એકસ્ટ્રા અફેર

ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે ધરાર લુચ્ચાઈ, મહત્ત્વની વિગતો જ છૂપાવાઈ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં સરકારી તંત્ર એકદમ નીંભર છે અને રાજકારણીઓ પારદર્શકતાની મોટી મોટી વાતો કરે છે પણ તેમને લોકોને સાચી વાત જણાવવામાં રસ જ નથી હોતો. આ વાત વારંવાર સાબિત થઈ છે અને સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવા કરેલા ફરમાનના કેસમાં ફરી એક વાર સાચી સાબિત થઈ. સુપ્રીમ કોર્ટે સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાને ઈલેક્ટોરલ બોન્ડ અંગેની માહિતી આપવા ફરમાન કર્યું ત્યારે પહેલાં તો તેણે ગલ્લાંતલ્લાં કરેલાં ને વધારે સમય માંગેલો પણ સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં જખ મારીને માહિતી આપવી પડી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બૅન્કે ૧૩ માર્ચે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપી હતી ને ચૂંટણી પંચે ૧૪ માર્ચે પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની માહિતી પ્રકાશિત કરી છે. સાડા સાતસો કરતાં વધારે પેજની બે ફાઈલો છે પણ મજાની વાત એ છે કે, જે માહિતી બહાર પાડવી જોઈએ એ માહિતી જ તેમાં નથી.

એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની માહિતી છે અને બીજી ફાઇલમાં આ બોન્ડ્સ વટાવીને રોકડી કરનાર રાજકીય પાર્ટીઓની માહિતી છે. તેના કારણે કોણે ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા અને કોણે રોકડી કરી એ તો ખબર પડે છે પણ કોણે ખરીદેલા બોન્ડ્સ ક્યા રાજકીય પક્ષે વટાવ્યા તેની તો માહિતી જ નથી.

ઉદાહરણ તરીકે ફ્યુચર ગેમિંગ નામની કંપની ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં ટોપ પર છે. આ કપનીએ ૧૪૦૦ કરોડ રૂપિયાથી વધારેના બોન્ડ્સ ખરીદ્યા હતા પણ આ બોન્ડ ક્યા પક્ષને આપ્યા ને ક્યા પક્ષે કેટલાની રોકડી કરી તેની વિગતો જ નથી મૂકાયેલી. ક્યા રાજકીય પક્ષ કોની પાસેથી કેટલું દાન લીધું એ મુદ્દો જ ઈલેક્ટોરલ બોન્ડની આખી પારાયણમાં મહત્ત્વનો છે પણ તેનો જ જવાબ મળતો નથી.

આ લુચ્ચાઈ કહેવાય ને તેના માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જવાબદાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, ચૂંટણી પંચે ક્યા રાજકીય પક્ષને કોણે અને કેટલા રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડનું દાન કર્યું તેની વિગતો વેબસાઈટ પર મૂકવાની હતી. કોઈ કંપનીએ, સામાન્ય નાગરિકે કે બીજા કોઈ આલિયા, માલિયા, જમાલિયાએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને ક્યા પક્ષને ઘી-કેળાં કરાવ્યો તેનો આખો હિસાબ ને ક્યા રાજકીય પક્ષને કોની કોની તરફથી શું મળ્યું તેનો આખો ચોપડો ખોલવાનો હતો પણ ચૂંટણી પંચના ડેટામાં એવું કશું નથી. તેનું કારણ એ કે, સ્ટેટ બૅન્કો પોતે જ એવી કોઈ વિગતો આપી નથી. કૂવામાં હોય તો હવાડામાં આવે ને ? સ્ટેટ બૅન્કો ડેટા જ ના આપ્યો પછી પંચ પણ શું કરે?

એસબીઆઈએ સીલબંધ એન્વલપમાં પેનડ્રાઈવ આપી હતી, જેમાં બે પાસવર્ડ પ્રોટેક્ટેડ પીડીએફ ફાઈલ હતી. આ બંને ફાઈલોમાં બોન્ડના ખરીદદારો અને તેમને રોકડ કરનાર પાર્ટીઓની અલગ વિગતો આપી છે. વાસ્તવમાં તેણે એક જ ફાઈલ બનાવીને બોન્ડ ખરીદનાર અને એ બોન્ડ વટાવનારનું નામ સામે મૂકીને આપવાનું હતું પણ સ્ટેટ બૅન્કે વેઠ વાળીને ડેટા આપી દીધો તેના કારણે એ સ્પષ્ટ નથી થતું કે કઈ વ્યક્તિએ કેટલા રૂપિયાના ચૂંટણી બોન્ડ કઈ પાર્ટીને આપ્યા છે.

એસબીઆઈએ ચૂંટણી પંચને આપેલા ડેટામાં પચાસ ટકા ડેટા તો પહેલાંથી લોકોને ખબર છે જ. દેશની સૌથી મોટી પાર્ટી ભાજપને ૬,૦૬૦.૫૦ કરોડનું દાન મળ્યું એ પહેલા જ બહાર આવી ગયેલું. બહાર પડાયેલા કુલ ઈલેક્ટોરલ બોન્ડમાંથી એકલા ભાજપે ૪૭ ટકા બોન્ડ વટાવ્યા છે. દેશનો મુખ્ય વિપક્ષ છે પણ ઈલેક્ટોરલ બોન્ડથી ડોનેશન લેવામાં મમતાની પાર્ટી ટીએમસી ભાજપ પછી બીજા નંબરે છે. ટીએમસીને ચૂંટણી બોન્ડના રૂપમાં ૧,૬૦૯.૫૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

કૉંગ્રેસ ત્રીજા સ્થાને છે કે જેને ૧,૪૨૧.૯૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ ૧,૨૧૪.૭૦ કરોડ રૂપિયા સાથે ચોથા સ્થાને છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને ઈલેક્ટોરલ બોન્ડમાંથી માત્ર ૬૫.૫૦ કરોડ રૂપિયા મળ્યા છે જ્યારે અખિલેશની પાર્ટી સમાજવાદી પાર્ટીને ઈલેક્ટ્રોનિક બોન્ડના રૂપમાં માત્ર ૧૪ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ પૈકી મોટા ભાગની વિગતો પહેલાં આવી જ ગઈ છે તેથી તેમાં કશું નવું નથી. સ્ટેટ બૅન્કે કોણે કેટલાના બોન્ડ ખરીદ્યા તેની વિગતો મૂકી એ નવી છે પણ એ વિગતોને આધારે કોણ કોના પર વરસ્યું એ સ્પષ્ટ થતું નથી.

વાસ્તવમાં આ ડેટા જ સૌથી મહત્ત્વનો છે ને એ જાહેર કરવો દેશના હિતમાં પણ છે કે જેથી રાજકીય પક્ષોના હમદર્દ કોણ છે તેની લોકોને ખબર પડે.

ઈલેક્ટોરલ બોન્ડની વિગતોના મુદ્દે કરાયેલા ઝોલના કારણે રાજકીય પક્ષો કેટલા પારદર્શક છે એ પણ સ્પષ્ટ થયું છે. સ્ટેટ બૅન્કે ગમે તે કર્યું પણ આપણા રાજકીય પક્ષો પણ સામેથી પોતાને કોણે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલું દાન મળ્યું તેની વિગતો જાહેર કરી જ શકે. એ લોકો પાસે દાતાનું નામ ના હોય પણ બોન્ડનો સિરિયલ નંબર તો છે જ. આ સિરિયલ નંબર જાહેર કરાય તો પણ સ્ટેટ બેંકે મૂકેલી વિગતો સાથે મેચ કરીને લોકો કોણે ક્યા પક્ષને કેટલું દાન આપ્યું એ જાણી શકે. કમનસીબે કોઈ રાજકીય પક્ષ સામેથી આ વિગતો જાહેર કરવા તૈયાર નથી. આ વાત કોઈ એક પક્ષ કે નેતાની નથી પણ બધા રાજકીય પક્ષો અને નેતાઓની છે.

આ મુદ્દે રાજકીય પક્ષોની ચૂપકીદી એ વાતનો પુરાવો છે કે, આપણા રાજકીય પક્ષો એકદમ બેશરમ છે ને તેમને પારદર્શકતા બતાવવામાં રસ નથી. તેમણે ઈલેક્ટોરલ બોન્ડના નામે હરામની કમાણીનાં નાણાં લીધા છે એ વિગતો જાહેર કરવામાં નથી.

ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ઠેરવીને સુપ્રીમ કોર્ટે બંધારણની રક્ષા માટે બતાવેલી સજાગતા સલામને પાત્ર છે પણ આ સજાગતાનો કમ સે કમ અત્યારે તો અર્થ નથી. આશા રાખીએ કે, સ્ટેટ બૅન્ક કશું છૂપાયા વિના બધી જ વિગતો જલદી જાહેર કરે ને લોકસભાની ચૂંટણી પહેલાં જાહેર કરે કે જેથી આપણા રાજકીય પક્ષોનો ચહેરો લોકો સામે ખુલ્લો પડે, કોને ક્યા પક્ષ માટે સહાનુભૂતિ છે એ દેશની જનતા જાણી શકે. લોકસભાની ચૂંટણી પછી વિગતો જાહેર કરાય તો તેનો મતલબ નહીં રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button