હિમાચલ સરકારની પહેલને વખાણવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
હિમાચલ પ્રદેશની કૉંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન ૨૧ વર્ષ પહેલાં ના કરી શકાય એવો કાયદો લાવવાની જાહેરાત કરી હતી પણ એ દિશામાં કશું ના થતાં કૉંગ્રેસ સરકાર પણ આ વાતને ભૂલી ગઈ કે શું એવો સવાલ થવા લાગેલો. સુખવિંદર સુખુની સરકારે એ સવાલનો જવાબ આપીને છોકરીઓ માટે લગ્નની લઘુતમ વય ૨૧ વર્ષ કરવાનો ખરડો વિધાનસભામાં પસાર કરી દીધો. આ સાથે હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય ૨૧ વર્ષ કરવા માટેનો ખરડો પસાર કરનારું દેશનું પહેલું રાજ્ય બની ગયું છે.
હિમાચલ પ્રદેશ બાળ લગ્ન નિષેધ વિધેયક ૨૦૨૪ હેઠળ છોકરીઓની લગ્નની ઉંમર ત્રણ વર્ષ વધારી દેવાઈ છે. આ બિલ હવે સહી કરવા માટે રાજ્યપાલને મોકલાશે. વિધાનસભામાં આ બિલ સર્વસંમતિથી પસાર થયું હોવાથી રાજ્યપાલને પણ સહી કરવામાં વાંધો નહીં આવે એ જોતાં છોકરીઓ માટે લગ્નની લઘુતમ વય ૨૧ વર્ષ કરનારું દેશનું પહેલું રાજ્ય બની જશે.
આ કાયદાની જોગવાઈ પ્રમાણે, કોઈ છોકરીનાં લગ્ન ૨૧ વર્ષથી ઓછી ઉંમરે કરાય તો તેને બાળ લગ્ન ગણીને છોકરીનાં માતા-પિતા, છોકરાનાં માતા-પિતા, લગ્ન કરાવનાર બ્રાહ્મણ વગેરે સામે બાળલગ્નનો કેસ કરાશે. એ જ રીતે કોઈ છોકરીનાં ૨૧ વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરાવી દેવાય અને તેને પરાણે પતિ સાથે રહેવાની ફરજ પડાય તો પણ ૨૧ વર્ષની થાય ત્યાં સુધી તેને પોતાનાં લગ્ન રદ કરાવવાનો અધિકાર મળશે. આ કાયદામાં બીજી પણ મહત્ત્વની જોગવાઈઓ છે કે જેના કારણે આપણી દીકરીઓને બાળ લગ્ન સામે રક્ષણ મળશે.
હિમાચલ પ્રદેશે કરેલી પહેલને વખાણવી જોઈએ અને કેન્દ્ર સરકાર પણ હિમાચલ પ્રદેશને અનુસરશે એવી આશા રાખીએ કેમ કે વાસ્તવમાં આ અંગેની પહેલી જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે એલાન કરી દીધેલું કે, છોકરીઓની લગ્નની વય મર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરાશે. મોદીએ કહેલું કે, દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમનાં લગ્ન યોગ્ય વયે થાય એ જરૂરી છે તેથી સરકાર લગ્નની વય મર્યાદા વધારીને ૨૧ વર્ષ કરશે.
મોદીના એલાન પાછળ જયા જેટલી સમિતિનો રિપોર્ટ જવાબદાર હતો. છોકરીનાં લગ્ન માટેની ઓછામાં ઓછી વય ૨૧ વર્ષ કરવાના લાભાલાભ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે જયા જેટલીના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સની રચના કરી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જૂન ૨૦૧૦માં રચાયેલી આ ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના ડૉ. વી. કે. પોલ ઉપરાંત કાયદા, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય અને શિક્ષણ મંત્રાલયોના સચિવો પણ હતા. ટાસ્ક ફોર્સની રચના મૂળ તો પ્રેગનન્સી દરમિયાન થતાં માતાઓનાં મૃત્યુનું પ્રમાણ કઈ રીતે ઘટાડવું એ માટેનાં સૂચનો કરવા કરાયો હતો તેથી ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં બીજી ઘણી ભલામણો હતી પણ મુખ્ય ભલામણ છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા વધારીને ૨૧ વર્ષ કરવાની હતી. આ ભલામણ સરકારની નીતીને અનુરૂપ હોવાથી મોદી સરકારે તેનો અમલ કરવાની જાહેરાત પણ કરી નાખી હતી.
ભારતમાં અત્યારે છોકરીઓનાં લગ્નની ઓછામાં ઓછી વય મર્યાદા ૧૮ વર્ષ છે. દેશના ત્રણ કાયદામાં આ જોગવાઈ છે. હિંદુઓમાં થતાં લગ્ન માટે હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ની કલમ ૫(૩), કોર્ટમાં થતાં લગ્ન માટે સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ અને બાળ વિવાહ નિષેધ એક્ટ, ૨૦૦૬ આ ત્રણેય કાયદામાં છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષ છે. મોદી સરકારે આ ત્રણેય કાયદામાં ફેરફાર કરવાની જાહેરાત પણ કરી દીધી હતી. મોદી સરકારે જાહેરાત કરી નાખેલી કે, આ ત્રણેય કાયદામાં સહમતિથી મહિલાઓના લગ્નની લઘુત્તમ વય ૧૮ વર્ષ અને પુરુષો માટે ૨૧ વર્ષ હોવાનો ઉલ્લેખ છે.
વર્તમાન કાયદામાં છોકરીનાં ૧૮ વર્ષથી નાની વયે થતાં લગ્ન માટે અત્યારે સજા તથા દંડની જોગવાઈ છે. નવા કાયદામાં તેમાં પણ સુધારો કરાશે, સજા અને દંડની રકમ બંનેમાં વધારો કરાશે એવી જાહેરાત પણ કરી દેવાઈ હતી. મોદી સરકારે લોકસભામાં આ અંગેનો ખરડો પસાર પણ કરી દીધેલો ને રાજ્યસભામાં ખરડો રજૂ પણ કરી દીધેલો.
મોદી સરકારનાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં ખરડો પસાર રજૂ કર્યો ત્યારે દાવો કરેલો કે, આ ખરડા દ્વારા લગ્નને લગતા તમામ કાયદા, પ્રથા, રિવાજ વગેરે બધું નકામું થઈ જશે. સ્મૃતિ ઈરાનીના દાવા જોઈને લાગતું હતું કે, આ ખરડો પસાર કરવા આડે આવતા કોઈ પણ વિઘ્નને પહોંચી વળવા સરકાર તૈયાર છે પણ ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી આ ખરડો સંસદીય પેનલને સોંપવાનો નિર્ણય કરવો પડ્યો.
આ ખરડો એ પછી અટવાઈ ગયો પણ હવે મોદી સરકાર પાસે રાજ્યસભામાં પણ બહુમતી છે ત્યારે આ ખરડાને ફરી પસાર કરવા માટે મોદી સરકારે પ્રયત્ન કરવાની જરૂર છે કેમ કે લગ્નની વય મર્યાદા વધારવી દેશની દીકરીઓના હિતમાં છે. મોદીએ મહિલાઓ માટે લગ્નની લઘુતમ વય મર્યાદા વધારવાના નિર્ણયને યુવતીઓને કુપોષણથી બચાવવા સાથે જોડ્યો હતો પણ એ સિવાય બીજા પણ ઘણા લાભ આ નિર્ણય સાથે જોડાયેલા છે.
આ ફેરફારને કારણે સૌથી પહેલો ફાયદો એ છે કે, વસતી વધારાને રોકવામાં કંઈક અંશે સફળતા મળશે અને સાથે સાથે છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધશે તેથી મહિલા સશક્તિકરણ વધશે. નવા કાયદાથી ૨૧ વર્ષ વયમર્યાદા અમલી બનશે તેથી માતા-પિતા દીકરી ૧૮ વર્ષની થાય કે તરત લગ્ન કરવાની ઉતાવળ કરતાં હતાં એ નહીં કરે તેથી બાળલગ્નો પણ અટકશે. સાથે સાથે દીકરી ત્રણ વર્ષ ઘરે બેસી રહે એવું પણ નહીં ઈચ્છે તેથી તેમને ભણાવશે. ૨૧ વર્ષની વયે છોકરી ગ્રેજ્યુએટ થઈ જાય ને તેમાં સારો દેખાવ હોય તો છોકરીઓ આગળ ભણશે. એ છોકરીઓ ૨૧ વર્ષના બદલે ૨૩ વર્ષ કે ૨૫ વર્ષે લગ્ન કરે એવું પણ બને. તેના કારણે વહેલું માતૃત્વ નહીં આવે ને તેનો ફાયદો મળશે.
શિક્ષણનું પ્રમાણ વધશે તેથી સમજ વધશે. શિક્ષણ વધશે તેથી છોકરીઓમાં રોજગારી પણ વધશે. તેના કારણે નાની વયે માતા બનવાનું તો ટળશે જ પણ એકથી વધારે બાળકો પેદા કરવાનું વલણ પણ ઘટશે. સામાન્ય રીતે બંને નોકરી કરતાં હોય એવાં દંપતી એકથી વધારે સંતાન નથી ઈચ્છતાં તેથી વસતી વધારાનું પ્રમાણ ઘટશે. શિક્ષિત માતા બાળકના ઉછેર, પોષણ સહિતની બાબતોમાં વધારે સજાગ હોય તેથી સરવાળે તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. છોકરીઓને છોકરાઓની સમકક્ષ માનવાની દિશામાં પણ આપણે આગળ વધીશું.