એકસ્ટ્રા અફેર

મોસ્કોમાં ટેરર એટેક, આઈએસઆઈએસના વધતા ખતરાનું ટ્રેલર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રશિયાની રાજધાની મોસ્કો પાસેના ક્રાસ્નોગોર્સ્કીમાં આવેલા ક્રોકસ સિટી હોલમાં થયેલા હુમલાએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. આ હુમલામાં ૧૫૦થી વધારેનાં મોત થયાં છે અને અને ૧૦૦થી વધુ ઘાયલ થયા છે. ઘાયલો પૈકી ઘણાંની હાલત અત્યંત ગંભીર છે એ જોતાં મોતનો આંક ધીરે ધીરે ૨૦૦ના આંકડાને પાર કરી જશે એવું લાગે છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે લીધી છે. તેના કારણે જિહાદના નામે આતંકવાદ ફેલાવતા કટ્ટરવાદી મુસ્લિમોનો આતંકવાદ કેવી તબાહી વેરી શકે છે તેનો વધુ એક નમૂનો દુનિયાને જોવા મળ્યો છે.

પ્રખ્યાત રશિયન રોક બેન્ડ પિકનિકના કોન્સર્ટની મજા માણવા માટે ક્રોકસ સિટી હોલમાં જંગી ભીડ એકઠી થઈ હતી ત્યારે આ હુમલો થયો હતો. ક્રોકસ સિટી હોલ હોલમાં છ હજારથી વધુ લોકો બેસી શકે છે ને હોલ ખીચોખીચ ભરાયેલો હતો એ જોતાં આઈએસઆઈએસના આતંકવાદીઓએ બહુ પહેલાંથી પ્લાન કરીને હુમલો કર્યો હશે એ કહેવાની જરૂર નથી. આર્મી યુનિફોર્મમાં પાંચ આતંકવાદીઓ મશીનગનો અને ગ્રેનેડ સાથે કોન્સર્ટ હોલમાં ઘૂસ્યા અને ગોળીબાર શરૂ કર્યો ત્યારે લોકો પોતાની મસ્તીમાં હતાં. કોઈને આતંકવાદી હુમલો થશે એવી કલ્પના પણ નહોતી.

આતંકવાદીઓએ બેફામ ગોળીબાર કર્યા પછી ગ્રેનેડ પણ ફેંકતાં ક્રોકસ સિટી હોલમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સિટી હોલની બિલ્ડિંગ ઉપર કાળા ધુમાડાના વાદળોના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. ગ્રેનેડના કારણે સિટી હોલની છત તૂટી પડી તેમાં ઘણાં લોકો દટાઈ મર્યાં.

આ હુમલો થયો ત્યારે પહેલાં તો યુક્રેને હુમલો કરાવ્યો એવી જ આશંકા હતી. બલ્કે રશિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ વ્લાદિમિર પુતિનના ખાસ માણસ મનાતા મેડવેડેવે તો યુક્રેન સામે આંગળી પણ ચીંધી દીધેલી. યુક્રેને પોતે ઈન્કાર કર્યો અને પછી અમેરિકાએ પણ કહ્યું કે, મોસ્કોમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં યુક્રેનની ભૂમિકાના કોઇ પ્રારંભિક સંકેત મળ્યા નથી. યુનાઈટેડ નેશન્સના પ્રવક્તા જ્હોન કિર્બીએ પણ આ ગોળીબારમાં યુક્રેન કે યુક્રેનના કોઈ પણ લોકો સંડોવાયેલા હોવાના કોઈ સંકેત નથી એવું કહ્યું પછી પણ મેડવેડેવ પોતાની વાતને વળગી રહેલા. એ તો આઈએસઆઈએસે જવાબદારી સ્વીકારી પછી યુક્રેન પરથી શંકા દૂર થઈ. બાકી પુતિન આ હુમલાનો બદલો લેવા માટે યુક્રેન પર ધડબડાટી બોલાવી દેત.

મોસ્કોમાં થયેલો આતંકવાદી હુમલો અત્યંત ગંભીર છે કેમ કે આઈએસઆઈએસએ પહેલી વાર કોઈ મુસ્લિમ રાષ્ટ્રની બહાર આવા મોટા આતંકવાદી હુમલાને અંજામ આપ્યો છે. આઈએસઆઈએસ અને તેના બગલબચ્ચાં જેવાં બીજાં સંગઠનોએ ઈરાક અને સીરિયા સિવાય કુવૈત, યમન. સાઉદી અરેબિયા, તુર્કી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈજીપ્ત, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, નાઈજર વગેરે દેશોમાં છાસવારે હુમલા કરે છે. ફિલિપાઈન્સમાં તો ૨૦૧૭ના આઈએસઆઈએસના હુમલામાં ૧૨૩૩ લોકો મરેલાં. બીજે પણ મોટા હુમલા થયા છે પણ આ બધા દેશો મુસ્લિમ રાષ્ટ્ર છે કે પછી મુસ્લિમોની નોંધપાત્ર વસતી ધરાવતા દેશો છે. મુસ્લિમ રાષ્ટ્ર ના હોય કે પછી મુસ્લિમોની નોંધપાત્ર વસતી ના હોય એવા દેશોમાં આઈએસઆઈએસ બહુ ફાવી નથી.

આઈએસઆઈએસ ખતરનાક આતંકી સંગઠન છે અને તેની પાસે હજારોની સંખ્યામાં સૈનિકો છે પણ આ સૈનિકો સીરિયા, ઈરાક વગેરે દેશોમાં સત્તા કબજે કરવા મથે છે, આ રીતે ફ્રાન્સ સિવાયના બીજા બિન-મુસ્લિમ દેશોમાં જઈને મોટા આતંકવાદી હુમલા કર્યા નથી. ફ્રાન્સમાં ૨૦૧૫ અને ૨૦૧૬માં મોટા આતંકવાદી હુમલા થયેલા. યુકેમાં પણ ૨૦૧૭માં આઈએસઆઈએસએ મોટો આતંકી હુમલો કરેલો પણ એ સિવાય બિન-મુસ્લિમ દેશોમાં આઈએસઆઈએસના મોટા હુમલા થયા નથી.

બેલ્જીયમ. ડેન્માર્ક, અમેરિકા, સ્વિત્ઝરલેન્ડ સહિતના દેશોમાં આઈએસઆઈએસનું નેટવર્ક હોવાના પુરાવા મળ્યા છે. આઈએસઆઈએસ સાથે સંકળાયેલા લોકો આ દેશોમાં આતંકી હુમલા કરતાં પકડાયા પણ છે પણ ફ્રાન્સ અને યુકેના ત્રણ હુમલાને બાદ કરતાં આઈએસઆઈએસ યુરોપ કે પશ્ર્ચિમના દેશોમાં મોટા આતંકી હુમલા કરવામાં સફળ નથી થયું એ હકીકત છે.

હવે અચાનક જ આઈએસઆઈએસે તેની તાકાતનો પરચો આપ્યો છે અને એ પણ રશિયા જેવા દેશમાં ઘૂસીને કે જ્યાં આતંકવાદ કે અશાંતિની શંકા પણ લાગે તો માણસને ગોળીએ દઈ દેવાય છે. એવા દેશમાં ઘૂસીને હુમલો કરવો અને ૨૦૦ લોકોને મોતને ઘાટ ઉતારવા બહુ મોટી વાત છે. આઈએસઆઈએસ ખરેખર વૈશ્ર્વિક બની રહ્યું છે તેનો આ પરચો છે. આખી દુનિયાએ આ પરચો જોયા પછી ચેતવાની જરૂર છે.

આઈએસઆઈએસે રશિયાને પરચો આપ્યો તેનું કારણ સીરિયામાં રશિયન લશ્કરની દખલગીરી છે. અમેરિકા આરબ રાષ્ટ્રો પર પોતાનો અંકુશ જમાવવા સતત મથ્યા કરે છે. તેની આ મનસા પૂરી કરવામાં સીરિયા, લિબિયા, ઈરાક, ઈરાન, તુર્કી વગેરે દેશો અવરોધરૂપ છે. અમેરિકાએ આ દેશોમાં પોતાની કઠપૂતળી સરકારો બેસાડવા ૨૦૦૮માં મોટી ગેઈમ ખેલીને સોશિયલ મીડિયામાં આ દેશોની સરકારો સામે ભયંકર આક્રોશ અને અસંતોષ પેદા કરીને લોકોને રસ્તા પર લાવી દીધેલાં. લિબિયાના કર્નલ મુઅમ્મર ગદ્દાફી સહિત કેટલાય સરમુખત્યારોને લોકોએ ઉખાડીને ફેંકી દીધા.

આરબ સ્પ્રિંગ તરીકે જાણીતી આ ક્રાંતિની અસર સીરિયામાં પણ થઈ. સીરિયામાં વરસોથી જામેલા બશર અલ-અસદને ઘરભેગો કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ પહેલાં ૨૦૦૬માં ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાક અને સીરિયા (આઈએસઆઈએસ) સ્થપાયેલું કે જેનો ઉદ્દેશ આખી દુનિયામાં સુન્ની મુસ્લિમ શાસન સ્થાપવાનો છે.

સીરિયામાં બશર અલ. અસદ સામેના વિરોધને અમેરિકાએ ભડકાવ્યો. અસદે લશ્કરનો ઉપયોગ કરીને વિરોધ ખતમ કરવાની કોશિશ કરી. તેના કારણે અસદની સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે જંગ છેડાઇ ગયો. સીરિયાની સરકારે સેંકડો આંદોલનકારીઓને માર્યા અને જેલભેગા કરી દીધાં. એ જ દરમિયાન ઇસ્લામિક સ્ટેટે સીરિયામાં ઝંપલાવ્યું અને કાળો કેર વર્તાવવાનો શરૂ કર્યો.

જુલાઇ ૨૦૧૧માં અસદ વિરોધી સંગઠનોએ પોતાની સેના ઊભી કરી અને અસદ સરકારને ઉખાડી ફેંકવાના ઉદ્દેશ સાથે જંગ શરૂ કર્યો તેથી અસદ ત્રણ બાજુથી ઘેરાયા એટલે રશિયાની મદદ માગી. રશિયાએ અસદને મદદ કરતાં અસદ ટકી ગયો પણ રશિયાના લશ્કરે અસદને મદદ કરવા આઈએસઆઈએસ પર હલ્લાબોલ કર્યું. રશિયન લશ્કરે આઈએસઆઈએસને કચડી નાંખવા કેમિકલ વેપન્સ અને બેરલ બોમ્બનો ઉપયોગ બેફામ રીતે કર્યો તેમાં નિર્દોષ લોકો પણ મરાયાં. મોસ્કો હુમલો એ એક્શનનું રીએક્શન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button