એકસ્ટ્રા અફેર

સુભાંશુ નાસાના મિશનમાં સ્પેસમાં જનારા પાંચમા ભારતીય હશે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતની સ્પેસ રીસર્ચ એજન્સી ઈસરો અને અમેરિકાની એજન્સી નાસા સાથે મળીને આ વર્ષના ઓક્ટોબરમાં સ્પેસ મિશન હાથ ધરવાનાં છે. એક્સિઓમ-૪ મિશન માટે ભારતમાંથી કોની પસંદગી થાય છે તેના પર સૌની નજર હતી ને અંતે ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લાનું નામ જાહેર થયું છે. ઈસરો-નાસાનું મિશન નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે આગળ વધશે તો સુભાંશું શુકલા રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા બીજા ભારતીય બની જશે. રાકેશ શર્મા લગભગ ચાલીસ વર્ષ પહેલા ૧૯૮૪માં રશિયાના સ્પેસ મિશનના ભાગરૂપે અવકાશમાં ગયા હતા. રાકેશ શર્મા ૧૯૮૪માં સોવિયેત સ્પેસ યાનમાં બેસીને સ્પેસ મિશન પર ગયા ત્યારે ઈન્ડિયન એરકફોર્સમાં વિંગ કમાન્ડર હતા.

હવે ‘પ્રાઈમ એસ્ટ્રોનોટ’ તરીકે ગ્રૂપ કેપ્ટન સુભાંશુ શુક્લાની પસંદગી થતાં શુક્લા પણ ઈતિહાસ રચી શકશે. ભારત તરફથી આ મિશનમાં અવકાશમાં જવા માટે ૩૯ વર્ષના સુભાંશુ શુક્લા અને ૪૮ વર્ષના ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાલક્રિષ્નન નાયર વચ્ચે સ્પર્ધા હતી. તેમાંથી અંતે શુકલા પર કળશ ઢોળાયો છે. એક્સિઓમ-૪ નાસા અને ખાનગી સ્પેસ કંપની એક્સિઓમ સ્પેસનું ચોથું મિશન છે. આ મિશનમાં એક ભારતીય ઉપરાંત પોલેન્ડ, હંગેરી અને અમેરિકાના એક-એક મળીને ચાર અવકાશયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની યાત્રા કરશે.

ઈસરો ટૂંક સમયમાં ભારતનું પહેલું માનવયુક્ત અવકાશ મિશન એટલે કે મેન્ડ સ્પેસ મિશન ગગનયાન લોંચ કરવાનું છે. ગગનયાન આવતા વર્ષે અવકાશમાં જઈ શકે છે. ગગનયાન માટે પસંદ કરાયેલા ઈન્ડિયન એરફોર્સના ચાર અધિકારીઓમાં સુભાંશુ શુક્લા અને પ્રશાંત બાલકૃષ્ણન નાયર પણ છે. આ ચારેયે ગગનયાન મિશન માટે સખત તાલીમ લીધી છે તેથી ચારમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી ને અંતિમ સ્પર્ધા શુકલા તથા નાયર વચ્ચે હતી.

હવે સુભાંશુ શુક્લા કોઈ કારણસર અવકાશમાં ના જઈ શકે તો પ્રશાંત બાલકૃષ્ણન નાયર એક્સિઓમ-૪ મિશન હેઠળ અવકાશમાં જશે. સ્પેસ યાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે કાર્ગો અને બીજો પુરવઠો પણ લઈ જવાનો છે. નાસાએ કહ્યું છે કે, આ મિશન ઓક્ટોબર ૨૦૨૪ પહેલા નિર્ધારિત નથી. પોલેન્ડની સ્પેસ એજન્સી પોલ્સાનો દાવો છે કે, આ મિશન આવતા વર્ષે હાથ ધરાશે. અલબત્ત તેનાથી બહુ ફરક પડતો નથી કેમ કે મિશન ગમે ત્યારે રવાના થાય, ભારતનો અવકાશ યાત્રી જશે એ નક્કી છે.

ભારત માટે આ મિશન બહુ મહત્ત્વનું છે કેમ કે હવે પછી ભારત પોતાનું મેન્ડ સ્પેસ મિશન હાથ ધરવાનું છે. આ મિશનની તૈયારીએ પૂરજોશમાં ચાલી રહી છે પણ ભારતને પોતાના મેન્ડ મિશનનો કોઈ અનુભવ નથી. રાકેશ શર્મા અવકાશમાં ગયા એ વાતને ૪૦ વર્ષ થઈ ગયાં ને ૪૦ વર્ષમાં ઘણુ બધું બદલાઈ ગયું છે. સ્પેસ મિશન પહેલાં કરતાં વધારે ખતરનાક બન્યાં છે. હમણાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસ સ્ટેશનમાં ફસાઈ જ ગયાં છે એ જોતાં ભારતના સ્પેસ મિશનમાં કોઈ અનુભવી એસ્ટ્રોનોટની હાજરી જરૂરી હતી. સુભાશું શુકલા નાસા-ઈસરોના સ્પેસ મિશનમાં જઈ આવે પછી એ ભૂમિકા ભજવી શકશે.
શુકલા સ્પેસ મિશન પર જશે તો અમેરિકાના સ્પેસ મિશનનો ભાગ બનીને અવકાશમાં જનારા આંગળીને વેઢે ગણાય એવા મૂળ ભારતીયોમાં તેમનું નામ લખાઈ જશે. અત્યાર સુધીમાં કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાજા ચારી અને શિરિષા બાંદલા એમ ચાર ભારતીય મૂળની વ્યક્તિ અમેરિકાના સ્પેસ મિશનમાં સામેલ થઈને અવકાશમાં ગઈ છે. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાજા ચારી નાસાના મિશનમાં સ્પેસમાં ગયાં જ્યારે શિરિષા બાંદલા વર્જિન સ્પેસ મિશનનમાં અવકાશમાં ગયાં. આ પૈકી કલ્પના ચાવલા અને શિરિષા બાંદલા ભારતમાં જન્મેલાં છે. ભારતના એક માત્ર અવકાશ યાત્રી રાકેશ શર્મા છે કે જે રશિયન સ્પેસ મિશનમાં અવકાશમાં ગયા હતા.

કલ્પના ચાવલા અવકાશમાં મુસાફરી કરનાર ભારતીય મૂળનાં પ્રથમ મહિલા એરોનોટિકલ એન્જિનિયર હતાં. હરિયાણાના કરનાલમાં જન્મેલાં કલ્પના ચાવલા બે વાર અવકાશયાત્રાએ ગયાં હતાં. ડિસેમ્બર ૧૯૯૪માં કલ્પનાની અવકાશયાત્રી તરીકે અવકાશ મિશન માટે પસંદગી કરાઈ હતી. કલ્પના ચાવલાએ ૧૯ નવેમ્બરથી ૫ ડિસેમ્બર ૧૯૯૭ દરમિયાન પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી ત્યારે માત્ર ૩૫ વર્ષનાં હતાં. કલ્પના ચાવલા ૧૬ દિવસ સુધી અવકાશમાં રહ્યાં હતાં .

૧૬ જાન્યુઆરી, ૨૦૦૩ ના રોજ કલ્પના ચાવલા બીજી વાર અવકાશ યાત્રા માટે રવાના થયાં. કલ્પના ચાવલા અવકાશ યાત્રા પરથી પાછાં ફરી રહ્યાં હતાં અને સ્પેસક્રાફ્ટ કોલંબિયા શટલ જઝજ -૧૦૭ પૃથ્વીથી લગભગ ૨ લાખ ફૂટની ઉંચાઈ પર હતું ત્યારે જ તૂટી પડતાં કલ્પના ચાવલા સહિત બધા અંતરિક્ષયાત્રીઓના નિધન થઇ ગયાં. કલ્પના ચાવલા એ વખતે માત્ર ૪૧ વર્ષનાં હતાં.

શિરિષા બાંદલા પણ ભારતનાં જન્મેલાં અવકાશયાત્રી છે પણ તેમણે સ્પેસ વોક નથી કર્યું. શિરિષા વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેનસન સાથે ૨૦૨૧માં સ્પેસપ્લેન ‘વર્જિન વીએસએસ યુનિટી’ દ્વારા અંતરિક્ષની યાત્રા પર ગયાં હતા અને લગભગ સવા કલાકમાં પોતાની યાત્રા પૂરી કરીને તેઓ પાછા આવ્યાં હતાં. બ્રેનસનના સ્પેસક્રાફ્ટે ૧૧ જુલાઈ, ૨૦૨૧ના રોજ ન્યૂ મેક્સિકોના દક્ષિણમાં આવેલા રણથી અંતરિક્ષમાં જવા માટે ઉડાન ભરી હતી. ભારતીય સમયાનુસાર આ યાત્રા રાત્રે આઠ વાગ્યે શરૂ થઈ અને લગભગ સવા કલાક બાદ રાત્રિના ૯.૧૨ મિનિટે ધરતી પર પાછા ફર્યા. શિરીષા બાંદલા મૂળે આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાનાં છે અને અમેરિકામાં સ્થાયી થયાં છે. કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ તેઓ અવકાશયાત્રા કરનારાં ત્રીજાં ભારતીય મહિલા બન્યાં. શિરીષા બાંદલાનો જન્મ ભારતમાં થયો છે. તેઓ ચાર વર્ષનાં હતાં, ત્યારે માતાપિતા સાથે અમેરિકા ગયાં હતાં. શિરીષાના પિતા ડો. બાંદલા મુરલીધર વ્યવસાયે વૈજ્ઞાનિક છે અને અમેરિકન સરકારમાં સિનિયર ઍક્ઝિક્યૂટિવ સર્વિસના સભ્ય છે. ૨૦૧૫માં શિરીષા વર્જિન ગેલેક્ટિકમાં જોડાયાં અને હાલમાં કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ છે.

નાસાના મિશનમાં અવકાશ યાત્રા પર જનારા બીજા એક ભારતીય રાજા ચારી છે. રાજા ચારી ૨૦૨૧ના નવેમ્બરમાં અવકાશ યાત્રા પર ગયા હતા. અમેરિકાની નાસાએ સ્પેસ સ્ટેશન, ચંદ્ર અને મંગળ ગ્રહ એમ ત્રણ સ્પેસ મિશન માટે મૂળ ભારતના અમેરિકી એસ્ટ્રોનોટ રાજા જોન વુરપુત્તુર ચારીની પસંદગી ૨૦૧૭માં કરી હતી. રાજા ચારી અમેરિકન એરફોર્સના કર્નલ હતા અને ઋ -૩૫ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફોર્સના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ૨૦૧૭ના ઓગસ્ટ મહિનામાં રાજા ચારી મિશનમાં જોડાયા અને ૨ વર્ષની ટ્રેનિંગ પૂરી કરીને ૨૦૨૧માં અવકાશયાત્રા પર ગયા હતા.

સુભાંશુ શુકલાનું નામ આ યાદીમાં જોડાવાનું છે ત્યારે શુકલાની યાત્રા સફળ રહે એવી શુભેચ્છા પાઠવીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…