હાથરસની દુર્ઘટના, ધર્મનો ધંધો જીવલેણ પણ બની શકે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા ભોલે નામના કહેવાતા સંતના સત્સંગના સમાપન પછી થયેલી નાસભાગમાં ૧૧૨ લોકોનાં મોત થતાં આ દેશમાં હાહાકાર મચી ગયો છે. બાબા ભોલે સાંજે પોતાનો સત્સંગ પૂરો કરીને પોતાની લક્ઝુરિયસ કારમાં રવાના થતા હતા ત્યારે તેમના ભક્તજનોની ભારે ભીડ રસ્તા પર જામી ગઈ હતી. બાબા ભોલેનો કાફલો રવાના થતો હતો એટલે બાબાના સિક્યુરિટી સ્ટાફે લોકોને રોકી દીધાં.
બાબાનો જયજયકાર કરતી ભીડ રસ્તા પર ઊભી હતી ને જેવો બાબાનો કાફલો રવાના થયો એવી બેકાબૂ બની ગઈ. ઘણાં લોકો બાબાની ચરણરજ એટલે કે બાબાના કારનાં ટાયરોની ધૂળ માથે ચડાવવા જમીન પર વાંકાં વળ્યાં ને પાછળથી આવેલા લોકોના ટોળાએ તેમને ગબડાવી દીધાં તેમાં નાસભાગ ને ધક્કામુક્કી થઈ ગઈ. આ નાસભાગમાં કોણ કઈ તરફ ભાગી રહ્યું છે તેની કોઈને ખબર જ નહોતી. બાબાના શ્રદ્ધાળુઓમાં મહિલાઓ, બાળકો ને વૃદ્ધો પણ હતાં. તેમાંથી કેટલાંય લોકો કચડાઈને મરી ગયાં. લોકો કશું જોયા વિના ભાગંભાગ જ કરતાં હતાં તેમાં ઘણાં લોકોનાં મૃત્યુ શ્ર્વાસ રૂંધાવાને કારણે થઈ ગયાં છે.
આ દુર્ઘટનાએ એક તરફ ભારતમાં ધર્મના નામે ઘેટાનાં ટોળાં ઊભાં કરવાની માનસિકતાનું શું પરિણામ આવે એ લોકોને બતાવ્યું છે. બીજી તરફ યુપીમાં યોગી આદિત્યનાથ સરકારે રાજ્યની કાયાપલટ કરી નાખી હોવાના દાવા કરે છે એ કેટલા ખોખલા છે એ પણ છતું કરી દીધું છે. યુપીના કહેવાતા વિકાસનો અસલી ચહેરો લોકો સામે ઉઘાડો કરી દીધો છે. બાબાના આશ્રમના અને પછી હોસ્પિટલના વીડિયો જોયા પછી ખબર પડે કે, યુપીમાં વિકાસની ખાલી વાતો થાય છે, બાકી કશું બદલાયું નથી.
આ ભાગદોડમાં સ્થળ પર તો વીસેક લોકો જ મરેલાં જ્યારે બાકીનાં લોકો હોસ્પિટલમાં મરી ગયાં. બાબા ઘેટાનાં ટોળાં જેવાં લાખ માણસોને ભેગાં કરીને બેસી ગયેલા પણ આકસ્મિક સંજોગો સર્જાય તો શું કરવું તેની કોઈ વ્યવસ્થા જ નહોતી કરાયેલી.
બાબાનો સત્સંગ કાર્યક્રમ એકદમ નાના ગામડામાં યોજાયો હતો ને ત્યાં એમ્બ્યુલન્સ સહિતની કોઈ વ્યવસ્થા રખાઈ નહોતી. નજીકમાં કોઈ મોટી હોસ્પિટલ પણ નથી તેથી જે લોકો ઘાયલ હતાં તેમને ઉઠાવી ઉઠાવીને ટ્રેક્ટરોમાં નાખી નાખીને જિલ્લા મથક ઈટાહની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં લવાયાં હતાં. આ મેડિકલ કોલેજની હોસ્પિટલ પણ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ખંખેરવા બનાવાઈ છે એ દેખાય છે કેમ કે હોસ્પિટલમાં ઘાયલોની સારવારની કઈ સવલતો નહોતી.
ટ્રેક્ટર અને બીજાં વાહનોમાં લવાયેલા ઘાયલોને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ઉતારી દેવાયા અને જમીન પર સૂવાડી દેવાયેલા. આ ઘાયલોને એટેન્ડ કરવા કોઈ સ્ટાફ નહોતો કે કોઈ વ્યવસ્થા નહોતી તેથી કલાકો લગી આ ઘાયલો કમ્પાઉન્ડમાં જ પડી રહ્યાં ને મોટા ભાગનાં લોકો તો સારવારના અભાવે જ ગુજરી ગયાં છે.
વીડિયોમાં જમીન પર પડેલા ઘાયલો દર્દથી કણસી રહ્યા છે અને તેમની સારવાર કરવા માટે કોઈ હાજર જ નથી એવું સ્પષ્ટ દેખાય છે. તેમની બાજુમાં લાશોના ઢગ ખડકાયેલા છે અને આ લાશો પર ઢાંકવા ચાદર સુધ્ધાં નહોતી તેથી મોતનો મલાજો પણ ના જળવાયો. આ બધું જોઈને એક ૩૦ વર્ષના કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવી ગયો ને એ પણ બિચારો ગુજરી ગયો. બીજા સંખ્યાબંધ લોકો એવા છે કે જેમને હોસ્પિટલમાં લવાયાં ત્યારે તેમની હાલત સારી હતી અને સમયસર સારવાર મળી હોત તો બચી ગયાં હોત પણ સારવાર જ ના મળી તેમાં બાબા ભોલેના ધામમાંથી સીધાં ભોલે બાબા પાસે પહોંચી ગયાં.
આ કરૂણાંતિકા આઘાતજનક છે પણ તેના માટે પહેલાં લોકો અને પછી સરકારમાં બેઠેલા લોકો પણ જવાબદાર છે. આ દેશમાં ધર્મના નામે ભોળાં લોકોને છેતરીને પોતાની દુકાન ચલાવવાનો ધંધો ધમધોકાર ચાલે છે. લોકો એ રીતે જવાબદાર છે કે ધર્મના નામે ચાલતી દુકાનોથી મોહીને દોડી જાય છે. ભક્તિ અને શ્રદ્ધા અંગત બાબત છે ને એ ઘરમાં બેસીને પણ કરી શકાય એ સમજ લોકોમાં નથી. બાબા ભોલે દર મંગળવારે પોતાનો સત્સંગનો કાર્યક્રમ યોજે તેમાં લોકોને ખાવા-પીવાની અને ભોજનની વ્યવસ્થા કરે છે તેથી દૂર દૂરથી હજારોની ભીડ બાબાના સત્સંગમાં ઊમટી પડે છે. લોકો ધર્મના બદલે ખાવા-પીવાની લાલચમાં ઊમટે એ તેમનો વાંક જ કહેવાય.
દેશનું બંધારણ લોકોને પોતાની પસંદગીનો ધર્મ પાળવાનો અને પોતાને શ્રદ્ધા હોય તેને અનુસરવાનો અધિકાર આપે છે તેથી આ વેપલાને રોકી નથી શકાતો એ સાચું પણ ધર્મના નામે થતાં સત્સંગ કે બીજા કાર્યક્રમોમાં લોકોની સલામતી અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરાઈ છે કે નહીં તેની ચકાસણી તો કરી જ શકાય છે. આ વ્યવસ્થા ના કરાઈ હોય એવા કાર્યક્રમોને મંજૂરી ના આપવી જોઈએ એ સરકારી નિયમ છે પણ આવા કાર્યક્રમોમાં એ નિયમ પળાતો નથી. ધર્મના નામે કંઈ પણ કરાય એટલે આખું સરકારી તંત્ર નતમસ્તક થઈ જાય છે અને લોકોનાં જીવન સાથે થતી રમતને મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે.
આ કિસ્સામાં પણ એવું જ થયું છે કેમ કે સરકારે બાબા ભોલેના કાર્યક્રમને મંજૂરી આપેલી પણ તેમાં લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે કે નહીં તેની ચકાસણી જ નહોતી કરાઈ. હાથરસની ઘટના પછી યોગી આદિત્યનાથે મંગળવારે જ મુખ્ય સચિવ મનોજ સિંહ અને પોલીસ વડા પ્રશાંત કુમારને હાથરસ મોકલી દીધા હતા. બીજા બે મંત્રીઓને પણ હાથરસ મોકલવામાં આવ્યા છે અને યોગી પણ બુધવારે હાથરસ આંટો મારી આવ્યા. આ બધું અત્યારે કરવાના બદલે સત્સંગના કાર્યક્રમ પહેલાં ખાલી જિલ્લા કક્ષાના બે અધિકારીને સત્સંગ સ્થળે મોકલી દીધા હોત તો આ બધું ના થયું હોત.
બાબા ભોલેએ કોરોના કાળમાં લોકોની ભીડ એકઠી કરીને હજારો લોકોને કોરોનાની ભેટ આપેલી. કોરોના વખતે ફરુખાબાદમાં બાબાએ સત્યંગનો કાર્યક્રમ કરીને પચાસ હજાર લોકોની ભીડ એકઠી કરેલી. બાબા ભોલેનો આ ઈતિહાસ જોતાં સત્તાવાળાઓએ વધારે સતર્ક રહેવાની જરૂર હતી પણ એવું થયું નહીં તેમાં લોકોએ જીવ ખોયા.
આ પ્રકારના કાર્યક્રમોમાં વ્યવસ્થાના નામે બીજું કંઈ ઝાઝું કરવાનું પણ નથી હોતું. વાંસની મદદથી લોકો સરળતાથી લાઈનબંધ અંદર જઈ શકે ને બહાર આવી શકે એવા પેસેજ બનાવવા, મેડિકલ ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવી, વાહનો તૈયાર રાખવાં, સ્વયંસેવકોની ટુકડીઓ તૈયાર રાખવી, ફાયર સેફ્ટીનાં સાધનો તૈયાર રાખવાં વગેરે મૂળભૂત વ્યવસ્થા જ કરવાની હોય છે.
આ વ્યવસ્થા ના થઈ તેની કિંમત નિર્દોષ લોકોએ ચૂકવી.