ કરી છે કે, પોતે મુસ્લિમોને અનામતની તરફેણ કરી તેમાં સ્પષ્ટ કહ્યું છે કે, આ અનામત પછાતપણાના આધારે હોવી જોઈએ, ધર્મના આધારે નહીં. પોતે મુસ્લિમોને પછાતપણાના આધારે અનામતની વાત કરી છે કેમ કે બંધારણમાં પછાતપણાના આધારે અનામતની જોગવાઈ છે. અમે એસસી, એસટી કે ઓબીસીના ક્વોટામાંથી અનામતના કાપ મૂકીને તેમાંથી મુસ્લિમોને આપવા માગીએ છીએ એ વાત સાવ ખોટી છે.
લાલુએ ચોખવટ કરી તેનો અર્થ નથી કેમ કે તીર છૂટી ચૂક્યું હતું અને ભાજપે આ મુદ્દો ઉઠાવી લીધો છે. નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં પહેલેથી મુસ્લિમ તુષ્ટિકરણ અને મુસ્લિમોને અનામતનો મુદ્દો ચગાવી જ રહ્યા છે ને લાલુએ તેમને વધુ એક કારણ આપ્યું છે. કૉંગ્રેસનો ઢંઢેરો મુસ્લિમ લીગનો હોવાનો કટાક્ષ કરે જ છે. મોદીએ મુસ્લિમ અનામતનો મુદ્દો ઉઠાવીને આક્ષેપ પણ કર્યો જ છે કે, કર્ણાટકમાં સત્તામાં આવ્યા પછી કૉંગ્રેસે એક ફતવો બહાર પાડીને રાતોરાત તમામ મુસ્લિમોને ઓબીસી બનાવી દીધા. કૉંગ્રેસે ઓબીસી માટે ૨૭ ટકા અનામતના મુસ્લિમોને આપવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે અને આ એજન્ડાનો આખા દેશમાં અમલ કરવો છે.
મોદીએ રાજસ્થાનમાં પણ કહેલું કે, કૉંગ્રેસ એસસી, એસટી અને પછાતવર્ગોના સમુદાયોની અનામત ઘટાડીને મુસ્લિમોને આપી દીધી છે. મોદી આ મુદ્દો ઉઠાવતા જ હતા ત્યાં લાલુના નિવેદનથી મોદીને કૉંગ્રેસ સહિતના પક્ષો પર પ્રહાર કરવા માટે નવેસરથી તક મળી ગઈ છે.
મોદીની વાત ખોટી પણ નથી કેમ કે ભૂતકાળમાં કૉંગ્રેસની સરકારે ઓબીસી અનામતમાં મુસ્લિમોને અલગ ક્વોટા આપવાની જાહેરાત કરી જ હતી. કૉંગ્રેસે સાચર કમિટીના રિપોર્ટ અને મિશ્રા પેનલના અહેવાલને આધારે ૨૦૧૨માં મુસ્લિમોને ઓબીસી ક્વોટામાંથી અલગ અનામત આપવાનો તખ્તો ઘડી જ કાઢેલો. ન્યાયમૂર્તિ રાજિન્દર સચ્ચર સમિતિએ ૨૦૦૬માં આપેલા રિપોર્ટમાં કહેલું કે, સમગ્ર મુસ્લિમ સમુદાય લગભગ દલિત (જઈ) અને આદિવાસ (જઝ) જેટલો જ પછાત છે તેથી તેમને અનામત મળવી જોઈએ.
આ રિપોર્ટના આધારે કૉંગ્રેસ સરકારે બનાવેલી જસ્ટિસ રંગનાથ મિશ્રા કમિટીએ ૨૦૦૭માં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં લઘુમતીઓ માટે ૧૫ ટકા અનામત આપવાની ભલામણ કરેલી. લઘુમતીઓ માટેની અનામતમાં પણ મુસ્લિમો માટે ૧૦ ટકા અનામત રાખવાની જોગવાઈ પર ભાર મૂક્યો હતો.
આ બે અહેવાલોના આધારે, ડો. મનમોહનસિંહની યુપીએ સરકારે ૨૦૧૨ માં ઓબીસી અનામતના હાલના ૨૭ ટકાના ક્વોટામાં લઘુમતીઓને ૪.૫ ટકા અનામતની જોગવાઈ કરવાનું એલાન કરી નાખેલું. લઘુમતીમાં બધા આવી જાય પણ મુસ્લિમો વધારે હોવાથી આ અનામતનો લાભ મુસ્લિમોને જ મળવાનો હતો. કૉંગ્રેસની ગણતરી ૨૦૧૪ની લોકસભા ચૂંટણી મુસ્લિમ અનામતના જોરે તરી જવાની હતી.
કૉંગ્રેસ મુસ્લિમો માટે અનામતની જોગવાઈ કરીને બંધારણની જોગવાઈનો પણ ભંગ કરેલો. ભારતના બંધારણમાં ધર્મના આધારે અનામતની જોગવાઈ નથી એવો ચુકાદો સુપ્રીમ કોર્ટ પહેલાં જ આપી ચૂકી છે. યુપીએ સરકાર મુસ્લિમોના ઓબીસી તરીકે માન્યતાપ્રાપ્ત જ્ઞાતિનાં લોકોને જ અનામતનો લાભ આપવાની હતી પણ આ પેટા-અનામતનો આધાર મુસ્લિમ હોવું એટલે કે ધર્મ હતો.
૨૦૦૪માં આંધ્ર પ્રદેશની કૉંગ્રેસ સરકારે મુસ્લિમો માટે ૫ ટકા અલગ અનામતની જોગવાઈ કરી તેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આંધ્ર પ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ ત્યારે સુપ્રીમ કોર્ટે પણ અનામતને ફગાવીને ચુકાદો આપેલો કે, ધર્મના આધારે અનામત ના આપી શકાય. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કેન્દ્રસ્થાને એ વાત છે કે, ભારતનું બંધારણ બધા માટે સમાન વ્યવહારની વાત કરે છે અને ધર્મના આધારે ભેદભાવ ન કરી શકાય. આ સંજોગોમાં મુસ્લિમોને અનામત ના મળી શકે છતાં કૉંગ્રેસે મુસ્લિમોને અનામત આપેલી.
કૉંગ્રેસના કમનસીબે આ આદેશ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા જ બહાર પાડવામાં આવ્યો હોવાથી ચૂંટણીપંચે તેનો અમલ રોકી દીધો હતો. દરમિયાનમાં આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે આ આદેશને રદ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો.
આ બધી કડાકૂટમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી આવી ગઈ અને કૉંગ્રેસની સરકાર જતી રહી. બાકી કૉંગ્રેસ ફરી સત્તામાં આવી હોત તો ઓબીસીની ૨૭ ટકા અનામતમાં મુસ્લિમો માટે પેટા-અનામત આવી ગઈ હોત.
બંધારણની કલમ ૩૪૧ અને ૧૯૫૦ના રાષ્ટ્રપતિના આદેશ પ્રમાણે, ફક્ત હિન્દુ, શીખ અને બૌદ્ધધર્મીઓને જ અનુસૂચિત જાતિ (એસસી) માટેની અનામતનો લાભ મળી શકે. મુસ્લિમો આદિવાસી નથી તેથી તેમને એસટી અનામતનો લાભ ના મળે પણ ભવિષ્યમાં ઓબીસી અનામતમાં ખાસ ક્વોટા જરૂર મળી શકે. આ સંજોગોમાં કૉંગ્રેસ સત્તામાં આવે તો એ રસ્તો અપનાવી પણ શકે.
કૉંગ્રેસનો ઈરાદો એ રીતે શંકાસ્પદ છે જ તેથી મોદી એ મુદ્દાને ઉઠાવે ને કૉંગ્રેસના ઈરાદા વિશે શંકા કરે તેમાં કશું ખોટું નથી. ભવિષ્યમાં ફરી કૉંગ્રેસની સરકાર આવે તો ૨૦૧૨માં કર્યું એવું નહીં કરે તેની કોઈ ગેરંટી નથી.