એકસ્ટ્રા અફેર

ટીવી એન્કર્સનો બહિષ્કાર, કૉંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કૉંગ્રેસ સહિતના ભાજપ વિરોધી પક્ષો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર અસહિષ્ણુતા ફેલાવનાનો આરોપ મૂકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અનાદર કરીને દેશમાં લોકોનો અવાજ કચડી રહી છે એ પ્રકારના આક્ષેપો કરે છે. એ જ વિપક્ષોએ બનાવેલા ભાજપ વિરોધી વિપક્ષી મોરચા ‘ઈન્ડિયા’એ ૧૪ ટીવી પત્રકારોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

‘ઈન્ડિયા’ વતી કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જાહેરાત કરી છે કે, કૉંગ્રેસ સહિતના ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો તેમના પ્રવક્તાઓને કે નેતાઓને આ એન્કરોના શોમાં મોકલશે નહીં. પવન ખેડા મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ છે પણ ‘ઈન્ડિયા’ના પ્રવક્તા નથી તેથી આ જાહેરાત ભલે ‘ઈન્ડિયા’ વતી કરાઈ હોય પણ વાસ્તવમાં કૉંગ્રેસ દ્વારા કરાઈ છે એવું માની શકાય.

આવું માનવા માટે બીજું કારણ એ પણ છે કે, બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના મુખિયા નીતીશકુમારે આ બહિષ્કારને ફગાવી દીધો છે. નીતીશકુમાર પોતે ‘ઈન્ડિયા’ના ટોચના નેતાઓમાં છે તેથી તેમની વાતને ગંભીરતાથી લેવી પડે. નીતીશકુમારને આ વલણ બદલ સલામ કરવી જોઈએ ને તેની વાત પણ કરીશું પણ પહેલાં કૉંગ્રેસે આ બહિષ્કારના સંદર્ભમાં જે જ્ઞાન પિરસ્યું છે તેની વાત કરી લઈએ.
પવન ખેડાએ જે ન્યૂઝ એન્કર્સની યાદી બહાર પાડી તેમાં ૧૪ ટીવી એન્કર્સનાં નામ છે. આ યાદીમાં સુધીર ચૌધરી, ચિત્રા ત્રિપાઠી, અર્ણબ ગોસ્વામી જેવા જાણીતા એન્કર્સનાં નામ છે તો કેટલાંક બહુ જાણીતાં ના હોય એવાં નામ પણ છે. બાકીનાં નામોમાં અદિતિ ત્યાગી, અમન ચોપરા, અમીશ દેવગન, આનંદ નરસિંહન, અશોક શ્રીવાસ્તવ, ગૌરવ સાવંત, નાવિકા કુમાર, પ્રાચી પરાશર, રૂબિકા લિયાકત, શિવ અરુર અને સુશાંત સિંહાનો સમાવેશ થાય છે. આ એન્કર્સમાંથી કોણ જાણીતાં છે અને કોણ જાણીતાં નથી એ તમે નક્કી કરી લેજો પણ આ બધા એન્કર્સ સામે એકસરખો આક્ષેપ છે કે, ભાજપની ભાટાઈ કરે છે ને વિપક્ષોને બદનામ કરે છે.

પવન ખેડાએ જ્ઞાન પિરસ્યું છે કે, અમે કેટલાક એન્કર્સનું લિસ્ટ બનાવ્યું છે. ‘ઈન્ડિયા’ના નેતાઓ દ્વારા તેમના ટીવી શો અને કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે. અમે સમાજને ખરાબ કરી રહેલી આ એન્કર્સની નફરત ભરેલી વાતોને પ્રોત્સાહિત કરવા નથી ઈચ્છતા તેથી બહિષ્કાર કરી રહ્યા છીએ.
પવન ખેડાએ આક્ષેપ મૂક્યો છે કે, આ ટીવી શૉમાં તેમના નેતાઓની વિરૂદ્ધ હેડલાઈન્સ અને મિમ્સ બનાવવામાં આવે છે. ‘ઈન્ડિયા’ના નેતાઓનાં નિવેદનોનો અર્થ બદલીને વિકૃત રીતે રજૂ કરવામાં આવે છે. ખેડાએ મગરનાં આંસુ સારતાં એમ પણ કહ્યું કે, અમે આ નિર્ણયથી દુ:ખી છીએ. અમે યાદી બહાર પાડી તેમાંથી એક પણ એન્કરને નફરત નથી કરતાં પણ અમે પોતાના દેશને ભારતને વધુ પ્રેમ કરીએ છીએ.

પવન ખેડા સહિતના નેતા પોતાના દેશને કેવો પ્રેમ કરે છે એ ખબર નથી કેમ કે એ લોકો જે વાતો કરે છે એ કોઈ રીતે આ દેશના સિદ્ધાંતોને અનુરૂપ નથી. ભારત લોકશાહી દેશ છે ને લોકશાહીમાં મીડિયા ચોથો સ્તંભ કહેવાય છે. લોકશાહીમાં મીડિયા તમારી વિરૂદ્ધ વલણ લે તેના કારણે તમે તેનો બહિષ્કાર કરવાનું એલાન કરો એ નર્યો પલાયનવાદ કહેવાય. તેનો અર્થ એ થયો કે, તમારામાં ટીકાને સહન કરવાની તાકાત નથી ને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને પાળવામાં તમે માનતા નથી. આ બહિષ્કારે કૉંગ્રેસની અસલી માનસિકતા છતી કરી દીધી છે.

‘ઈન્ડિયા’ના નેતા જે ૧૪ એન્કર્સના શૉમાં નહીં જવાની જાહેરાત કરી રહ્યા છે એ એન્કર્સની છાપ ભાજપ તરફી છે. આ એન્કર્સ ભાજપની ભાટાઈ કરે છે ને પાણીમાંથી પોરા કાઢી કાઢીને વિપક્ષોને ભાંડે છે એ સાચું છે. આ એન્કર્સના શૉમાં થતી દલીલો હાસ્યાસ્પદ હોય છે એ પણ સાચું છે પણ તેના કારણે કૉંગ્રેસ સાચી સાબિત થઈ જતી નથી.

આ દેશમાં મીડિયાને પોતે જે કંઈ કહેવું હોય એ કહેવાની આઝાદી છે ને આ એન્કર્સ એ આઝાદીના અધિકારનો ઉપયોગ કરે છે તો તેમાં ખોટું શું ? આપણને અનુકૂળ ના આવે એવો અભિપ્રાય રજૂ કરાય તેના કારણે ટીવી એન્કર્સનો બહિષ્કાર કરવો એ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો ઇનકાર છે ને આ દેશના બંધારણનું અપમાન છે. કૉંગ્રેસ અત્યારે એ જ કરી રહી છે.
કૉંગ્રેસ કહે છે કે, આ એન્કર્સ સામે વ્યક્તિગત વાંધો નથી ને આ વાત જ હાસ્યાસ્પદ છે. ખરેખર તમને કોઈ એન્કર સામે વ્યક્તિગત વાંધો ના હોય તો તેમના કાર્યક્રમમાં જઈને તેમની દલીલોનો જવાબ આપો. એ લોકો પોતાના અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ કરે છે એ રીતે તમે પણ તમારા અધિકારનો ઉપયોગ કરીને તેમની બોલતી બંધ કરો. આ લોકશાહીનો સિદ્ધાંત છે ને તેનું પાલન કરો. કમનસીબે કૉંગ્રેસને ભાગી જવામાં વધારે રસ છે કેમ કે એન્કર્સને ચૂપ કરવાની તેમનામાં તાકાત નથી.

જો કે કૉંગ્રેસ પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખી શકો ? જે પક્ષે ઈમર્જન્સી લાદીને અખબારી સ્વાતંત્ર્ય પર સેન્સરશિપ લાદી દીધી હોય ને પોતાની સામે અવાજ ઉઠાવનારા પત્રકારોને ઉઠાવીને જેલમાં નાખી દીધા હોય એ પક્ષના નેતાઓ આ રીતે જ વર્તવાના. જે પક્ષે મીડિયાને ખતમ કરી નાખવા માટેના ઉધામા કરવામાં કોઈ કસર ના છોડી હોય એ પક્ષના નેતા પોતાની ટીકા સહન ના કરી શકે તેમાં નવાઈ પામવા જેવું કશું નથી.
નીતીશકુમારે કૉંગ્રેસની માનસિકતાને નહીં અનુસરવાનું નક્કી કરીને સારું કામ કર્યું છે. નીતિશે સાફ શબ્દોમાં કહ્યું છે કે, હું કોઈ પત્રકારની વિરૂદ્ધ નથી ને કોઈનો પણ બહિષ્કાર કરવો ખોટો છે. નીતીશે કૉંગ્રેસની સીધી ટીકા કરવાનું ટાળ્યું છે પણ આડકતરી રીતે તેમણે જે કહેવાનું હતું એ કહી દીધું છે. ‘ઈન્ડિયા’ના બીજા નેતા પણ નીતીશ જેવું શાણપણ અને પરિપક્વતા બતાવે એ જરૂરી છે. લોકશાહીમાં ટીકા સહન કરવાની તાકાત હોવી જરૂરી છે. કૉંગ્રેસમાં એ તાકાત નથી પણ બીજા નેતાઓ એ તાકાત બતાવે કેમ કે લોકશાહીને મીડિયાના બહિષ્કારથી નહીં ટકાવી શકાય પણ મીડિયાને સાથે રાખીને જ ટકાવી શકાશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button