એકસ્ટ્રા અફેર

ઓમર માટે અસલી લડાઈ કલમ ૩૭૦ મુદ્દે છે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની સરકાર રચાઈ એ સાથે જ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજજો આપવાનો મુદ્દો ગાજ્યો છે. સાથે સાથે કલમ ૩૭૦ ફરી સ્થાપિત કરવાના મુદ્દે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે કેમ કે ઓમર અબ્દુલ્લાની સરકારે કલમ ૩૭૦ ફરી સ્થાપિત કરવાનો ઠરાવ પસાર ના કર્યો તેને મહેબૂબા મુફતીની પીડીપીએ મુદ્દો બનાવી દીધો છે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં બહુ જલદી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજજો અપાઈ જશે એવું લાગે છે પણ નેશનલ કોન્ફરન્સની સરકાર હમણાં ૩૭૦મી કલમને મુદ્દે કોઈ નિર્ણય લે એવી શક્યતા ઓછી છે.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની કેબિનેટે શપથ લીધા પછી સૌથી પહેલાં જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજજો પુન:સ્થાપિત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ શનિવારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજજો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેતાં હવે કેન્દ્રની કોર્ટમાં બોલ છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સોમવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે ત્યારે તેમને જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજજોે આપવાનો ઠરાવ સોંપશે. જો કે ઓમર મોદીને મળીને ઠરાવ સોંપે તેનાથી જમ્મુ અને કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજજો પાછો નથી મળવાનો કેમ કે તેની પ્રક્રિયા થોડી અટપટી છે.

આ પ્રક્રિયા પ્રમાણે, લેફ્ટનન્ટ ગવર્નરના માધ્યમથી કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવશે અને પછીનો નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદામાં જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજજોે આપવાનો અધિકાર કેન્દ્ર સરકારને જ છે કેમ કે સંપૂર્ણ રાજ્યના દરજજો માટે ફક્ત કેન્દ્ર સરકાર જ ફેરફારોની પ્રક્રિયા કરી શકે છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ હેઠળ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યું હતું તેથી સંપૂર્ણ રાજ્યના દરજજા માટે, સંસદમાં કાયદો પસાર કરીને પુનર્ગઠન કાયદામાં ફેરફારો કરવા પડશે. આ ફેરફારો બંધારણની કલમ ૩ અને ૪ હેઠળ કરવામાં આવશે.

રાજ્યનો દરજજો આપવા માટે લોકસભા અને રાજ્યસભામાં નવા કાયદાકીય ફેરફારોની મંજૂરીની જરૂર પડશે એટલે કે ઓમરની કેબિનેટે મોકલેલા ઠરાવને સંસદ દ્વારા મંજૂરી અનિવાર્ય છે. સંસદ મંજૂરી આપે પછી એ ઠરાવને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિની મંજૂરી પછી જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજજો મળ્યો તેનું નોટિફિકેશન બહાર પાડે એ સાથે જ ફરી જમ્મુ અને કાશ્મીર ફરી પૂર્ણ રાજ્ય મળી જશે.

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજજોે મળ્યા પછી રાજ્યમાં ઘણું બધું બદલાઈ જશે. કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જમ્મુ અને કાશ્મીર પાસે કાયદો બનાવવાની કે બીજા મહત્ત્વના નિર્ણયો લેવાની સત્તા નથી પણ પૂર્ણ રાજ્યનો દરજજોે મળતાં જ રાજ્ય વિધાનસભાને જાહેર વ્યવસ્થા અને સમવર્તી યાદીની બાબતોમાં કાયદો બનાવવાની સત્તા મળશે. અત્યારે રાજ્ય સરકારે એક રૂપિયો પણ ખર્ચવો હોય તો લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી લેવી પડે છે. પૂર્ણ રાજ્યનો દરજજો મળે પછી રાજ્ય સરકાર કોઈપણ નાણાકીય બિલ રજૂ કરે તો તેના માટે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.

આ ઉપરાંત રાજ્ય સરકારનું ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો અને અખિલ ભારતીય સેવાઓ પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે. રાજ્યમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ રાજ્ય સરકાર કરી શકશે અને તેના પર લેફ્ટનન્ટ ગવર્નરનું જરાય નિયંત્રણ નહીં હોય. કલમ ૨૮૬, ૨૮૭, ૨૮૮ અને ૩૦૪માં ફેરફાર સાથે રાજ્ય સરકારને વેપાર, કર અને વાણિજ્યની બાબતોમાં તમામ અધિકારો મળશે અને સરકાર પોતાની આવક વધારવા માટે નવા કર પણ લાદી શકશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ધારાસભ્યોની સંખ્યાના ૧૦ ટકાને મંત્રી બનાવી શકાય છે પણ પૂર્ણ રાજ્યનો દરજજોે પુન:સ્થાપિત થવાથી મંત્રીઓની સંખ્યા પરનો આ પ્રતિબંધ પણ ખતમ થઈ જશે અને ધારાસભ્યોની સંખ્યાના ૧૫ ટકા સુધી મંત્રી બનાવી શકાશે. તેના કારણે ઓમરને રાહત થશે કેમ કે ઓમર થોડાક વધારે ધારાસભ્યોને મંત્રીપદ આપીને ખુશ કરી શકશે. આ ઉપરાંત જેલના કેદીઓને મુક્ત કરવાની સત્તા રાજય સરકારને મળશે. નેશનલ કોન્ફરન્સનાં અન્ય ચૂંટણી વચનો પૂરાં કરવા માટેની યોજનાઓ પૂરી કરવા માટે રાજ્ય સરકારને વધુ સત્તા મળશે અને કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નહીં રહે.

જોકે આ બધાનો આધાર મોદી સરકાર કેટલા સમયમાં કાયદો બનાવે છે તેના પર છે. જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજજો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજજોે આપવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે અને આ અરજી પર બે મહિનામાં સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. એડવોકેટ ગોપાલ શંકર નારાયણે ઝહૂર અહેમદ ભટ અને ખુર્શીદ અહેમદ મલિક વતી કરેલી અરજી પર ખુદ ચીફ જસ્ટિસ સુનાવણી કરવાના છે પણ મોટા ભાગે એ પહેલાં મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજજોે આપી દેશે. ભાજપે પોતે સત્તામાં આવશે તો જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજજોે આપવાનું વચન આપેલું એ જોતાં કેન્દ્ર કોેઈ અવરોધ ઊભું કરે એવી શક્યતા નથી.

જો કે કાશ્મીરમાં ઓમર માટે અસલી જંગ કલમ ૩૭૦ની નાબૂદીનો છે. ઓમરે વિધાનસભા ચૂંટણી દરમિયાન એલાન કર્યું હતું કે જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજજોે પુન:સ્થાપિત કરવાના પ્રસ્તાવને કેબિનેટની પ્રથમ બેઠકમાં જ મંજૂરી આપવામાં આવશે. ૧૬ ઓક્ટોબરે સીએમ તરીકે શપથ લીધા બાદ બીજા જ દિવસે તેમણે ઠરાવ પસાર કરીને આ વચન પાળ્યું પણ પીડીપીએ તેમાં પણ વાંધો કાઢ્યો છે.

પીડીપીના કહેવા પ્રમાણે તો ઓમરની સરકારે ૩૭૦ પુન: સ્થાપિત કરવા અંગે ઠરાવ પસાર કરવાનો હતો. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના કહેવા પ્રમાણે, ઓમર અબ્દુલ્લાએ સંપૂર્ણ રાજ્યનો દરજજો આપવાનો ઠરાવ પસાર કરીને ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના કેન્દ્રના નિર્ણયને સમર્થન આપ્યું છે કેમ કે ૩૭૦મી કલમ નાબૂદ કર્યા પછી મોદી સરકારે જ ફરી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજજાનું વચન આપ્યું જ હતું. પીડીપીના કહેવા પ્રમાણે ઓમરે કલમ ૩૭૦ પુન:સ્થાપિત કરવાના વચન પર જ મત માગ્યા હતા એ જોતાં આ વચન સૌથી પહેલાં પાળવું પડશે.

૨૦૧૪ વિધાનસભા ચૂંટણીમાં ૨૮ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બનેલી પીડીપીને માત્ર ૩ બેઠકો મળી છે અને મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી પણ બિજબેહરા બેઠક પરથી હારી ગઈ છે. પીડીપીને ફરી બેઠા થવા મોટો મુદ્દો જોઈએ તેથી આ મુદ્દાને ચગાવશે. ઓમર તેનો મુકાબલો કઈ રીતે કરે છે એ જોઈએ.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker