એકસ્ટ્રા અફેર

યુપીના કાયદામાં લવ જિહાદની વાત જ નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં થયેલી કારમી હારના પગલે ભાજપે ગુમાવેલી ભૂમિ પાછી મેળવવાનાં ફાંફાં શરૂ કર્યાં છે. તેના ભાગરૂપે કહેવાતો લવ જિહાદ વિરોધી ખરડો ઉત્તર પ્રદેશની વિધાનસભામાં પસાર કરી દેવાયો. ભાજપ ધર્મના નામે લોકોને ઉલ્લુ બનાવવાનો ખેલ વરસોથી કરે છે એ ખેલ આ ખરડામાં પણ કરાયો છે કેમ કે ભાજપના નેતા જેને લવ જિહાદ વિરોધી કાયદો ગણાવીને કૂદાકૂદ કરે છે અને મીડિયા પણ આ હઈસો હઈસોમાં જોડાઈને લવ જિહાદ વિરોધી કાયદાની બુમરાણ મચાવી રહ્યું છે એ વાસ્તવમાં લવ જિહાદ વિરોધી કાયદો છે જ નહીં.

આ કાયદો ગેરકાયદેસર રીતે કરાતા ધર્માંતરણ વિરોધી કાયદો છે અને યુપીમાં આ ગેરકાયદેસર ધર્માંતરણ વિરોધી કાયદો પહેલેથી અસ્તિત્વમાં છે. યોગી સરકારે તેમાં સુધારો કરીને સજાની મુદતમાં વધારો કર્યો છે. બાકી આ કાયદામાં ક્યાંય લવ જિહાદનો ઉલ્લેખ નથી ને તેનું નામ જ ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ ક્ધવર્ઝન ઓફ રિલિજિયન (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૪ છે.

આ કાયદાથી ના ધર્માંતરણ પર પ્રતિબંધ મુકાયો છે કે ના આંતરધર્મીય લગ્નો પર પ્રતિબંધ મૂકાયો છે કેમ કે યોગી સરકારની એવો કાયદો બનાવવાની હૈસિયત જ નથી. કોઈ રાજ્ય સરકાર એવો કાયદો બનાવી ના શકે. આ દેશના બંધારણના ઘડવૈયાઓમાં એટલી અક્કલ હતી જ કે, રાજ્યોને આવા કાયદા બનાવવાની છૂટ આપીશું તો વાંદરાના હાથમાં અસ્ત્રો આપવા જેવું થશે એટલે બંધારણમાં એવી રાજ્યોને એ સત્તા જ નથી અપાઈ.

વાસ્તવમાં ભાજપ વરસોથી લોકોને લવ જિહાદના નામે ચગડોળે ચડાવ્યા કરે છે ને યોગી સરકારે પણ એ જ ખેલ કર્યો છે. તેનું કારણ એ કે આ દેશમાં લવ જિહાદ વિરોધી કાયદો શક્ય જ નથી કેમ કે લવ જિહાદ કોને કહેવાય એ જ સ્પષ્ટ નથી. મોદી સરકારે પોતે સંસદમાં ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, બંધારણમાં ‘લવ જિહાદ’ની કોઈ વ્યાખ્યા કરાઈ નથી તેથી ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવી ના શકાય.
આ નિવેદન એકદમ ટેક્નિકલ ને ચાલાકીપૂર્વકનું છે પણ ભાજપ લોકોને કઈ રીતે મૂરખ બનાવે છે તે છતું કરનારું છે. કેન્દ્રની ભાજપ સરકાર પોતે કહે છે કે, ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવી ના શકાય તો પછી યુપી સહિતનાં ભાજપશાસિત રાજ્યો ‘લવ જિહાદ’ વિરોધી કાયદો કઈ રીતે બનાવી રહ્યાં છે?

વાસ્તવમાં યુપી હોય કે બીજું કોઈ રાજ્ય હોય, લવ જિહાદ વિરોધી કહેવાતા કોઈ પણ કાયદામાં ક્યાંય ‘લવ જિહાદ’ની વાત જ નથી. યોગી આદિત્યનાથ સરકારે ઉત્તર પ્રદેશમાં બનાવેલો કાયદો કહેવાતી ‘લવ જિહાદ’ કરનારાં સામે હોવાનો દાવો કરાયો છે પણ વાસ્તવિક રીતે આ કાયદો ધર્માંતરણ વિરોધી છે. આ કાયદામાં ધર્માંતરણ સાથે જોડાયેલા લગ્નની વાતને આવરી લેવાઈ છે પણ કોઈનો મનપસંદ વ્યક્તિ સાથે લગ્નનો અધિકાર નથી છિનવી લેવાતો.

ભારતમાં અત્યારે જે કાયદા છે તેમાં બળજબરીથી કરાતું ધર્માંતરણ અપરાધ છે જ. આપણું બંધારણ પુખ્તવયની દરેક વ્યક્તિને મનપસંદ જીવનસાથી સાથે લગ્નનો અધિકાર આપે છે અને ધર્માંતરણની પણ મંજૂરી આપે છે પણ ધર્માંતરણ બળજબરીથી કરાવાય તો એ અપરાધ છે. યોગી સરકારના કાયદામાં આ જ મુખ્ય જોગવાઈ છે. આ કાયદા હેઠળ એક ધર્મની વ્યક્તિ બીજા ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે એ માટે સજાની જોગવાઈ નથી પણ બળજબરીથી ધર્માંતરણ કરાવીને લગ્ન કરાવાય તો તેના માટે સજાની જોગવાઈ છે.

આ જોગવાઈઓ દેશના બંધારણની કોઈ જોગવાઈની વિરુદ્ધ નથી કે દેશનાં લોકોનો કોઈ અધિકાર છિનવી લેતી નથી. બંધારણ મૂળભૂત અધિકારો હેઠળ દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ આપે છે. વ્યક્તિ ઈચ્છે તો ધર્મ પણ બદલી શકે ને જ્યારે બદલવો હોય તેયારે બદલી શકે. યુપીના કહેવાતા ‘લવ જિહાદ’ના કાયદામાં આ હક છિનવી નથી લેવાતો.

અત્યારના ધર્માંતરણને લગતા કાયદામાં પણ ધર્માંતરણ કરવા ઈચ્છનારે મહિના પહેલાં જાણ કરવી જ પડે છે જ્યારે યોગી સરકારે બે મહિના પહેલાં જાણ કરવાની જોગવાઈ કરી છે તેથી આ જોગવાઈ પણ બંધારણથી વિરુદ્ધ નથી. ફરક એટલો જ છે કે, કોઈ યુવતી કે યુવક લગ્ન પછી પોતાનો ધર્મ બદલવા માંગતાં હોય તો તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને બે મહિના પહેલાં અરજી કરવાની રહેશે. જે લોકો રાતોરાત છોકરીઓના ધર્મ બદલાવીને લગ્ન કરે છે તેમને આ વાત માફક આવે એવી નથી પણ આ જોગવાઈ પહેલેથી બંધારણમાં છે જ. ટૂંકમાં યોગી સરકાર દાવા કરે છે એવો કોઈ લવ જિહાદ વિરોધી કાયદો બન્યો નથી.

ઉત્તર પ્રદેશની યોગી સરકારે ૨૦૨૦માં પહેલી વાર આ અંગેનો ખરડો પસાર કર્યો હતો. યુપી સરકારે ૨૦૨૧માં વિધાનસભામાં ધર્મ પરિવર્તન નિષેધ બિલ ૨૦૨૧ એટલે કે ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ ક્ધવર્ઝન ઓફ રિલિજિયન (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧ પસાર કર્યું હતું. આ બિલમાં એવી જોગવાઈ હતી કે માત્ર લગ્ન માટે કરવામાં આવતા ધર્મ પરિવર્તનને અમાન્ય ગણવામાં આવશે. આ રીતે કરાવાતા ધર્માંતરણ માટે ૧ વર્ષથી ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ બિલમાં કરાઈ હતી.

હવે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તેમાં આરોપીઓને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરાઈ છે. આ કાયદામાં ઘણા ગુનાઓની સજા બમણી કરવામાં આવી છે. નવા ગુનાઓ પણ ઉમેરવામાં આવ્યા છે. નવા કાયદામાં દોષિત ઠરે તો ૨૦ વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે. પહેલાં ફોસલાવીને ધર્મ પરિવર્તન અને ફોસલાવીને લગ્ન કરવા માટે એકથી પાંચ વર્ષની જેલ અને ૧૫,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ હતી. હવે આ ગુના માટે ૩ વર્ષથી ૧૦ વર્ષની જેલ અને ૨૫ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

સગીર એસસી અથવા એસટી મહિલાનું માત્ર લગ્ન માટે ધર્માંતરણ કરાય તો ૨ વર્ષથી ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ હતી. હવે તેને વધારીને ૫થી ૧૪ વર્ષની જેલ અને ૧ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ગેરકાયદે સામૂહિક ધર્મ પરિવર્તન માટે ૩થી ૧૦ વર્ષની જેલ અને ૫૦,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ હતી. તેને વધારીને ૭થી ૧૪ વર્ષની જેલ અને ૧ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ બધું જ ધર્માંતરણ માટે છે, લવ જિહાદ માટે નથી કેમ કે ભાજપ સરકારમાં લવ જિહાદની વ્યાખ્યા બંધારણમાં સામેલ કરવાની તાકાત નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…