એકસ્ટ્રા અફેર

વરસાદી પાણીના સંચાલન માટે રાષ્ટ્રીય નીતિ જરૂરી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે અને લોકોએ કલ્પના પણ ના કરી હોય એવો વરસાદ પડતાં હાલત ખરાબ થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લા પૂરની લપેટમાં આવી ગયા છે. જન્માષ્ટમીના દિવસે લોકો ફરવા નીકળે ને મજા કરે પણ આ વખતે વરસાદના કારણે જન્માષ્ટમીએ પણ લોકોએ ઘરમાં ભરાઈ રહેવું પડ્યું. વરસાદના પહેલા રાઉન્ડમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઠેર ઠેર પાણીમાં ગામેગામ ડૂબી ગયાં હતાં. હવે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એ હાલત છે.

વરસાદના કારણે સૌરાષ્ટ્ર આખું ડૂબી ગયું હોય એવી હાલત છે તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરા સહિતનાં શહેરો તો જળબંબાકાર થઈ ગયાં છે. વડોદરા તો એક દિવસ પડેલા દેમાર વરસાદમાં આખું ડૂબી ગયું હતું ને તેની કળ વળ તે પહેલાં તો ફરી વરસાદે બીજો રાઉન્ડ શરૂ કરી દેતાં વડોદરાની હાલત પાછી બગડી ગઈ છે. અમદાવાદમાં આ સિઝનમાં બહુ વરસાદ નહોતો પડ્યો પણ આ વખતે અમદાવાદે પણ દેમાર વરસાદ જોઈ લીધો. અમદાવાદમાં વરસાદના કારણે લોકોએ ઘરમાં ભરાઈ રહેવું પડે એવું ભાગ્યે જ બનતું હોય છે પણ આ વખતે સળંગ બે દિવસ અમદાવાદીઓએ ઘરમાં ભરાઈ રહેવું પડ્યું.

ગુજરાતમાં વરસાદના કારણે ૨૦થી વધારે લોકોનાં મોત થયાં છે અને કરોડોનું નુકસાન થયું છે. આખા ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન સેવાઓ ખોરવાઈ છે. સ્કૂલ-કોલેજો પણ બંધ છે. સાર્વત્રિક વરસાદના કારણે ૧ હજારથી વધુ રૂટ પર બસો રદ કરવામાં આવી છે અને ૪ હજારથી વધુ ટ્રીપ પણ મુલતવી રાખવામાં આવી છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. રેલવેએ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા છે અને ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. સંખ્યાબંધ ફ્લાઈટ મોડી પડી છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પાણી ઓસર્યા ન હોવાથી લોકો ઘરમાં ભરાઈને દિવસો કાઢી રહ્યા છે.

ગુજરાતીઓએ સળંગ દિવસ સુધી વરસાદનો ઝંઝાવાત જોયો ને હવે રાહતના સમાચાર એ છે કે, ગુરૂવારથી વરસાદ વિરામ લેવાનો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરૂવારે સવાર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન વિસ્તારોમાંથી બહાર નીકળીને પાકિસ્તાન તરફ આગળ વધશે તેથી હવે પાકિસ્તાનનો વારો પડવાનો છે.

ગુજરાતમાં વરસાદે બોલાવેલી ધડબડાટીના કારણે એ જ જૂની સમસ્યા તરફ પાછું ધ્યાન ગયું છે. મતલબ કે, વરસાદ ના પડે ત્યારે ગુજરાત પાણીની અછતથી ત્રસ્ત હોય ને વરસાદ આવે ત્યારે પાણીનું શું કરવું તેની સમસ્યાથી ત્રસ્ત હોય. ગુજરાતમાં જેવી વરસાદની રમઝટ બરાબર જામવા માડે કે તરત જ પાણી ભરાવાની ને લોકોના ફસાવાની સમસ્યા શરૂ થઈ જાય છે. અઠવાડિયું વરસાદ પડે તેમાં તો પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેની ખબર જ ના પડે એવી હાલત થઈ જાય છે અને અત્યારે એ જ સ્થિતિ છે. દેમાર વરસાદને કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને પાણીનો નિકાલ કેમ કરવો તેની સૂઝ પડતી નથી.

આ સ્થિતિ વરસોથી છે ને ગુજરાત સરકારે આ વાતને હવે ગંભીરતાથી લેવાની જરૂર છે. આ વાત માત્ર ગુજરાતની નથી પણ આખા દેશની છે. ગુજરાતની જેમ જ્યાં પણ વરસાદ પડે છે ત્યારે આ જ સ્થિતિ સર્જાય છે છતાં આપણે કશું કરી શકતા નથી કેમ કે આપણે વોટર મેનેજમેન્ટમાં સાવ કાચા સાબિત થયા છીએ. વરસાદી પાણી આવવાનું છે એ સનાતન સત્ય હોવા છતાં વરસાદી પાણીનો બે-ચાર કલાકમાં નિકાલ થઈ જાય ને ભવિષ્યમાં તેનો ઉપયોગ લોકોના ભલા માટે કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી શક્યા નથી એ કડવી વાસ્તવિકતા છે.

આ વાત માત્ર ગુજરાતની નથી પણ ગુજરાતની જેમ દેશના દરેક રાજ્યને તેનો અનુભવ દર ચોમાસામાં થાય જ છે. સેંકડો ગામો પાણીમાં ડૂબીને સંપર્ક વિનાનાં થઈ ગયાં છે. ઘણાં ગામોમાં તો દિવસો લગી દસ-દસ ફૂટ પાણી ભરાયેલાં રહે છે. આ પાણી ક્યારે ઓસરશે એની ખબર જ નથી હોતી કેમ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. ખાલી ડેમ છલકાઈ જાય પછી પાણી ગામોમાં ઘૂસીને તબાહી વેરી જાય છે. પહેલાં ટેક્નોલોજી નહોતી એ જોતાં ભૂતકાળમાં એ સ્થિતિ સર્જાતી એ સમજી શકાતિ પણ હવે ટેક્નોલોજી છે એ જોતાં આ સ્થિતી સર્જાય એ શરમજનક કહેવાય.

આ સ્થિતિ બદલવા માટે રાષ્ટ્રીય નીતિની જરૂર છે. નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પહેલાં બીજી વાર વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર ‘મન કી બાત’ કરી ત્યારે દેશમાં પાણીના કકળાટ વિશે માંડીને વાત કરેલી. મોદીએ દેશમાં પાણીની સ્થિતિ ગંભીર છે એ કબૂલીને લોકોને ત્રણ વિનંતી કરી હતી.

પહેલી વિનંતી સ્વચ્છતા અભિયાનની જેમ દેશમાં જળસંયચ અભિયાન શરૂ કરવાની કરી હતી. બીજી વિનંતી જળસંચય માટે પરંપરાગત રીતે જે પદ્ધતિઓ અપનાવાતી હતી તેનું જ્ઞાન બીજાં લોકો સુધી પહોંચાડવાની હતી. ત્રીજી વિનંતી તેમણે દેશમાં જળસંચય માટે કામ કરતાં લોકો અને સંસ્થાઓનાં નામ લોકો સુધી પહોંચાડવાની કરી કે જેથી એક ડેટાબેઝ તૈયાર કરી શકાય. પોતાની સરકારે અલગ જળશક્તિ મંત્રાલય ઊભું કર્યું છે ત્યારે તેનો લાભ લેવાની વિનંતી કરીને મોદીએ જળસંચયને એક દેશવ્યાપી અભિયાનમાં ફેરવી દેવાની અપીલ કરી હતી.

મોદીએ જળસંચય મોરચે આપણી મર્યાદા પ્રમાણિકતાથી કબૂલી હતી. આપણે ત્યાં પડતા વરસાદમાંથી માત્ર ૮ ટકા વરસાદી પાણી જ આપણે સંગ્રહી શકીએ છીએ એ કબૂલાત તેમણે કરી હતી. એ વખતે તેમણે આ પ્રમાણ વધારવા પર ભાર મૂક્યો હતો.

મોદીએ જે મુદ્દો ઉપાડ્યો એ જરૂરી ને સમયસરનો હતો પણ કમનસીબે રાજ્ય સરકારે તેને ગંભીરતાથી લીધી નહીં તેથી પાંચ વર્ષ પછી સ્થિતિ એ જ છે. વાંધો નહીં, મોદી સરકાર જાગ્યા ત્યારથી સવાર કરીને જળ સંચાલન માટે પંચવર્ષિય યોજના પ્રકારની કોઈ યોજના જાહેર કરીને રાજ્યોને ફરી દોડતાં કરે તો ભવિષ્યમાં તેનાં સારાં ફળ ચાખી જ શકાશે.

વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ કરવાના મુદ્દે આપણે સાવ ભોટ સાબિત થયા છીએ. આપણી પાસે કોઈ આયોજન જ નથી. ભારતમાં વરસાદ દ્વારા દર વર્ષે ૨૫૩ અબજ ક્યૂબિક મીટર પાણી પ્રાપ્ત થાય છે પણ તેમાંથી માત્ર ૮ ટકા પાણીનો જ આપણે સંગ્રહ કરી શકીએ છીએ. બાકીનું ૯૨ ટકા પાણી તો વેડફાઈ જાય છે. આ પ્રમાણ ધીરે ધીરે વધે તો પણ બહુ મોટું કામ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button