સુશીલ મોદીએ બિહારમાં લાલુનાં મૂળિયાં ઉખાડી નાખેલાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું એ સાથે જ ભાજપને રાજકીય પક્ષ તરીકે મજબૂત બનાવવા માટે જાત ઘસી નાખનારા વધુ એક પાયાના કાર્યકરે વિદાય લીધી. ૭૨ વર્ષના સુશીલ કુમાર મોદીને કૅન્સર હતું. સુશીલ મોદીએ ૩ એપ્રિલે એક્સ પર પોસ્ટ મૂકેલી, હું છેલ્લા ૬ મહિનાથી કૅન્સર સામે લડી રહ્યો છું. મને લાગે છે કે હવે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભાની ચૂંટણીમાં કંઇ કરી શકીશ નહીં. મેં વડા પ્રધાનને બધું જ કહી દીધું છે. હંમેશાં દેશ, બિહાર અને પાર્ટી પ્રત્યે કૃતજ્ઞ અને સમર્પિત રહીશ.
મોદીએ આ પોસ્ટ મૂકી ત્યારે કોઈને તેમની બીમારીની ગંભીરતાનો ખ્યાલ નહોતો. ૪૦ દિવસ પછી જ સુશીલ મોદી પોતાની જીવનલીલા સંકેલી લેશે એવી કોઈને કલ્પના પણ નહોતી તેથી મોદીના નિધનના અચાનક આવેલા સમાચારે સૌને આંચકો આપી દીધો.
બિહાર ભાજપમાં સુશીલ મોદી દિગ્ગજ નેતા હતા. વરસો સુધી સુશીલ મોદી બિહાર ભાજપમાં નંબર વન મનાતા તેથી ત્રણ વાર તો નાયબ મુખ્યમંત્રી બન્યા. મૂળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી આવેલા મોદી બોટની વિષય સાથે બીએસસી થયેલા અને એમએસસી કરતા હતા ત્યારે જ ૧૯૭૪માં જયપ્રકાશ નારાયણે ભ્રષ્ટાચાર સામે આંદોલન છેડતાં તેમાં જોડાઈ ગયેલા. મોદી ૧૯૭૩માં પટના યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી બન્યા ત્યારે લાલુ પ્રસાદ યાદવ યુનિયનના પ્રેસિડેન્ટ હતા.
જે.પી.ના આંદોલન દરમિયાન મોદી જેલમાં ગયા. એ દરમિયાન જ કટોકટી આવતાં પાછો જેલવાસ શરૂ થયો. જે.પી. આંદોલન અને કટોકટી દરમિયાન સુશીલ મોદીની પાંચ વખત ધરપકડ કરાયેલી. કટોકટી વખતે તો સતત ૧૯ મહિના સુધી જેલમાં રહ્યા હતા. કટોકટી પછી સુશીલ મોદીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બિહાર સેક્રેટરી બનાવાયેલા. એબીવીપીના કાર્યકર તરીકે બિહારમાં ઘૂસી આવેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો સહિતના મુદ્દે તેમણે આંદોલનો કરેલાં.
સુશીલ મોદી ૧૯૯૦માં સક્રિય રાજકારણમાં આવ્યા અને પટણા સેન્ટ્રલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯૯૫ અને ૨૦૦૦માં સુશીલ મોદી ફરી આ જ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સુશીલ મોદીને બિહારમાં લાલુ પ્રસાદ યાદવના એકચક્રી શાસનનો અંત આણનારા મહારથી તરીકેનો યશ અપાય છે. લાલુ પ્રસાદ યાદવે ૧૯૯૦ના દાયકામાં આચરેલા ઘાસચારા કૌભાંડનો ભાંડો મોદીએ ફોડેલો. મોદીએ આ મુદ્દાને એટલો મોટો બનાવ્યો કે, રાષ્ટ્રીય મુદ્દો બની ગયો અને લાલુ પ્રસાદ તથા તેમનો પરિવાર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો.
લાલુએ યાદવો સહિતના ઓબીસી અને મુસ્લિમોની મતબેંકને કારણે તેમને પછાડવા મુશ્કેલ હતા પણ મોદીએ ઘાસચારા કૌભાંડને મુદ્દો બનાવીને લાલુની ઈમેજના ધજાગરા ઉડાવી દીધા. તેના કારણે લાલુએ જેલમાં જવું પડ્યું, મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું ને છેવટે સત્તા પણ ગુમાવી. ઘાસચારા કૌભાંડના પર્દાફાશે સુશીલ મોદીને બિહાર ભાજપમાં સૌથી મોટા નેતા બનાવી દીધા. આ કારણે જ ૨૦૦૦માં નીતીશ કુમારે થોડા દિવસ માટે રચેલી સરકારમાં મોદી મંત્રી બન્યા હતા.
૨૦૦૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ સત્તા પર આવ્યો અને નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપે સુશીલ કુમાર મોદીને વિધાનસભા પક્ષના નેતા બનાવ્યા હતા. મોદી એ વખતે પહેલી વાર નાયબ મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૦માં ફરીથી નીતીશ કુમારની સરકાર બની ત્યારે સુશીલ કુમાર મોદી ફરીથી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા અને ૨૦૧૩ સુધી નાયબ મુખ્ય પ્રધાન રહ્યા.
નીતીશે નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પસંદગીના મુદ્દે ભાજપથી છેડો ફાડ્યો પછી મોદી ફરી લડાયક મૂડમાં આવી ગયેલા. લોકસભાની ચૂંટણીમાં કારમી હાર પછી લાલુ અને નીતીશે હાથ મિલાવ્યા અને તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા. જેડીયુ અને આરજેડીની સરકાર વખતે મોદીએ ફરી તેજસ્વી યાદવના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો ને આ કારણે નીતીશ આરજેડીથી અલગ થયા. આ રીતે આરજેડી અને જેડીયુ સરકારના ૨૦૧૭માં થયેલા પતનનું કારણ સુશીલ કુમાર મોદી હતા. મોદીએ ભ્રષ્ટાચારના મુદ્દે લાલુ યાદવના પરિવારને ભીંસમાં લેતાં સરકાર પડી ગઈ પછી, નીતીશ કુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી ત્યારે સુશીલ મોદી ત્રીજી વખત ડેપ્યુટી સીએમ બન્યા.
બિહારમાં ૨૦૨૦માં વિધાનસભા ચૂંટણી થઈ અને ફરી એનડીએની સરકાર બની ત્યારે સુશીલ મોદીને નાયબ મુખ્યમંત્રી બનાવવાના બદલે ભાજપે રાજ્યસભામાં મોકલી દીધા. સુશીલ મોદીની રાજકીય કારકિર્દીના વળતાં પાણી એ વખતે જ શરૂ થઈ ગયેલાં. મોદીનું કદ જોતાં નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનવાને લાયક હતા પણ ભાજપે તેમને સાંસદ બનાવીને રાખ્યા તેથી એ ધીરે ધીરે રાજકારણથી દૂર થવા લાગેલા. દરમિયાનમાં ગયા વરસે કૅન્સર થઈ જતાં રાજકારણથી અલિપ્ત જ થઈ ગયેલા.
સુશીલ મોદી વરસો સુધી રાજકારણમાં રહ્યા, લાંબો સમય સત્તામાં રહ્યા પણ સ્વચ્છ ઈમેજ જાળવી. મોદી સામે કદી ભ્રષ્ટાચારનો આક્ષેપ સુધ્ધાં ના થયો. વરસો સુધી બિહારના નાણાં મંત્રી રહ્યા પણ કદી તેમનું નામ ના ખરડાયું. બિહાર ભાજપના અશ્ર્વનીકુમાર ચૌબે અને ગિરિરાજસિંહ સહિતના નેતા મુસ્લિમ વિરોધી નિવેદનો કરી કરીને રાજકીય દુકાન ચલાવતા રહે છે ત્યારે સુશીલ મોદી કોમવાદથી પણ દૂર રહ્યા. તેનું કારણ એ હતું કે, સુશીલ મોદી પોતે કોલેજના જમાનામાં ખ્રિસ્તી યુવતીના પ્રેમમાં પડેલા ને પછી તેની સાથે લગ્ન કર્યાં.
સુશીલ મોદીનાં પત્ની જેસ્સી જોસેફ કેરળનાં ખ્રિસ્તી છે અને પ્રોફેસર છે. સુશીલ અને જેસ્સી એમએસસીમાં સાથે ભણતાં હતાં ત્યારે પ્રેમમાં પડી ગયેલાં. તેમને બે પુત્રો છે, એકનું નામ ઉત્કર્ષ તથાગત અને બીજાનું નામ અક્ષય અમૃતાંક્ષુ છે. સુશીલ-જેસ્સીનાં લગ્નમાં આશીર્વાદ આપવા અટલ બિહારી વાજપેયી હાજર રહ્યા હતા. બંનેનાં લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ પણ થયો છે.
જેસ્સી ખ્રિસ્તી હતાં બંનેનાં લગ્ન સામે સુશીલ મોદીના મારવાડી પરિવારે ભારે વાંધો લીધેલો. સુશીલને જેસ્સીથી અલગ કરવાના પ્રયત્નો પણ થયા પણ સુશીલ પોતાના પ્રેમને લગ્ન સુધી લઈ જવા મક્કમ હતા તેથી હામ ના હારી ને છેવટે પરિવારે હારીને લગ્ન કરાવી આપવાં પડ્યાં.
સુશીલ મોદીની વિદાયથી ભાજપને ના પૂરાય એવી ખોટ પડી છે એવું ના કહી શકાય કેમ કે ભાજપે તેમને બહુ પહેલાં જ હાંસિયામાં ધકેલી દીધા હતા. અલબત્ત દેશે એક સ્વચ્છ અને પ્રમાણિક નેતા ગુમાવ્યો છે તેમાં બેમત નથી.