એકસ્ટ્રા અફેર

સાનિયાના શોએબને ખુલા, ભારતીયોને ગર્વ થવો જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહાન અવસરના કારણે બાકીના બધા સમાચાર બાજુ પર મૂકાઈ ગયેલા. તેમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું લગ્નજીવન પતી ગયું એ પણ એક સમાચાર છે. શોએબ મલિક ક્રિકેટના મેદાન પર તો બહુ જોરદાર ખેલાડી સાબિત નહોતો થયો પણ અંગત જીવનમાં મોટો ખેલાડી ચોક્કસ સાબિત થયો કેમ કે એક તરફ તેનું હોટ એક્ટ્રેસ આયેશા ઉમર સાથે ચક્કર ચાલતું હોવાની વાતો ચાલતી હતી ને બીજી તરફ શોએબ સના જાવેદ નામની બીજી હોટ પાકિસ્તાની એક્ટ્રેસ સાથે રંગરેલિયાં મનાવી રહ્યો હતો.

શોએબ અને આયશા વચ્ચેના અફેરની સાનિયાને ખબર પડી જતાં બંને લાંબા સમયથી અલગ થઈ ગયાં હોવાની વાતો પણ ચાલતી હતી. શોએબ અને આયશાની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી હતી તેથી સૌએ માની જ લીધેલું કે, આયશા સાથેના અફેરના કારણે જ સાનિયા શોએબથી અલગ થઈ ગઈ છે ત્યાં શોએબે સના જાવેદ સાથે લગ્ન કરી લીધાં હોવાનો ધડાકો કરી નાંખ્યો. શોએબે સના જાવેદ સાથેના લગ્નની તસવીરો મૂકીને સૌને સાચા અર્થમાં ચોંકાવી દીધા એમ કહીએ તો ચાલે કેમ કે સના અને શોએબ વચ્ચે અફેર હોવાની કોઈને ગંધ સુદ્ધાં નહોતી આવી.

પાકિસ્તાની મીડિયા બહુ ખણખોદિયું છે ને સેલિબ્રિટીની લફરાંબાજીને તો તરત સૂંઘી લે છે પણ શોએબ એવો મોટો ખેલાડી સાબિત થયો કે, સના સાથેના લફરાની કોઈને ખબર સુદ્ધાં ના પડવા દીધી. હવે પાકિસ્તાની ચેનલોમાં આવેલા સમાચાર પ્રમાણે, સના જાવેદ અને શોએબ વચ્ચે તો ત્રણ વરસથી અફેર હતું. ચારેક વર્ષ પહેલાં શોએબ અને સના જાવેદ જીતો પાકિસ્તાન નામના શોમાં મળેલાં ને બંનેની આંખ મળી ગઈ.

જીતો પાકિસ્તાન શોમમાં સેલિબ્રિટીઝને બોલાવીને મજાક-મસ્તી કરાય છે અને જુદી જુદી ગેમ્સ રમાડીને લોકોને નાણા જીતવાની તક અપાય છે. આ શોમાં સના ને શોએબના અફેરની શરૂઆત થઈ ને બંને ખાનગીમાં મળવા માંડ્યાં. બંનેનાં મન મળ્યાં હોય કે ના મળ્યાં હોય પણ તન તો મળવા જ માંડ્યા. બંને કોઈને ખબર ના પડે એ રીતે મળતાં ને રંગરેલિયાં મનાવતાં એવો દાવો પાકિસ્તાનની જ સમા ટીવી ચેનલે કર્યો છે.

સમા ટીવીના દાવા પ્રમાણે તો શોએબ આ શોમાં એ જ શરતે આવતો કે સના જાવેદને ગેસ્ટ તરીકે બોલાવવી પડશે. સના જાવેદ પાકિસ્તાનની અત્યંત લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે તેથી એ શોમાં આવે એવું સૌ ઈચ્છે કેમ કે તેના કારણે શોની ટીઆરપી વધારે આવે. આ કારણે શોએબની માગણી તરફ કોઈને શંકા નહોતી ગઈ પણ શોના હોસ્ટ વસીમ બદામીને ગંધ આવી ગયેલી કે, શોએબ અને સના શું પકવી રહ્યાં છે. વસીમે સાનિયાને ચેતવણી પણ આપેલી પણ સાનિયાએ તેને ગણકારી નહીં. ગણકારી હોય તો પણ સના જેવી રૂપાળી ને પોતાનાથી ૧૧ વર્ષ નાની હોટ એક્ટ્રેસ પોતાના પર મોહી પડી હોય પછી શોએબ તેને છોડે એ વાતમાં માલ નહોતો.

શોએબ અને સનાની જોડી જુગતે મળી કહેવાય કેમ કે સના પણ શોએબ સાથેના અફેરને ત્રણ વર્ષ લગી છૂપાવી રાખવામાં સફળ જ રહી છે. સનાએ પાકિસ્તાની ગાયક, સંગીતકાર ઉમૈર જસવાલ સાથે પહેલા નિકાહ કરેલા અને હજુ ત્રણેક મહિના પહેલાં એટલે કે નવેમ્બરમાં જ ડિવોર્સ આપેલા. ઉમૈરને પણ અચાનક સનાનું મન પોતાના પરથી કેમ ઉતરી ગયું એ સવાલ એ વખતે સતાવતો હશે. તેને બિચારાને પણ અત્યારે જવાબ મળી ગયો હશે.

ઉમૈર પાકિસ્તાનની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જોરદાર વટ ધરાવતા જસવાલ બંધુઓમાં વચલો ભાઈ છે. ઉમૈર, યાસિર અને ઉઝૈર એ ત્રણ ભાઈમાં યાસિર સૌથી મોટો છે જ્યારે ઉઝૈર સૌથી નાનો છે. યાસિર જસવાલ તો બોલિવૂડની ફિલ્મોમાં પણ ગઈ ચૂક્યો છે. ઉમૈર જસવાલ ગાયક અને સંગીતકાર તરીકે અત્યંત લોકપ્રિય છે જ પણ એક્ટિંગ પણ કરી લે છે. ફાસ્ટ બોલર શોએબ અખ્તરના જીવન પરથી બની રહેલી ફિલ્મ રાવલપિંડી એક્સપ્રેસમાં શોએબનો રોલ ઉમૈરે કર્યો છે. ઉઝૈરે સના સાથે ૨૦૨૦માં લગ્ન કરેલાં અને બંનેની જોડી આદર્શ મનાતી હતી.

સમા ટીવીના રિપોર્ટને સાચો માનીએ તો સના જાવેદે ઉમૈર સાથે લગ્ન કર્યાં તેના થોડા મહિના પછી જ શોએબ સાથે અફેર શરૂ થઈ ગયેલું કેમ કે સના અને શોએબ પહેલી વાર ૨૦૨૧ના જાન્યુઆરીમાં સાથે દેખાયેલાં. સનાએ એ રીતે ઉમૈર અને શોએબ બંને સાથે ત્રણ વરસ લગી સંબંધ રાખ્યા. સના અને ઉમૈરના ત્રણ વર્ષ પછી ૨૦૨૩માં ડિવોર્સ થઈ ગયા પણ ત્યાં સુધી શોએબ સાથેના સનાના સંબંધોની ઉમૈરને કે કોઈને ગંધ ના આવી એ જોતા શોએબ કરતાં પણ સના મોટી ખેલાડી કહેવાય.

ખેર, સના અને શોએબની લફરાંબાજીની વાતોમાં હજુ ઘણું બહાર આવશે પણ ભારતીયો માટે સાનિયા મિર્ઝા વધારે મહત્ત્વની છે કેમ કે સાનિયા ભારતની દીકરી છે. સાનિયાએ ટેનિસના મેદાન પર ભારતને ગૌરવ અપાવ્યું છે ને તેના માટે આપણને ગર્વ થાય. સાનિયાએ શોએબ સાથેના લગ્નજીવનને મુદ્દે લીધેલા વલણ માટે પણ ભારતીયોને ગર્વ થવો જોઈએ કેમ કે સાનિયાએ દુનિયાના બીજા દેશોની મુસ્લિમ સ્ત્રીઓની જેમ પતિની લફરાંબાજી સહન કરવાના બદલે તેને લાત મારવાનું પસંદ કર્યું છે.

મુસ્લિમોમાં શરિયા કાનૂન લાગુ પડે છે. લગ્ન સહિતની બાબતો માટેના શરિયા કાનૂન પ્રમાણે પુરુષ સ્ત્રીથી છૂટો થાય તો તેણે તલાક આપવા પડે જ્યારે સ્ત્રી પુરુષથી અલગ થાય તો તેને ખુલા કહે છે. સના જાવેદ સાથેના લગ્ન પહેલાં શોએબે સાનિયાને તલાક નથી આપ્યા પણ સાનિયાએ શોએબને ખુલા આપીને પોતાની જીંદગીમાંથી બહાર કરી દીધો છે. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ કહ્યું છે કે, સાનિયાએ શોએબને ખુલા આપ્યા છે. કોઈ મુસ્લિમ સ્ત્રી પતિથી ત્રણ મહિના કે વધારે સમયથી અલગ રહે પછી પુરુષને ખુલા આપી શકે છે.

ભારતમાં મુસ્લિમ છોકરીઓ શિક્ષણ મેળવીને સ્વતંત્ર મિજાજ બને છે અને પુરૂષની ગુલામ બનીને રહેવામાં માનતી નથી એ ગર્વની વાત છે. સાનિયાએ આ વાત સાબિત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button