એકસ્ટ્રા અફેર

મધ્ય પ્રદેશમાં તોમરની એન્ટ્રી, મામા શિવરાજનું બોર્ડ પૂરું

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મધ્ય પ્રદેશમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ને તેમાં કોણ જીતશે તેની અટકળો ચાલી રહી છે. આ અટકળો વચ્ચે ભાજપે બીજી યાદી જાહેર કરીને ૩૯ બેઠકોનાં ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો સહિત સાત સાંસદોનાં નામ છે. કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ અને ફગ્ગન સિંહ કુલસ્તે ઉપરાંત ગણેશ સિંહ, રાકેશ સિંહ, રીતિ પાઠક અને ઉદય પ્રતાપ સિંહ એ ચાર વર્તમાન લોકસભા સભ્યોને ટિકિટ આપીને ભાજપે લોકસભાના સાત સભ્યોને મેદાનમાં ઉતારી દીધા છે.

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની નજીક ગણાતાં ઈમરતી દેવીને પણ ભાજપે ટિકિટ આપી છે. ઈમરતી દેવી સિંધિયાનો હાથ પકડીને કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં પણ પેટાચૂંટણીમાં હારી ગયેલાં. ઈમરતી દેવી ૨૦૧૮માં જીતેલાં એ જ ડાબરા વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી હારી ગયા જતાં ઈમરતી દેવીની રાજકીય કારકિર્દી પતી ગઈ એવું મનાતું હતું પણ સિંધિયાએ ઈમરતી દેવીને ફરી એક તક અપાવીને પોતાનો ભાજપમાં દબદબો છે એ પણ સાબિત કર્યું છે.

સામાન્ય રીતે ભાજપ નવા અને યુવા ચહેરાઓને ટિકિટ આપે છે પણ આ વખતે જૂના જોગીઓને આટલા મોટા પ્રમાણમાં ટિકિટો આપીને ભાજપે આશ્ર્ચર્ય સર્જ્યું છે અને સાથે સાથે આ ચૂંટણીને રસપ્રદ પણ બનાવી દીધી છે. ગુજરાતીમાં કહેવત છે કે, ઘરડા ગાડાં વાળે. ભાજપને નવી નેતાગીરી પોતાનું ગાડું નહીં વાળી શકે એવું લાગતાં જૂના જોગીઓ તરફ વળવું પડ્યું કે શું એવી ચર્ચાને પણ બીજી યાદીએ જન્મ આપ્યો છે તો સાથે સાથે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો પેકિંગ ટાઈમ આવી ગયો છે તેનો સંકેત પણ આપી દેવાયો છે.

નરેન્દ્ર મોદીના માનીતા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારીને શિવરાજસિંહ ચૌહાણનાં લૂગડાં કરવાનો તખ્તો તૈયાર કરી દેવાયો છે એ કહેવાની જરૂર નથી. શિવરાજસિંહ ચૌહાણ પણ ક્ષત્રિય છે અને નરેન્દ્રસિંહ તોમર પણ ક્ષત્રિય છે તેથી મધ્ય પ્રદેશમાં મોટી મનાતી ક્ષત્રિયોની મતબૅન્ક નારાજ ના થાય ને શિવરાજસિંહ ચૌહાણનું પડીકું પણ થઈ જાય એવો તખ્તો સિફતપૂર્વક ગોઠવી દેવાયો છે.

શિવરાજસિંહ ચૌહાણ ભાજપમાં લાલકૃષ્ણ અડવાણી યુગના છેલ્લા મહારથી છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે, મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢમાં ડૉ. રમણસિંહ એ ત્રણેય અડવાણીની નજીક મનાતા નેતા છે. ૨૦૧૮માં આ ત્રણેય રાજ્યોમાં ભાજપની હાર થતાં ત્રણેય પતી ગયેલાં મનાતાં હતાં પણ શિવરાજસિંહ ચૌહાણે જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે બળવો કરાવીને ભાજપની સરકાર બનાવડાવી પછી ભાજપ પાસે શિવરાજસિંહ ચૌહાણને મુખ્ય પ્રધાન બનાવ્યા વિના આરો નહોતો.

શિવરાજસિંહ ચૌહાણે ચાલાકી વાપરીને જ્યોતિરાદિત્ય સિંધિયાને બરાબરના સાચવ્યા તેથી સિંધિયા પણ શિવરાજસિંહ ચૌહાણને પડખે ઊભા રહ્યા. બાકી ભાજપ તો શિવરાજસિંહ ચૌહાણને વચ્ચેથી જ રવાના કરી દેવા માગતો હતો પણ એ ઈચ્છા ના ફળી. હવે ભાજપ ફરી જીતે તો એ ઈચ્છા પણ પૂરી કરી દેવાશે તેનો સ્પષ્ટ સંકેત નરેન્દ્રસિંહ તોમરને મેદાનમાં ઉતારીને આપી દેવાયો છે.
નરેન્દ્ર સિંહ તોમરને પ્રમાણમાં કપરી ગણાય એવી દિમાની બેઠક પરથી ટિકિટ અપાઈ છે. દિમાની બેઠક ચંબલ-ગ્વાલિયર ક્ષેત્રમાં આવે છે અને ભાજપ માટે જીતની અઘરી છે. ૨૦૧૮માં આ બેઠક કૉંગ્રેસે જીતેલી. સિંધિયાના બળવા પછી યોજાયેલી પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસે બેઠક જાળવેલી. બીજું એ કે, નરેન્દ્ર સિંહ તોમર અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે બારમો ચંદ્રમા છે. ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં વર્ચસ્વ માટે બંને વચ્ચે કોલ્ડ વોર ચાલે છે તેથી સિંધિયાના સમર્થકો તોમરને હરાવવા પૂરતી તાકાત લગાવી દેશે એ સ્પષ્ટ છે.

તોમર પણ તાકાતવર નેતા છે પણ ના કરે નારાયણ ને તોમર હારી જાય તો પ્લાન બી તરીકે બીજા બે કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ અને ફગ્ગન સિંહ કુલસ્તેને પણ મોદીએ ટિકિટ આપી જ રાખી છે. પ્રહલાદ પટેલ અને કુલસ્તે પણ મોદીના માનીતા છે એ જોતાં તોમર હારી જાય ને ભાજપ જીતશે તો પણ શિવરાજસિંહ ચૌહાણ તો ફરી મુખ્ય પ્રધાન નહીં જ બને. નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ અને ફગ્ગન સિંહ કુલસ્તે એ ત્રણ મોદીના માનીતા મંત્રીઓમાંથી કોઈ એક ગાદી પર બેસશે એ જોતાં મધ્ય પ્રદેશના રાજકારણમાં શિવરાજ યુગના અંતનો સ્પષ્ટ સંકેત ભાજપની બીજી યાદી આપી રહી છે. ભાજપ હારી જાય તો તો શિવરાજ ચૌહાણ જવાના જ છે પણ ભાજપ જીતશે તો પણ જશે એવું કહી જ દેવાયું છે.

શિવરાજ પણ રાજકીય અખાડાના જૂના ખેલાડી છે એ જોતાં એ સાનમાં આખી વાત સમજી જ ગયા હોય. મધ્ય પ્રદેશમાં મામા તરીકે જાણીતા શિવરાજ માટે આ ચૂંટણી એ રીતે રાજકીય અસ્તિત્વનો સવાલ છે. મામા પણ રાજકીય અસ્તિત્વ ખતરામાં હોય ત્યારે ચૂપ બેસી રહે એ વાતમાં માલ નથી એ જોતાં બીજી યાદીના કારણે ભાજપમાં પણ યાદવાસ્થળી જામવાની એ નક્કી છે.
ભાજપની યાદીમાં કૈલાશ વિજયવર્ગીયનું નામ એક બીજું મોટું આશ્ર્ચર્ય છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીને હરાવવા નિકળેલા ને પછી ભૂંડી રીતે હારીને બેઆબરુ થઈને મધ્ય પ્રદેશ પાછા આવેલા કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોરની નંબર ૧ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીય ઈન્દોરની નંબર ૩ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે ને ભાજપે તેમને પણ ટિકિટ આપી છે. ભાજપ કૉંગ્રેસ અને બીજા પક્ષોના વંશવાદની ઝાટકણી કાઢે છે પણ પોતે બાપ-દીકરા બંનેને ટિકિટ આપે છે. આ વંશવાદ કહેવાય કે ન કહેવાય ? ના કહેવાય કેમ કે ભાજપ કરે એ તો લીલા છે, છિનાળું તો બીજાં કરે એ કહેવાય.

ખેર, ભાજપે આટલા બધા ધૂરંધરોને ટિકિટ આપી તેનો મતલબ સ્પષ્ટ છે કે, ભાજપે આ જંગને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે ને કોઈ પણ રીતે જીતવાનું નક્કી કર્યું છે. ૨૦૧૮માં હાર પછી ભાજપે તોડફોડ કરીને મધ્ય પ્રદેશ પર કબજે કરેલું. આ વખતે તોડફોડ કરવાની નોબત જ ના આવે એ માટે ભાજપે અત્યારથી ધૂરંધરોને મેદાનમાં ઉતારી દીધા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button