મોદી સરકારે બહુ પહેલાં વકફ એક્ટમાં સુધારા કરવા જોઈતા હતા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળી પછી ભાજપે તેનો ખોવાયેલો જનાધાર પાછો મેળવવાની મથામણ શરૂ કરી છે. તેના ભાગરૂપે ભાજપ હિંદુવાદી એજન્ડાને પાછો ઉગ્રતાથી અમલી બનાવવામાં લાગ્યો છે. આ એજન્ડાના ભાગરૂપે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે વકફ એક્ટમાં સુધારો કરવાની તૈયારી આદરી છે. શુક્રવારે મોદી કેબિનેટની બેઠકમાં વકફ એક્ટમાં કુલ ૪૦ સુધારાને મંજૂરી આપી દીધી હોવાનું કહેવાય છે.
આ સુધારા કેવા હશે એ વિશે સત્તાવાર રીતે કશું કહેવાયું નથી પણ વકફ એક્ટમાં કરાયેલા સુધારાના કારણે વક્ફ બોર્ડની સત્તાઓ મર્યાદિત થઈ જશે. અત્યારે વકફ બોર્ડ મનમાની કરીને ગમે તે સંપત્તિને વકફ સંપત્તિ જાહેર કરી દે છે. કેન્દ્રમાં નરસિંહરાવની સરકાર હતી ત્યારે તેણે વકફ એક્ટ બનાવીને વકફ બોર્ડને અમર્યાદિત સત્તાઓ આપી દીધી હતી. ૨૦૧૩માં ડો. મનમોહનસિંહની યુપીએ સરકારે મૂળ વક્ફ એક્ટ, ૧૯૯૫માં સુધારા કરી વક્ફ બોર્ડની સત્તાને વધારે મજબૂત કરી હતી.
મોદી સરકાર દ્વારા કાયદામાં કરાનારા સુધારાઓનો હેતુ વકફ બોર્ડની અમર્યાદિત સત્તાઓને મર્યાદિત કરીને તેને કદ પ્રમાણે વેતરી નાંખવાનો છે. વકફ બોર્ડ કોઈપણ મિલકતને ‘વકફ મિલકત’ જાહેર કરી શકે એવો કોંગ્રેસની સરકારે આપેલા અધિકારને નિયંત્રિત કરવાનો છે.
આ સુધારા જરૂરી છે કેમ કે આ દેશમાં સેક્યુલારિઝમના નામે જે તૂત ચાલ્યાં તેમાં એક તૂત વકફ સંપત્તિનું પણ છે. મોદી સરકારને સત્તામાં રહ્યાના ૧૦ વર્ષ પછી હવે વકફ કાયદામાં સુધારો કરવાનું સૂઝ્યું, બાકી આ સુધારા બહુ પહેલા કરવાની જરૂર હતી. વકફ ઈસ્લામની એક પરંપરા છે અને વકફની સ્થાપના ‘ઓકાફ’ના નિયમન માટે કરવામાં આવે છે. ઈસ્લામમાં મુસ્લિમ કાયદા હેઠળ પવિત્ર, ધાર્મિક અથવા ધર્માદા સહિતના ઉમદા હેતુઓ માટે પોતાની સંપત્તિ દાનમાં આપી દે તેને વકીફ કહેવામાં આવે છે. આ વ્યક્તિ એટલે કે વકીફ દ્વારા દાનમાં આપવામાં આવેલી સંપત્તિને વકફ જાહેર કરવામાં આવે છે અને પછી આ મિલકતને ‘ઓકાફ’ કહેવામાં આવે છે.
આ પરંપરા ઉમદા છે તેમાં શંકા નથી. કોઈ વ્યક્તિ ધર્માદાના ઉદ્દેશથી પોતાની સંપત્તિ સમાજને દાનમાં આપી દે એ સારી જ વાત કહેવાય પણ કમનસીબે વકફ બોર્ડ એક્ટ બન્યા પછી આ ઉમદા હેતુ માર્યો ગયો અને વકફના નામે ગમે તેની જમીનો પચાવી પાડવાનો ગંદો ખેલ શરૂ થયો. વકફ બોર્ડ કોઈ પણ સંપત્તિને વકફની સંપત્તિ જાહેર કરી દે એટલે સંપત્તિના માલિક ધંધે લાગી જાય. આ સંપત્તિ પોતાની જ છે એ સાબિત કરવાની જવાબદારી પછી તેની થઈ જાય જ્યારે વકફ બોર્ડ તો નિરાંતે બેસી જાય. આવો હાસ્યાસ્પદ કાયદો આ દેશમાં જ ચાલી શકે.
આ કાયદાનો કેવો દુરુપયોગ થયો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તમિલનાડુનું તિરુચેન્દુર ગામ છે. તમિલનાડુ વકફ બોર્ડે આખા તિરુચેન્દુર ગામને પોતાની સંપત્તિ જાહેર કરી દીધી હતી, જ્યારે આ ગામની મોટાભાગની વસ્તી હિન્દુ છે. હવે હિંદુઓના ગામની તમામ મિલકતો મુસ્લિમોની કઈ રીતે થઈ ગઈ એ સમજવું જ અઘરું છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો. સપ્ટેમ્બર ૨૦૨૨મા સુપ્રીમ કોર્ટે વકફ બોર્ડના દાવાને ઉડાવી દીધો પછી આ મામલો શાંત પડ્યો પણ આવા તો હજારો કેસ છે. વકફ બોર્ડમાં બેઠેલા લોકોએ જમીન માફિયા બનીને આ કાયદાનો દુરુપયોગ લોકોની સંપત્તિઓ પચાવી પાડવા માટે કર્યો છે. હજુ ગયા વર્ષે મે મહિનામાં દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી વકફ બોર્ડ કબજાનો દાવો કરી રહ્યું છે એવી ૧૨૩ મિલકતો ખરેખર કોની છે તેનો રિપોર્ટ માંગ્યો હતો. તેના પગલે ગયા વર્ષે ઓગસ્ટમાં જ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે આ મિલકતોની તપાસ શરૂ કરી હતી. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આવાં તો હજારો ઉદાહરણ મળી આવશે. વક્ફ બોર્ડે ૧૯૯૫ના કાયદાનો ઘણો દુરુપયોગ કર્યો છે એવું મુસ્લિમ નેતાઓ પોતે સ્વીકારે છે એ જોતાં બહુ પહેલાં તેમાં સુધારાની જરૂર હતી.
વકફ બોર્ડમાં સુધારા માટે આ અઠવાડિયે સંસદમાં ખરડો રજૂ કરાશે એવું મનાય છે. એ પહેલાં સરકાર ક્યા ક્યા સુધારા કરાવાના છે તેની વિગતો આપશે પણ સૌથી મોટા બે સુધારા થશે. પહેલો સુધારો એ થશે કે, વકફ બોર્ડમાં મહિલાઓ અને મેજિસ્ટ્રેટ સહિતના સરકારી અધિકારીઓનું પ્રતિનિધિત્વ હશે. અત્યારે વકફ બોર્ડમાં મુસ્લિમ વકીલો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, મુસ્લિમ આગેવાનો વગેરે હોય છે. તેના બદલે મહિલાઓને પણ વકફ બોર્ડમાં ચોક્કસ પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે એવો સુધારો કરાશે એવો દાવો છે.
બીજો મોટો સુધારો એ હશે કે, વક્ફ બોર્ડ દ્વારા કોઈ પણ મિલકતને વકફ સંપત્તિ જાહેર કરવા માટે મિલકત પર કરવામાં આવેલા તમામ દાવાઓની ફરજિયાત ચકાસણી કરવામાં આવશે. આ ફરજિયાત ચકાસણી પ્રક્રિયા માટેનું આખું માળખું ગોઠવાશે તેથી વકફ બોર્ડની મનમાની નહીં ચાલે.
આ સુધારા સામે અત્યારથી કકળાટ શરૂ થઈ જ ગયો છે. હૈદરાબાદના સાંસદ અને મુસ્લિમ મતોના ઠેકેદાર અસદુદ્દીન ઓવૈસી અત્યારથી મેદાનમાં આવી ગયા છે. ઓવૈસીના કહેવા પ્રમાણે, વકફ એક્ટમાં આ સુધારો વકફની મિલકતો છીનવી લેવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યો છે. આરએસએસ શરૂઆતથી જ વકફની મિલકતો છીનવી લેવાની ખોરી દાનત ધરાવે છે અને આ બંધારણમાં આપવામાં આવેલા ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર પર હુમલો છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે થોડોક સમાધાનકારી સૂર કાઢ્યો છે. પર્સનલ લો બોર્ડના મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલીનું કહેવું છે કે, અમારા પૂર્વજોએ તેમની મિલકતનો મોટો હિસ્સો દાનમાં આપ્યો હતો અને તેમાંથી ઈસ્લામિક કાયદા હેઠળ વકફ બનાવવામાં આવ્યો હતો. વકફની મિલકતનો ઉપયોગ ફક્ત ધર્માદા હેતુઓ માટે જ થવો જોઈએ કેમ કે અમારા પૂર્વજો દ્વારા ધર્માદા માટે જ આ જમીનો દાનમાં આપવામાં આવી હતી. બોર્ડે સુધારાઓનો વિરોધ નથી કર્યો એ સારું છે પણ ભાજપના જ સાથી એવા નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ જેવા મુસ્લિમ તરફી માનસિકતા ધરાવતા નેતા વિરોધ કરી શકે છે. એ લોકો વિરોધ કરે તો સુધારા પસાર નહીં થઈ શકે કેમ કે ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતી નથી.
ભાજપની સરકાર શું કરશે એ ખબર નથી પણ વકફ બોર્ડની સંપત્તિઓનો ઉપયોગ સારા હેતુ માટે જ થવો જોઈએ. વક્ફ બોર્ડ પાસે ૯.૪૦ લાખ એકરમાં ફેલાયેલી લગભગ ૮.૭૦ લાખ મિલકતો છે. રેલવે અને સશસ્ત્ર દળો પછી વકફ બોર્ડ દેશમાં સૌથી વધુ જમીન ધરાવતું સંગઠન છે. આ સંપત્તિનો ઉપયોગ જરૂરિયાતમંદો માટે કરાય તો દેશમાં વંચિતોને બહુ બધી સવલતો આપી શકાય તેમ છે.