એકસ્ટ્રા અફેર : સત્યપાલ મલિક સામે કાર્યવાહીમાં આટલો વિલંબ કેમ?

- ભરત ભારદ્વાજ
એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે સનસનાટીભર્યા આક્ષેપો કરનારા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ જમ્મુ અને કાશ્મીરના કિ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં 2,200 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બદલ સત્યપાલ મલિક સહિત છ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. મલિક ઓગસ્ટ 2018થી ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. એ વખતે તેમનો ભારે દબદબો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માનીતા સત્યપાલ મલિકનો પડ્યો બોલ ઝિલાતો ને હવે એ જ મલિક ભ્રષ્ટાચારના કેસમાં કેન્દ્રીય એજન્સીની ઝપટે ચડી ગયા છે.
કિ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ લગભગ 4,700 કરોડ રૂપિયાનો હતો ને તેમાં લગભગ 2,200 કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોવાનો સીબીઆઈનો આરોપ છે. સીબીઆઈના આરોપનામા પ્રમાણે, સિવિલ વર્ક્સ કોન્ટ્રાક્ટ્સ આપવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયેલો. એ વખતે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન હતું ને રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિક સર્વેસર્વા હતા. તેનો લાભ લઈને મલિકે બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સીબીઆઈનો દાવો છે.
રસપ્રદ વાત એ છે કે, આ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ સૌથી પહેલાં સત્યપાલ મલિકે જ કર્યો હતો અને પોતે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે બે પ્રોજેક્ટ રદ કર્યા હતા. સત્યપાલ મલિકે 17 ઓક્ટોબર 2021ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુમાં એક કાર્યક્રમમાં ધડાકો કરેલો કે પોતે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે કિ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ઘાલમેલ બદલ તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી પણ તેમણે લાંચ લેવાનો ઇનકાર કરી દીધો હતો.
મલિકના દાવા પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હોવાથી મંજૂરી માટે તેમની પાસે બે ફાઇલો આવી હતી. આ પૈકી એક ફાઈલ મોટા ઉદ્યોગપતિની અને બીજી ફાઈલ મહેબૂબા મુફ્તી અને ભાજપની મોરચા સરકારના મંત્રીની હતી. એક ફાઈલના 150 કરોડ રૂપિયા લેખે બંને ફાઇલો માટે કુલ 300 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. મલિકે દાવો કરેલો કે, તેમના સેક્રેટરીએ તેમને કૌભાંડ થયું હોવાની માહિતી આપી પછી તેમણે બંને સોદા રદ કર્યા હતા.
મલિકના દાવાના પગલે જમ્મુ અને કાશ્મીર સરકારે સીબીઆઈને તપાસ સોંપી હતી. સીબીઆઈએ એપ્રિલ 2022માં બે એફઆઈઆર નોંધી હતી. પહેલી એફઆઈઆર 2017-18માં જમ્મુ અને કાશ્મીર કર્મચારી આરોગ્ય સંભાળ વીમા યોજનાનો કોન્ટ્રાક્ટ આપવા માટે એક વીમા કંપની પાસેથી 60 કરોડ રૂપિયા લાંચ લેવા એંગે હતી. મલિક રાજ્યપાલ બન્યા એ પહેલાં જમ્મુ અને કાશ્મીર કર્મચારી આરોગ્ય સંભાળ વીમા યોજનાનો કોન્ટ્રાક્ટ અપાયેલો પણ મલિકનું નામ તેમાં આવેલું.
બીજી એફઆઈઆર 2019માં એક ખાનગી કંપનીને કિ હાઇડ્રોપાવર પ્રોજેક્ટના સિવિલ વર્ક માટે 2,200 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારને લગતી હતી. સીબીઆઈ આ બંને કેસોની તપાસ કરી રહી હતી ને આ કેસના સંદર્ભમાં સીબીઆઈએ 22 ફેબ્રુઆરી 2024ના રોજ સત્યપાલ મલિકના દિલ્હી તથા અન્ય 29 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈના દરોડા પછી, મલિકે હુંકાર કરેલો કે સીબીઆઈએ મારા ઘરે દરોડા પાડ્યા પણ જે લોકો સામે મેં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી તેમની સામે તપાસ કરવામાં આવી નથી.
આ દરોડા પછી સીબીઆઈએ હવે ચાર્જશીટ દાખલ કરી છે તેથી સત્યપાલ મલિકને ગમે ત્યારે ઉઠાવીને જેલમાં નાખી શકાય. અલબત્ત ચાર્જશીટ દાખલ થયા પછી, સત્યપાલ મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને દાવો કર્યો કે, પોતાની બંને કિડની કામ કરતી નથી તેથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોતે કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં પણ નથી. મલિકના કહેવા પ્રમાણે, તેમને શુભેચ્છકોના ફોન આવી રહ્યા છે પણ પોતે તેમનો જવાબ આપી શકતા નથી.
મલિકે પોતે હૉસ્પિટલના બિછાને પડ્યા હોય એનો ફોટો પણ મૂક્યો છે. મલિકની બીમારી જેન્યુઈન છે કે રાજકીય છે એ કહેવું મુશ્કેલ છે. રાજકારણીઓ જેલમાં જવાનું આવે ત્યારે બીમાર પડી જતા હોય છે ને હૉસ્પિટલમાં દાખલ થવાનો દાવ ખેલી નાખે છે કે જેથી કોર્ટમાંથી રાહત મેળવી શકાય. મલિક રીઢા રાજકારણી છે તેથી તેમણે પણ આ જૂનો દાવ ખેલ્યો હોય એ શક્યતા નકારી ના શકાય. અલબત્ત તેમની બીમારી જેન્યુઈન હોય, તેમની બંને કિડની કામ કરતી ના હોય એ વાત સાચી પણ હોઈ શકે.
સીબીઆઈ તેની તપાસ કરીને આગળ પગલાં ભરશે જ તેથી એ વાતની ચર્ચા કરવાનો મતલબ નથી પણ મલિક સામેના ચાર્જશીટે રાજકીય ચર્ચા ચોક્કસ જગાવી છે. સાથે સાથે સવાલ પણ ઊભો કર્યો છે કે, સીબીઆઈ ખરેખર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા કામ કરે છે ખરી? કદાચ નથી કરતી કેમ કે મલિક સામે ચાર્જશીટ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે કરાયેલા ભ્રષ્ટાચાર માટે દાખલ થઈ છે પણ એ પછી મલિક બે રાજ્યોના રાજ્યપાલ રહ્યા. ભ્રષ્ટાચાર કર્યો હોવા છતાં ત્રણ વર્ષ સુધી રાજ્યપાલપદ ભોગવ્યું.
મલિક જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે તો સવા વરસથી પણ ઓછા સમય માટે જ હતા. મલિક 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 દરમિયાન એટલે કે લગભગ 14 મહિના માટે કાશ્મીરના રાજ્યપાલ હતા. એ દરમિયાન મહેબૂબા મુફતી સરકારને ઘરભેગી કરીને જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય તેમણે લીધો હતો. કલમ 370 નાબૂદ કરાઈ ત્યારે પણ મલિક જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા.
મલિકને 2019ના ઓક્ટોબરમાં કાશ્મીરથી ગોવા મોકલાયા કેમ કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જતાં રાજ્યપાલનો હોદ્દો નાબૂદ કરીને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરાઈ હતી. મલિક ત્રીજી નવેમ્બર 2019થી 18 ઓગસ્ટ 2020 સુધી ગોવાના રાજ્યપાલ હતા અને 18 ઓગસ્ટ 2020થી ત્રીજી ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના રાજ્યપાલ હતા.
2022માં ખેડૂત આંદોલન મુદ્દે તેમણે મોદી સરકાર વિરોધી નિવેદનો ફટકારવા માંડ્યા તેમાં તેમનું રાજકીય પતન થયું, બાકી આ કહેવાતા ભ્રષ્ટાચારના ત્રણ વર્ષ પછી પણ સત્તામાં હતા જ. મલિકની વિદાય પછી લેફ્ટનન્ટ ગવર્નર તરીકે આવેલા ગિરિશચંદ્ર મૂર્મુ અને પછી આવેલા મનોજ સિંહાને મલિકના કહેવાતા ભ્રષ્ટાચારની ખબર ના પડી હોય એ શક્ય નથી.
આ કહેવાતા ભ્રષ્ટાચારની એફઆઈઆર પણ મલિકે કાશ્મીરના રાજ્યપાલપદેથી વિદાયના 3 વર્ષ પછી મોદીવિરોધી નિવેદનો આપ્યાં પછી નોંધાઈ. ચાર્જશીટ પણ હવે છેક છ વર્ષ પછી દાખલ કરાઈ છે એ જોતાં મલિક 2,200 કરોડ રૂપિયાના જંગી કૌભાંડમાં સામેલ હોય તો પણ તેમને કશું થાય એવી શક્યતા ઓછી છે.
આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : માનસરોવર યાત્રાને મંજૂરી: લાલો લાભ વિના લોટે નહીં