એકસ્ટ્રા અફેર

લોકોને ન્યાય મળે તો નવા ક્રિમિનલ કાયદા સાર્થક

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં અંગ્રેજોના સમયથી અમલી કાયદા અને કાયદાકીય પ્રક્રિયા બદલવાની દિશામાં એક મોટું પગલું ભરીને લોકસભાએ ત્રણ નવા ક્રિમિનલ બિલ પાસ કરી દીધા છે. આપણે ત્યાં આઝાદી પહેલેથી ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ (આઈઈએ) અમલમાં છે. આ પૈકી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) ૧૯૭૩માં અમલી બનેલો જ્યારે ઈન્ડિયન એવિડન્સ એક્ટ (આઈઈએ) ૧૮૭૨માં અમલમાં આવેલો. ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી) તો તેનાથી પણ જૂનો એટલે કે ૧૮૬૦નો કાયદો છે.

બાવા આદમના નહીં પણ બાવા બ્રિટિશના કાળના આ કાયદા જરીપુરાણા થઈ ગયેલા ને ઘણા કાયદા તો હાસ્યાસ્પદ થઈ ગયેલા. મોદી સરકારે એક પ્રસંશનિય પહેલ કરીને આ ત્રણેય કાયદાને સ્થાને આજના જમાનાને અનુરૂપ નવા કાયદા બનાવ્યા છે. આ નવા કાયદામાં ધ ભારતીય ન્યાય (સેક્ધડ) સંહિતા ૨૦૨૩ ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)નું સ્થાન લેશે જ્યારે ભારતીય નાગરિક સુરક્ષા (સેકન્ડ) સંહિતા ૨૦૨૩ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર (સીઆરપીસી)ના સ્થાને આવશે.

ઈન્ડિયન એવિડન્સ એક્ટના સ્થાને ભારતીય સાક્ષ્ય (સેક્ધડ) સંહિતા બિલ ૨૦૨૩ અમલમાં આવશે. લોકસભામાં આ કાયદા પસાર થઈ ગયા પછી હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે.
રાજ્યસભામાં ત્રણેય કાયદા પસાર થયા બાદ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. લોકસભામાં વિપક્ષના મોટા ભાગના સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા છે તેથી તેમની ગેરહાજરીમાં આ ત્રણેય કાયદા પસાર થઈ ગયા. રાજ્યસભામાં પણ મોટા ભાગના વિપક્ષી સાંસદો સસ્પેન્ડ છે એ જોતાં રાજ્યસભામાં પણ આ કાયદા પસાર કરવામાં વધારે વાર નહીં લાગે. એ પછી તરત જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે સહી માટે જશે. આ બધી પ્રક્રિયામાં માંડ બે મહિના લાગશે એ જોતાં સંસદનું બજેટ સત્ર શરૂ થતાં પહેલાં તો દેશમાં ત્રણ નવા કાયદા અમલી બની ગયા હશે.

મોદી સરકારે જૂના કાયદાના સ્થાને નવા કાયદા લાવીને સારું કામ કર્યું છે તેમાં કોઈ શક નથી. એ સમયની માગ હતી ને મોદી સરકારે સમયની માગને સમજીને કાયદા બદલ્યા છે. અંગ્રેજોના જમાનાના કેટલાક કાયદા હાલના સમયમાં અપ્રસ્તુત બની ગયા છે તેથી તેમને દૂર કરાયા છે જ્યારે નવા જમાના પ્રમાણે કેટલાક કાયદા ઉમેરવામાં આવ્યા છે ને કેટલાક અપરાધોની સજામાં પણ ફેરફાર કરાયો છે.

ઉદાહરણ તરીકે બ્રિટિશયુગનો રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે ને તેના સ્થાને નવો દેશદ્રોહનો કાયદો લવાયો છે. રાજદ્રોહના કાયદામાં સરકારની ટીકા કરનારને પણ જેલમાં ધકેલવાની જોગવાઈ હતી. અંગ્રેજોએ પોતાની સામે ઉઠનારા અવાજોને દબાવવા આ કાયદો બનાવેલો પણ હવે દેશ આઝાદ થઈ ગયો છે. લોકશાહી દેશમાં કોઈપણ વ્યક્તિ સરકારની ટીકા કરી શકે છે. આ લોકોનો અધિકાર છે તેથી ટીકા બદલ જેલમાં ધકલવાનો કાયદો ના ચાલે.

દેશદ્રોહનો કાયદો રાજદ્રોહથી બિલકુલ અલગ છે. દેશદ્રોહના કાયદામાં કોઈ વ્યક્તિ દેશની સુરક્ષા અથવા સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે કંઈ પણ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઈ વ્યક્તિ હથિયારો ઉઠાવીને સશસ્ત્ર વિરોધ કરે કે બોમ્બવિસ્ફોટ કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ યોગ્ય પણ છે કેમ કે દેશ સામે બળવો કરનારને મુક્ત રહેવાનો કોઈ અધિકાર નથી. આ કાયદામાં આતંકવાદની પણ વ્યાખ્યા કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં નાખીને ભય ફેલાવશે તેને આતંકવાદી ગણવામાં આવશે અને જેલભેગા કરાશે. આતંકવાદી કૃત્યો કરનારાઓ પ્રત્યે દયા ન રાખવી જોઈએ એ સાચી વાત છે ને આવા કાયદાની જરૂર હતી જ.

સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ જેવા ગુના માટેની સજામાં પણ વધારો કરાયો છે. સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ જેવા ગુના માટે ફાંસી એટલે કે મૃત્યુદંડ આપવામાં આવશે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર કરવા બદલ આજીવન કેદ અને મૃત્યુદંડની જોગવાઈ કરાઈ છે. ગેંગરેપના દોષિતોને ૨૦ વર્ષ સુધીની કેદ અથવા જીવે ત્યાં સુધી કેદની સજા થશે.

નવા કાયદામાં મહત્વનો ફેરફાર કરીને બિન ઈરાદાપૂર્વકની હત્યાને બે કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. સૂચિત કાયદામાં વાહન ચલાવતી વખતે અકસ્માત થાય અને આરોપી ઘાયલને પોલીસ સ્ટેશન કે હૉસ્પિટલમાં લઈ જાય તો તેને ઓછી સજા આપવામાં આવશે. હિટ એન્ડ રન કેસમાં ૧૦ વર્ષની સજા થશે. આ પહેલાં સ્નેચિંગ માટે કોઈ કાયદો ન હતો પણ હવે સ્નેચિંગના કેસમાં સજા માટે કાયદો બની ગયો છે. એ જ રીતે કોઈ વ્યક્તિને માર મારવામાં આવે અને વ્યક્તિ બ્રેઈન ડેડ થઈ જાય તો પણ આરોપીને ૧૦ વર્ષની કેદની સજા થશે.

આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં છે પણ આવા ઘણા ફેરફારો કરાયા છે. જો કે વધારે મહત્ત્વની બાબત લોકોને ન્યાય મળે એ માટે લેવાયેલી કાળજી અને તેને લગતી જોગવાઈઓ છે. આ પૈકી સૌથી મહત્વની જોગવાઈ એ છે કે, કોઈ પણ કેસમાં પોલીસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવો પડશે. ભારતમાં ગરીબોને ન્યાય મળવો મુશ્કેલ છે. બંધારણમાં બધાંને સરખાં ગણાયાં છે પણ ગરીબ વ્યક્તિ ન્યાય મેળવવા જાય તો જૂતાં ઘસાઈ જાય તો પણ ન્યાય નહોતો મળતો. બલકે ફરિયાદ જ નહોતી નોંધાતી.

ફરિયાદ નોંધાય તો તપાસ થતી નહોતી કેમ કે સીઆરપીસીમાં પોલીસે કેટલા સમયમાં શિક્ષાત્મક કાર્યવાહી તેની કોઈ સમય મર્યાદા નહોતી. પોલીસ ૧૦ કલાકમાં પણ તપાસ કરી નાંખે ને ૧૦ વર્ષ પછી પણ તપાસ ના કરી હોય એવું બનતું પણ હવે ત્રણ દિવસમાં રિપોર્ટ દાખલ કરવાનો રહેશે. એ જ રીતે રેપ પીડિતાનો રિપોર્ટ પણ સાત દિવસમાં પોલીસ સ્ટેશન અને કોર્ટમાં મોકલવાનો રહેશે.

અગાઉ સાતથી ૯૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની જોગવાઈ હતી પણ તપાસ ચાલી રહી છે એ બહાને વર્ષો સુધી કેસ લટકાવી રાખવામાં આવ્યા હતા. હવે ૯૦ દિવસનો સમય પૂરો થયા પછી માત્ર ૯૦ દિવસનો સમય મળશે. મતલબ કે, ૧૮૦ દિવસ પછી ચાર્જશીટ લટકાવી નહીં શકાય.

આ ફેરફારો સારા છે ને આશા રાખીએ કે તેના કારણે લોકોને ખરેખર ન્યાય મળશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત