માલદીવને બતાવી દેવા લક્ષદ્વીપ પર જોખમ ઊભું ના કરાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની પ્રસંશા કરી તેની માલદીવના ત્રણ પ્રધાનોએ મજાક ઉડાવી તેના કારણે શરૂ થયેલો ભારત અને માલદીવનો વિવાદ શમ્યો નથી. માલદીવના પ્રમુખ મુઈઝ્ઝુએ મોદી અને ભારત સામે ગંદી કોમેન્ટ કરનારા ત્રણ પ્રધાનો માલશા શરીફ, મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદને રવાના તો કરી દીધાં પણ માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછા બોલાવી લેવા માટે ૧૫ માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપીને નવો પલિતો પણ ચાંપી દીધો છે.
માલદીવની આ હરકતોના કારણે ભારતીયો સ્વાભાવિક રીતે જ ગુસ્સામાં છે ને માલદીવનો બહિષ્કાર કરવાની વાતો જોરશોરથી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર તો જે લોકો જીંદગીમાં કદી માલદીવ જવાના નથી એવો લોકો પણ કૂદી કૂદીને માલદીવનો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે. મોદીએ લક્ષદ્વીપનાં વખાણ કર્યાં તેમાં માલદીવનાં પ્રધાનોને મરચાં લાગી ગયેલાં ને ગંદી કોમેન્ટ્સ કરેલી તેથી ચલો લક્ષદ્વીપ નામે અભિયાન પણ જોરશોરથી શરૂ થયું છે.
આપણે ત્યાં કોઈ પણ વાતમાં હઈસો હઈસો જ ચાલે છે ને લોકો સમજ્યા વિના કૂદી પડે છે. ચલો લક્ષદ્વીપ અભિયાનમાં પણ એવું જ થયું છે. ભારતના નકશામાં લક્ષદ્વીપ ક્યાં છે તેની ગતાગમ નથી એવા લોકો પણ સોશિયલ મીડિયા પર ચલો લક્ષદ્વીપ કરીને મચી પડ્યા છે. સોશિયલ મીડિયા પર ચલો લક્ષદ્વીપ અભિયાન ચાલવનારા લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની વાતો કરી રહ્યા છે.
આ માહોલમાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલે લોકો કરેલી વાસ્તવિક વાતોના કારણે ચલો લક્ષદ્વીપ અભિયાન ચલાવનારાંના ઉત્સાહમાં પંક્ચર પડી ગયું છે. ફૈઝલના કહેવા પ્રમાણે, લક્ષદ્વીપ પર હોટેલના માત્ર ૧૫૦ રૂમ છે અને ફ્લાઈટ્સ પણ બહુ ઓછી છે તેથી લક્ષદ્વીપ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આવકારી શકે તેમ જ નથી. માલદીવમાં ૧૭૦ બીટ રિસોર્ટ છે ને તેના કરતાં પણ ઓછા રૂમ લક્ષદ્વીપ પર છે. માલદીવમાં ૯૦૦ તો ગેસ્ટ હાઉસ છે કે જેના રૂમોની સંખ્યા હજારોમાં છે એ જોતાં લક્ષદ્વીપનું પ્રવાસીઓ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર માલદીવની સરખામણી કરી શકે તેમ જ નથી એનું મોહમ્મદ ફૈઝલે આડકતરી રીતે કહી દીધું છે.
મોહમ્મદ ફૈઝલે બીજી જે મહત્ત્વની વાત કરી તેના પર ધ્યાન આપવાની જરૂર છે. ફૈઝલના કહેવા પ્રમાણે, લક્ષદ્વીપ પર હોટેલના રૂમ અને ફ્લાઈટ્સ વધારવામાં આવે તો પણ પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવી શકે તેમ નથી કારણ કે લક્ષદ્વીપની ઈકોસિસ્ટમ ખૂબ જ સંવેદનશીલ છે અને વધારે લોકોને સહન કરી શકશે નહીં. ફૈઝલે સાફ શબ્દોમાં કહ્યું છે કે, અમે નથી ઈચ્છતા કે લક્ષદ્વીપમાં અચાનક જ વધુ પ્રવાસીઓ આવે કેમ કે વધારે પ્રવાસીઓ આવશે તો બધું પડી ભાંગશે.
ફૈઝલની વાતો ઘણાં લોકોને ગમી નથી ને તેના પર ગંદી કોમેન્ટસ પણ કરાઈ છે. ફૈઝલ એક તો મુસ્લિમ છે ને પાછા એનસીપીના નેતા છે તેથી આ મુદ્દે પણ કોમેન્ટસ થઈ છે પણ તેને અવગણીને મુખ્ય મુદ્દા પર આવીએ. ફૈઝલે જે કહ્યું એ નક્કર વાસ્તવિકતા છે ને સાફ શબ્દોમાં કહીએ તો લક્ષદ્વીપ કોઈ રીતે પ્રવાસનની રીતે માલદીવની બરાબરી કરી શકે તેમ નથી. ઘણાંને આ વાત ખરાબ લાગશે પણ સવાલ એ છે કે, આપણે માલદીવ સાથે લક્ષદ્વીપની સરખામણી શું કરવા કરવી છે?
માલદીવ ના જવાય તો લક્ષદ્વીપ જવાની વાત ભલે છેડી દેવાઈ પણ લક્ષદ્વીપ પર વધારે બોજ નાંખી શકાય તેમ નથી તો શું કરવા લક્ષદ્વીપ પર વધારે બોજ નાંખવો છે? જે લોકો માલદીવના બદલે લક્ષદ્વીપ જવાનાં સપનાં જોતા હશે તેમને આંચકો લાગશે ને તેમણે પોતાનો પ્લાન માંડી વાળવો પડશે પણ માનો કે માલદીવ ના જવાય તો પણ શું ફરક પડી જવાનો છે? વરસમાં માલદીવ જનારા ભારતીયોની સંખ્યા માંડ બે-અઢી લાખની છે. એ લોકો માટે થઈને લક્ષદ્વીપને બરબાદ ના કરાય.
જેમને ફૈઝલની વાત ખરાબ લાગી હોય તેમણે દસ વર્ષમાં મોદી સરકારે લક્ષદ્વીપમાં પ્રવાસનના વિકાસ માટે કેમ પ્રયત્નો ના કર્યા એ સમજવું જોઈએ. મોદી સરકારે દેશભરમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવા પ્રયત્ન કર્યો પણ લક્ષદ્વીપને છોડી દીધું તેનું કારણ ફૈઝલે દર્શાવેલો ખતરો જ છે તેથી ફૈઝલની ટીકા કરવાના બદલે વાસ્તવિકતાને સમજવી જોઈએ અને કુદરતની અસીમ કૃપા જેવા લક્ષદ્વીપને સાચવવા વિશે વિચારવું જોઈએ.
આપણેત્યાં મોટા ભાગનાં લોકોને લક્ષદ્વીપની ભૌગૌલિક રચનાની ખબર નથી. હિંદ મહાસાગરમાં આવેલું લક્ષદ્વીપ આમ તો ૩૬ ટાપુઓનો સમૂહ છે પણ તેમાંથી માત્ર ૧૦ ટાપુઓ પર જ લોકો રહે છે. કાવારત્તી, અગાત્તી, અમિની, કદમત, કિલાતન, ચેતલત, બિત્રા, અન્દોહ, કલ્પની અને મિનિકોય એ દસ ટાપુ પર વસતી છે પણ આ વસતી બહુ ઓછી છે. લક્ષદ્વીપમાં બધાં મળીને ૬૫ હજારની આસપાસ લોકો છે ને આ પૈકી મોટા ભાગનાં લોકો આઠ ટાપુ પર રહે છે કેમ કે બિત્રામાં માત્ર ૨૭૧ લોકો અને બાંગારામ ટાપુમાં ૬૧ લોકો રહે છે. આ ગણતરી પ્રમાણે લક્ષદ્વીપના આઠ ટાપુ પર સરેરાશ ટાપુદીઠ આઠ હજાર લોકો થયાં.
લક્ષદ્વીપના બાકીના ૨૬ ટાપુઓ નિર્જન અથવા ઉજ્જડ છે અને આ ટાપુઓ પર પ્રવાસન ઉદ્યોગ વિકસાવી શકાય પણ તેમાં પણ મર્યાદા છે. લક્ષદ્વીપનું જમીનનું માળખું ગમે ત્યારે ધરાશાયી થઈ જાય ને આખા ટાપુ દરિયામાં જતા રહે એવો ખતરો હોવાથી બહુ સાચવીને આગળ વધવું પડે છે. લક્ષદ્વીપના વિકાસ માટે શું કરવું તેની ભલામણ કરવા જસ્ટિસ રવિન્દ્રમ કમિશન રચેયલું. સુપ્રીમ કોર્ટના આદેશથી રચાયેલા આ કમિશને લક્ષદ્વીપમાં ‘ઇન્ટિગ્રેટેડ આઇલેન્ડ મેનેજમેન્ટ પ્લાન’ના આધારે વિકાસ કરવાની ભલામણ કરેલી. મોદી સરકાર તેને વળગીને આગળ વધી રહી છે. બાકી પ્રવાસનનો વિકાસ કરવો હોય તો ફટાફટ થઈ જાય પણ મોદી સરકાર જ એવું કરીને લક્ષદ્વીપને ખતરામાં મૂકવા નથી માગતી.
માલદીવની હલકટાઈને જોતાં ભારતીયો તેનો બહિષ્કાર કરે એ યોગ્ય છે પણ માલદીવને બતાવી આપવા લક્ષદ્વીપને ખતરામાં ના મૂકી શકાય. આ સ્થિતિમાં ભારતીયોએ દરિયાકિનારે ફરવાની મજા માણવી જ હોય તો બીજા વિકલ્પો વિશે વિચારવું જોઈએ. દુનિયામાં માલદીવ એકલું થોડું છે કે જેની પાસે સારો દરિયાકિનારો છે?