એકસ્ટ્રા અફેર

મોદી સરકારે નાકલીટી તાણીને બ્રોડકાસ્ટિંગ બિલ પાછું લેવું પડ્યું

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વક્ફ એક્ટમાં સુધારાનો ખરડો સંયુક્ત સંસદીય સમિતી (જેપીસી)ને મોકલીને નાકલીટી તાણવી પડી એ સમાચાર તાજા છે ત્યાં મોદી સરકારે બીજી પીછેહઠ કરવી પડી છે. મોદી સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા અને સોશિયલ મીડિયાને નાથવા માટે બ્રોડકાસ્ટિંગ બિલ ૨૦૨૪નો ડ્રાફ્ટ રજૂ કરેલો પણ આ ડ્રાફ્ટ પાછો ખેંચી લેવો પડ્યો છે. ગુજરાતીમાં કહેવત છે કે વાર્યા ના વળે એ હાર્યા વળે ને આ કેસમાં એવું જ થયું છે.

મોદી સરકારે બિલ પાછું ખેંચવું પડ્યું તેનું કારણ વિપક્ષો અને મીડિયોનો વિરોધ હતો. વિપક્ષે આક્ષેપ મૂક્યો હતો કે, આ ડ્રાફ્ટ સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ કેટલાંક ચોક્કસ હિત ધરાવતાં તત્ત્વોને લીક કરી દેવાયો હતો. મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો પછી બીજા વિપક્ષો પણ તેના વિરોધમાં જોડાયા હતા.

કેન્દ્ર સરકારે દાવો કરેલો કે, આ બિલ દ્વારા પ્રકાશિત સામગ્રી પર નિયંત્રણ રાખીને તેનું મોનિટરિંગ કરવા માંગે છે. તમામ બ્રોડકાસ્ટર્સને એક સરખા નિયમો લાગુ કરવા માગે છે પણ બ્રોડકાસ્ટર્સનું કહેવું હતું કે, સરકાર સેન્સરશિપ લાદી રહી છે.

દેશમાં ૯૦થી વધુ ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ડિજી-પબ ન્યૂઝ ઈન્ડિયા ફાઉન્ડેશન અને એડિટર ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ પણ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે પણ આક્ષેપ મૂક્યો હતો કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે પસંદગીના હિતધારકો સાથે બંધ બારણે ચર્ચા કરી છે પણ ડિજિટલ મીડિયા સંસ્થાઓ અને નાગરિક સમાજ સંગઠનો સાથે પણ કોઈ ચર્ચા થઈ નથી. ડ્રાફ્ટ કોપી મેળવવા માટે મંત્રાલયને પત્ર પણ લખવામાં આવ્યો હતો પણ તેમને કોઈ જવાબ મળ્યો ન હતો.

ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને ઈંડિવિજુઅલ ક્ધટેન્ટ ક્રિએટર્સે પણ બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ડ્રાફ્ટમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સને તેમના યુઝરબેઝના આધારે ‘ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર’ તરીકે દર્શાવાયા હતા. આ કારણે ઈન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબરોએ તેમના ક્ધટેન્ટ માટે સરકાર પાસે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરી દેવાની જોગવાઈ હતી.

વ્યક્તિગત ક્ધટેન્ટ ક્રિએટર્સે અને ડિજિટલ પ્રકાશકોએ આ બિલ દ્વારા સરકાર તેમના પર ડિજિટલ સેન્સરશિપ લાદી રહી છે એવો આક્ષેપ કર્યો હતો. તેમનો દાવો હતો કે, એકવાર બિલ લાગુ થયા પછી સરકારની ટીકા થઈ શકશે નહીં. બિલના ડ્રાફ્ટમાં ડેટાના લોકલાઈજેશન અને સરકારને યુઝર ડેટાની ઍક્સેસ માટેની જોગવાઈ ઉમેરવામાં આવી હતી. તેના કારણે ગોપનીયતાનો ભંગ કરાશે અને ભારે દુરુપયોગની શક્યતા પણ છે.

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી હતી તેથી મોદી સરકાર બહુ તોરમાં હતી. એ વખતે મોદી સરકાર કોઈને ગણકારતી નહોતી તેથી આ બધા વાંધાને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતી હતી પણ હવે સ્થિતિ અલગ છે. હવે મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નથી ને કોઈ પણ બિલ પસાર કરાવવા માટે સાથી પક્ષો પર આધાર રાખવો પડે છે તેથી નાકલીટી તાણીને આ બિલ પાછું ખેંચવું પડ્યું છે.

આ નિર્ણય દેશના હિતમાં છે કેમ કે મોદી સરકારે આ બિલ પહેલાં ૨૦૨૧માં ડિજિટલ ક્ધટેન્ટ પર નિયંત્રણ માટેના નવા નિયમો જાહેર કર્યા તેમાં સેન્સરશિરની વાતો હતી ને સરકાર સામે પડે તેને ફિટ કરી દેવાની જોગવાઈઓ હતી. મોદી સરકારે બનાવેલા નવા નિયમો હેઠળ બદનક્ષીકારક, અશ્લીલ, બદનામી કરે એવું, ભેદભાવને પ્રોત્સાહન આપે એવું, સગીરો માટે નુકસાનકારક, દેશની એકતા, અખંડિતતા, સંરક્ષણ, સલામતી કે સાર્વ ભૌમત્વ માટે ખતરારૂપ ક્ધટેન્ટ એટલે કે સામગ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એક આચારસંહિતા નક્કી કરાઈ હતી ને તેનું તેમણે કડક રીતે પાલન કરવું પડશે એવું ફરમાન કરાયું હતું.

આ આચારસંહિતાના ભંગની ફરિયાદો માટે પણ તંત્ર ઊભું કરાશે ને કોઈ પણ ફરિયાદ મળે તેનો ૧૫ દિવસમાં નિકાલ કરાશે એવો દાવ કરાયો હતો. આ સિવાય એવી જોગવાઈઓ પણ હતી કે, મોટી મોટી ટેકનોલોજી કંપનીઓએ ફરિયાદોના નિવારણ માટે અધિકારીઓ નિમવા પડશે ને એ અધિકારી ભારતીય હોવા જરૂરી છે. કોઈ પણ ક્ધટેન્ટ સામે ફરિયાદ થાય ને ફરિયાદમાં દમ છે એવું કોર્ટ કહે કે નિયમો પ્રમાણેનું ના લાગે તો તેને ૩૬ કલાકમાં દૂર કરવું પડશે.

સોશિયલ મીડિયા સાઈટે કોઈ પણ વાંધાજનક ક્ધટેન્ટ ક્યાંથી આવ્યું તેનું નામ પણ સરકારને આપવું પડશે ને સરકાર તેની સામે પગલાં ભરશે. આ તો મોટી મોટી વાતો કરી. મોદી સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ, વેબ સીરિઝ ને ફિલ્મો બતાવતાં ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ્સ, ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ વગેરે બધાંને આ નિયંત્રણ લાગુ પડશે ને બધાંએ ફરજિયાતપણે તેનું પાલન કરવું પડશે એવું ફરમાન પણ કર્યું હતું.

મોદી સરકારે બનાવેલા નિયમો પહેલી નજરે બહુ સરળ ને સાદા લાગતા હતા. એવું ચિત્ર ઊભું કરાયેલું કે, સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ન્યુસન્સ ચાલે છે ને તેને રોકવા માટે આ નિયમો બનાવાયા છે. આ પ્રકારના નિયમો બનાવવામાં કશું ખોટું પણ નથી એવું પણ ચિત્ર ઊભું કરાયું હતું. દેશના સુરક્ષા અને સાર્વભૌમત્વ સામે સોશિયલ મીડિયા ખતરો ઊભું કરી રહ્યું હોવાથી આ નિયમો બનાવવાની ફરજ પડી હોવાનો દાવો કરીને ચોખવટ પણ કરાઈ હતી કે, આ નિયમોના કારણે સોશિયલ મીડિયાની આઝાદી પર કોઈ પાબંદી નથી આવતી.

જો કે મોદી સરકારના આ નિયમો સોશિયલ મીડિયાને નાથવાની દિશામાં પહેલું કદમ ભર્યું હતું. આદર્શ સ્થિતિમાં ડિજિટલ મીડિયાને નાથવા માટેના નિયમો જરૂરી છે કેમ કે ડિજિટલ મીડિયા બેફામ છે અને તેને રોકવા નિયમો જરૂરી છે પણ એ નિયમોનો ઉપયોગ આદર્શ રીતે થવાનો હોય તો તેનો મતલબ છે. બાકી આ નિયમોનો ભરપૂર દૂરૂપયોગ થવાનો ખતરો હતો જ. ભારતમાં કશું નિયમબદ્ધ ચાલતું નથી. સરકારમાં બેઠેલા ને સત્તામાં હોય તેની મુનસફી હોય એ રીતે બધું ચાલે. આ સંજોગોમાં આ નિયમો દેશમાં સેન્સરશિપ જેવા સાબિત થાય તેમાં શંકા નહોતી.

ભારત લોકશાહી દેશ છે ને દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે. અત્યારે ગણતરીનાં મડિયાને બાદ કરતાં બાકીનાં સત્તાધીશોનાં પાલતુ બનતાં જાય છે ત્યારે સોશિયલ મીડિયા આ અધિકારનો ઉપયોગ કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. તેના પર નિયંત્રનો અર્થ વાણી સ્વાતંત્ર્યના અધિકારને, અભિવ્યક્તિના અધિકારને છિનવી લેવો એવો જ થાય. આ અધિકાર નહીં છિનવાય એ બદલ ખુશ થવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button