એકસ્ટ્રા અફેર

સીએએના અમલથી દેશમાં સંઘર્ષ થશે જ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણી આવી એ સાથે જ સિટિઝનશીન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો મુદ્દો પાછો ગાજ્યો છે અને સીએએ મુદ્દે રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. ૨૦૧૯માં દેશની સંસદે પસાર કરેલા સીએએ હેઠળ પાકિસ્તાન, બંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં એ ત્રણ દેશોના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી એ છ ધર્મનાં લોકો પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો નહીં હોય તો પણ તેમને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. સંસદે આ ખરડો સાડા ચાર વર્ષ પહેલાં પસાર કરી દીધેલો ને રાષ્ટ્રપતિએ તેના પર સહી પણ કરી દીધેલી પણ કેન્દ્ર સરકારે નિયમો નહોતા બનાવ્યા એટલે તેનો અમલ નહોતો થયો. ભાજપ સરકાર સાડા ચાર વર્ષથી સીએએ મુદ્દે ઘોર્યા કરતી હતી ને હવે સફાળી જાગી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા મહિને એટલે કે ૨૦૨૩ના ડિસેમ્બરમાં કોલકાતામાં એક રેલી દરમિયાન હુંકાર કરેલો કે, દેશભરમાં સીએએને લાગુ થતાં કોઈ રોકી શકશે નહીં અને બહુ જલદી સીએએનો અમલ થશે. હવે કેન્દ્રીય પ્રધાન શાંતનુ ઠાકુરે હુંકાર કર્યો છે કે, સિટિઝનશીન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) આખા દેશમાં સાત દિવસમાં લાગુ થઈ જશે તેની હું ગેરંટી આપુ છું. પશ્ર્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણાના કાકદ્વીપમાં એક રેલીને સંબોધતાં ઠાકુરે દાવો કર્યો કે, માત્ર પશ્ર્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સીએએ એક અઠવાડિયાની અંદર લાગુ કરી દેવામાં આવશે. બનગાંવથી ભાજપના સાંસદ ઠાકુર મતુઆ સમુદાયમાંથી આવે છે કે જેણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે ભાજપને ખોબલે ખોબલે મત આપતાં ભાજપ પશ્ર્ચિમ પ.બંગાળની ૪૨માંથી ૧૮ લોકસભા બેઠકો જીતી ગયો હતો.

ઠાકુરના દાવા સામે પશ્ર્ચિમ બંગાળનો સત્તાધારી પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ પણ મેદાનમાં આવી ગયો છે. તૃણમૂલ કૉંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે ભાજપ અને કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પહેલાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે સીએએની વાત કરી રહ્યાં હોવાનો દાવો કરીને જાહેર કરી દીધું કે, પશ્ર્ચિમ બંગાળમાં કોઈપણ સંજોગોમાં સીએએ લાગુ કરવામાં આવશે નહીં. અમિત શાહે દેશભરમાં સીએએ લાગુ કરવાની વાત કરી ત્યારે તૃણમૂલે આ જ વાત કરેલી. એ વખતે મમતા બેનરજીએ કહેલું કે, ભાજપ લોકોમાં ભાગલા પાડીને રાજકીય રોટલો શેકવા માગવા માગે છે. પહેલાં બહારથી આવેલાં લોકોને નાગરિકતા કાર્ડ આપવાની સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટની હતી, પણ રાજકારણ માટે આ સત્તા છિનવી લેવામાં આવી છે. ભાજપ સરકાર કેટલાક લોકોને નાગરિકતા આપવા માગે છે અને કેટલાકને તેનાથી વંચિત રાખવા માગે છે ને એ રીતે લોકોમાં ભાગલા પાડી રહી છે.

ભાજપ અને મમતા બંને પોતાપોતાના રાજકીય ફાયદા માટે આ નિવેદનબાજી કરી રહ્યાં છે એ કહેવાની જરૂર નથી. ભાજપ પોતાની હિંદુવાદી ઈમેજ મજબૂત કરવા તો મમતા સહિતના વિપક્ષો મુસ્લિમ મતબૅન્ક માટે થઈને સીએએનો વિરોધ કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી સામે છે તેથી બંને પોતપોતાની મતબૅન્કને સાચવવા કૂદી પડ્યાં છે.

ભાજપ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના હિંદુઓને પોતાના પડખામાં લઈને હિંદુઓના મસિહા તરીકેની પોતાની ઈમેજ મજબૂત કરવા માગે છે, અન્ય દેશોના હિંદુઓને નાગરિકતા આપીને પોતાની હિંદુ મતબૅન્કમાં વધારો કરીને રાજકીય તાકાત વધારવા માગે છે. બંગલાદેશ, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનમાં હિંદુઓ પર બહુ અત્યાચારો થાય છે એવી વાતો વરસોથી થાય છે. આ વાત ખોટી પણ નથી પણ તેને માટે ભારત જવાબદાર નથી.

આ દેશના ભાગલા પડ્યા ત્યારે જે હિંદુઓ કે બીજાં ધર્મનાં લોકો પાકિસ્તાનમાં રહી ગયાં એ પોતાની પસંદગીથી ત્યાં રહ્યાં હતાં. અત્યારે જેમને નાગરિકતા આપવાની છે એ બધા તેમના વારસદારો છે. હવે તેમને પાકિસ્તાનમાં કે બંગ્લાદેશમા ગોઠતું નથી તેથી ભાગી ભાગીને અહીં આવે છે. સૈધ્ધાંતિક રીતે ભારતે તેમનો બોજ ના ઉંચકવાનો હોય પણ ભાજપે હિંદુત્વના નામે મત લીધા છે તેથી તેમને નાગરિકતા આપીને મતબૅન્ક મજબૂત કરી રહ્યો છે.

તૃણમૂલ કૉંગ્રેસ સહિતના વિરોધ પક્ષો આ કાયદાની વિરુદ્ધ છે. તેની પાછળ પણ રાજકીય ગણતરી છે. મોદી સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશના મુસ્લિમોને નાગરિકતા આપવાનો ઈન્કાર કર્યો તેથી વિરોધ પક્ષોને મુસ્લિમ મતબૅન્કને પોતાની તરફ વાળવાની તક મળી ગઈ છે. મોદી સરકાર આ પ્રકારનાં પગલાં ભરીને ધીરે ધીરે મુસ્લિમો પાસેથી નાગરિકતા છિનવી લેશે એ પ્રકારનો ડરનો માહોલ આ પક્ષો ઊભો કરી રહ્યા છે. સીએએ પછી મોદી સરકાર એનસીઆર (નેશનલ સિટિઝન રજિસ્ટર) લાવશે ને મુસ્લિમોની નાગરિકતા લઈ લેવાશે એવી ખોટી ખોટી વાતો પણ આ લોકો કરી રહ્યા છે.

આ મુદ્દે રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે અને મોદી સરકાર દેશભરમાં સીએએ લાગુ કરશે તો સંઘર્ષ અને તણાવ થશે એ નક્કી છે કેમ કે બંગાળ જ નહીં પણ બીજાં ત્રણ રાજ્યોની વિધાનસભાઓએ પણ સીએએનો અમલ નહીં કરવા ઠરાવ પસાર કર્યો છે. સંસદના બંને ગૃહોમાં સીએએ ખરડો પસાર થયા પછી કેરળ, પંજાબ, રાજસ્થાન અને પશ્ર્ચિમ બંગાળ એ ચાર રાજ્યોએ સીએએ વિરોધી ઠરાવ વિધાનસભામાં પસાર કર્યો હતો. આ રાજ્યોએ પસાર કરેલા ઠરાવમાં કહેવાયું છે કે, સીએએ દેશના બંધારણે સ્વીકારેલા બિનસાંપ્રદાયિકના સિધ્ધાંતની વિરુદ્ધ છે. સીએએ હેઠળ નાગરિકતા આપવાથી ધર્મના આધારે ભેદભાવ થશે તેથી સીએએનો અમલ કરી શકાય તેમ નથી.

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને તેની શરૂઆત કરીને ડિસેમ્બર ૨૦૧૯માં સીએએ વિરોધી ઠરાવ પસાર કરાવ્યો પછી પંજાબ અને રાજસ્થાનની સરકારોએ પણ વિધાનસભામાં સીએએ વિરોધી ઠરાવ પસાર કર્યો હતો. છેલ્લે મમતા બેનરજીએ આ ઠરાવ પસાર કરાવતાં પશ્ર્ચિમ બંગાળ ચોથું રાજ્ય બન્યું હતું. આ પૈકી રાજસ્થાનમાં ભાજપની સરકાર છે તેથી ત્યાં વાંધો નહીં આવે પણ બાકીનાં ત્રણ રાજ્યોમાં સમસ્યા થશે જ.

બંધારણીય જોગવાઈ પ્રમાણે દેશની સંસદે પસાર કરેલા દરેક કાયદાનો અમલ કરવા રાજ્યો બંધાયેલાં છે પણ હવે રાજકીય પક્ષો બંધારણની ઐસીતૈસી કરી નાખતાં ખચકાતાં નથી એ જોતાં આ રાજ્યો અમલ ના કરે તો કેન્દ્ર તેમનું કશું બગાડી ના શકે. બહુ બહુ તો મામલો કોર્ટમાં જાય. કોર્ટ ફરમાન કરે પછી ત્રણેય રાજ્યોએ અમલ કરવો પડે પણ તેમાંય લબાડગીરી કરી શકે. તેના કારણે દેશની સંસદે પસાર કરેલા કાયદાનો પૂરેપૂરો અમલ ના થાય એવું બને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button