એકસ્ટ્રા અફેર

શિવરાજ મામા ફરી મુખ્ય પ્રધાનપદને લાયક હતા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભાજપે અંતે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનઓના નામની જાહેરાત કરી દીધી અને વધુ ત્રણ નેતાને માર્ગદર્શક મંડળમાં નાંખી દીધા. ભાજપના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો શિવરાજસિંહ ચૌહાણ, ડૉ. રમણસિંહ અને વસુંધરા રાજે વધુ એક તક મળે એવી આશા રાખીને બેઠેલાં પણ નરેન્દ્ર મોદીએ તેમને કોરાણે મૂકીને નવા ચહેરાઓને તક આપવાનું પસંદ કર્યું.
આ ત્રણ પૈકી સૌથી કરુણાંત શિવરાજ મામાનો કહેવાય કેમ કે શિવરાજસિંહ ચૌહાણ તો ભાજપને ફરી જીતાડ્યા પછી પણ લટકી ગયા છે. વસુંધરા રાજે અને ડૉ. રમણસિંહ સત્તામાં નહોતા પણ શિવરાજસિંહ ચૌહાણ તો સત્તામાં હતા. મધ્ય પ્રદેશમાં ભાજપ ફરી જંગી બહુમતીથી જીત્યો તેનો યશ શિવરાજસિંહને પણ જતો હતો કેમ કે શિવરાજે લાડલી બહેના સહિતની યોજનાઓ દ્વારા ભાજપની જીતમાં સૌથી મોટું યોગદાન આપેલું.

છત્તીસગઢ અને રાજસ્થાનની જેમ ૨૦૧૮માં ભાજપ મધ્ય પ્રદેશમાં પણ હારી ગયો હતો ને કૉંગ્રેસના કમલનાથ મુખ્ય પ્રધાન બનેલા. શિવરાજસિંહ ચૌહાણે જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે બળવો કરાવીને કૉંગ્રેસમાં ભંગાણ કરાવ્યું ને ભાજપને સત્તા અપાવીને માત્ર હારેલું રાજ્ય જ પાછું ના અપાવ્યું પણ એ પછી સારું શાસન ચલાવીને લોકોનો વિશ્ર્વાસ પણ જીત્યો. ૨૩૦ બેઠકોની વિધાનસભામાં ભાજપે ૧૬૩ બેઠકો જીતીને છાકો પાડી દીધો તેનું એક કારણ શિવરાજસિંહ ચૌહાણે સત્તામાં પુનરાગમન પછી ચલાવેલી લોકભોગ્ય યોજનાઓ છે ને છતાં શિવરાજને તગેડી મૂકાયા.
શિવરાજસિંહ માટે આ નિર્ણય એ રીતે પણ આંચકાજનક છે કે, મધ્ય પ્રદેશમાં ભાજપને અજેય બનાવવામાં તેમનું મોટું યોગદાન છે. ભાજપ મધ્ય પ્રદેશમાં બરાબર જામેલો છે ને છેલ્લાં ૨૦ વર્ષમાંથી ૧૮ વર્ષથી વધારે સમય સુધી ભાજપની સરકાર રહી તેનું શ્રેય શિવરાજસિંહને જાય છે. ભાજપે મધ્ય પ્રદેશમાં ૨૦૦૩માં સત્તા કબજે કરી ત્યારે ઉમા ભારતીને મુખ્ય પ્રધાન બનાવેલાં. ઉમા ભારતી રાષ્ટ્રધ્વજના અપમાનના કેસમાં ફસાતાં ભાજપે તેમને તગેડીને બાબુલાલ ગોરને મુખ્ય પ્રધાન બનાવેલા.

બાબુલાલ ગોરે જીંદગીમાં કદી મુખ્ય પ્રધાન બનવાની કલ્પના નહોતી કરી તેથી આટલો મોટો હોદ્દા મળ્યો તેમાં એ છકી ગયા. ભોપાલની બે મુસ્લિમ બહેનોના ચક્કરમાં એ એવા ફસાયેલા કે, તેમના કહ્યા પ્રમાણે જ બધું કરતા ને તેમાં ભાજપનાં વળતાં પાણી થયાં. બાબુલાલ ગોર ભાજપને સાવ ડૂબાદી દે એ પહેલાં જાગેલા હાઈકમાન્ડે બાબુલાલ ગોરને હટાવીને શિવરાજસિંહ ચૌહાણને મુખ્ય પ્રધાન બનાવ્યા તેમાં ભાજપ ફરી બેઠો થઈ ગયો.

શિવરાજસિંહ ચૌહાણે ભાજપના પાયા મજબૂત કરીને ૨૦૦૮ અને ૨૦૧૩માં એમ બે વાર સળંગ બે ચૂંટણી જીતાડી હતી. ૨૦૧૩ની ચૂંટણીમાં તો ૨૩૦ બેઠકોની વિધાનસભામાં ભાજપે ૧૬૫ બેઠકો જીતીને છાકો પાડી દીધેલો. ૨૦૧૮ની ચૂંટણી વખતે ખેડૂતોની નારાજગી ભાજપને નડી ગયેલી. ખેડૂતો પર થયેલા પોલીસ ગોળીબારમાં છ ખેડૂતો માર્યા ગયા તેનો આક્રોશ હતો તેથી કૉંગ્રેસ ફાવી ગયેલી.

કૉંગ્રેસે ખેડૂતોની નારાજગીનો લાભ લેવા પૂરી તાકાત લગાવી દીધેલી. એ વખતે જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રદેશ પ્રમુખ હતા ને તેમણે આક્રમક પ્રચાર કરેલો. કૉંગ્રેસે વ્યાપક કૌભાંડ સહિતના મુદ્દે હોહા કરીને ભ્રષ્ટાચારના મુદ્દાને પણ ચગાવ્યો હતો. આ બધું જોતાં શિવરાજસિંહનું ધોવાણ નક્કી મનાતું હતું પણ શિવરાજસિંહે ભારે ઝીંક ઝીલીને કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી નહોતી મેળવવા દીધી.
કૉંગ્રેસનો પનો ત્રણ બેઠકો માટે ટૂંકો પડ્યો ને તેણે બીજા પક્ષોનો સાથ લઈને સરકાર તો રચી પણ જ્યોતિરાદિત્ય સિંધિયાના બદલે કમલનાથને મુખ્ય પ્રધાન બનાવીને મોટી ભૂલ કરી નાંખી. રાજકારણના જૂના ખેલાડી શિવરાજસિંહ સમજી ગયેલા કે, નારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાને સાધીને ભાજપ ફરી સત્તામાં આવી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપ તરફ ખેંચવા તેમણે બાજી ગોઠવવા માંડી ને સવા વરસમાં તો કમલનાથને ઉથલાવીને શિવરાજસિંહ ફરી ગાદી પર બેસી ગયેલા.

મધ્ય પ્રદેશમાં ભાજપને સત્તામાં વાપસી કરાવીને શિવરાજસિંહે પોતાની મુત્સદીગીરીનો પરચો આપેલો કેમ કે ભાજપની નજર રાજસ્થાન પર પણ હતી પણ રાજસ્થાનમાં ભાજપ ફાવ્યો નહોતો. રાજસ્થાનમાં પણ ભાજપે સચિન પાયલોટને બાજુ પર મૂકીને અશોક ગહલોતને મુખ્ય પ્રધાન બનાવ્યા તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ સચિન પાયલોટ પણ નારાજ હતા. ભાજપે સચિન પાયલોટની નારાજગીનો લાભ લેવા બહુ મથામણ કરી.

અમિત શાહ પોતે મેદાનમાં આવેલા ને સચિન પાયલોટ પાસે બગાવત પણ કરાવી દીધેલી પણ કોંગ્રેસમાં ભંગાણ સર્જીને સરકાર નહોતા બનાવી શક્યા. શિવરાજસિંહ જે પરાક્રમ કરી શક્યા એ ભાજપના દિગ્ગજો નહોતા કરી શક્યા એ જોતાં શિવરાજ ફરી મુખ્ય પ્રધાન બનવા માટે લાયક હતા પણ ભાજપે તેમને ગણતરીમાં જ ના લીધા. પહેલાં ફરી સત્તામાં આવવા તેમને વાપર્યા ને પછી ફેંકી દીધા.

શિવરાજસિંહની ઉંમર પણ માત્ર ૬૪ વર્ષ છે એ જોતાં તેમને ફરી મુખ્ય પ્રધાન બનાવવામાં કોઈ બાધ નહોતો. વસુંધરા ૭૦ વર્ષનાં છે ને ડૉ. રમણસિંહ ૭૨ વર્ષના છે તેથી તેમને ઉંમરના બહાને દૂર કરાયાં એ સમજી શકાય પણ શિવરાજની તો ઉંમર પણ બહુ નાની છે છતાં પતાવી દેવાયા.

શિવરાજસિંહ એક જમાનામાં લાલકૃષ્ણ અડવાણીની અત્યંત નજીક હતા ને ભવિષ્યમાં ભાજપના કર્ણધાર બનશે એવું મનાતું હતું. ભાજપમાં નરેન્દ્ર મોદીનો ઉદય થયો પછી પહેલાં લાલકૃષ્ણ અડવાણીને કોરાણે મૂકી દેવાયા ને પછી ધીરે ધીરે તેમના નજીકના માણસોનાં પત્તાં કાપી નંખાયાં. શિવરાજસિંહ ચૌહાણનો એ વખતે જ વારો પડી જશે એવું મનાતું હતું પણ શિવરાજસિંહ ઝીંક ઝીલીને ટકી ગયેલા. મધ્ય પ્રદેશમાં ભાજપ પાસે બીજો કોઈ મજબૂત નેતા નહીં હોવાથી નવાસવા આવેલા મોદીએ શિવરાજને ટચ નહોતા કર્યા પણ હવે તક મળતાં વેતરી નાંખ્યા.

શિવરાજસિંહ ચૌહાણ હવે શું કરશે એ ખબર નથી પણ તેમને કેન્દ્ર સરકારમાં પ્રધાન બનાવાય એવી પૂરી શક્યતા છે. લોકસભાની ચૂંટણીને બહુ સમય નથી બચ્યો ત્યારે શિવરાજને ફરી લોકસભાની ચૂંટણી લડાવીને કેન્દ્રમાં લઈ જવાય એવું બને. શિવરાજ પહેલાં કેન્દ્રમાં પ્રધાન હતા જ ને ફરી એ રોલમાં આવી શકે પણ એ તેમના માટે ડીમોશન હશે. ૧૫ વર્ષ સુધી મધ્ય પ્રદેશ જેવા રાજ્યના મુખ્ય પ્રધાનપદે રહેનારા શિવરાજને કેન્દ્રમાં ગમે તેટલું મોટું ખાતું અપાય તો પણ તેમની સાથે અન્યાય જ કહેવાશે. ને રાજ્યપાલ બનાવાય તો સાવ શરમજનક સ્થિતિ કહેવાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button