એકસ્ટ્રા અફેર

કટોકટી દેશના ઈતિહાસનું કાળું પ્રકરણ હતું ને રહેશે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાના સ્પીકરપદે ભાજપના ઓમ બિરલાની ધારણા પ્રમાણે જ નિર્વિઘ્ને વરણી થઈ ગઈ. લોકસભાના સ્પીકર પદ માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ બનેલા ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે વિપક્ષી ભારતીય બ્લોકે કેરળના માવેલિકારાથી ૮મી વાર જીતેલા સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા. વિપક્ષો આક્રમક મૂડમાં હતા એ જોતાં સ્પીકરની ચૂંટણી માટે મતદાન થશે એવું લાગતું હતું પણ વિપક્ષે છેલ્લી ઘડીએ હથિયાર હેઠાં મૂકી દેતાં ઓમ બિરલા ધ્વનિ મતથી સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા અને સતત બીજી વાર સ્પીકર બની ગયા.

વિપક્ષો અને સત્તાધારી પક્ષ વચ્ચે સ્પીકરની ચૂંટણીમાં કોઈ ઘર્ષણ ના થતાં બુધવારનો દિવસ સુખરૂપ જશે એવું લાગતું હતું પણ એવું ના થયું. સ્પીકરપદે ચૂંટાયા પછીના પોતાના પ્રથમ સંબોધનમાં જ ઓમ બિરલાએ કટોકટીની આકરી ટીકા કરતાં કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ હોબાળો મચાવી દીધો.

મોદી સરકારે લોકસભામાં ૧૯૭૫માં કૉંગ્રેસ સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીની ટીકા કરતો ઠરાવ રજૂ કરેલો. સ્પીકર ઓમ બિરલાએ પણ ઈમરજન્સીની ટીકા કરીને કટોકટીને દેશના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો. બિરલાએ ઈમરજન્સી દરમિયાન સરમુખત્યાર કૉંગ્રેસ સરકારના હાથે જીવ ગુમાવનારા નાગરિકોની યાદમાં ગૃહમાં ૨ મિનિટનું મૌન પણ રખાવ્યું અને કહ્યું કે લોકસભા ૧૯૭૫માં દેશમાં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. અમે એ તમામ લોકોના નિશ્ર્ચયની પ્રશંસા કરીએ છીએ જેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો, અભૂતપૂર્વ લડત આપી અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી.

ઓમ બિરલાએ કહ્યું કે, કટોકટી ભારતના ઈતિહાસમાં એક કાળું પ્રકરણ છે કે જ્યારે દેશમાં સરમુખત્યારશાહી લાદવામાં આવી હતી, લોકશાહીનાં મૂલ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. લોકોની આઝાદીને કચડી નાખવામાં આવી હતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું દબાવવામાં આવ્યું હતું. તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવાયેલા બંધારણ પર મરણતોલ ઘા કર્યો હતો.

બિરલાએ એમ પણ કહ્યું કે, કટોકટી દરમિયાન નાગરિકોના અધિકારોનો નાશ કરવામાં આવ્યો હતો. આ એ સમય હતો જ્યારે વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને આખો દેશ જેલમાં ફેરવાઈ ગયો હતો. તત્કાલીન તાનાશાહી સરકારે મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો અને ન્યાયતંત્ર પર અંકુશ લગાવ્યો હતો. તે સમયે, કૉંગ્રેસ સરકારે ઘણા એવા નિર્ણયો લીધા હતા જેણે બંધારણની ભાવનાને કચડી નાખી હતી. કટોકટી વખતે બંધારણમાં સુધારો કરવાનો ઉદ્દેશ્ય એક વ્યક્તિની સત્તાઓને અમર્યાદિત કરવાનો હતો.

બિરલાની ટીકાથી કૉંગ્રેસ અને તેના સાથી વિરોધ પક્ષોના સભ્યોને મરચાં લાગી ગયાં અને તેમણે ગૃહમાં હંગામો કરી દીધો. બિરલાની ટીકા પણ વિપક્ષી સાંસદોએ કરી છે. બિરલા સ્પીકર તરીકેની મર્યાદા ઓળંગીને ભાજપના નેતા તરીકે વર્તી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો.

કૉંગ્રેસ આ બધી વાતો કરે એ સમજી શકાય એમ છે કેમ કે કૉંગ્રેસ માટે નહેરૂ-ગાંધી ખાનદાન માઈ-બાપ છે. આ ખાનદાન કશું ખોટું કરે તો પણ તેનો બચાવ કરવો એ જ પોતાનો ધર્મ હોવાનું કૉંગ્રેસીઓ માને છે પણ તેના કારણે એ વાસ્તવિકતા બદલાતી નથી કે, કટોકટી આ દેશનાં સૌથી કલંકિત પ્રકરણોમાંથી એક છે.

ઈન્દિરા ગાંધીએ ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ કટોકટી લાદી હતી ને ૨૧ માર્ચ, ૧૯૭૭ના રોજ ઉઠાવી લેવાયેલી. મતલબ કે આ દેશમાં લગભગ ૨૧ મહિના લગી અંધકાર યુગ હતો ને લોકશાહીનું ગળું ઘોંટી દેવાયેલું. ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧માં ગોલમાલ કરીને ને સરકારી તંત્રનો બેફામ દુરૂપયોગ કરીને રાયબરેલીમાંથી ચૂંટણી જીત્યાં એ મુદ્દે રાજનારાયણે કરેલી અપીલને અલાહાબાદ હાઈકોર્ટે મંજૂર રાખેલી. હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદબાતલ ઠરાવીને ઈન્દિરા પર છ વર્ષ લગી ચૂંટણી લડવાનો પ્રતિબંધ ઠોકી દીધેલો. આ ચુકાદાના કારણે ઈન્દિરાની રાજકીય કારકિર્દી જ પતી જાય એમ હતી. એ વખતે સિદ્ધાર્થશંકર રેએ ઈન્દિરાને આંતરિક કટોકટી લાદવાનો કુવિચાર સૂઝાડ્યો ને ઈન્દિરાએ તેને અમલમાં મૂકી દીધો.

ઈન્દિરાએ કટોકટી લાદી એ સત્તાલાલસાનું વરવું સ્વરૂપ હતું, એક વ્યક્તિની સત્તાલાલસાને સંતોષવા માટે, આ દેશના કરોડો લોકોને દેશના બંધારણે આપેલા અધિકારો છિનવી લેવાયેલા. આ દેશ પોતાની લોકશાહી માટે ગર્વ લેતો હતો. દેશના નાગરિકોને વાણી સ્વાતંત્ર્યની છૂટ છે તેનો ગર્વ લેતો હતો ને ઈન્દિરાએ પોતાની સત્તાની ભૂખ સંતોષવા આ ગર્વની ઐસીતૈસી કરી નાખી હતી. કૉંગ્રેસવાળા ગમે તે કહે પણ ઈન્દિરાએ પોતાની સત્તા બચાવવા માટે દેશમાં કટોકટી લાદી હતી ને લોકશાહીને ખતમ કરી નાખી હતી એ સામી ભીંત પર લખાયેલું સત્ય છે.

કટોકટી દરમિયાન જે બન્યું તે વધારે શરમજનક હતું. ઈન્દિરા ગાધીએ કટોકટી લાદી પછી સંજય ગાંધી સરકાર પર ચડી બેઠો. ઈન્દિરાએ પહેલાં જ આ દેશના બંધારણે દેશના નાગરિકોને આપેલા મૂળભૂત અધિકારો સહિતના તમામ અધિકારો છિનવી લીધા હતા ને સંજયે અખબારોને પોતાનાં ગુલામ બનાવવાની ચેષ્ટા કરીને વધુ એક કલંકિત પ્રકરણ લખ્યું. ઈન્દિરા ગાંધી પાસે સંજયે દેશનાં અખબારો પર સેન્સરશિપ ઠોકી દેવડાવી ને અખબારો પોતાની મરજીથી એક પણ શબ્દ ના લખી શકે તેવો ફતવો બહાર પડાવ્યો. જે આ ફતવાનું પાલન ના કરે તેમને પકડીને અંદર કરી દેવાતા હતા, ભયંકર યાતનાઓ અપાતી હતી. ઈન્દિરાએ પોતાની સામે ઉઠનારા તમામ અવાજોને દબાવી દીધા હતા.

વિરોધપક્ષના તમામ નેતાઓને પકડીને અંદર કરી દેવાયેલા. લોકશાહીના તરફદાર બિનરાજકીય લોકોને પણ ઉઠાવી ઉઠાવીને જેલમાં નખાયેલાં. તેમને જેલમાં એવી યાતનાઓ અપાતી કે ભલભલા તૂટી જાય. સંજય ગાંધી અને તેમની ટોળકી ફાવે તેને ઉપાડીને જેલમાં ઠૂંસી દેતી કે નસબંદી કરી દેતી. કટોકટી વખતે આ દેશનાં લોકો રીતસરનાં ઈન્દિરા ગાંધીના ગુલામ તરીકે જીવતા હતા. ના મીડિયાને પોતાની રીતે વર્તવાની છૂટ હતી કે ના ન્યાયતંત્રને પોતાની રીતે કામ કરવાની આઝાદી હતી. સામાન્ય લોકો પર પણ બહુ અત્યાચારો થયેલા. સંજય ગાંધીને દેશની વસતીને કાબૂમાં લેવાની સનક ઊપડેલી એટલે પુરૂષોની પકડી પકડીને નસબંધી કરી દેવાતી. સંજયને દિલ્હીને સ્વચ્છ ને ફોરેનની સિટી જેવું બનાવી દેવાની પણ ચળ હતી તેથી તેણે ગરીબોનાં ઝૂંપડાં પર બુલડોઝર ફેરાવડાવીને તેમના લોહીથી ધરતીને રંગેલી, હજારો લોકોને બેઘર કરી નાખેલા. કૉંગ્રેસ આ ઈતિહાસને નકારી શકે તેમ નથી. કૉંગ્રેસે પહેલાં તો આ પાપનું કલંક ધોવું જોઈએ, દેશનાં લોકોની માફી માગવી જોઈએ ને પછી ઓમ બિરલા કે બીજા કોઈની પણ ટીકા કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button